કેડર બેઝડ, શિસ્તબદ્ધ અને સંસ્કારી પાર્ટી ગુજરાત BJPમાં વધુ એક પત્રિકા કાંડ, જાણો આ વખતે કોના કર્મ અને નામોની ચર્ચા થઈ રહી છે...
અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન લાખો કરોડોના કામના વહીવટની સાથે આ વખતે ભાજપની મહિલાઓના તેમના નેતાઓ સાથેના સંબંધની વાતથી મોવડી મંડળ પણ ચોંકયુ, પત્રિકા કાંડના નામધારી નેતાઓ દ્વારા પોલીસ ફરિયાદ થવાની સંભાવના
WND Network.Ahmedabad : પ્રખર રાષ્ટ્રવાદ અને સેવાના ઉમદા માપદંડ સાથે લાંબા સમયથી સત્તામાં રહેલા ભાજપમાં વધુ એક પત્રિકા કાંડ લઈને ખળભળાટ મચી ગયો છે. આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાખો - કરોડો રૂપિયાના કામોમાં ચાલતા 'વહીવટ'થી લઈને ભાજપની મહિલાઓના તેમના નેતાઓ સાથેના સંબંધોની વાત પણ વાયરલ થયેલી આ પત્રિકામાં જોવા મળતા દિલ્હીથી લઈને ગાંધીનગરનું 'કમલમ' પણ ચોંકી ઉઠ્યું છે. પત્રિકાને લઈને આગામી સમયમાં જેમના નામ પત્રિકામાં છે તેમના દ્વારા જ પોલીસ ફરિયાદ થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.
તાજેતરમાં જ જેમને અમદાવાદ કોર્પોરેશન ભાજપના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે તે ધર્મેન્દ્ર શાહના નામે આ પત્રિકા વાયરલ કરવામાં આવી છે. 'ધર્મેન્દ્ર શાહની ટોળી નો પર્દાફાશ' ટાઇટલથી વાયરલ થયેલી આ પત્રિકાને ભૂતકાળમાં જેમ અન્ય નેતાઓની CD અને પત્રિકા મોકલવામાં આવી હતી તે રીતે મોકલવામાં આવી છે. પત્રિકામાં ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહની કોર્પોરેશન વહીવટમાં રહેલી ભૂમિકા ઉપરાંત અમદાવાદ મણિનગર બેઠકના ધારાસભ્ય અમુલ ભટ્ટ સહીત આનંદ ડાગા, વિપુલ સેવક અને ધવલ રાવલ નામના ભાજપના નેતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આનંદ ડાગાના પત્ની શીતલ ડાગા ભાજપના દંડક પણ છે. આ તમામ એક માળાના મણકા હોવાના ઉલ્લેખ સાથે અમદાવાદ ભાજપના મહિલા કાર્યકરો સાથેના તેમના જ નેતાઓના સંબંધ અંગેની વાત આ વખતની પત્રિકામાં નવી છે. અત્યાર સુધી નેતાઓના ભ્ર્ષ્ટ વહીવટ અંગેની જ વાતો આવતી હતી.
વાયરલ થયેલી આ પત્રિકામાં મણિનગરના ધારાસભ્ય તરીકે અમુલ ભટ્ટને કેવી રીતે ટિકિટ મળી, કોની કેટલી સંપત્તિ - કાર વગેરે છે તે અંગે લખવામાં આવ્યું છે. મણિનગર ભાજપની મહિલાઓએ ભાજપના આ લંપટ નેતાઓથી સાવચેત રહેવાની વાતથી તો ખળભળાટ જ મચી ગયો છે.
મણિનગર ભાજપમાં વર્ચસ્વની લડાઈ : વર્ષોથી અમદાવાદ કોર્પોરેશમાં સત્તાનો સ્વાદ ચાખી રહેલા ભાજપમાં લાંબા સમયથી વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. તેમાં પણ મોદી જયાંથી ચૂંટણી લડીને વિધાનસભા જઈને મુખ્યપ્રધાન થયા હતા તે મણિનગરમાં સૌ કોઈ પોતાને મોદીના ખાસ હોવાનું માને છે. જેને કારણે મણિનગરમાં જ ભાજપના લોકોમાં એકબીજાથી ઉપર હોવાની વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે.