હે ભાજપ સરકાર, મધ્યપ્રદેશના CM (ચીફ મિનિસ્ટર)ને સાચવ્યા તેમ કચ્છના CM (કોમન મેન)ની પણ દરકાર કરો ને, VIP કાફલાને લીધે લોકો અટવાયા

MPના CM મોહન યાદવે રણમાં રાત માણીને ભુજ આવ્યા ત્યારે સવારે પીક અવર્સમાં ભુજમાં સ્મૃતિવનથી લઈને જ્યુબિલી સર્કલ સુધી હજારો લોકો ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા

હે ભાજપ સરકાર, મધ્યપ્રદેશના CM (ચીફ મિનિસ્ટર)ને સાચવ્યા તેમ કચ્છના CM (કોમન મેન)ની પણ દરકાર કરો ને, VIP કાફલાને લીધે લોકો અટવાયા

WND Network.Bhuj (Kutch) : મધ્યપ્રદેશના CM (ચીફ મિનિસ્ટર) મોહન યાદવની કચ્છ-ભુજની બે દિવસની બિન-સરકારી મુલાકાતને લીધે કચ્છના CM (કોમન મેન)ની હાલત ખરાબ થઇ ગઈ હતી. કચ્છના રણમાં પૂનમની રાત માણવા આવેલા MPના CMના કાફલાને લીધે સોમવારે સવારે પીક અવર્સ દરમિયાન ભુજના લોકો રીતસરના ફસાઈ ગયા હતા. માધાપર પાસે આવેલા સ્મૃતિવનથી લઈને જ્યુબિલી સર્કલ સુધી લાંબો ટ્રાફિક જોવા મળ્યો હતો. વળી VIP મૂવમેન્ટને નામે પોલીસનો ટ્રાફિક બ્રાન્ચ સહિતનો બધો સ્ટાફ CM યાદવની સરભરામાં જોતરાઈ જતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.  

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કોપી કરીને ગુજરાત સરકારે સરકારી વાહનો ઉપરથી લાલ બત્તી તો કાઢી છે પરંતુ VIP ક્લચર દૂર કરવાનો ઢોંગ હજુ ચાલુ છે. આજે પણ ગુજરાતમાં કોઈપણ જગ્યાએ મંત્રીઓ પસાર થતા હોય ત્યારે સામાન્ય લોકોને ટ્રાફિકમાં અટવાઈ જવું પડતું હોય છે. આવું જ કઈંક કચ્છમાં પણ જોવા મળ્યું હતું. રવિવારે કચ્છ આવેલા મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવ રાતે રણમાં ધોરડો ખાતે પૂનમની ચાંદની માણવા રાત રોકાયા હતા. 

સવારે ભુજમાં સ્મૃતિવનની મુલાકાતનું આયોજન હતું એટલે દરેક વખતે થાય છે તેમ ઠેર ઠેર પોલીસને ખડકી દેવામાં આવી હતી. જયારે CM યાદવ ભુજમાં પ્રવેશવાના હતા ત્યારે તો રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને લીધે સવારે નોકરી ધંધે જતા અનેક લોકોને ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા.