Kutch Electoral Bond : કચ્છના ગરીબ ખેડૂતોએ 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા , આ ઈલેક્ટોરલ બોન્ડની રકમ મળી ભાજપને, જાણો શું છે સમગ્ર મામલો...

જમીન સંપાદન કરનારા તત્કાલીન નાયબ કલેક્ટર ડૉ વિ.કે.જોશી, વેલસ્પન સેઝ કંપનીના અધિકારી સોઢા અને અંજાર શહેરના ભાજપ પ્રમુખ હેમંત ઉર્ફે ડેની રજનીકાંત શાહ સામે વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ માટે ખેડૂતોએ કરેલી રજુઆત

Kutch Electoral Bond : કચ્છના ગરીબ ખેડૂતોએ 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા , આ ઈલેક્ટોરલ બોન્ડની રકમ મળી ભાજપને, જાણો શું છે સમગ્ર મામલો...

WND Network.Bhuj (Kutch) : ઈલેક્ટોરલ બોન્ડને લઈને અત્યાર સુધી એવી વાતો બહાર છે, જેમાં મોટી મોટી કંપનીઓએ ફાયદો મેળવવા માટે કરોડો રૂપિયાના બોન્ડ લઈને રાજકીય પાર્ટીઓને ખુશ  કરી છે. જેમાં મોટા ભાગનું ભંડોળ સત્તાપક્ષ ભાજપને મળ્યું છે. પરંતુ ઈલેક્ટોરલ બોન્ડને લઈને ગુજરાતના કચ્છ જિલ્લામાંથી પ્રથમ નજરે જ માન્યામાં ન આવે તેવી વાત જાણવા મળી છે. એક ગરીબ દલિત ખેડૂત પરિવારે 11 કરોડનું માતબર કહી શકાય તેવું ભંડોળ ઈલેક્ટોરલ બોન્ડ સ્વરૂપે લઈને સત્તા પક્ષ ભાજપને આપ્યું છે. જે ગરીબ પરિવારને સામાન્ય જિંદગી જીવવા માટે પણ દરરોજ સવારે ઉઠીને મજૂરી કરવી પડતી હોય તેવા ગરીબ ખેડૂતનો પરિવાર 11 કરોડનું ચૂંટણી ભંડોળ રાજકીય પાર્ટીને કેવી રીતે આપી શકે ? સુપ્રિમ કોર્ટના આદેશના પગલે જયારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ બોન્ડ ખરીદનારા લોકોનું લિસ્ટ સાર્વજનિક કરવામાં આવ્યું અને તેમાં ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ખેડૂત પરિવારના નામ જોવા મળ્યા ત્યારે બોન્ડ્ઝનું લિસ્ટ જોનાર સૌ કોઈની આંખો પહોળી થઇ ગઈ હતી. સમગ્ર મામલાની છાનબીન કરતા ખબર પડી કે, વેલસ્પન કંપનીના એક ઉચ્ચ અધિકારીએ અંજારના જમીન સંપાદન અધિકારી એવા અંજારના તત્કાલીન નાયબ કલેક્ટર અને અંજાર ભાજપના શહેર પ્રમુખ સાથે મળીને આ ગરીબ દલિત ખેડૂત પરિવારને ફોસલાવી લલચાવીને 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદને ભાજપમાં પોતાની વાહવાહી મેળવી છે. જેમાં હવે સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો છે. 

