Off The Record : ગુજરાતમાં પટેલને દૂર કરીને જૈનને ગોઠવવાનો અખતરો આ વખતે જોખમી સાબિત થશે, સુરતના મ્યુનિસિપલ કમિશનર નાગરાજ તો ગયા હવે IPS નકુમનુ શું કરવાનું ? નકુમે રીલ બનાવવાની સ્ટાઇલ બદલી નાખી...

ગુજરાત સરકારને ઓફિસર મળતા નથી ? પહેલા ચાર્જ આપે પછી નિયુકતી કરે, પછી ફાવે તો રાખવાના નહીંતર કાઢી મૂકવાના, બનાસકાંઠાથી ગુજરાત આવતો દારૂ કયા IPSની રૂપિયાની ભૂખ સંતોષે છે, MLA જીગ્નેશ મેવાણીએ કર્યો સવાલ... રાજકારણમાં ચાલતી ચર્ચાઓ અને IAS-IPS સહિતના અધિકારીઓની Off The Record ચર્ચાઓ

Off The Record : ગુજરાતમાં પટેલને દૂર કરીને જૈનને ગોઠવવાનો અખતરો આ વખતે જોખમી સાબિત થશે, સુરતના મ્યુનિસિપલ કમિશનર નાગરાજ તો ગયા હવે IPS નકુમનુ શું કરવાનું ? નકુમે રીલ બનાવવાની સ્ટાઇલ બદલી નાખી...

પટેલને દૂર કરીને જૈનને ગોઠવવાનો અખતરો આ વખતે જોખમી સાબિત થશે : ગુજરાત વિધાન સભાની સામાન્ય ચૂંટણી હજુ આવતા વર્ષે છે. છતાં સત્તાના ચોકઠા અત્યારથી ગોઠવવાનું શરૂ થઈ ગયું છે. ગુજરાતના રાજકારણમાં પાટીદાર ફેક્ટર બહુ મજબૂત માનવામાં આવે છે. પરંતુ ગુજરાતના રાજકારણમાં, ખાસ કરીને ભાજપમાં પાટીદાર નેતાઓ પાવરફુલ છતાં તેમણે સત્તાથી દૂર રાખવામાં આવી રહ્યા છે. જેમાં પાટીદાર સમાજની સંસ્થા અને તેના અગ્રણીઓ ભાજપનો હાથો બને છે એટલે ભાજપના તકવાદી નેતાઓ ફાવી જાય છે તે વાત પણ જગજાહેર છે. વાત આનંદીબેન પટેલની હોય કે નીતિન પટેલની, દર વખતે તેમને 'કટ ટુ સાઇઝ' કરીને તેમના ઉપર વિરોધી ગ્રુપના નેતાને ઠોકી બેસાડવામાં આવે છે. પાટીદાર સમુદાયમાંથી આવતા આનંદીબેન પટેલ એક સક્ષમ CM હોવા છતાં તેમની ઉપર જૈન સમુદાયના વિજયભાઈ રૂપાણીને બેસાડવામાં આવ્યા હતા. કંઈક આવું થવા જઈ રહ્યું હોવાના ભણકાર વચ્ચે આ વખતે પાટીદાર સમુદાય સાવચેત બની ગયો છે. એટલે બની શકે કે, પાટીદાર હટાવીને જૈન નેતાને રાજ્યની ધુરા સોંપવાનો ભાજપનો અખતરો આ વખતે સફળ ન પણ થાય તેવી  ચર્ચા ચાલી રહી છે. પાટીદાર સમાજના રોષને ઠારવા માટે ડેપ્યુટી સીએમ પાટીદાર સમાજમાંથી આવે તો પણ આ વખતે ખેલ બહુ અઘરો બની જાય તો નવાઈ નહીં.

