Martyrs' Day : અહિંસાના પૂજારી ગાંધીજી પોતે સાચા રામ ભકત હતા, છતાં તેમણે તમામ ધર્મને સમાન મહત્વ આપેલું
'કોઈ મને સામી છાતીએ ગોળી મારે અને તેમ છતાં મારા મોઢામાંથી સીસકારો ન નીકળે અને માત્ર રામનું રટણ નીકળે તો જ માનજે કે આ સાચો મહાત્મા હતો' - ગાંધીજી
Dr. Chatrabhuj B Rajpara . Junagadh : દર વર્ષે દેશ 30 જાન્યુઆરીને મહાત્મા ગાંધીની પુણ્યતિથિ તરીકે ઉજવે છે. તેમજ બાપુની પુણ્યતિથિને દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને 30 જાન્યુઆરી 1948ના રોજ નથુરામ ગોડસેએ ગોળી મારી હતી. ગોડસેએ મહાત્મા ગાંધીને ત્યારે ગોળી મારી હતી જ્યારે તેઓ દિલ્હીના બિરલા હાઉસમાં પ્રાર્થના સભા માટે જઈ રહ્યા હતા. બાપુને ગોળી મારવામાં આવી ત્યારે તેમના મોંમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા હતા 'હે રામ'. રામના નામે દેશમાં ચાલી રહેલા રાજકારણમાં આજે પણ બાપુ અજય છે. ત્યારે બાપુના ધર્મ, રાજકર્મ, સામાજિક અને આર્થિક ન્યાય વ્યવસ્થા ઉપર શું વિચારો હતા, તેઓ શું માનતા હતા તેને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આજના સમયમાં જયાં એક તરફ નાથુરામની પૂજા કરવામાં આવે છે ત્યાં મહાત્મા બનીને અજરામર થઇ ગયેલા બાપુ હજુ પણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા છે.
ગાંધીજી પોતે સાચા રામ ભકત હતા. છતાં તેમણે તમામ ધર્મને એટલું જ સમાન મહત્વ આપેલું છે, પોતાના અંતકાળ સમયે પોતાની પૌત્રી મનુને એટલે જ કહયુ હતુ કે, 'કોઈ મને સામી છાતીએ ગોળી મારે અને તેમ છતાંય મારા મોઢામાંથી સીસકારો ન નીકળે અને માત્ર રામનું રટણ નીકળે તો જ માનજે કે આ સાચો મહાત્મા હતો. જો રોગથી, અરે નાનકડી ફોડલીથી પણ જો મારૂ મોત થાય તો તારે દુનિયાને પોકારી પોકારીને કહેવાનું છે કે, આ દંભી મહાત્મા હતો. આવા વિરલ મહાત્મા ગાંધી આપણા દેશનાં રાષ્ટ્રપિતા છે.
મહાત્મા ગાંધીજીનું પોતાનું સમગ્ર જીવન નીતિમય આધ્યાત્મિક ,ધર્માત્મા સ્વરૂપ રહયું છે. તેમણે પોતાના જીવનને એક એક તબ્બકે આત્મમંથન કરી પોતાની ભુલો સ્વીકારી-સુધારીને જીવન જોડયુ છે. તેમના વાણી અને વ્યવહારમાં કયાય પણ અલગાવ જોવા મળ્યો નથી. તેમનું જીવન એજ તેમનો સંદેશ ઘણુ બધુ કહી જાય છે. યુધ્ધ અને પ્રેમમાં બધુ જ ચાલે '' evertihing is fair in love an war '' આ સુત્રને ગાંધીજીએ સંપુર્ણ બદલી નાખ્યું. તેમણે સ્પષ્ટ કહયુ છે કે, કોઈ પણ બાબત હોય, તેમાં નીતિ માર્ગ છોડી શકાય નહી. ભલે તે રાજકીય યુધ્ધ હોય કે રાજનીતિ કે કોઈ પણ મોરચો હોય. નીતિ છોડી શકાય નહી. કોઈ પણ શુધ્ધ સાધ્ય માટે શુધ્ધ સાધન હોવું જોઈએ.
ગાંધીજીએ સામાજીક,રાજકીય, આર્થિક, ધાર્મિક અને શૈક્ષાણિક ક્ષોત્રે તમામ ક્ષોત્ર અહિંસક ક્રાંતિકારી વિચારો રજુ કરી અમલ કરી બતાવ્યો છે. તેમના પાયામાં તેની મૂળભૂત વિચારસરણી એકાદશ વ્રત અને ઉન્નતી માટે કે ગ્રામ સ્વરાજ માટે કે પોતાના સપનાના ભારત માટે રચનાત્મક ક્રાર્યક્રમો આપી એક જ નવો રાહ ચીધેલ છે. રાજનીતિ સામે લોકનીતિનો નવો જ વિચાર મુકેલ છે. આજે પણ આ દેશમાં કોઈ પણ સરકાર હોય તેના વિચારો દરેક કાર્યક્ષેત્રમાં કોઈના કોઈ સ્વરૂપે દ્રષ્ટિગોચર થાય છે. પછી તે સ્વચ્છ ભારત અભિયાન હોય કે સ્વચ્છાંજલી કાર્યક્રમ હોય તેજ રીતે સ્વદેશની ઝુંબેશ હોય કે મેડ ઈન ભારત નો કાર્યક્રમ હોય કે પ્રત્યક્ષ રૂપે આર્થિક ક્ષેત્રે ખાદી ગ્રામોધોગનો વિચારએ ગાંધીજીના હિન્દ સ્વરાજના વિચારનું પ્રતિબિંબ છે. તેજ રીતે ભારત સરકારની નવી શિક્ષાણ નીતિ ગાંધીજીની ઉદ્યોગ લક્ષી શિક્ષાણ નવી તાલીમનું જ સ્વરૂપ છે. માતૃભાષા કે પ્રાંતીય ભાષાને અપાતું મહત્વ પણ ગાંધીજીનો મુળ વિચાર છે, એટલો જ રાષ્ટભાષાને મહત્વની ગણવા પાત્ર તેમની જ વિચારસરણી છે.
ગાંધીજીએ હંમેશા જાત મહેતન સ્વાવલંબનને મહત્વ આપ્યુ છે. પોતે જીવનભર રેટિયો કાંતીને શ્રમને એટલું જ મહત્વ આપેલું છે. શ્રમ વગર મફતનું ન ખાવાની તેમની પ્રેરણા છે. તેથી જ શ્રમયોગી જેવા કે ખેડુતો, મજૂરો તથા પછાત વર્ગના લોકોના ઉત્કર્ષ તે તેમનો મૂળભૂત ધ્યેય રહયો છે, છેવાડાના માનવીની સેવાને જ માનવ ધર્મ ગણી અપાવ્યો છે, હાલ અંત્યોદય યોજનાથી પ્રચલીત છે. આજ રીતે સર્વ ધર્મ સમભાવની ભાવના ધ્વારા તમામ ધર્મ પ્રત્યે સદભાવના દર્શાવે છે. હિન્દુ મુસ્લીમ એકતાનું તેમનું જીવનનું મહત્વનું કાર્ય રહયુ છે. પોતાની જાતને હમેશા સનાતની હિન્દુ ગણાવ્યા છે. '' રામ '' રટણ તેના જીવનનો મંત્ર બની રહયો છે.
આજે સમગ્ર વિશ્વમાં ગાંધીજીની સ્મૃતિ ઉભી થયેલી કોઈના કોઈ સ્વરૂપે દેખાય છે. તેની અસ્મિતા કોઈના કોઈ સ્વરૂપે ચોક્કસ પણે દ્રષ્ટ્રીગોચર થાય છે.આપણા દેશને પણ સમગ્ર વિશ્વ ગાંધીજીની ભૂમિથી ઓળખે છે, એટલે તો વિશ્વના કોઈ પણ દેશનાં મહાનુભાવો ભારતની મુલાકાતે આવે ત્યારે પોતાને મહાત્મા ગાંધીની ભૂમિપર આવવાનું સદભાગ્ય ગણે છે. આપણા દેશમાં પણ થતાં કોઈ પણ આંતર રાષ્ટ્રીય કાર્યક્રમો જેમ કે, તાજેતરમાં જી - ર૦ નું સંમેલન થયુ તેમાં પણ આપણા વડાપ્રધાનશ્રીએ સૌના સ્વાગતમાં ગાંધીજીની પ્રતિભા સાથે ઓળખ આપી હતી. તેમજ પધારેલા તમામ મહાનુભાવોને પુજય મહાત્મા ગાંધીને વંદન કરવા રાજધાટ સુધી પહોંચાડેલા હતા.ભારતના કોઈ પણ કાર્યક્રમમાં કે મુલાકાતે વિશ્વના કોઈ પણ નેતા કે મહાનુભાવો પધારે છે, ત્યારે તેમનાં કાર્યક્રમમાં રાજધાટ કે ગાંધી આશ્રમ મુલાકાતનો અચુક સમાવેશ કરે છે. ભારતનાં સર્વોચ્ચ નેતાઓ કે વડાઓને વિશ્વમાં મળતુ માન માટે તેમની કાબેલીયત ઉપરાંત મહાત્મા ગાંધીના વિચારોની છાપ તથા ગાંધીની ભૂમિના પ્રતિનિધિ તરીકે મળે છે. આજે યુધ્ધના માહોલમાં વિશ્વના તમામ દેશો સમજે છે કે વિશ્વ શાંતી માટે ગાંધી ચિંધ્યા માર્ગેજ ગયા વગર છુટકો નથી. આજ ભલે સતા વિસ્તારના આધિપત્ય માટે પોતાની તાકાતને મહત્વ આપી હિંસાત્મક વલણ ધરાવતા દેશો અંતે ગાંધીના શાંતીનો માર્ગ અપનાવે છે.