કચ્છ અંજારના બિપિન મણિલાલ વેગડ તેમજ અંજાર તાલુકાના વરસામેડી ગામના સવાભાઈ કારાભાઇ મણવર દ્વારા પોલીસને લેખિતમાં કરવામાં આવેલી અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અંજાર શહેર ભાજપના પ્રમુખ હેમંત ઉર્ફે ડેની રજનીકાંત શાહ, જમીન સંપાદન અધિકારી એવા અંજારના તત્કાલીન નાયબ કલેક્ટર ડૉ. વિ.કે.જોશી ઉર્ફે વિમલભાઈ કિશોરચંદ્ર જોશી તેમજ વેલસ્પન અંજાર SEZ લિમિટેડના સિગ્નેચરી ઓથોરિટી મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢા સહિતના લોકોએ ગરીબ દલિત ખેડૂતોને જમીન સંપાદનની પ્રક્રિયાથી લઈને વળતરમાં મળેલા કરોડો રૂપિયાને ઈલેક્ટોરલ બોન્ડમાં દોઢી રકમ મળશે તેવી વાત કરીને લલચાવી ફોસલાવીને છેતરપિંડી કરી છે. આ આખા કૌભાંડમાં જેમની સામે આક્ષેપ કરવામાં આવ્યા છે તેઓએ તેમની પોઝિશનનો ઉપયોગ કરીને અલગ અલગ તબક્કે ગરીબ દલિત ખેડૂતોને છેતરાવાનું સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

બિપિન મણિલાલ વેગડ તેમજ સવાભાઈ કારાભાઇ મણવર પરિવાર વતી ન્યાય માટેની લડત ચલાવી રહેલા અંજારના ધારાશાસ્ત્રી ગોવિંદભાઇ દાફડાએ 'વેબ ન્યૂઝ દુનિયા' સાથેની વાતચીતમાં સમગ્ર મામલાની શરૂઆત કયાંથી થઇ અને મામલો 11 કરોડના ચૂંટણી બોન્ડ્ઝ સુધી કેવી રીતે પહોંચ્યો તેની ચોંકાવનારી હકીકતો અંગેનો પર્દાફાશ કર્યો હતો. એડવોકેટ દાફડાએ કહ્યું કે, વરસામેડી ગામના સવાભાઈ કારાભાઇ મણવર તેમજ ખમું કારાના પરિવારને તેમની જમીન સંપાદન કરીને વેલસ્પન SEZ લિમિટેડ કંપની દ્વારા જમીન સંપાદન અધિકારીના માધ્યમથી 16 કરોડ 61 લાખ આપવાનો એવોર્ડ મળ્યો હતો. વેલસ્પન SEZ દ્વારા અગાઉ 2.80 કરોડનું વળતર અગાઉથી ચૂકવી દેવામાં આવ્યું હોવાથી એવોર્ડ મળ્યા બાદ તેમને આશરે 13.81 કરોડ ચૂકવવાના થતા હતા. 

ધારાશાસ્ત્રી દાફડાએ ઉમેર્યું કે, વળતર મળવાનું હતું તેના એક સપ્તાહ પહેલાથી વેલસ્પન SEZ લિમિટેડ કંપનીના ઓફિસર મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢાએ કંપનીના વરસામેડી ખાતે આવેલા વેલહોમ નામના ગેસ્ટહાઉસમાં મિટિંગો રાખીને ખેડૂત પરિવારને સમજાવી રહ્યા હતા કે, આટલી મોટી રકમ જો તમારા બેન્ક એકાઉન્ટમાં રાખશો તો ઈન્ક્મટેક્સ સહિતના સરકારી ડિપાર્ટમેન્ટ તમને હેરાન કરી શકે છે. માટે વળતરની કરોડો રૂપિયાની રકમથી જો ઈલેક્ટોરલ બોન્ડ ખરીદશો તો કાયદાકીય માથાકૂટમાંથી બચી જશો અને રકમ પણ દોઢી થઈને તમને મળશે. વેલસ્પન કંપનીના ગેસ્ટહાઉસમાં મળતી આ મિટિંગ દરમિયાન અંજાર ભાજપ શહેરના પ્રમુખ હેમંત ઉર્ફે ડેની રજનીકાંત શાહ પણ હાજર રહેતા હતા અને ગાંધીનગર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી ઈલેક્ટોરલ બોન્ડ લેવામાં આવ્યા ત્યાં સુધી સતત તેઓ માર્ગદર્શન કરી રહ્યા હતા. પરંતુ ત્રણેક મહિનાનો સમય પસાર થતા ખેડૂતના પરિવારજનોને શંકા ગઈ એટલે તેમણે બોન્ડની રકમ કયારે મળશે તે અંગે પૂછવાનું શરુ કરી દીધું હતું. ત્યારે વેલસ્પન SEZ લિમિટેડ કંપની અધિકૃત ઓફિસર મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢાએ એમ કહી દીધું  કે, હવે તમને રૂપિયા મળશે નહીં. એટલે કિસાન પરિવારે સતત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સુપ્રિમ કોર્ટના આદેશને પગલે જયારે SBI બોન્ડ ખરીદનારા લોકોનું લિસ્ટ જાહેર કર્યું ત્યારે ખબર પડી કે, તેમની જમીનના વળતરના કરોડો રૂપિયા તો ઈલેક્ટોરલ બોન્ડ સ્વરૂપે સત્તા પક્ષ ભાજપના એકાઉન્ટમાં જમા થઇ ગયા છે. 

