Off the Record : હર્ષ સંઘવી 'દાદા' બનશે-વધુ વિભાગો બાદ હવે 'પાવર' પણ વધ્યો, સુરતના મ્યુનિસિપલ કમિશનર IAS એમ.નાગરાજન કોની કૃપાથી બચી રહ્યા છે, મસૂરી IAS એકેડેમીનું કેન્ટીન કૌભાંડ, હવે ભુજ ન જતા મુન્દ્રા આવજો

ભુજ SP IPS વિકાસ સુંડાના કાર્યકાળમાં SMCની સૌથી વધુ રેડનો રેકોર્ડ...રાજકારણમાં ચાલતી ચર્ચાઓ અને IAS-IPS સહિતના અધિકારીઓની Off The Record વાતો

Off the Record : હર્ષ સંઘવી 'દાદા' બનશે-વધુ વિભાગો બાદ હવે 'પાવર' પણ વધ્યો, સુરતના મ્યુનિસિપલ કમિશનર IAS એમ.નાગરાજન કોની કૃપાથી બચી રહ્યા છે, મસૂરી IAS એકેડેમીનું કેન્ટીન કૌભાંડ, હવે ભુજ ન જતા મુન્દ્રા આવજો

રાજ્યપાલ દેવવ્રતની પ્રાકૃતિક ખેતીના પોડકાસ્ટની પણોજણ : અન્ય રાજકારણી કે મહામહિમ રાજપાલ કરતા નોખા હાલના ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત થોડા અલગ છે. સૌથી વધુ સમય સુધી રાજભવનમાં રહેવાનું જેમને બહુમાન મળ્યું છે તેવા રાજ્યપાલ દેવવ્રત તેમના પ્રાકૃતિક ખેતી પ્રત્યેના લગાવથી મશહૂર છે. તેમણે કરેલી ખેતીને જોવા માટે તેઓ ગુજરાતના IAS અધિકારીઓને છેક તેમના હરિયાણામાં આવેલા ફાર્મ હાઉસમાં પણ લઇ ગયા હતા. તેમના સજીવ - પ્રાકૃતિક ખેતીના ઘણા પોડકાસ્ટ - વિડીયો યુ-ટ્યુબ ઉપર હજારો-લાખો લોકો નિહાળીને બિરદાવી ચુક્યા છે. પરંતુ હમણાં છેલ્લે તેમણે જિલ્લા કક્ષાના છાપાના પોડકાસ્ટમાં જે વાતો કરી તેને અપલોડ થયાના બે દિવસ પછી પણ માંડ 682 લોકોએ નિહાળ્યો છે. માત્ર 29 લોકોએ તેને લાઈક કર્યો છે. આચાર્ય દેવવ્રતની પ્રાકૃતિક ખેતી અંગેની વાતોને જયાં હજારો-લાખો લોકો નિહાળીને લાઈક કરતા હોય છે ત્યાં જિલ્લા લેવલના એક છાપાને લીધે મહામહીમની વાત ખોટા પ્લેટફોર્મ ઉપર આવી ગઈ હોવાનું પણ જાણકારો ગપશપ કરી રહ્યા છે

હર્ષ સંઘવી 'દાદા' બનશે ? વધુ વિભાગો બાદ હવે 'પાવર' પણ વધ્યો : ગુજરાતના ઇતિહાસમાં સૌથી નાની વયે પાવરફુલ નેતા બનવાનો રેકોર્ડ કદાચ હર્ષ સંઘવીને મળશે. રાજ્યકક્ષાના ગૃહ પ્રધાનમાંથી સીધા નાયબ મુખ્ય પ્રધાનનું પ્રમોશન મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરતા પણ વધુ વિભાગનો હવાલો તેમની પાસે છે. આટલું ઓછું હોય તેમ હવે તેમને વાયબ્રન્ટ ગુજરાત સમિટના અધ્યક્ષ તરીકે કમાન્ડ સોંપવામાં આવી છે. ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરના દાવા મુજબ જે કોર સમિતિના અધ્યક્ષ તરીકે CM ભુપેન્દ્ર પટેલ હતા અને DyCM હર્ષ સંઘવી તેના સભ્ય હતા તેમાંથી CM ભુપેન્દ્રભાઈની બાદબાકી કરવામાં આવી છે. દાદા કરતા વધુ વિભાગો સાથે જયારે હર્ષ સંઘવીને નાયબ મુખ્યપ્રધાન બનવવામાં આવ્યા ત્યારથી પાવર કોરીડોરમાં ચર્ચા હતી કે, સંઘવીનો CM તરીકેનો 'પ્રોબેશન પિરિયડ' શરુ થયો છે. રાજ્યના વહીવટી ઇતિહાસમાં પહેલી વખત આ રીતે નાયબ મુખ્યમંત્રીને 'પાવરફુલ' કરવામાં આવ્યા છે જેને જાણકારો ખુબ મહત્વપૂર્ણ માની રહ્યા છે. 