આપણા દેશમાં એક નવી પ્રથા ઉભરી આવી છે કે કોઈ પણ મહા પુરુષ કે મહાનુભાવોની જન્મ જયંતિ હોય કે નિર્વાણ દિન હોય તુંરત જ તેની આગળ પાછળ કે તેજ દિવસે તેમની સાથે ગાંધીજી સંબંધોને જોડી દે છે. ગાંધીજીને કોઈ પણ રીતે દોષિત ઠરાવવા કે નુકશાન કરતાં ચીતરવામાં આવે છે. જેમ કે સરદાર પટેલની જન્મજયંતી હોય તો ગાંધીજીએ સરદારને વડાપ્રધાન ન બનાવી દેશને મોટુ નુકશાન કર્યું છે. તે જ રીતે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી હોય તો સુભાષચંદ્ર જે સાચા આઝાદી અપાનવાર ભારતના મહાન સેનાનાયક હતા તેને પણ ગાંધીજીએ ક્રોગ્રેસ પ્રમુખમાંથી રાજીનામું દેવાની ફરજ પાડી હતી. સતત અવગણના કરી. તે જ રીતે વીર ભગતસિંહની જન્મ જયંતીએ ગાંધીજીએ તેમની ફાંસી ન રોકાવી, આ ઉપરાંત એમ પણ આક્ષોપ થાય છે કે, ગાંધીજીએ ભારતનાં ભાગલા પડાવ્યા. મુસલમાનોને પ્રોત્સાહન આપ્યુ. હિન્દુ કુંટુબોને મહત્વ ન આપ્યુ. પાકિસ્તાનને ઉપવાસ કરાવી 55 કરોડ અપાવ્યા. આવા તો કેટલાય આક્ષેપો મીડીયામાં જુદા જુદા સ્વરૂપે ફરે છે. આ આક્ષેપો કરતા લોકો ઈતિહાસ જાણતા નથી. અને આધાર વગર મનધડત રીતે મેસેજીસ મુકાય છે. તેની સામે સાચી વાત કે સચ્ચાઈ જાણનાર મૌન રહેતા હોવાથી ખોટી વાતોને સાચી માની લેવામાં આવે છે અને સચ્ચાઈનું મૌન ગાંધીજીને તો નુકશાન કરતા છે, પરંતુ સમાજ અને દેશને વધારે નુકશાન કરતા બની રહે છે.
સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિહં, ડો. આંબેડકર જેવા મહાનુભાવોની સાથે ગાંધીજીનાં સબંધોને જોડતા લોકો એ નથી જાણતા કે આ બધાજ મહાનુભાવો માટે ગાંધીજી પુજનીય અને વંદનીય રહયા છે. તે ન ભુલવું જોઈએ.