ગુજરાત સરકારને ઓફિસર મળતા નથી ? પહેલા ચાર્જ આપે પછી નિયુકતી કરે, પછી ફાવે તો રાખવાના નહીંતર કાઢી મૂકવાના : છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની ભાજપ સરકાર સતત એક અખતરો કરી રહી છે. રાજ્યના પોલીસ વડા DGPની પોસ્ટિંગ હોય કે કોઈ જિલ્લાના કલેકટર કે ડીડીઓ અથવા મ્યુનિસિપલ કમિશનર હોય, તરત તે ખાલી જગ્યાએ કાયમી પોસ્ટિંગ કરવાને બદલે ચાર્જ આપે છે. મતલબ કે, ટેસ્ટિંગ કરે છે કે, જે અધિકારીને ચાર્જ આપ્યો તે આપણા કહ્યા મુજબ ચાલશે કે કેમ. જો ન ચાલે કે ન ફાવે તો ગુજરાત પોલીસના ઇન્ચાર્જ DGP ડૉ. રાવની જેમ બદલી નાખવાના. અમદાવાદના પોલીસ કમિશનર, સુરતના મ્યુનિસિપલ કમિશર, સુરતના પોલીસ કમિશનર અને હવે મહેસાણાના ડીડીઓ તરીકે કોઈ ઓફિસરને કાયમી નિમણુંક કરવાને બદલે ચાર્જ આપવામાં આવ્યો છે જે તાજા ઉદાહરણ છે. 

સુરતના મ્યુનિસિપલ કમિશનર નાગરાજ તો ગયા, હવે IPS નકુમનુ શું કરવાનું ? નકુમે રીલ બનાવવાની સ્ટાઇલ બદલી : સુરતના નાસિરનગર ડિમોલિશન કાંડમાં હાઈકોર્ટની સતત આકરી ફટકાર પછી મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનને સુરતી ગાંધીનગર ભેગા કરી દીધા છે. અલબત્ત આ કાંડમાં વધુ એક સનદી અધિકારી IPS રાજદીપ નકુમનુ નામ પણ સતત વિવાદમાં રહેલું છે. કોર્ટે નકુમની ડિમોલિશન ટાણે IPS નકુમની હાજરી અંગે પણ સવાલો કર્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ હજુ સુધી નકુમ સુરતમાં કેમ છે ? તેમને હટાવવામાં કેમ નથી આવતા ? જેવી હાઈકોર્ટની આકરી ટીકા છતાં નકુમ સુરતમાં હજુ યથાવત છે અને સોશિયલ મીડિયામાં રીલ બનાવી રહ્યા છે. કોર્ટની સતત ટીકા છતાં રાજ્ય સરકારે તેમને માત્ર IPS કેડરમાં નોમિનેટ કર્યા એટલું જ નહીં પરંતુ જાહેરમાં વરઘોડો કાઢવા સબબ તેમની સામે હાઈકોર્ટમાં થયેલી રિટ અંગે પણ આંખ આડા કાન કરી રહી છે. IAS નાગરાજની ટ્રાન્સફર કરી દીધી પણ નકુમ હજુ પણ સુરત પોલીસમાં SOGનાં DCP તરીકે યથાવત છે. જોકે કોર્ટની સતત ટીકા અને ગોદી મીડિયા સિવાયના માધ્યમોમાં નકુમની કામગીરી અંગેના ટીકાત્મક રિપોર્ટિંગ ને પગલે રીલ બનવાની રીતમાં ફેરફાર જરૂર થયો છે. પહેલા નકુમ કેમેરાની સામે આરોપીને ફટકારતા હતા હવે આરોપીથી પાંચેક ફૂટ દૂર ઊભા રહીને સલાહ આપે છે, ડર તો લાગે છે હોં

બનાસકાંઠાથી ગુજરાત આવતો દારૂ કયા IPSની રૂપિયાની ભૂખ સંતોષે છે, MLA જીગ્નેશ મેવાણીએ કર્યો સવાલ : કોંગ્રેસના તેજતર્રાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ઝપટમાં આ વખતે બનાસકાંઠા જીલ્લાના IPS આવી ગયા છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં MLA મેવાણી બનાસકાંઠા જીલ્લાની ગુજરાતની આંતરરાજ્ય બોર્ડરનો ઉલ્લેખ કરીને અહીંથી આવતા શરાબના ગેરકાયદે જથ્થાની વાત કરે છે. જેમાં મેવાણી અહીંના IPS ઓફિસરની દારૂના બુટલેગિંગ થકી કરવામાં આવતી હપ્તાખોરીની વાત છેડીને તેમના આગવા અંદાજમાં પોલીસ અધિકારીઓને ફટકારે છે. થોડા સમય પહેલા જ ગુજરાતના રાજસ્થાન સાથે જોડાયેલા બોર્ડરના જીલ્લા બનાસકાંઠા, પાટણ અને નવનિર્મિત વાવ-થરાદ જીલ્લાને સાંકળતી બનાસકાંઠા પોલીસ રેન્જ બનાવી છે. જેના પ્રથમ આઇજી તરીકે મહિલા IPS પરીક્ષિતા રાઠોડની નિયુક્તિ કરવામાં આવી છે.

ગૃહમંત્રીની ચાપલૂસીમાં પશ્ચિમ કચ્છ પોલીસે પોતાની આબરૂ કાઢી : ઉપરી અધિકારીઓ કે પોતાના વિભાગના મંત્રીની સાચી પ્રશંસા કરવી કાંઈ ખોટું નથી. પરંતુ પકડાય જવાય એ હદે ચાપલૂસી ન કરવી જોઈએ. વાત પશ્ચિમ કચ્છ પોલીસની છે. થોડા દિવસ પહેલા મુન્દ્રાની એક મહિલા સાથે થયેલા ફ્રોડના નાણાં માત્ર ત્રણ દિવસમાં અપાવી દીધા એમ કહીને ગૃહમંત્રીની ભૂરી ભૂરી પ્રશંસા કરવામાં કોઈ કસર ન રાખી. હકીકતમાં મહિલા સાથે છ મહિના અગાઉ ચિટીંગ થયું હતું અને પોલીસે બે થી અઢી મહિનામાં ટુકડે ટુકડે મહિનાને તેના લાખો રૂપિયા અપાવ્યા હતા. આવું ખુદ એ મહિલાએ કબુલ્યું છે. હદ તો ત્યારે થઈ જયારે પોલીસે કાયદાને નેવે મૂકી કોઈપણ જાતની ફરિયાદ કર્યા વિના આ કાર્યવાહી કરી. મંત્રીની વાહવાહીમાં પશ્ચિમ કચ્છ પોલીસે તેની રહીસહી આબરૂ પણ ભાટાઈ કરવામાં ગુમાવી. બાકીની કસર કથિત આરોપીએ જાહેર રદિયો આપીને કરી દીધી કે, તેઓ બેદાગ છે. અને હજુ જો કોઈ વધુ તેમના વિષે બોલશે કે લખશે તો કાયદેસરની કાર્યવાહી કરશે. 

બરતફર થયેલા GAS કેડરનાં મહિલા અધિકારી કેતકી વ્યાસના રિમાન્ડનું રહસ્ય : આણંદનાં તત્કાલિન કલેકટર ગઢવીને ફિલમ ઉતારનારા વિવાદાસ્પદ GAS કેડરનાં મહિલા ઓફિસરની ધરપકડ બાદ રિમાન્ડ કેમ ન માંગવામાં આવ્યા તે વાત ગાંધીનગર સહિત રાજ્યના સનદી અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. સચિવાયલમાં એવી વાતો પણ સાંભળવામાં મળી છે જે, કેતકી વ્યાસના રિમાન્ડ ન લેવા માટે ઉપરથી સૂચના આપવામાં આવી હતી. ACB એટલે કદાચ રિમાન્ડની માંગણી કરી નથી. કેતકી વ્યાસ જે સનદી અધિકારીઓ અને ભાજપના નેતાઓના આશીર્વાદથી નોકરી કરી રહ્યા હતા તેમના દ્વારા કેતકીબેન રિમાન્ડ ન લેવાય તેવી તખ્તો ઘડયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. માધ્યમોમાં કેતકી વ્યાસના કનેકશન અને લાંબા સમય સુધી કાર્યવાહી ન થઈ રહી હોવાની વ્યાપક ચર્ચાને લીધે ટર્મિનેશન અને ધરપકડનું નાટક રચવામાં આવ્યું હોવાની પણ વાત છે.