સુરતના મ્યુનિસિપલ કમિશનર IAS એમ.નાગરાજન કોની કૃપાથી બચી રહ્યા છે ? : સુરતના ડિમોલિશનનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં છે. કોર્ટે સુરતના મ્યુનિસિપલ કમિશનર IAS એમ.નાગરાજનને હજુ સુધી કેમ બદલવામાં આવ્યા નથી તેવા સવાલો કરીને ગુજરાતની ભાજપ સરકારને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે. છતાં તેમને બદલવામાં આવ્યા નથી. ત્યારે સૌને સવાલ થાય કે, નાગરાજન ઉપર કોની કૃપા વરસી રહી છે. રાજકારણ હોય કે વહીવટ જેટલા મોંઢા એટલી વાતો. નાગરાજનના કિસ્સામાં પણ આવું થઇ રહ્યું છે. આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પોતાની કરિયરની શરૂઆત IAS એમ.નાગરાજન થરાદમાં હતા ત્યારથી જયાં પણ તેમની ટ્રાન્સફર થાય છે ત્યાં ચર્ચામાં રહે છે. કચ્છમાં તો કલેક્ટર તરીકે માંડ ત્રણ મહિનામાં તેમની બદલી થઇ ગયી હતી. સુરતના મ્યુનિસિપલ કમિશનરના પોસ્ટિંગ પહેલા તેઓ ગુજરાત STના MD તરીકે કાર્યરત હતા. યોગાનુયોગ કહો કે ગમે ત પરંતુ GSRTC રાજ્યના ડેપ્યુટી CM  હર્ષ સંઘવીના હસ્તક આવે છે. નાગરાજનની બદલી પણ સંઘવીના સુરતમાં થઇ અને હજુ બચી રહ્યા છે.

મસૂરી IAS એકેડેમીનું કેન્ટીન કૌભાંડ : ગુજરાત કેડરના સુધી સિનિયર અને પ્રભાવશાળી IAS કે. શ્રી નિવાસની તાજેતરમાં સેન્ટ્રલ ડેપ્યુટેશન દરમિયાન બદલી થઇ છે. જેટલી ચર્ચા હાયર એજ્યુકેશનના સેક્રેટરી વિનીત જોશીની ચાલી એટલી જ કે. શ્રીનિવાસ ઓળખાતા ગુજરાત કેડરના IAS કે. શ્રીનિવાસ રામાસ્વામી કટિકિથાલાની બદલીને લઈને પણ થઇ રહી છે. તેઓ મૂળ હૈદરાબાદના 1989ની બેચના ઓફિસર છે. દિલ્હી ડેપ્યુટેશન દરમિયાન તેમણે ઘણા મહત્વપૂર્ણ વિભાગોમાં કામ કર્યું છે. જેમાં IAS અધિકારીઓને તાલીમ આપતી મસુરી ખાતે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમી પણ સામે છે. તેઓ જયારે મસૂરીમાં એકેડેમીના ચીફ તરીકે હતા ત્યારે ગુજરાતના એક અધિકારીને 'આંગળીયાત'ની જેમ પોતાની સાથે લઈ ગયા હતા. જે તેમની 'સંજય દ્રષ્ટિ' જેવું કામ કરતા હતા. એકેડેમીમાંથી બદલાય પછી બાબુડોમમાં ચર્ચા હતી કે, શ્રીનિવાસ પાછા હોમ કેડર ગુજરાતમાં આવશે. પરંતુ એવું થયું નહીં. અને છેલ્લે જયારે દિલ્હીમાં બદલીઓ થઇ ત્યારે IAS કે.શ્રીનિવાસને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સમાંથી ઓછા મહત્વની માનવામાં આવતી મિનિસ્ટ્રી ઓફ ડેવલોપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટર્ન રિજનના સેક્રેટરી તરીકે મુકવામાં આવ્યા છે. સાચું ખોટું ભગવાન જાણે પરંતુ એવું કહેવાય છે કે, મસૂરી IAS એકેડેમીમાં અન્ય વિવાદાસ્પદ નિર્ણયોની સાથે સાથે ત્યાંના કેન્ટીન કૌભાંડમાં તેમની 'સંજય દ્રષ્ટિ'ને લીધે ઘણું સાંભળવું પડ્યું છે. 

પોલીસને લગતું કોઈ કામ કે ફરિયાદ હોય તો ભુજ ન જતા, મુન્દ્રા આવજો : ગુજરાતી ભાષાની પણ અનોખી મજા છે. તમે સારું કહેવા કે કરવા જાવ અને જો ગુજરાતી લખવા કે બોલવામાં સાવચેતી ન રાખો તો અર્થનો અનર્થ થઇ જાય. આવું જ કઈંક ગુજરાત કેડરના એક યંગ પ્રોબેશનરી IPS ઓફિસર સાથે થયું છે. ગુજરાતના ગૃહ વિભાગે પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં ભુજ SDPO કચેરીમાંથી નવી મુન્દ્રા SDPO કચેરી એટલે DySP ઓફિસનું સર્જન કર્યું છે. અહીં પહેલા SDPO તરીકે વર્ષ 2023ની બેચના પ્રોબેશનરી IPS ગૌતમ વિવેકાનંદને ASP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તેમણે ચાર્જ તો ઘણા સમયથી લઈને કામગીરી શરુ કરી દીધી છે. પરંતુ ગુજરાત પોલીસની રીલ્સ બનાવવાની કામગીરી અન્વયે તેમનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તેઓ મુન્દ્રામાં શરુ કરવામાં આવેલી નવી કચેરીની માહિતી આપવાની સાથે સાથે પોતાનો પરિચય આપે છે અને કહે છે કે, હવેથી પોલીસના કોઈપણ કામ કે ફરિયાદ માટે ભુજ જવાનું નથી કારણ કે અહીં તેમની ઓફિસ ચાલુ થઇ ગઈ છે. ભુજમાં તેમના સિનિયર SP સહીત બોર્ડર રેન્જના IG પણ બેસે છે. 