આવા આપણા રાષ્ટ્રપિતા કે જે વિશ્વ વંદનીય હોવા છતાં આજે સખેદ કહેવુ પડે છે કે આપણા જ દેશમાં વિશ્વવંદનીય વિભૂતી ગાંધીજીને અકે મોટો વર્ગ નિંદનીય બનાવી રહયો છે, આપણા જ દેશમાં સતત તેનું અવમુલ્યન તેમજ માનહાની થતી રહી છે. વિશ્વ માટે પણ જે મહાન સન્માનીય વિભૂતિ છે. તેને આપણા જ દેશમાં ડગલેને પગલે અપમાનીત થતાં જોઈએ છીએ. દેશમાં સતત જાહેરમાં ગાંધીજીનું અવમુલ્યન કરવા અને રીતસર તેમને ભાંડવા એક સિસ્ટમ ઉભી થતી જાય છે. દૂનિયામાં કોઈ દેશમાં મહાત્મા ગાંધીજીનું અવમુલ્યાન થતું નથી. તે વિશ્વવંદનીય હોવા છતાં આપણા જ દેશમાં સતત નીંદાપાત્ર બનતા જાય છે.
અરે મહાત્મા ગાંધીજી તો ઠીક પરંતુ આપણા ભારત દેશની સંસ્કૃતિ આદી અનાદી કાળથી સ્ત્રી સન્માન કે સ્ત્રી શકિતને દેવી સ્વરૂપે પૂજવામાં માને છે, તેવા આપણા જ દેશમાં ગાંધીજીની માતાનું ખુલ્લે આમ ચરિત્રહરણ થાય છે. આ ભારતની મુકત લોકશાહી અને વાણી સ્વાતંત્રયનો મળેલા અધિકારનો અનિષ્ટ ઉપયોગ છે. આપણા દેશમાં છેલ્લા કેટલા સમયથી ગાંધીજીને વગોવવાની કે તેની ભૂલો દર્શાવવાની કે આ દેશને સૌથી વધુ નુકશાન કરતાં ચીતરવાની ફેશન બનતી જાય છે. ખાસ કરીને હિન્દુ સમાજને,હિન્દુઓને નુકશાન કરતાં ગણવામાં લોકો બાકી નથી રાખતા.
આજે એ સાંભળી વાંચી કે સાંભળીને ઝણઝણાટી છુટે છે જયારે લોકો ગોડસેને ગાંધી કરતાં મહાન ચિતરી રહયો છે કે એટલે સુધી લખાય છે કે બોલાય છે કે ગોડસેએ ગાંધીજીની હત્યા ન કરી હોત તો આ દેશનું શુનું શું થઈ જાત ? સમગ્ર દેશ કદાચ મુસ્લિમ બની જાત. આ સાંભળી વાંચી આંખમાંથી આંસુ આવી જાય છે. ગોડસેનું દેશ હિતમાં કોઈ એક કાર્ય તો બતાવો. હા તેમણે એક માત્ર નિંદનીય કાર્ય ગાંધી હત્યાનું કરેલ છે. છતાં આજે ગોડસે મહાન સમજતો વર્ગ ભારતમાં અસ્તિત્વ ધરાવે છે.
ગાંધીજીની નિંદાની તમામ હદ તો આપણે વટાવી ચુકયા છીએ, કેમ કે આપણે કહીએ છીએ કે, ભારતનાં ભાગલા માટે એક માત્ર ગાંધીજી જવાબદાર છે. તેમણે જ આ ભાગલા પડાવ્યા છે, તેમણે જ મુસલમાનોને પ્રોત્સાહીત કરી બચાવી લાખો હિન્દુઓની કતલ થવા માટે એક માત્ર ગાંધીજી જવાબદાર છે. તેઓ એ જાણતા નથી કે ભારતના વિભાજનમાં સૌથી વધારે દુ:ખી કોઈ થયા હોય તો મહાત્મા ગાંધીજી હતા. મહમદઅલી ઝીણાએ પાકિસ્તાનની માંગની જીદ મનાવવા અર્થે સીધા પગલાની જાહેરાત કરી ત્યારે તેનાથી બહુ જ મોટા પાયે હિન્દુઓની કત્લેઆમ શરૂ થઈ હતી. ત્યારે સૌથી વધારે હિન્દુ કુટુંબ જયાં પીડિત હતા તે નોઆખલી વિસ્તારમાં કે જયાં હિન્દુઓની કતલ, તેમનાં ઘરબારની લૂંટ, હિન્દુ યુવતીઓના અપહરણ, બળાત્કાર,પ્રરાણે નિકાહ પઢાવવાના બનાવ રોજબરોજનાં હતા. આ સમયે આ હિન્દુ કુટુંબોને બચાવવા કે હુંફ આપવા કે રક્ષણ આપવા કોણ ગયું હતું ? એક માત્ર ગાંધીજી. એક એક હિન્દુ કુટુંબના આંસુ લુછવા અને હુફ આપવા આ એકલવીર ગાંધીજી તેમની વચ્ચે ઉધાડે પગે રખડતા હતા. ઝનુની મુસ્લિમ વસ્તી વચ્ચે જીવના જોખમે આ ભડવીર એકલો ફરતો હતો. ત્યારે આજનાં એ સમયના કહેવાતા કોઈ હિન્દુ આગેવાન ત્યાં નહોતા ગયા. આજે જેને હિન્દુ મસીહા ગણે છે તે સાવરકર અને નથુરામ ગોડસે પણ હયાત જ હતા. તો પણ તેમણે હિન્દુ કુટુંબોને બચાવવાની કોઈ કાર્યવાહી કરવાની નોંધ ઈતિહાસમાં મળતી નથી.