જમીનનું મૂલ્ય નક્કી થયું હતું 76 કરોડ, એવોર્ડમાં રકમ જાહેર થઇ 16 કરોડ : કચ્છમાં આવેલી વેલસ્પન ગ્રુપની કંપનીને તેમના પ્રોજેક્ટના વિસ્તરણ માટે જમીનની જરૂર હતી. જેમાં અંજાર તાલુકાના વરસામેડી ગામના સવાભાઈ કારાભાઇ મણવર ના પરિવારજનોની જમીન વચ્ચે આવતી હતી. આ જમીન નવી શરત તેમજ જમીનના ટોચ મર્યાદાના કાયદા હેઠળ આવતી હોવાને પગલે તેને સીધી રીતે બજારમાં વેચી કે ખરીદી શકાય તેમ ન હતું. દરમિયાન વેલસ્પન ગ્રુપ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી કે, તેમને તેમાં ભવિષ્યના SEZ માટે જમીનની જરૂર છે. માટે તેને સરકારના નિયમ મુજબ સંપાદિત કરીને તેમને આપવામાં આવે. એટલે જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. જેમાં કચ્છ કલેક્ટર કક્ષાએ જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા જમીનનું મૂલ્ય 76 કરોડ રૂપિયા આકારવામા આવ્યું હતું. કંપનીને આટલી મોંઘી જમીન લેવી પરવડે તેમ ન હતું. એટલે પછી શરુ થયો સરકારી કાવાદાવાનો ખેલ. એવોર્ડની પ્રક્રિયા થોડા સમય માટે ભેદી સંજોગોમાં અટકી ગઈ હતી. એડવોકેટ ગોવિંદભાઇ દાફડાએ કહ્યં કે, જો મૂલ્યાંકન સમિતિએ નક્કી કરેલી કિંમત મુજબ એવોર્ડની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હોત તો સરકારને 70 ટકા પ્રીમિયમ લેખે કરોડો રૂપિયાની આવક પણ થાય તેમ હતું. દરમિયાન થોડા સમય બાદ તત્કાલીન અંજારના નાયબ કલેક્ટર અને જમીન સંપાદન અધિકારી વિમલ જોશી દ્વારા પ્રક્રિયા ફરી શરુ કરવામાં આવે છે. જેમાં બિપિનભાઈ વેગડ તેમજ રૂગનાથ મહાદેવ મંદિરના પૂજારી શંભુ શંકરના વારસદારોએ વાંધો ઉઠાવવામાં આવે છે. તેમના વાંધાને ડેપ્યુટી કલેક્ટર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યા ન હતા. આ સમય સમયગાળા દરમિયાન ડેપ્યુટી કલેક્ટર જોશીની અમદાવાદ ખાતે RAC તરીકે ટ્રાન્સફર થઇ જાય છે અને તેમના સ્થાને ડેપ્યુટી કલેક્ટર તરીકે મેહુલ દેસાઈ નામના અધિકારીની નિયુક્તિ થાય છે. 

જમીન સંપાદિત કરીને એવોર્ડની પ્રક્રિયા એક વર્ષમાં સંપન્ન કરી દેવી જરૂરી હોય છે. અને આ કિસ્સામાં ઓલરેડી ડેપ્યુટી કલેક્ટર જોશી બેથી વધુ વખત એક્સટેન્શન લઇ ચુક્યા હતા. એટલે નવા આવેલા અધિકારી મેહુલ દેસાઈએ  17મી ઓગસ્ટ,2023ના રોજ એક વર્ષની નિયત મર્યાદા પુરી થાય તે પહેલા જ 14મી ઓગસ્ટ,2023ના રોજ કચ્છ કલેક્ટરની પૂર્વ મંજૂરીની અપેક્ષાએ લેન્ડ વેલ્યુએશન કમિટીના જુના ઓર્ડરને ધ્યાનમાં લીધા વિના તાબડતોડ જમીનનું મૂલ્ય 76 કરોડને બદલે 16 કરોડ ઠેરવીને એવોર્ડ જાહેર કરી દે છે. જેટલી રકમ સરકાર એવોર્ડ થકી નક્કી કરે એટલી રકમ જે તે કંપનીને સરકારમાં જમા કરવી પડે. અને તે રકમ પછી જેમને વળતર આપવાનું હોય તેને ચેક દ્વારા આપવામાં આવતું હોય છે. 

જેમની સામે આક્ષેપો થયા છે તેઓ શું કહી રહ્યા છે ? : સરકારી અધિકારીઓથી લઈને કોર્પોરેટ કંપની અને રાજકારણીઓને સાંકળતી આ ઘટનામાં ગરીબ ખેડૂતો 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ કેવી રીતે ખરીદી શકે, તે પ્રશ્ન કોઈને પણ ગળે ઉતરે તેવો નથી. એટલે જયારે 'વેબ ન્યૂઝ દુનિયા' આ ઘટનામાં જેમના પણ નામ આવે છે, આક્ષેપો થાય છે તેવા લોકોનો સંપર્ક કરીને સાચી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. એટલે શરૂઆત અંજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શૈલેન્દ્રભાઈ ડી. સિસોદિયાથી કરવામાં આવી હતી. અંજારના પીઆઇ સિસોદિયા પહેલા તો એમ કહ્યું કે, દોસ્ત અમને ફરિયાદ સંદર્ભે કોઈ દસ્તાવેજ આપવામાં આવ્યા નથી. ત્યારબાદ તેમણે કહ્યું કે, દોસ્ત અમુક ડોક્યુમેન્ટ જ આપવામાં આવ્યા છે. તપાસ હાલમાં ચાલુ છે. સંબંધિત સરકારી વિભાગોમાંથી પણ પુરાવા સ્વરૂપે દસ્તાવેજ મેળવવા પડશે. અને ત્યારબાદ ખબર પડશે કે હકીકત શું છે. 

ત્યારબાદ જેમની ઉપર જમીન સંપાદનની પ્રક્રિયા સંબંધે આક્ષેપો થયા છે તે અંજારના તત્કાલીન નાયબ કલેક્ટર ડૉ. વિમલ જોશીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હાલમાં ગુજરાત ગેસ CNG સ્ટેશન કંપનીમાં પ્રતિનિયુક્તિ ઉપર ફરજ બજાવી રહેલા GAS કેડરના ઓફિસર જોશીએ કહ્યું કે, સર્વે નંબર કહો તો ખબર પડે. જયારે તેમને જમીનના સર્વે નંબર આપવામાં આવ્યા તો તેમણે કહ્યું કે, તેઓ અંજારમાં આવ્યા તે પહેલાથી આ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ હતી. તેમણે આ હુકમ કર્યો નથી. તેમની ટ્રાન્સફર બાદ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. ડો. જોશીએ તેમની સામે થયેલા એક કોર્ટ કેસ સંદર્ભે પણ ઉમેર્યું કે, તેમની સામે અંજારના બિપિન મણિલાલ વેગડની સર્વે નંબર 404વળી જમીન અંગે અંજારની કોર્ટ દ્વારા તપાસનો તેમજ પાંચ હજારના જામીન ઉપર મુક્ત કરવાનો જે હુકમ થયો છે તેમાં તેમને ગુજરાત હાઇકોર્ટે એક દિવસમાં સ્ટે આપી દીધો છે. 

