Off The Record : ભ્રષ્ટ IASને દંડિત કરવાને મામલે દાદાની સરકારના બેવડા માપદંડ, છાશવારે વિડીયો કૉન્ફ્રન્સ VC ગોઠવી દેતા IAS મોના ખંધાર અને જયંતિ રવિ

ગુજરાત સરકારના સચિવો જવાબદારીથી છટકવા માટે નાની અમથી મિટિંગમાં ચીફ સેક્રેટરીને ગોઠવી દે છે, રાજકારણમાં ચાલતી ચર્ચાઓ અને IAS-IPS સહિતના અધિકારીઓની અવનવી વાતો...

Off The Record : ભ્રષ્ટ IASને દંડિત કરવાને મામલે દાદાની સરકારના બેવડા માપદંડ, છાશવારે વિડીયો કૉન્ફ્રન્સ VC ગોઠવી દેતા IAS મોના ખંધાર અને જયંતિ રવિ

ઓપરેશન ગંગાજળમાં દાદાની સરકારના બેવડા માપદંડ : ગુજરાતમાં સરકાર દ્વારા સમય પહેલા અધિકારીઓને રૂખસત કરી દેવાની પ્રક્રિયાને લોકો ઓપરેશન ગંગાજળ તરીકે ઓળખવામાં આવી રહી છે. પરંતુ હકીકતમાં ભ્રષ્ટ અધિકારીઓને સજા કરવાની આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર એવા અધિકારી કે કર્મચારીઓને દંડિત કરવામાં આવી રહ્યા છે જેઓ સરકારની વિરુદ્ધ અથવા તો જેમના કોઈ ગોડ ફાધર નથી. અને આ કાર્યવાહી સરકારના પ્રીતિપાત્ર એટલે કે ગુડ બુકમાં રહેલા બાબુઓને લાગુ પડતી નથી. ત્રણેક જેટલા IAS સહીત વર્ગ એક અને બે કક્ષાના ઓફિસરને સરકારે સમય મર્યાદા કરતા વહેલા 'ઘરે' બેસાડી દીધા છે. આ બાબુઓ એ જે ભ્રષ્ટ કામગીરી કરી એનાથી પણ વધુ ગંભીર અને સરકારને કરોડો રૂપિયા નું નુકશાન થાય તેવા કાંડ કરનારા ઘણા IAS સહિતના ઓફિસર હજુ પણ ક્રીમ પોસ્ટિંગ ભોગવી રહ્યા છે. જેમાં કેટલાક તો રેકોર્ડ ઉપર હોવા છતાં સારું પોસ્ટિંગ મળ્યું છે. જેમાં ઉડીને આંખે વળગે તેવા IAS અધિકારીમાં અમદાવાદના કલેક્ટર પ્રવીણ ડી.કે. થી લઈને મૂળ ગુજરાતના સીધી ભરતીના IAS છે. વાત માત્ર IAS સુધી પણ સીમિત નથી. IPS અધિકારીઓમાં પણ કઈંક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. એક રેન્જમાં બદનામ થવા છતાં માત્ર ગુડ બુકમાં હોવાને લીધે તેનાથી પણ વધુ સારી રેન્જમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું હોય તેવા સરકારના કહ્યાગરા IPSનું લિસ્ટ પણ સારું એવું છે. સરકારને મજા ન આવે તેવા બાબુઓ સામે જ કાર્યવાહી થાય છે સરકારને અનુકૂળ હોય તેવા સામે લાજ કાઢવામાં આવે છે. રાજ્યના ઘણા એવા IAS અને IPS સામે ઢગલો અંગત ફરિયાદ છે છતાં રાજ્યની ભાજપની સરકારનું પેટનું પાણી હાલતું નથી. ટૂંકમાં ઓપરેશન ગંગાજળમાં દાદાની સરકારના બેવડા માપદંડ જગજાહેર થઈ ગયા છે. 