દેશને જયારે આઝાદી મળી ત્યારે તેનો જશ્ન સૌ દિલ્હીમાં મનાવતા હતા ત્યારે આ માણસ કલકતા બંગાળ,બિહારમાં કોમી હુતાશન ઠારવા મથતો રહયો હતો. વિચારો તો ખરા કે, ગાંધીજી જયારે દક્ષિાણ આફીકા હતા ત્યારે હિન્દી કોમના ( ભારતીય કુટુંબોના ) સર્વોચ્ચ મહાન નેતા હતા. હિન્દી કોમ માટે મસીહા હતા સૌના ''ગાંધીભાઈ'' હતા. ર૧ વર્ષ સુધી ત્યાં રહી દરેક ભારતીય કુટુંબના હદયમાં સવોચ્ચ સ્થાને બિરાજમાન હતા. તેમ છતાં પોતે આવું માન સન્માન મતરબો છોડી ભારત શું કામ આવ્યા ? શું ત્યારે ભારતમાંથી કોઈએ તેને નિમંત્રણ આપેલ હતું કે તમારા વગર આ દેશને આઝાદી નહી મળે. છતાં તે માણસ આ બધુ છોડી માત્ર માતૃભુમિની સેવા કરવા નિકળી પડેલ હતો. ગાંધીજીને કયારેય ભારતમાં આવી મહાન બનવાની લાલસા ન હતી. તેમજ સત્તા મેળવવાની કોઈ તમન્ના પણ ન હતી. જો આવો મોહ કે લાલસા હોત તો તે દક્ષિાણ આફિ્કામાં બધુ જ મેળવી ચુકયા હતા. છતાં તે બધુ છોડી માત્ર ને માત્ર પોતાની માતૃભૂમિની સેવા અર્થે વતન તરફ પગરણ માંડેલ હતા.
ગાંધીજી જયારે દક્ષિાણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે દેશમાં કોણ તેને ઓળખતું હતું ? તે સમયના મોટા ભાગના નેતાઓને (ગોખલે સિવાય ) ગાંધીજી ઉપર કે તેના સત્યાગ્રહ પર કોઈ ભરોસો કે શ્રધ્ધા ન હતી. ગાંધીજી ભારતમાં કોઈ મોટા નેતા થવા કે મહાન થવા આવેલ ન હતા. પરંતુ તેમના દિલમાં માત્રને માત્ર અંતિમ જનની સેવા જ પડેલી હતી. ગાંધીજીની માનવ ઘડતરની આવડત, સત્ય પ્રત્યેની નિષ્ઠા, સામાન્ય નાગરીકની સમસ્યા સમજવાની શકિત એે જ તેમને ભારતની આમ જનતાના હદયમાં બેસાડેલ છે. તેઓ સામાન્યમાં સામાન્ય જનનો અદભૂત વિશ્વાસ ઉભો કરી શકયા હતા અને આ જનતાના વધતા વિશ્વાસ અને શ્રધ્ધાને જોઈને જ તે સમયના નેતાઓએ ગાંધીજીનું વડપણ સ્વીકારેલ હતું. આ ગાંધીજી જેતે સમયે સામાન્ય જનના, અંતિમ જનના, માનવ ધર્મના મસીહા હતા. તે શું આપણે ભુલી જશું ?
