Breaking : કચ્છના મહારાણીને મળેલો પતરી વિધિનો અધિકાર રદ્દ , હાઇકોર્ટે ભુજ કોર્ટનો ચુકાદો કેન્સલ કર્યો

રાજવી કુટુંબમાં વંશાનુક્રમે આવતા વ્યક્તિ હવે આસો નવરાત્રીમાં આ વિધિ કરી શકશે

Breaking : કચ્છના મહારાણીને મળેલો પતરી વિધિનો અધિકાર રદ્દ , હાઇકોર્ટે ભુજ કોર્ટનો ચુકાદો કેન્સલ કર્યો

WND Network.Bhuj (Kutch) :- માતાના મઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન કરવામાં આવતી ચામર-પતરી  વિધિ અંગે ભુજ કોર્ટે વર્ષ 2021માં આપવામાં આવેલા ચુકાદાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ્દબાતલ કરવામાં આવ્યો છે. વર્ષ 2021માં ભુજ કોર્ટ દ્વારા આ વિધીનો એકમાત્ર અધિકાર કચ્છના રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીને આપવામાં આવ્યો હતો. તેઓ ઈચ્છે તો આ વિધિ જાતે કરી શકે પરંતુ તેઓ કોઈને અંગે નિયુક્ત કે આદેશ ન કરી શકે તેવો હુકમ પણ ભુજ કોર્ટે કર્યો હતો. ભુજ કોર્ટના આ ચુકાદામાં માત્ર ને માત્ર પ્રીતિદેવી ને જ આ અધિકાર આપવાની વાતને પગલે જે તે સમયે તેમના પછી કચ્છમાં પત્રી વિધિની પરંપરા જ સમાપ્ત થઈ જશે તેવું લાગતું હતું. જો કે હવે ગુજરાત હાઇકોર્ટના હાલના આ ચુકાદા સમગ્ર ચિત્ર જ બદલાઈ ગયું છે. ભુજ કોર્ટના આ હુકમને મહારાવ મદનસિંહજીના પુત્ર એવા મહારાજકુમાર હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે ભુજ કોર્ટનો ઓર્ડર કેન્સલ કરવામાં આવતા હવે દયાપર કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા પ્રમાણે માતાના મઢ ખાતે વર્ષોથી કરવામાં આવતી ચામર-પતરી  વિધિ વંશાનુક્રમે આવતા વ્યક્તિએ કરવાની રહેશે. 

ઐતિહાસિક કહી શકાય તેવી આ વાતનો ઘટનાક્રમ કઈંક આવો છે. જેમાં વર્ષ ૨૦૧૦માં કચ્છનાં રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ પત્રી વિધિ અંગે લખપત-દયાપરની કોર્ટમાં અપીલ કરી હતી. તેમણે એવી માંગણી કરી હતી કે, માતાના મઢ ખાતે આવેલા કચ્છના દેશદેવી એવા કુળદેવી માં આસપુરના મંદિરમાં તેઓ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિને ચામર-પત્રી વિધિ કરવા દેવામાં આવે જેમાં દયાપરની કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, પ્રાગમલજી પોતે વિધિ કરી શકે છે પરંતુ તેઓ કોઈને આ અંગેનો અધિકાર કે નિયુક્ત ન કરી શકે, જેની સામે પ્રાગમલજી દ્વારા ભુજની ડિસ્ટ્રીકટ કોર્ટમાં માતાના મઢ મંદિરના પૂજારી યોગેન્દ્રસિંહજી ગુરુ કરમશી રાજાબાવા સહિત તેમના નાના ભાઈ હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા તથા દેવેન્દ્રસિંહજી જોરાવરસિંહજી જાડેજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી.