શહેરી વોટર્સની મહેરબાનીથી સત્તામાં આવતા ભાજપને જિલ્લાઓમાં રસ નથી, લાંબા સમયથી DDOની જગ્યા ખાલી : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરી વિસ્તારોના મતદારોની મહેરબાનીથી ગાંધીનગરમાં ત્રણ દાયકા સત્તાની ધુરા સંભાળી રહેલા ભાજપને જિલ્લાઓમાં, ગ્રામ્ય વિસ્તારોમાં રસ ન હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. લાંબા સમયથી રાજ્યના ઘણાખરા જિલ્લાઓમાં જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDOઓની જગ્યા ખાલી છે. ચાર્જ ઉપર વહીવટ ગબડાવવામાં આવી રહ્યો છે. કેટલાક જિલ્લાઓમાં તો રેગ્યુલર DDO વિના જ વરસાદ, ચૂંટણી થઈ ગઈ છે. છતાં દાદાની સરકારને કોઈ નિયમિત IAS મળતા નથી. અરવલ્લી, ડાંગ, વલસાડ, ભરૂચ, છોટા ઉદેપુર અને દ્વારકા તેના ઉદાહરણ છે. વર્ષ 2017માં વિકાસ ગાંડો થયો હોવાની વાત અમથા ચર્ચામાં નહોતી આવી. આ તો નબળો વિપક્ષ અને ગોદી મીડિયાને લીધે ભાજપની સરકાર બચી જાય છે. 

કામને બદલે વિડીયો કૉન્ફ્રન્સ (VC) ને મહત્વ આપતા મહિલા IAS મોના ખંધાર અને જયંતિ રવિ : સરકારમાં પોતાની કામગીરી અને પ્રભાવ દેખાડવા માટે સરકારી અધિકારીઓ કાંઈપણ કરી શકે છે. જેનું તાજું ઉદાહરણ છાસવારે કરવામાં આવતી કૉન્ફ્રન્સ (VC) ને જોતા લાગી રહ્યું છે. આવી દેખાડવાની કામગીરીમાં હાલમાં મહિલા IAS મોના ખંધાર અને જયંતિ રવિ મોખરે છે. પંચાયતના રેગ્યુલર ચાર્જની સાથે સાથે સાયન્સ અને ટેક્નોલોજી સહિતના વિભાગોનો હવાલો સાંભળનારા મહિલા IAS મોના ખંધાર મજા આવે ત્યારે તેમના તાબાના અધિકારીઓને VCનું કહેણ મોકલાવે છે. હદ તો ત્યારે થઇ જયારે તેમણે તાજેતરમાં સોમનાથમાં યોજાયેલી ચિતંન શિબિરમાં વખતે પણ  મિટિંગ ગોઠવી દીધી હતી. મુખ્યમંત્રી સહીત મંત્રીઓ અને સચિવોની હાજરી વચ્ચે મોના બહેને DDOઓની મિટિંગ ગોઠવી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ ચીફ સેક્રેટરી રાજકુમારના દીકરાના લગ્નની પાર્ટી ટાણે પણ તેમણે મિટિંગ સેટ કરી હતી. આટલું ઓછું હોય તેમ જયારે તેઓ સુરત એરપોર્ટથી જઈ રહ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાતના DDOઓને મિટિંગમાં સામેલ થવાનો હુકમ કર્યો હતો. ટૂંકમાં એક કહી શકાય કે, IAS મોના બહેન અઠવાડિયામાં એક મિટિંગ તો ગોઠવી જ દેતા હોય છે. 

મોના ખંધાર જેવું મહેસુલ વિભાગનો હવાલો સંભાળતા IAS જયંતિ રવિનું છે. તેઓ પણ અઠવાડીયામાં એક વખત તો મિટિંગ ગોઠવી દેતા હોય છે. મિટિંગ ગોઠવે એમાં પણ વાંધો નથી પરંતુ VCમાં રેવન્યુના મુદાઓને બદલે અન્ય મુદાઓમાં રાજ્યના કલેક્ટરને કલાકો સુધી રોકાયેલા રાખે છે. તાજેતરમાં તો એવું બન્યું કે, બહેન IAS જયંતિ રવિ ડેપ્યુટેશનમાંથી જયાંથી પાછા આવ્યા છે તેવા ઓરોવિલા ફાઉન્ડેશનની સિદ્ધિઓની ચર્ચા કરતી મિટિંગ ગોઠવી દીધી હતી. ટાઈટ શિડ્યુઅલ વચ્ચે પણ રાજ્યના કલેક્ટરોને ઓરોવિલા ફાઉન્ડેશનની વાતો સાંભળવી પડી હતી. 