એક વાતનો ઈતિહાસ સાક્ષી છે કે, ગાંધીજીએ સમગ્ર દેશને ઢંઢોળીને બેઠો કર્યો હતો. આ જન-જાગૃતિ અને જુવાળ શું અન્ય કોઈથી બનેલ હતો ? શું આ દેશ પ્રેમનો એવો જુવાળ અન્ય કોઈથી બનેલ હતો ? ના આ જુવાળ માત્ર મહાત્મા ગાંધીજીએ ઉભો કરેલ હતો, જે સનાતન સત્ય છે.
આ બધુ લખતા કે વિચારતા પહેલા પોતાના અંતરાત્માંને કોઈએ કયારે પૂછયુ છે ? ગાંધીજીએ આ દેશની સંસ્કૃતિને કોઈ નુકશાન કરેલ છે ? તેમના વિચારોથી કે તેના અમલથી આ દેશે કોઈ વિપરીત પરિણામ ભોગવ્યુ છે ? કે તેમણે પોતાના વિચારો કોઈ પર પરાણે લાદી દીધા હતા ? શું ગાંધીજીનું જીવન બેદલુ હતું ? તેના આચાર અને વિચાર અલગ હતા ? શું તેમણે પોતાના અંગત સ્વાર્થ માટે કયારેય કોઈ પ્રયત્ન કર્યો હતો ? શું તેને મહાન નેતા આગેવાન બનવાની તમન્ના હતી ? શું તેમણે કોઈ હોદા તખ્ત કે તાજ માટે મહેનત કરી હતી ?
જો આ પ્રશ્નના તમામ ઉતર 'ના' માં હોય તો પછી તેમને નીચા દેખાડવા કે ભાંડવા લોકો શું કામ મંડયા છે ? ઉપરોકત દરેક પ્રશ્નના સાચા દિલથી ઉતર મેળવશું કે સાચો ઈતિહાસ ઉખેડીશું તો સ્પષ્ટ થશે કે ગાંધીજી વિરલ વ્યકિતત્વ વાળી વ્યકિત કે મહાત્મા કે મહાપુરુષ જ હતા. જે માનવે જીવનભર માત્રને માત્ર છેવાડાના અંતિમજનના માટે જ પોતાનું જીવન વ્યતિત કર્યું છે. તેમણે અમીરી ગરીબીના ભેદ ભૂંસવા સતત પ્રયન્ન કરેલ છે. નાતજાત - ધર્મના વાડા દુર કરવા પોતાનું જીવન વ્યતિત જ કર્યું છે, કોમી તોફાનો સમાવવા પોતાની તમામ શકિત ખર્ચી નાખી છે. એટલું જં નહીં પરંતુ પોતાના જીવને પણ જોખમમાં મૂકેલ છે.
ગાંધીજીએે અંગ્રેજ શાસનકાળમાં આ દેશનું ભાંગીં ગયેલું કે ભાંગી નાખેલું સ્વાવલંબી ગ્રામ્યજીવન, ગ્રામસંસ્કૃતિને પુન:સ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે. પાશ્ચાત શિક્ષાણ છોડાવીને અસલ ભારતીય શિક્ષાણ પ્રણાલી સ્વવાલંબી શિક્ષાણ આપવા કે અપાવવા જ પ્રયન્ન કર્યો છે. તેમણે જીવનમાં કયારેય પોતાના વિચારો કદી પણ કોઈ પર ઠોકી બેસાડયા નથી. પોતાના જીવનની એક પણ ક્ષાણ તેમણે નકામી કે સેવા વગરની વેડફી નથી. તો પછી આ માનવ અકારો કેમ ? તેનો અભાવ શું કામ ઊભો કરાય છે ?
આજે આ જ દેશમાં એક વર્ગ સતત એક નિવેદન વહેતુ કરે છે કે ગાંધીજી ચરખાથી આઝાદી આવી નથી. ગાંધીજી એકલા એ આઝાદી અપાવી નથી. આઝાદીનો જશ ગાંધીજીને ખોટો અપાય છે. સાચા જશના અધિકારી શહિદો છે. શું ગાંધીજીના વાણી વર્તન વ્યવાહારમાં કયાંક એવુ ઉપસ્થિત કર્યું છે કે,દાવો કરેલ છે ? કે, તેમેણે જ આ દેશને આઝાદી અપાવી છે, ગાંધીજીએ કયારેય એવુ નિવેદન કરેલ છે, કે આ આઝાદી મારા કર્મનું જ ફળ છે ? - ના. તો પછી આવા નિવેદન શા માટે ?
