West Kutch Bhuj Police : ચોરી થાય તો ચુપચાપ રડી લેજો પણ પોલીસ સ્ટેશન ન જતા, જાણો ભુજ પોલીસે તેમના જ નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરને ત્યાં ચોરીની ઘટના પછી શું કર્યું

SPને રજૂઆત કર્યા પછી પણ ભુજ 'એ' ડીવીજન પોલીસે લાખો રૂપિયાના ઘરેણાની FIR એક મહિને દાખલ કરી, શકમંદ તરીકે મહિલાનું નામ આપવા છતાં પોલીસ કાંઈ ન કરતી હોવાનો વૃદ્ધ ફરિયાદીનો દાવો

West Kutch Bhuj Police : ચોરી થાય તો ચુપચાપ રડી લેજો પણ પોલીસ સ્ટેશન ન જતા, જાણો ભુજ પોલીસે તેમના જ નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરને ત્યાં ચોરીની ઘટના પછી શું કર્યું

WND Network.Bhuj (Kutch) : તમે કલ્પના કરો કે, જે વ્યક્તિએ પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષો જે પોલીસ વિભાગમાં સેવા આપીને કાઢ્યા હોય અને તેના ઘરે લાખો રૂપિયાની ચોરી થાય છતાં જો પોલીસ કાર્યવાહી તો ઠીક ફરિયાદ લેવામાં પણ મહિનો કાઢી નાખે તો સામાન્ય લોકોનું શું થતું હશે ? આવી એક ઘટના કચ્છના ભુજમાં બની છે. જ્યાં 68 વર્ષના એક વૃદ્ધ નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI)ના ઘરે રાતે લાખો રૂપિયાના ઘરેણાની ચોરી થાય છે. પોલીસની કામગીરીથી સારી રીતે પરિચિત આ રિટાયર્ડ ASI ફરિયાદ આપે છે છતાં અરજી લઈને તપાસનું નાટક કરવામાં આવે છે. હદ તો ત્યારે થાય છે જયારે, પોતાની પોલીસને વર્ષો સુધી નજીકથી જોનારા વૃદ્ધ ચોરીની ઘટનાના ત્રણ દિવસ પછી ભુજ SPને રજૂઆત કરે છે. અને તેમ છતાં IPSની સૂચના હોવા છતાં ભુજની 'A' ડિવિઝનની પોલીસ મામલો લટકાવી રાખે છે અને છેવટે એક મહિના બાદ FIR દાખલ કરે છે. મહિના પછી પણ પોલીસ જાતે ચોરનું પગેરું શોધવાનું તો દૂર રહ્યું માત્ર પંચનામું કરીને સંતોષ માની લે છે. સમગ્ર ઘટનામાં નિવૃત્ત ASI શકમંદ તરીકે એક મહિલાનું નામ પણ આપે છે પરંતુ તેની પાસે મુદ્દામાલ નથી એમ કહીને પોલીસ હાથ ખંખેરી લે છે. 

ભુજમાં રહેતા 68 વર્ષના નિવૃત્ત પોલીસ કર્મચારી એચ.એ.રાઠોડના ઘરે પહેલી જુલાઈની રાતે ચોરીની ઘટના બની હતી. જેમાં છ સોનાની વીંટી અને એક સોનાની ચેન સહીત થોડા રોકડા રૂપિયા ચોરાઈ ગયા હતા. રિટાયર્ડ ASI રાઠોડ બીજા જ દિવસે ફરિયાદ કરવા માટે ભુજના એ ડીવીજન પોલીસ મથકે જાય છે. પરંતુ અનેક સામાન્ય લોકોને જે કડવા અનુભવ થતા હોય છે તેવું તેમની સાથે પણ થયું. તપાસ કરી છે એવું કહીને તેમની ચોરી અંગેની FIR દાખલ કરવાને બદલે અરજી લઈને ગાડું ગાબડાવામાં આવે છે.  

વર્ષો સુધી પોલીસમાં કરી ચૂકેલા વૃદ્ધ પોતાના ડિપાર્ટમેન્ટના લોકોની મથરાવટી વાકેફ હતા. એટલે ત્રણ દિવસ ફરિયાદ દાખલ ન થઇ એટલે તેઓ ભુજના SPને મળે છે. 'વેબ ન્યૂઝ દુનિયા' સાથે વાત કરતા નિવૃત્ત ASI રાઠોડ વધુમાં કહે છે કે, SPની સૂચના હોવા છતાં એક મહિને તેમની ચોરીની FIR દાખલ કરવામાં આવે છે. તેઓ વધુમાં કહે છે કે, મારું પોતાનું ડિપાર્ટમેન્ટ હતું એટલે એમનું ખરાબ ન લાગે માટે હું પણ ચૂપ રહ્યો છતાં હજુ સુધી ચોરી અંગે કોઈ ઠોસ કાર્યવાહી થઇ નથી. ચોરની તપાસ કરનાર ભુજ 'એ' ડીવીજન પોલીસના મહિલા PSI હર્શિતાબેન રામસીંગભાઇ મોરી ઉર્ફે એચ.આર.મોરી માત્ર એક વખત પંચનામા માટે આવ્યા પરંતુ પછી કંઈ થયું નથી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.નકુમ પણ તેમને સાત દિવસે મળ્યા હતા. 