ગાંધીનગરમાં રાજભવન પાસે આવેલું સર્કિટ હાઉસ IASનાં વહીવટ માટેનું કેન્દ્ર બન્યું : ગુજરાતની ભાજપ સરકારમાં તમારો જેક જો ઉપર સુધી હોય અને સિનિયર IAS અધિકારીઓની મહેરબાની હોય તો તમારા કામ ઝડપથી થઈ જાય એ જગજાહેર વાત છે. આવા કામો માટે સનદી અધિકારીઓ સહિત તેમના મળતીયાઓ ગાંધીનગરમાં રાજભવન પાસે આવેલા સર્કિટ હાઉસમાં મળે છે. જો વાત મોટી હોય તો મિટિંગ ગિફ્ટ સિટીમાં પણ ગોઠવાતી હોય છે. વહીવટના સંકલન માટેનું કેન્દ્ર બનવાને લીધે સર્કિટમાં આવતા જતા તમામને અલગ નજરમાંથી જોવામાં આવે છે.

GAS કેડરના મહિલા અધિકારીએ કલેક્ટરને ઈમ્પ્રેસ કરીને જમીન કૌભાંડમાંથી બચી ગયા : બરતરફ થયેલા કેતકી વ્યાસનો મામલો હજુ ગરમ છે ત્યાં GAS કેડરના એક મહિલા અધિકારીની વાતો કચ્છથી ગાંધીનગર સુધી ચર્ચાનો વિષય બની છે. વાત જાને એમ છે કે, GAS કેડરના મહિલા ઓફિસર જમીનના એક પ્રકરણમાં આવી ગયા હતા. મામલો સ્થાનિક લેવલે ખાસ્સો એવો ચગ્યો પણ ખરો. બાજી હાથમાંથી સરકતી જોઈને મહિલા અધિકારીએ તેમના ઉપરી ઓફિસર જિલ્લા કલેક્ટરને પોતે નિદોર્ષ હોવાનું કહીને સહાનુભૂતિનું નાટક કરીને તેમની નજીક સરકી ગયા. કલેક્ટર બિચારા ભોળા હતા એટલે મહિલા અધિકારીની વાતમાં આવી ગયા તેમને જમીન પ્રકરણમાંથી બહાર કાઢી લીધા. 

મહેસાણાના ઇન્ચાર્જ DDO IAS પી.બી.રાઠોડ જેવું નસીબ બધા ઓફિસરનું ન હોય : વર્ષ 2022ની બેચના પ્રમોટી IAS પ્રદીપ રાઠોડ ઉર્ફે પી.બી.રાઠોડને ગાંધીનગરમાં બેઠા બેઠા મહેસાણાના DDOનો ચાર્જ આપવામાં આવ્યો ત્યારે સૌને નવાઈ લાગી. જો કે જેઓ સરકારના વહીવટને નજીકથી જુવે છે તેઓ પામી ગયા કે, રાઠોડ સાહેબનું નસીબ બે ડગલાં આગળ ચાલે છે. જે તે સમયે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહના કાર્યાલયમાંથી તે સમયે GAS કેડરમાં ફરજ બજાવતા રાઠોડને અચાનક દૂર કરવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ છ મહિનાથી પણ વધુ સમય સુધી તેઓ કોઈપણ પોસ્ટિંગ વિના રહ્યા હતા. IASમાં નોમિનેટ થનારા પ્રદીપ રાઠોડનો મોટાભાગનો નોકરીનો સમયગાળો મહેસાણા અને પાટણની આસપાસ જ રહ્યો છે. નસીબ કહો કે ગમે તે, ગાંધીનગરમાં સ્કિલ ડેવલોપમેન્ટના ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા રાઠોડને હવે 50 કિલોમીટર દૂર મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારીનો ચાર્જ આપવામાં આવ્યો છે. મતલબ ગુજરાતની ભાજપ સરકારને મહેસાણામાં DDOનો ચાર્જ આપી શકાય તેવા કોઈ ઓફિસર જ ન મળ્યા. સામાન્ય રીતે જિલ્લામાં કલેક્ટરનો ચાર્જ DDOને અને DDOનો ચાર્જ DRDAના નિયામકને અથવા તો GAS કેડરના કોઈ સિસનીયર ઓફિસરને આપવામાં આવતો હોય છે.