પૂર્વ કચ્છ LCBનું મોટુ ઓપરેશન, રાપરના નીલપરમાંથી રાજસ્થાનથી આવેલો 12 લાખનો ચરસ-ગાંજો પકડ્યો
પોષડેડા સહીત પેકીંગ અને વજનકાંટા સહિતની સામગ્રી જપ્ત કરી, વાગડમાં નશાનો કારોબાર કરવાની મેલી મુરાદ નાકામયાબ ...
WND Netwrok.Gandhidham (Kutch) :- કચ્છમાં ડ્રગ્સ લેન્ડિંગની ઘટનાઓ વચ્ચે પૂર્વ કચ્છ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શનિવારે એક મોટા ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં રાપરના નીલપરમાંથી રાજસ્થાનથી આવેલો 12 લાખનો ચરસ-ગાંજો ઝડપાયો હતો. રાપર તાલુકાના નીલપર ગામના વાડી વિસ્તારમામાં આવેલા એક મકાનમાંથી પોલીસે માદક પદાર્થના જથ્થા સાથે એક વ્યક્તિને પણ ઉપાડી લીધો હતો. તેની પૂછપરછ કરવામાં ચરસ અને ગાંજા ઉપરાંત પોષડેડાનો જથ્થો રાજસ્થાનથી કચ્છમાં સપ્લાય કરનાર ત્રણ વ્યક્તિના નામ પણ ખુલ્યા હતા.
પૂર્વ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ રાણાને બાતમી મળી હતી કે, વાગડ પંથકમાં કેટલાક દિવસથી ચરસ અને ગાંજાનું વેચાણ વધ્યું છે. આથી તેમને એલસીબીની ટીમને રાપર સહિતના વિસ્તારમાં વોચ રાખવાની સૂચના આપીને આ અંગે બોર્ડર રેન્જના આઇજી (ઇન્સ્પેકટર જનરલ) જે.આર.મોથલિયા તેમજ પૂર્વ કચ્છ પોલીસ વિભાગના ઇન્ચાર્જ એસપી મુકેશ ચૌધરીને આ અંગે રિપોર્ટ કર્યો હતો. બંને ઉચ્ચ અધિકારી દ્વારા નશાના કારોબાર ઉપર ત્રાટકવાની લીલી ઝંડી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર(PI) એમ.એન.રાણા તેમની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર(PSI) ડી.આર.ગઢવી અને LCBના સ્ટાફ સાથે રાપરના નીલપર ગામે ધસી ગયા હતા.
બાતમીદારે આપેલી ટીપ્સને પગલે પોલીસની ટીમ એક રહેણાક મકાનમાં ઘૂસી ગયી તો ત્યાં બાતમી પ્રમાણે ચરસ અને ગાંજાના પેકેટ ઉપરાંત તેને વેચવાની સામગ્રી પણ મળી આવી હતી. અહીં તેમેં અરજણ કુંભાભાઇ મકવાણાને પકડીને પૂછપરછ કરતા આ માલ રાજસ્થાનના બાંસવાડામાં રહેતા રાજુબાબા તેમજ રાધા, કૃણાલ ઉર્ફે સુથાન સિંહ અને સામુલીધરાના દાની કાકાએ મોકલ્યો હોવાનું જણાવ્યું હતું.