ધારાસભ્ય અને બુટલેગરની બબાલમાં પૂર્વ કચ્છમાં ચાલતા બે નંબરી 'ધંધા' બહાર પડયા...

દારૂ-કોલસાની રેડમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાથી સ્થાનિક પોલીસનો પણ ભાંડો ફૂટ્યો

ધારાસભ્ય અને બુટલેગરની બબાલમાં પૂર્વ કચ્છમાં ચાલતા બે નંબરી 'ધંધા' બહાર પડયા...

WND Network.Gandhidham (Kutch) : પૂર્વ કચ્છમાં એક મહિનાથી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા દારૂ સહિતના ચાલતા બે નંબરી 'ધંધા' ઉપર ક્વોલિટી કેસ કહી શકાય તેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી SMC પાસે પૂર્વ કચ્છમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ અંગે સચોટ બાતમી મળતી ન હતી. પરંતુ કચ્છના એક ધારાસભ્ય અને બુટલેગરની ભચાઉમાં આવેલી એક જમીન અંગેની બબાલને પગલે પૂર્વ કચ્છમાં ચાલતી પ્રવૃત્તિની બાતમી ગાંધીનગર સુધી પહોંચવા લાગી છે. પરિણામે એક મહિનામાં SMCએ બે દારૂના અને એક કોલસા પ્રકરણમાં સફળ કાર્યવાહી કરી છે. આમાં મજાની વાત એ છે કે, SMC દ્વારા ધારાસભ્ય અને બુટલેગર બંનેની આવી પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને કારણે અત્યાર સુધી બંનેને સાચવી બેઠેલી સ્થાનિક પોલીસનો પણ ભાંડો ફૂટી રહ્યો છે. 

ધારાસભ્ય અને લિસ્ટેડ બુટલેગરની બબાલમાં ભચાઉની ધ્રાગા સીમમાં આવેલી કિંમતી જમીન કારણભૂત છે. આ જમીન સસ્તા ભાવે ધારાસભ્યનો પુત્ર ખરીદવા માંગતો હતો. જેને બુટલેગર દ્વારા ખરીદી લેવામાં આવતા ડખાની શરૂઆત થઈ હતી. ધારાસભ્યની જેમ બુટલેગરની પણ સ્થાનિક પોલીસમાં પહોંચ હતી એટલે મોટી કાર્યવાહી કરવા માટે લોકલ પોલીસ પણ મન ન હોવા છતાં માંડ તૈયાર થતી હતી. એટલે ધારાસભ્ય દ્વારા બુટલેગરના શરાબની માહિતી ગાંધીનગર મોકલવાનું શરુ કરતા હવે પૂર્વ કચ્છમાં કાર્યવાહી જોવામાં આવી રહી છે. પૂર્વ કચ્છના પડાણામાં દારૂના ક્વોલિટી કેસથી શરુ થયેલી આ કાર્યવાહી કોલસા પકડવાની કાર્યવાહી સુધી પહોંચી છે. જેમાં કોલસાની કાર્યવાહીમાં ધારાસભ્યના માણસો પોલીસના સાણસામાં આવી ગયા છે. બંને બાહુબલીની આ લડાઈમાં લોકલને પોલીસને હપ્તાની ખોટ તો પડી જ રહી છે. સાથે સાથે બહારની એજન્સી SMC દ્વારા રેડ કરવાને પગલે સસ્પેન્સનો પણ સામનો કરવો પડી રહ્યો છે.   

'એ માલ મામાનો નથી', ડ્રાઈવરે પોલીસને લેટર લખ્યો :- ધારાસભ્ય અને બુટલેગરની બબાલમાં એક રેડમાં તો લોકલ પોલીસ પણ મૂંઝવણમાં પડી ગઈ છે. SMC દ્વારા ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પડાણા ખાતેથી એક ટેન્કરમાંથી આઠ લાખનો શરાબ ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ટેન્કરના રાજસ્થાનના રહેવાસી એવા ડ્રાઈવર માંગીલાલ હીરારામને પકડ્યો હતો. તે વખતે માંગીલાલ એમ કહ્યું હતું કે, માલ અશોકસિંહ બાલુભા જાડેજા ઉર્ફે મામાનો છે. પરંતુ જયારે માંગીલાલને પોલીસ કસ્ટડી દરમિયાન ગાંધીધામની કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો ત્યારે તેણે એક લેટરમાં સહી કરીને પોલીસને ઉદ્દેશી જણાવ્યું હતું કે, માલ મામાનો નથી. અશોકસિંહ દ્વારા પણ આવો લેટર પોલીસને આપવામાં આવ્યો છે. આ કેસનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા ગાંધીધામ 'એ' ડીવીજન પોલીસના ઇન્સ્પેક્ટર એ.બી.પટેલનો સંપર્ક કરતા તેમણે આવો લેટર પોલીસને મળ્યો હોવાનું જણાવ્યું હતું. કચ્છમાં અગાઉ કામ કરી ચૂકેલા આ અનુભવી પોલીસ અધિકારી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, જયારે પોલીસની કાર્યવાહી થતી હોય ત્યારે આરોપી દ્વારા આવો બચાવ કરવામાં આવતો હોય છે. જે જગ્યાએથી શરાબનો જથ્થો ઝડપાયો હતો તેની બરાબર પાછળ જ મામાની પ્રોપર્ટી આવેલી છે તેવું અંતમાં પીઆઇ પટેલે જણાવ્યું હતું.