કચ્છ : જયાં ભાજપને સૌથી વધુ લીડથી વિજય મળ્યો ત્યાં એક મતદાન મથકનાં વોટ ગણતરીમાં જ નથી લેવાયા જાણો શું છે સમગ્ર મામલો...
સરહદી જિલ્લાની તમામ બેઠક ઉપર ભગવો લહેરાવીને ભાજપે કીર્તિમાન સ્થાપિત કર્યો
WND Network.Bhuj (Kutch) : ગુજરાતમાં ભાજપે વિક્રમી સીટ હાંસલ કરીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે ત્યારે કચ્છની તમામ છ બેઠકો ઉપર ભગવો લહેરાવીને ભાજપે અહીં પણ એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. કચ્છની તમામ છ બેઠકમાંથી ભુજમાં ભાજપને સૌથી વધુ લીડ મળી છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે ભુજ શહેરમાં આવેલા એક મતદાન મથકના મતને ગણવામાં જ આવ્યા નથી. જેને લીધે આ મથક ઉપર સાતસોથી વધુ લોકોએ તેમનો કિંમતી સમય કાઢીને મતદાન કર્યું એ લેખે લાગ્યું નથી. માત્ર એટલું જ નહિ પરંતુ ભુજ બેઠકમાં મતદાનને દિવસે અન્ય એક પોલિંગ સ્ટેશનમાં પણ ઈવીએમ બગડયા હતા. જેને કારણે આજે ગણતરીના દિવસે વહીવટી તંત્રને પણ ખાસ્સી એવી કવાયત કરવી પડી હતી.
કચ્છની છ બેઠક માટેના મત ગણતરી અંગેની આંકડાકીય માહિતી જયારે બહાર આવી ત્યારે એક હકીકત એવી જાણવા મળી હતી કે, ભુજમાં જયાં ભાજપને સૌથી વધુ લીડ મળી છે તે ક્ષેત્રના એક મતદાન મથકમાં કરવામાં આવેલા સાતસોથી વધુ વોટને કાઉન્ટ કરવામાં આવ્યા નથી. ભુજ શહેરમાં આવેલા સંજોગનગર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના નવ નંબરના મતદાન મથકમાં વોટિંગના દિવસે જ સવારથી ટેક્નિકલ ખામીને કારણે EVM બદલવા પડયા હતા. આ મથક ઉપર કુલ 1380 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 776 લોકોએ મતદાનના દિવસે તેમનો વોટ આપ્યો હતો. સવારે શરૂઆતમાં પહેલા VVPAT (જેમાં મતદાર જોઈ શકે છે કે તેણે જેને વોટ આપ્યો છે ખરેખર યોગ્ય જગ્યાએ પડ્યો છે કે નહીં તે દર્શાવતી સ્લીપ પ્રિન્ટ કરતુ મશીન) બગડ્યું હતું . ત્યારબાદ કંટ્રોલ યુનિટ પણ ખોટકાયું હતું. અને જેને લીધે જયારે ગણતરી કરવાની આવી ત્યારે એક વોટનો તફાવત આવતો હતો. જેને પગલે વહીવટ તંત્ર દ્વારા તે વોટને ગણતરીમાં ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે જયારે ભુજની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા AIMIMના ઉમેદવાર શકીલ શમા દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો અને વોટને ગણતરીમાં લેવાની દલીલ કરવામાં આવી ત્યારે ચૂંટણી અધિકારીએ નિયમોનો હવાલો આપીને તેમની માંગણી ફગાવી દેવામાં આવી હતી.
આ અંગે કચ્છના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપ રાણાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચની ગાઇડલાઇન પ્રમાણે જયારે ચૂંટણીના પરિણામ ઉપર અસર ન થતી હોય તેવા સંજોગોમાં વોટ ન ગણવાની જોગવાઈ છે. અને તંત્ર દ્વારા નિયમ-જોગવાઈ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવી છે. ભુજ બેઠકના ચૂંટણી અધિકારી અને ભુજ - SDM એવા અતિરાગ ચપલોતે પણ કયા સંજોગોમાં મત નહિ ગણવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે જણાવતા ઉમેર્યું હતું કે, ચૂંટણીના દિવસે જ સવારથી સંજોગનગરની પ્રાથમિક શાળાના મતદાન મથકમાં મશીન ખરાબ થવાની ફરિયાદ મળી હતી. જેને પગલે બે વખત કંટ્રોલ યુનિટ સહીત VVPAT મશીન ચેન્જ કરવામાં આવ્યા હતા. અને જયારે મતગણતરીની વાત આવી ત્યારે એક વોટનો તફાવત આવતો હોવાને કારણે તે મથકમાં થયેલા વોટ ગણવામાં આવ્યા ન હતા. જો કે, જયારે હાર-જીત કે ઉમેદવારની ડિપોઝીટની વાત આવતી હોય તેવા સંજોગોમાં VVPATમાં પડેલા વોટને અંતિમ ગણવામાં આવતી હોવાનું SDM ચપલોતે અંતમાં ઉમેર્યું હતું.