બીજી બાજુ પોલીસ કઈંક અલગ જ પીપુડી વગાડી રહી છે. ભુજ 'એ' ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.નકુમનું એવું કહેવું છે કે, ફરિયાદી નિવૃત્ત કર્મચારીએ પોતે પોલીસમાં ફરજ બજાવતા હતા તે જણાવ્યું ન હતું. તેમણે માત્ર અરજી જ આપી હતી. તેમની તપાસ ચાલી રહી છે. શકમંદ તરીકે જે મહિલાનું નામ આપ્યું છે તેની પાસેથી કોઈ મુદદામાલ મળ્યો નથી. મહિલા ઉપર તેમની વોચ છે. 

વિવાદ અને PI નકુમ સાથે ચાલે છે : ચોરીની આ ઘટનામાં જે કેન્દ્ર સ્થાને છે તે ભુજ 'એ' ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.નકુમનું પાત્ર પણ કાંઈ કમ નથી. તેમની જયાં પણ પોસ્ટિંગ હોય ત્યાં તેમનો વિવાદ સાથે રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે ભુજ તાલુકા પંચાયતની કચેરીમાં કોંગ્રેસના કાર્યકરો સાથે ધક્કામુકી કરતો વિડીયો જોઈને જ ખબર પડી ગઈ હતી કે, સુરતમાં મર્ડર કેસમાં ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ થઈ ચૂકેલા ઇન્સ્પેકટર નકુમ ભુજમાં પણ કાઠું કાઢશે. અને એવું થઈ પણ રહ્યું છે. ભુજમાં ટ્રાફિકના પોઇન્ટ ઉપર ટ્રાફીકનુ નિયમન કરવાને બદલે નકુમભાઈને સાંજ પડેને શહેરમાં પેટ્રોલિંગના નામે રસાલો લઈને નીકળવાનો ભારે શોખ છે. પછી તેની રીલ્સ બનાવીને પશ્ચિમ કચ્છ SPના ઇન્સ્ટાગ્રામ ઉપર ચઢાવે છે. આ બધું કરે તેનો પણ વાંધો નથી પરંતુ પોલીસનું જે મૂળ કામ છે તે કરતા નથી. 

સુરતમાં પીઆઇ નકુમ ટ્રાફિકમાં ફરજ બજાવતા હતા ત્યારે BRTSમાં પોતાની ખાનગી કાર લઈને નીકળી પડ્યા હતા. ત્યારે સુરતના એક નાગરિકે તેમનો વિડીયો ઉતાર્યો હતો. અને એ ઘટના પાછો ડિંડોલી પોલીસ મથકના મર્ડર કેસમાં નકુમભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે જોઈએ ભુજમાં શું થાય છે. 

ઈન્સ્પેક્ટરે એમ.આર.નકુમ તો સમજ્યા કે તેઓ તેમની સીનસપાટા કરવાની આદતથી મજબુર છે પરંતુ તેમની સાથે ફરજ બજાવતા મહિલા સબ ઇન્સ્પેક્ટર હર્શિતાબેન રામસીંગભાઇ મોરી ઉર્ફે એચ.આર.મોરી પણ કંઈ ઓછા નથી. પોતાના સિનિયરની હરકતો જોઈને તેઓ પણ ટ્રાફિક ડ્રાઈવને નામે ભુજ લોકોને રંજાડતા હોવાની ફરિયાદો છે. ભુજના ST સ્ટેન્ડ વિસ્તાર, હોસ્પિટલ રોડ કે જયુબિલી સર્કલ ઉપર ટ્રાફિક નિયમન કરવાને બદલે તેમને સામાન્ય નાગરિકોને દંડ કરવામાં ક્રૂર મજા આવે છે.  

કોઈ જોનાર નથી, કોઈ પૂછનાર નથી, કોઈની જવાબદારી નથી : કચ્છમાં ખાસ કરીને ભુજમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસની કામગીરી ફિલ્ડમાં કે લોકોને અનુભવી શકાતી નથી માત્ર ઇન્સ્ટાગ્રામ રીલમાં જ જોવા મળે છે. કચ્છના સત્તાપક્ષ ભાજપના જનપ્રતિનિધિઓ લોકોને પડતી સમસ્યા અંગે પોલીસનો કાન ખેંચી શકતા નથી કારણ કે, પોલીસ ઓફિસર્સ સાથે તેમના અંગત સબંધો છે. પરિણામે લોકોને પોલીસ રાજ જેવો અનુભવ થઇ રહ્યો છે. તમે વિચારો કે, જો પોલિસના જ નિવૃત્ત સાથે આવું વર્તન થતું હોય તો તમે જો પોલીસ સ્ટેશન જાવ તો શું થાય ? અને એવા સંજોગોમાં શું ભાજપના નેતાઓ તમારી પડખે આવીને ઉભા રહે ખરા ?