જવાબદારીથી છટકવા માટે સચિવો ચીફ સેક્રેટરીને મિટિંગમાં ગોઠવી દે છે ! : મિટિંગ, મેળા અને પ્રેઝેન્ટેશન થકી સિઘાલતી ગુજરાત સરકારમાં અધિકારીઓ પણ આવી મિટિંગનો પોતાનો સ્કોર સેટ કરવા માટે કરી રહ્યા છે. નાની અમથી વાતમાં પણ મિટિંગ ગોઠવીને તેમાં અધ્યક્ષ સ્થાને મુખ્ય સચિવને બેસાડી દેવાની ઘટનાઓ પણ હવે લગાતાર બની રહી છે. આની પાછળ મિટિંગ ગોઠવાતા સચિવોને બે ફાયદા થાય છે. એક તો તેમની કામગીરી દેખાડી દેવામાં આવે છે અને બીજી બાજુ તેમના તાબા હેઠળના અધિકારીઓને CSની બીક દેખાડવામાં આવે છે. ખેલ મહાકુમ્ભ, યોગ શિબિર અને ગામડાના પંચાયતના બોર ઓપરેટરની કામગીરીની ઓછી મહત્વની મિટિંગમાં CS લેવલના ઓફિસરને હાજર રાખીને આ સચિવો શું સાબિત કરવા માંગે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. 

મૂળ કેરળના IAS આનંદુ ગોવિંદનું પોસ્ટિંગ કેમ ચર્ચામાં આવ્યું ? : નવસારી જિલ્લાના વાસંદા ટ્રાઈબલ એરિયાના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વર્ષ 2019ની બેચના નવોદિત IAS આનંદુ સુરેશ ગોવિંદનું પોસ્ટિંગ હાલમાં ચર્ચામાં રહ્યું છે. રાજ્ય સરકારે તેમને દેવભૂમિ દ્વારકા જિલ્લાના DDO તરીકે નિયુક્ત કાર્ય હતા. પરંતુ તેઓ લાંબા સમય સુધી ત્યાં હાજર થયા ન હતા. એવું કહેવાય છે કે, IAS આનંદુ સુરેશ ગોવિંદને એવો વિશ્વાસ છે કે, તેમનું આનાથી પણ સારું પોસ્ટિંગ થઈ શકે એમ છે. બાય ધ વે, તમને જણાવી દઈએ કે, આ બાબુ કેરળથી આવે છે. એટલે સ્વાભાવિક છે કે, કેરળ, KK વગેરે બધું યાદ આવે જ. 

નિવૃત્તોને હવે ઍક્સટેંશન નહીં આપતી દાદાની સરકાર IAS અતુલ ગોર અને અશોક દવેનું શું કરશે ? : રાજ્યની સરકાર દવારા નિવૃત્ત અધિકારીઓને ઍક્સટેંશન આપીને કામ કઢાવવાની પ્રથામાં સુધારી કરીને તેમને ઘરે બેસાડી રહી છે. તેવામાં ચર્ચા એવી થઇ રહી છે કે, શું CMOમાં નિવૃત્તિ પછી પણ કામ કરતા IAS અતુલ ગોર અને GADમાં મોભાનું સ્થાન ધરાવતા અશોક દવે માટે આ માપદંડ રહેશે કે કેમ ? અશોક દવે લાંબા સમયથી GADમાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યાં છે. તેમની આ ઉમદા કામગીરીથી IAS લોબીમાં નારાજગી પણ છે. આવું જ કઇંક અતુલ ગોરનું છે. વડોદરાના કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલ IAS અતુલ ગોર હાલમાં CMOમાં રેવન્યુનો હવાલો જોઈ રહ્યા છે. થોડા સમય અગાઉ જયારે રાજ્ય સ્વાગતમાં વડોદરાનો એક પ્રશ્ન આવ્યો ત્યારે તેમને પણ પૂછવામાં આવ્યું હતું. હવે જોઈએ દાદા આ બંને પ્રત્યે શું વલણ દાખવે છે.

પ્રમોટી IAS માટેની DPCમાં GAS કેડરના સંજય જોશીને લીધે કોને લાભ મળશે ? : વર્ષ 2023 માટેની ચાર પ્રમોટી IAS માટેની પોસ્ટ માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (DPC) માટેની ઘણી ચર્ચા ચાલી રહી છે. જેમાં એક મહત્વપૂર્ણ નામ GAS કેડરના સંજય જોશીનું છે. એવું કહેવાય છે કે, સંજય જોશીને લીધે DPC કરવી પડશે જેનો લાભ અન્ય લોકોને પણ થશે. લાંબા સમય સુધી ગાંધીનગરમાં મહત્વપૂર્ણ જગ્યાએ ફરજ બજાવ્યા પછી સાઈડ પોસ્ટિંગ ભોગવી રહેલા અધિકારીઓને પણ આ DPCનો લાભ મળી શકે છે. જે હોય તે, પણ હકીકત એ છે કે, ગ્રામ પંચાયતથી દિલ્હી સુધી ગુજરાતીઓનો દબદબો હોવા છતાં ગુજરાતના GAS કેડરના બાબુઓને બે વર્ષ સુધી રાહ જોવી પડે એ શરમજનક તો છે જ.