કચ્છની છ બેઠકમાં આવું રહ્યું ભાજપનું વિજયી ચિત્ર :- વિક્રમી જીતના વાવાઝોડામાં કચ્છમાં પણ ભાજપે તમામ બેઠક ઉપર ભગવો લહેરાવ્યો હતો. અબડાસા સીટ ઉપર કોંગ્રેસ સવારથી આગળ ચાલી રહી હતો. પરંતુ નખત્રણા તાલુકાની મતપેટીઓ ખુલતા જ ભાજપના ઉમેદવાર છેલ્લી ઘડીએ વિજયી બન્યા હતા. માંડવી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવેએ સપાટો બોલાવીને 48 હજારથી પણ વધુ લીડ મેળવીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને હરાવ્યા હતા. ભુજમાં ભાજપના કેશુભાઈ પટેલે કચ્છની તમામ બેઠકમાં સૌથી વધુ 59 હજારથી પણ વધુ મત મેળવીને રેકોર્ડ કર્યો હતો. અંજારમાં ભાજપના ઉમેદવારે 37 હજારની સરસાઈ મેળવીને વિજયી બન્યા હતા. ગાંધીધામ બેઠક ઉપર રિપીટ થયેલા માલતીબેને પણ 37 હજારથી વધુ વોટ મેળવીને જીતી ગયા હતા. સૌથી વધુ રસપ્રદ અને કાંટે કી ટક્કર કહી શકાય તેવી રાપરની બેઠક ઉપર ભાજપે સાચો કહી શકાય તેવો વિજય મેળવ્યો હતો. કારણ કે અહીં આમ આદમી કે MIM પિક્ચરમાં ન હતા. છતાં માંડવીથી રાપર શિફ્ટ થયેલા ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો હતો. જીતવાનું માર્જિન ભલે ઓછું રહ્યું પરંતુ કચ્છમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચેની સીધી લડાઈ અહીં જ થઈ હતી. કારણ કે કચ્છની બાકીની અન્ય સીટ ઉપર AAP અને AIMIM જેવા પક્ષને લીધે કોંગ્રેસના વોટ કપાઈ જવાને કારણે ભાજપને લીડ સાથે વિજય પ્રાપ્ત થયો હોય હાલ તો પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.
કચ્છમાં દર ત્રીજો વોટ કોંગ્રેસને છતાં એક પણ સીટ ન મળી :- આ વખતે જે રીતે ભાજપને 150થી વધુ બેઠકો ઉપર વિજય મેળવ્યો છે તે અન્ય તો ઠીક ખુદ ભાજપના લોકોને આસાનીથી ગળે નથી ઉતરી રહ્યું. કચ્છમાં છ સીટમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા વોટ શેરને જોતા લાગે છે કે, દર ત્રીજો વોટ કોંગ્રેસને મળ્યો છે. તેમ છતાં એક પણ બેઠક ઉપર તેના ઉમેદવાર જીત્યા નથી. કચ્છમાં ભાજપે 52.49 ટકા તથા કોંગ્રેસે 32.82 ટકા વોટ પ્રાપ્ત કર્યા છે. જયારે માત્ર બે સીટ, ભુજ અને માંડવીમાં ચૂંટણી લડેલા ઓવેસીની પાર્ટીને 4.04 ટકા તથા છ બેઠક ઉપર ઉમેદવાર ઉતારનાર કેજરીવાલની પાર્ટીને 5.80 ટકા વોટ મળ્યા છે. એટલે 'જો જીતા વો હી સિકંદર' ભલે કહેવામાં આવતું હોય પરંતુ ભાજપે, ખાસ કરીને નરેન્દ્ર મોદીએ જે રીતે એકલા હાથે અમદાવાદના રસ્તાઓ ફરીને જે રીતે રોડ શો કરવો પડ્યો તેને જોતા એટલું તો ચોક્કસ કહી શકાય કે, ભાજપે આ વખતની ચૂંટણીમાં બધા પાસાને ધ્યાનમાં રાખીને ખાસ્સી એવી મહેનત કરી હતી.