વેલસ્પન કંપનીના ગેસ્ટહાઉસમાં થયેલી મિટિંગ દરમિયાન હાજર રહેતા હતા અને ગાંધીનગર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી ઈલેક્ટોરલ બોન્ડ લેવામાં આવ્યા ત્યાં સુધી સતત વેલ્સપનના અધિકારીને માર્ગદર્શન કરતા હોવાનો આરોપ જેમના ઉપર મુકવામાં આવ્યો છે તે અંજાર ભાજપ શહેરના પ્રમુખ હેમંત ઉર્ફે ડેની રજનીકાંત શાહનો જયારે સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ થયો ત્યારે તેમણે માત્ર એટલું જ કહયું કે, મને કઈંજ ખ્યાલ નથી. 

પોલીસ સમક્ષ કરવામાં આવેલી ફરિયાદમાં જેમનો રોલ આ પ્રકરણમાં મુખ્ય હોય તેવું દેખાય રહ્યું છે તે વેલસ્પન SEZ લિમિટેડ કંપની અધિકૃત ઓફિસર મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢાનો પણ વેબ ન્યૂઝ દુનિયા દ્વારા સંપર્ક કરવામાં આવતા તેઓ મળી શક્યા ન હતા. મામલો અતિ ગંભીર દલિત ગરીબ ખેડૂતોને છેતરવાનો હોવાને કારણે તેમને સોઢાને વૉટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ તેમનો - વેલસ્પન કંપનીનો પક્ષ રજુ કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. પરંતુ છેવટ સુધી તેમના તરફથી કોઈ જ જવાબ મળ્યો ન હતો.  

જેમણે એવોર્ડ આપ્યો તે ઓફિસરને તો જમીન મૂલ્યાંકન સમિતિએ નક્કી કરેલા 76 કરોડની ખબર જ નથી ! : સમગ્ર પ્રકરણમાં જેમની સહીથી જમીન સંપાદિત કરીને એવોર્ડ આપવામાં આવ્યો હતો તેમને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાનેથી મળેલી જમીન મૂલ્યાંક સમિતિએ જે ભાવ નક્કી કર્યો એ વાત ખબર જ નથી. અંજારના તત્કાલીન કલેક્ટર અને હાલમાં કચ્છમાં જ નાયબ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અધિકારી મેહુલ દેસાઈએ સમગ્ર પ્રક્રિયા નિયમ મુજબ ત્રણ વિકલ્પોને ધ્યાનમાં લઈને ભાવ નક્કી કર્યા હોવાનો દાવો કર્યો હતો. દેસાઈએ એમ પણ કબલ્યું કે, જમીન મૂલ્યાંકન સમિતિએ ઉક્ત જમીનનો ભાવ 76 કરોડ નક્કી કર્યા હતા તે તેમના ધ્યાનમાં નથી. બે કે અઢી હજારના સરકારી નુકશાનમાં સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્માને જેલમાં નાખી દેતી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનું પ્રથમ નજરે ખબર પડે છે તેવા આ કેસમાં સરકાર કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે. કારણ કે કૌભાંડના અગિયાર કરોડ તો ચૂંટણી ભંડોળ સ્વરૂપે સત્તા પક્ષ ભાજપને જ મળ્યા છે.