વરસાદ, વરસાદ, વરસાદ, આજે પણ બહાર ન નીકળતા કારણ કે આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે !
કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર જિલ્લા સહિત દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
WND Network.Gandhinagar : વરસાદની અતિ ભારે સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ રહી હોવાને લીધે છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે મંગળવારે પણ રાજ્યના 13 જેટલા જિલ્લામાં ભારે પવનની સાથે અતિ ભારે વરસાદની ચેતવણી સ્વરૂપે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને અગત્યના કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે. સતત પડી રહેલા વરસાદને લીધે રાજ્યના મોટાભાગના જળાશયો છલકાઈ ગયા છે. કચ્છ સહિતના જિલ્લાઓમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી લઈને રસ્તાઓ અને નાના પુલ તૂટી ગયા હોવાના વાવડ મળી રહ્યા છે. કચ્છમાં તો પાણીના ભારે પ્રવાહને લીધે ભેંસો તણાઈ ગયા હોવાના સમાચાર પણ મળ્યા છે. વરસાદની મુસીબતને પગલે રાજ્ય સરકારે આજે તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવાના હુકમ પણ કાર્ય છે. આજે યોજાનારી પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છના આઠ જિલ્લા સહિત રાજ્યના કુલ 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શાળાઓને તો આજે બંધ જ રાખવામાં આવી છે ત્યારે અગત્યના કામ સિવાય લોકોને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આજે વરસાદની સાથે કલાકના 60 કિલિમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 356 મિ.મી., ડાંગના આહવામાં 268 મિ.મી., વલસાડના કરપડામાં 263 મિ.મી., ડાંગના વધઈમાં 251 મિ.મી., વલસાડના ધરમપુરમાં 237 મિ.મી., નર્મદાના ડેડિયાપાડામાં 236 મિ.મી., વલસાડમાં 226 મિ.મી., નર્મદાના સાગબારામાં 225 મિ.મી. વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદને કારણે વડોદરા રેલવે ડિવિઝનની સૌરાષ્ટ્ર-કચ્છ અને મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. બાજવા સ્ટેશને પાણી ભરાઈ જવાને લીધે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જેને લીધે ઘણી બધી ટ્રેન રદ્દ કરવામાં આવી છે, જયારે અમુક ટ્રેનને આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે.
અમદાવાદની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં સાડા નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેમાં નરોડા વિસ્તારમાં માં સૌથી વધુ 13 ઇંચ વરસાદ પડ્યો છે. પૂર્વ અમદવાદમાં મણીનગરમાં પણ 13 ઇંચ વરસાદ, પશ્ચિમમાં ઉસ્માનપુરામાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. સતત પડી રહેલા વરસાદને પગલે શહેરના વાસણા બેરેજમાં પાણીનું લેવલ 128.5 ફૂટ સુધી પહોચી ગયું છે. જેને લીધે બેરેજના નવ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. વરસાદની ઝડપ ધીમી પડવાને પગલે ગઈકાલે સોમવારે બંધ કરેલા નવ અંડરપાસ માંથી સાત ખોલી નાખવામાં આવ્યા છે જયારે હજુ પણ બે અંડરપાસ બંધ છે. અમદાવાદમાં આજે પણ વહેલી સવારથી અમુક વિસ્તારમાં ધીમી ધારે તો અમુક એરિયામાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં આજે પણ ભારે વરસાદની આગાહી સ્વરૂપે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બિનજરૂરી બહાર નહીં નીકળવા સલાહ આપવામાં આવી છે.
પાટનગર ગાંધીનગરમાં પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લીધે સવારે છ થી આઠ માં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગાંધીનગરમાં આખી રાત વરસાદ વરસ્યો વોવાથી સવારે 6 સુધીમાં ત્રણ ઇંચ વરસાદનું પાણી ખાબક્યું હોવાનું અનુમાન છે.
રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના અન્ય ભાગોની વાત કરીએ તો લોધિકામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. સવારે 6 થી 8 માં થાનગઢ અને વાંકાનેરમાં પણ અઢી -અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. ચોટીલામાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ, કેશોદ, મેંદરડા,કાલાવડ માં પણ બે ઇંચ વરસાદ પડ્યો છે. આજે સવારે છ થી આઠમાં 170 તાલુકામાં વરસાદ ચાલુ હોવાના અહેવાલ મળી રહ્યા છે. રાજ્યના કુલ 251 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં મેઘ મહેર હોવાના રિપોર્ટ મળી રહ્યા છે. મોરબીના ટંકારામાં તો આભ ફાટ્યું હોય તેમ છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ પડ્યો હતો.
વડોદરામાં તો પૂર જેવી સ્થિતિ, રેલ વ્યવહાર ખોરવાયો : ભારે વરસાદને પગલે વડોદરામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે આજવા સરોવરમાં પાણીની આવક વધતાં વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે શહેર વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રીની સપાટીમાં પણ સતત વધારો થઈ હતો. પાણી વધી જવાને લીધે વડોદરા વાસીઓ હાલ પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ વરસાદ અટકવાનું નામ લેતો નથી. આ દરમિયાન વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતાં વડોદરાની સ્થિતિ વધારે ગંભીર બને તેવી શક્યતા છે. હાલના તબક્કે કાલાઘોડા બ્રિજ ખાતે સોમવારે સાંજે 5:00 વાગે વિશ્વામિત્રીની સપાટી 28 ફૂટ નોંધાઈ હતી, જેના પગલે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે સ્થાળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગોધરાના મોરવા હડફમાં પણ 14 ઇંચ પાણી પડ્યું છે. નડિયાદ અને બોરસદમાં 13- 13 ઇંચ વરસાદ છે. આણંદ પાદરા ખંભાત અને ગોધરામાં પણ 12-5 ઇંચ વરસાદ હતો. આ ઉપરાંત તારાપુર અને વાંકાનેરમાં પણ 12 ઇંચ વરસાદ પડ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં આઠથી દસ ઇંચ વરસાદ હોવાના સમાચાર છે.
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે : હવામાન ખાતા દ્વારા આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર જિલ્લા સહિત દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે.
આ સિવાય ગીર સોમનાથ, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત સહીત દેશના આ રાજ્યોમાં પણ મુસીબતના વાદળો, પ્રવાસ ટાળજો : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાત રાજ્ય સિવાય દેશના ગોવા અને કર્ણાટક માટે હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
( વરસાદ સહિતના મહત્વના અપડેટ માટે જોતા રહો અમારી વેબસાઈટ https://webnewsduniya.com/ અને સબ્સક્રાઇબ કરો અમારી YouTube ચેનલ WebNewsDuniya )