દરમિયાન આ સમયગાળામાં કચ્છના રાજવી પરિવારના જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાનું અવસાન થાય છે. ત્યારે જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ તેમની હયાતી દરમિયાન કુંવર તરીકે જેમની જાહેરાત કરી હતી તેવા ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા સહિત તેરાના મયુરધ્વજસિં જાડેજા અને દેવપરના કૃતાર્થસિહ જાડેજા પણ આ મામલામાં પક્ષકાર તરીકે જોડાયા હતા. જોકે તે વખતે કોર્ટે ત્રણેયની અપીલ કાઢી નાખી હતી. જેને પગલે પ્રાગમલજી ત્રીજાના પત્નિ પ્રીતિદેવી વારસદાર તરીકે કેસમાં આવવા માટે અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. જેમાં ભુજનાં અધિક જિલ્લા જજ રસિકકુમાર વી. મંડાણી દ્વારા પ્રીતિદેવીને આજીવન ચામર પત્રી વિધિ માટેનો હક હોવાનો ચુકાદો આપ્યો હતો. રાજવી પરિવારના હનુવંતસિંહજી જાડેજા વતી કચ્છના પૂર્વ મુખ્ય સરકારી વકીલ એવા યોગેશ ભાંડારકર દ્વારા દલીલ કરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભુજની કોર્ટનો ચુકાદો જ રદબાતલ ઠેરવવામાં આવતા હવે લખપત-દયાપરની કોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો તે પ્રમાણે માતાના મઢ ખાતે આસો નવરાત્રીમાં આઠમના રોજ કરવામાં આવતી ચામર-પતરીની વિધિ કચ્છના છેલ્લા રાજવી મદનસિંહજીના મોટા પુત્ર વાદી કરી શકશે, જે હવે આ દુનિયામાં હયાત નથી. વાદી તરીકે જે તે સમયે સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી હતા. વાદીની ગેરહાજરી કે અસમર્થ હોવાની સ્થિતિમાં પતરી વિધિની પૂજા રાજવી કુળના વંશાનુક્રમે આવતા નજીકના વ્યક્તિ મુખ્ય વ્યક્તિ સાથે રહીને કરી શકશે તેવું  લખપત-દયાપરની કોર્ટ દ્વારા ચુકાદમાં જણાવવામાં આવ્યું હતું. તેથી વિધિનો હક વંશાનુક્રમેં જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી પછી આવતા વ્યક્તિ એટલે કે રીસ્પોન્ડેન્ટ નંબર બે તરીકે આવતા મહારાવ મદનસિંહજીના પુત્ર એવા મહારાજકુમાર હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા કરી શકશે. 

વંશાનુક્રમ અને વારસાઈ, બંને ભિન્ન છે :- કચ્છના રાજવી પરિવારને લઈને જે તે સમયગાળા દરમિયાન માધ્યમોમાં રાજવી કુટુંબના બે પક્ષ દ્વારા સામ-સામે નોટિસ આપવામાં આવતી હતી. તે દરમિયાન સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ નલિયાનાં ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજાને કુંવર તરીકે નિયુક્ત કર્યા હોવાની જાહેરાતો પણ મીડિયામાં ચમકી હતી. અને તેઓ પ્રાગમલજી સાથે અવારનવાર જાહેર પ્રસંગો દરમિયાન જોવા પણ મળતા હતા. જેને પગલે કચ્છના લોકોમાં એવી છાપ પડી હતી કે તેઓ પ્રાગમલજી ત્રીજાના તમામ પ્રકારના વારસદાર છે. અને પછી કુવર બનેલા ઇન્દ્રજીતસિંહ અને અન્ય બે દ્વારા પક્ષકાર તરીકે સામેલ થયા હતા. જેને કોર્ટ દ્વારા તેમની અરજીને રિજેક્ટ કરવામાં આવી હતી. જો કે ભુજ કોર્ટમાં આ કેસ દરમિયાન જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના અવસાન બાદ મહારાણી પ્રીતિદેવીએ જે તે સમયે એકલાએ ચામર-પત્રી વિધિ અંગે અપીલ કરતા રાજવી પરિવાર ઉપરાંત કચ્છમાં આ વાત ચર્ચાનો વિષય બની હતી.