બેવડા માપદંડ : ઝુબેર અને નુપુર શર્મા વિરુદ્ધ FIRમાં કલમો એક સરખી, તો પોલીસ કાર્યવાહી કેમ અલગ - અલગ ?
નૂપુર શર્માને તો વિવાદિત ધાર્મિક ટિપ્પણી કરવા બદલ તેમના પક્ષ ભાજપે હકાલપટ્ટી પણ કરી છે...
WND Network . Delhi : ફેક્ટ ચેકિંગ વેબસાઇટ Alt ન્યૂઝના પત્રકાર મોહમ્મદ ઝુબેરની સોમવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે ધરપકડ કર્યા પછી પોલીસની કાર્યવાહી અને બેવડા માપદંડ ઉપર સવાલો થઈ રહ્યા છે. કારણ કે ઝુબેર સામેની FIRમાં જે કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે લગભગ તેવી જ કલમો ભાજપના પ્રવક્તા રહી ચૂકેલા નૂપુર શર્મા સામેની ફરિયાદમાં પણ છે. નૂપુર શર્મા સામે પણ ઝુબેરની જેમ જ વિવાદિત ધાર્મિક ટિપ્પણી કરવા બદલ ભાજપે તેમની હકાલપટ્ટી કરી દીધી છે. અને મુંબઈ સહીત કોલકાતામાં પણ તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. પરંતુ હજુ સુધી તેમની ધરપકડ થઈ નથી. જેને કારણે પોલીસની કાર્યવાહી કરવાની બેવડી નીતિની ટીકા થઈ રહી છે. દિલ્હી પોલીસ કેન્દ્રની ભાજપની સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે.
ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ જૂન મહિનામાં, પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ઝુબેર જેવી જ FIR દાખલ કરવામાં આવી હતી. તે FIRમાં પણ IPCની કલમ 153 એ, 295, 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સૌથી વધુ મહત્વની વાત એ છે કે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના IFSO યુનિટ દ્વારા જ બંને કેસમાં FIR નોંધવામાં આવી છે. પંરતુ ઝુબેરમાં કેસમાં અરેસ્ટ કરવાની કાર્યવાહી થાય છે જયારે નૂપુર હજુ બહાર જ છે. જેને લઈને દિલ્હી પોલીસની કાર્યવાહીને લઈને સવાલો થઈ રહ્યા છે.
શું જોગવાઈ છે IPCની કલમ 153 Aમાં ? : ઇન્ડિયન પીનલ કોડ (IPC)માં કલમ 153 A એવી જોગવાઈ છે કે, " જો કોઈના દ્વારા ધર્મ, જાતિ, જન્મસ્થળ, ભાષા, વગેરેના આધારે બે અલગ-અલગ સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે (ભાષણ દ્વારા અથવા લેખિત અથવા સંકેત દ્વારા) કંઈપણ કરવામાં આવે તો 3 વર્ષથી 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે. તે બિનજામીનપાત્ર ગુનાની શ્રેણીમાં આવે છે.
IPCની કલમ 295માં શું કહેવામાં આવ્યું છે : આઈપીસીની કલમ 295માં એવી જોગવાઈ છે કે, , જો કોઈ પણ ધર્મના ધર્મસ્થાનને નુકસાન, અપમાન અથવા અપવિત્ર કરવાના ઈરાદાથી કોઈ પગલું લેવામાં આવ્યું હોય, તો તે કિસ્સામાં આ કલમ લગાવી શકાય છે. તેમાં મહત્તમ બે વર્ષની સજા છે. આ જામીનપાત્ર ગુન્હો છે.
IPCની કલમ જામીનપાત્ર છે કે બિનજામીનપાત્ર તે વાત સિવાય પણ એક વાત મહત્વની છે. સુપ્રીમ કોર્ટના અર્નેશ કુમારના કેસમાં એવું કહેવામાં આવ્યું છે કે, જો કોઈ કેસમાં સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તો પોલીસ ધરપકડ ન કરી શકે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, જો કોઈ કેસમાં પોલીસ ધરપકડ કરે તો તે માટે તેમની પાસે કોઈ ઠોસ આધાર કે કારણ હોવું જોઈએ. માત્ર એટલું જ નહિ તે કેસમાં પોલીસે ધરપકડ પહેલા તેને નોટિસ આપવી જોઈએ અને પૂછપરછ માટે પણ બોલાવવી જોઈએ.
મોહમ્મદ ઝુબેરની ધરપકડની પ્રક્રિયા પર ઉઠી રહ્યા છે સવાલ : ઝુબેરને વર્ષ 2018માં કરવામાં ટ્વીટ માટે હવે 2022માં ધરપકડ કરવામાં આવ્યો છે. જેની ફરિયાદ પણ 20 જૂન 2022ના રોજ નોંધવામાં આવી છે. એટલે કે નૂપુર શર્માએ 26મી મે ના રોજ ટીવી ચેનલ પર વિવાદિત ધાર્મિક નિવેદન આપ્યું હતું તે પછી. વળી મોહમ્મદ ઝુબેરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો અન્ય કોઈ કેસમાં અને તેની ધરપકડ કરવામાં આવી છે બીજા કોઈ કેસમાં. અને એટલે જ Alt Newsના અન્ય એક સ્થાપકે પણ મોહમ્મદ ઝુબેરની ધરપકડની સમગ્ર પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે.
ઝાકિયા, ગોધરા કાંડ, ઝુબેર, શ્રીકુમારની ઘટનાઓમાં ગુજરાતી મીડિયાનું ભેદી મૌન : છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે અલગ અલગ કેસમાં કાર્યવાહી થઈ રહી છે તેને લઈને સરકારની ટીકા કરતા લોકો, ખાસ કરીને પત્રકારોમાં એક અજાણ્યો ખોફ - ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના પત્રકારો તેમના અખબારો કે ચેનલમાં તો ઠીક વૉટ્સએપ ગ્રુપમાં આ મુદાઓ અંગે ચર્ચા કરતા નથી.