RR (ડાયરેક્ટ IAS) હજુ લાઈનમાં છે ને SCS (પ્રમોટી IAS) ગોઠવાઈ ગયા, મેહુલ દવે પછી હવે કોનો વારો ? : રાજ્યના વહીવટી તંત્રમાં કરોડરજ્જુ સમાન IAS કેડર દેખાતી ભલે એક હોય પરંતુ તેમાં બે ભાગલા પડેલા છે. એક સીધી ભરતીવાળા IAS જે RR (રેગ્યુલર રિક્રુટમેન્ટ) તરીકે ઓળખાય છે. અને બીજા SCS (સ્ટેટ સિવિલ સર્વિસીસ) જેને પ્રમોટી IAS તરીકે પણ સંબોધિત કરવામાં આવે છે.થોડા મહિનાઓ અગાઉ નિવૃત્ત થયેલા સીધી ભરતીવાળા IAS કમલ દયાની અને જે.પી.ગુપ્તા સરકારની ગુડ બુકમાં હોવા છતાં તેમનું રિટાર્યમેન્ટ બાદનું પોસ્ટિંગ થયું નથી. જયારે તાજેતરમાં જ નિવૃત્ત થયેલા પ્રમોટી IAS ગાંધીનગરના પૂર્વ કલેક્ટર મેહુલ દવેનો રાજભવનમાં મેળ પડી ગયો છે. મેહુલ દવેની જેમ આ અગાઉ શિક્ષણમાંથી નિવૃત્ત થયેલા પ્રજેશ રાણાને પણ ગુજરાત સરકારે મુલ્કી સેવા ટ્રીબ્યુનલમાં પોસ્ટિંગ આપ્યું હતું. નિવૃત્ત થયેલા અન્ય ઓફિસર્સમાં કેતન ઠક્કર અને ભાવિન પંડ્યા છે. આગામી સમયમાં રિટાયર્ડ થવામાં એસ.કે.મોદી અને કે.સી.સંપતનું નામ પણ છે. હવે જોવાનું એ રહ્યું કે, નંબર કોનો લાગે છે, RRવાળાનો કે SCSનો ?

ભુજ SP IPS વિકાસ સુંડાના કાર્યકાળમાં SMCની સૌથી વધુ રેડનો રેકોર્ડ : ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છમાં પોલીસની ઉત્કૃષ્ઠ કામગીરી માટે ભુજના SP IPS વિકાસ સુંડાને આર્મી ચીફ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. પ્રથમ SP તરીકેના કાર્યકાળ દરમિયાન પોતાની પ્રામાણિક કાબેલિયતને લઈને તેઓ પ્રચલિત છે. અલબત્ત હકીકત એ પણ છે કે, ભુજમાં અત્યાર સુધી આવેલા 35થી વધુ SPમાં IPS વિકાસ સુંડાના સમયગાળા દરમિયાન રાજ્યની ટોપની DGPના નેજા હેઠળ કામ કરતી એજન્સી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા માત્ર પશ્ચિમ કચ્છમાં જ 14 મહિનામાં 12 વખત સફળ રેડ કરવામાં આવી છે. જે અત્યાર સુધીના ભુજના SPમાં રેકોર્ડ છે. યુદ્ધમાં વિજય વખતે સેનાપતિને જ જશ મળતો હૉય છે.

કચ્છમાં નોકરી કરતા GAS કેડરના ઓફિસર હવે કોને ભેંટમાં કાર આપશે ? : કચ્છમાં ટ્રાન્સફર થઈ તે અગાઉ ગાંધીનગરમાં ફરજ બજાવતા GAS કેડરના અધિકારને લઈને કચ્છમાં ઉત્સાહનું વાતાવરણ છે. ગાંધીનગરમાં ફરજ બજાવતી વેળાએ આ અધિકારીએ તેમના બોસને લાખો રૂપિયાની કાર ભેંટમાં આપી હતી. એટલે જેવી તેમની બદલી કચ્છમાં થઈ કે તરત જ બધા અનુમાન કરવા લાગ્યા કે, કચ્છમાં કોને કાર મળશે. ટોપના બોસને સાચવી લેવાની તેમની આ કુનેહને લીધે વહીવટી તંત્ર તો ઠીક કચ્છના રાજકીય નેતાઓ પણ આ સાહેબનો પડ્યો બોલ ઝીલી રહ્યા છે.