હકીકતે ગાંધીજીએ આઝાદી અપાવી છે એવી કોઈ ચર્ચાને સ્થાન જ નથી, ભારતની આઝાદી માટે એકે એક શહીદ અને તે સમયના મહાન નેતાઓ,સત્યાગ્રહીઓ તથા તમામ ભારત વાસીના પ્રયત્નથી અને એકતાથી આઝાદી આવી છે, છતાં પણ એ આઝાદીની ચળવળ માટે ગાંધીજીએ ગુલામીથી ટેવાયેલ જનતામાં નવા પ્રાણ પુરુષ હતા. સમગ્ર ભારતની લાચાર પ્રજાને ઝંઝોળીને બેઠી કરી હતી. અને સ્વભિમાનથી જીવતા અને અહિંસાથી લડતા શીખવ્યુ હતું. ગાંધીજી પણ પહેલા એક પણ નેતા સમગ્ર દેશનાં લોકોને ઉભા કરી શકેલ નથી કે સમગ્ર દેશમાં રાષ્ટ્ર પ્રેમ ઉભો કરી શકેલ નથી, તે સનાતન સત્ય છે.
ગાંધીજી કોણ હતા, તે જાણવા કે સમજાવવા ગાંધીજીના અવસાન સમયના વિશ્વનું અવલોકન કરવાની જરૂર છે તે સમયે સમગ્ર વિશ્વના દેશો તથા માનવો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ગાંધીજીના અવસાન પછી વિશ્વમાંથી અપાયેલી શ્રધ્ધાંજલીઓ જોઈએ તો સમજાશે કે આ મહાત્મા ગાંધી કોણ હતા. આ રહી વિશ્વ માનવને અપાયેલી અમુક શ્રધ્ધાંજલીઓ સમગ્ર વિશ્વનાં મહાન માણસોએ ગાંધીજીને મહાત્મા તરીકે કે આધ્યાત્મિક પુરૂષ્ તરીકે યાદ કર્યા છે. એક પણ વ્યકિતએ કે દેશે તેમને રાજકીય પુરૂષ્ કે નેતા ગણાવ્યા ન હતા.
• ગાંધીજીના અવસાનથી મને અને રાણીને સખત આધાત લાગ્યો છે. હિંદના લોકોને અને માનવજાતિને આ ન પૂરી શકાય એવી ખોટ પડી છે, એમાં અમારી સંપૂર્ણ સહાનુભૂતિ છે. - રાજા છઠ્ઠા જ્યોર્જ
• ગાંધીજી એક મહાન હિંદી નેતા જ નહિ પણ એક આંતરરાષ્ટ્રીય નેતા હતાં. તેમની ઉપેદેશો અને કાર્યક્ષેત્રએ કરોડો મનુષ્યો ઉપર અસર ઉપજાવી હતી. હિંદમાં લોકો તેમના તરફ પૂજયભાવથી જુએ છે અને તેમનો પ્રભાવ રાજદ્વારી ક્ષોત્રમાં જ નહિ પણ આધ્યાત્મિક જગતમાં પણ જબરો હતો. એમનું જીવન અને કાર્ય એમનું સૌથી મહાન સ્મારક બની રહેશે. - પ્રેસિડેન્ટ ટુમેન (અમેરીકા)
• આજની દુનિયામાં ઈતિહાસમાં આ પૂજય પુરુષની નિરર્થક હત્યાથી વધારે અકારૂં કશુ બન્યુ નથી. સભ્યતા જો ટકી શકવાની હોય તો તેની ઉત્કાંતિમાં સૌ મનુષ્યો કાળે કરીને ગાંધીજીની માન્યતાને અખત્યાર કર્યા વગર રહી શકશે નહિ કે તકરારી મુદાઓનો ઉકેલ માટે હિંસાનો સામુદાયિક ઉપયોગ એ તત્વત: ખોટો છે એટલું જ નહિ પણ તે પોતાની અંદર આત્મનાશનાં બીજ ધરાવતો હોય છે. ગાંધીજી એવા પયગંબરોમાંના એક હતા કે તેઓ પોતાના જમાનાથી ધણા આગળ વધેલા હોય છે. - જનરલ મેક આર્થર (જાપાન)
• મહાત્મા ગાંધીના અવસાનના ખબર સાંભળી મારી સરકાર અને મને ભારે આધાત લાગ્યો છે. તેમના જવાથી હિંદે એક પ્રેરણાદાયક નેતા ગુમાવ્યો છે કે દુનિયાએ એક મહાન શાંતિનો ગુરુ ગુમાવ્યો છે. - વાંગ શી-ચી (પ્રદેશમંત્રી,ચીન)
• આપણા સમયના એક સૌથી વધુ શોકજનક સમાચાર દુનિયાએ આજે સાંભળ્યા છે. હજી તો થોડા દિવસ પૂર્વે જેણે સદભાવ અને ત્યાગ તે ધિકકાર અને મહાત્વાકાંક્ષાને જીતી શકે એમ દાખવ્યું હતું તે, એક ગાંડા માણસના પ્રહારથી, આપણને છોડી ગયા છે. તેમના પોતાના માણસો જ નહિ પણ જેઓ બંધુતાની લાગણીની શકયતામાં માને છે તે સૌ એમની પાછળ શોક કરશે. ગાંધીજીએ જાતિ અને ધર્મના ભેદભાવ વગર આખી માનવજાતિ પ્રત્યેના પ્રેમની દઢતા અને નિષ્ઠાભરી શોધનું દષ્ટાંત પૂરૂં પાડયું છે. જે હિંસાનો એ હંમેશાં સામનો કરતા હતા. તેનો જ ભોગ બનેલા આ મહા પુરુષના મૃતદેહ આગળ આજ રાતે આખું ફ્રાંસ ઊભું છે. એમનું બલિદાન એમના જીવન,કાર્ય અને પ્રકાશ તે માનવજાતિને સદાકાળ ટકે એવી બક્ષિસ છે. - મો.બિદો.(વિદેશમંત્રી,ફ્રાંસ)
• મેં કદી ગાંધીજીને જોયા નથી, તેમની ભાષા પણ મને આવડતી નથી, તેમના દેશમાં મેં કદી પગ મુકયો નથી અને તેમ છતા મેં મારૂ પોતાનુંજ કોઇ સ્વજન ગુમાવ્યું હોય એટલો શોક મને થાય છે. આ અસાધારણ માનવીના મૃત્યુથી આખી દુનીયા શોકમાં ગરકાવ થઇ ગયેલ છે. - મો. લીઓં બ્લુમ(માજી વડાપ્રધાન, ફ્રાંસ)
• ઓસ્ટ્રેલિયાના લોકો અને સરકારે ગાંધીજીના કરુણ અવસાનના સમાચાર ઘણા જ આઘાત અને શોક સાથે સાંભળ્યા. ગાંધીજી ઓસ્ટ્રેલિયામાં માનવતાના ઉપાસક અને શાંતિ ભર્યા માર્ગે માટે હંમેશા યાદ રહેશે. અમે હિંદી સરકાર અને લોકો તરફ પુરેપુરી સહાનુંભુતિ દર્શાવીએ છીએ. -જોસફ ચીફલી(વડા પ્રધાન, ઓસ્ટ્રેલિયા)
• માનવતા સામે ભયંકરમાં ભયંકર ગુનો કરવામાં આવ્યો છે.દુનિયાએ એક મહાન પુરૂષ્ ગુમાવ્યો છે. - આઝમ પાશા(મંત્રી,આરબ લીગ)
• ગાંધીજીની ખોટ અમારી પોતાની હોય એટલું અમને દુ:ખ થાય છે. - ડો.મહમદ હાટા(ઉપપ્રમુખ,ઈન્ડોનેશિયન રિપબ્લિક )
• હિંદમાંથી આવેલ ભયાનક સમાચાર સાંભળી બ્રહ્મદેશની સરકાર અને પ્રજાને ધણો જ આધાત થયો છે. ગાંધીજીના મુત્યુને અત્રે બ્રહ્મદેશની પણ એક ખોટ ગણવામાં આવે છે, અને આજે બ્રહ્મદેશને માટે પણ એક શોકદિન છે. બધી ઓફીસો અને શાળાઓ બંધ છે.આપણી સમાન શોકની પળે બ્રહ્મદેશ હિંદના આ મહાન સંત અને નેતાની ન પૂરી શકાય એવી ખોટ તરફ સંપૂર્ણ સહાનુંભૂતિ દર્શાવે છે. - થાકીન નુ (વડા પ્રધાન,બ્રહ્મદેશ)
• પોતાની પ્રજાનો નેતા-જેને બહારની કોઈ પણ સતાનો સહારો નથી, રાજપુરૂષ્ જેની સફળતા ખટપટ કે આયોજનિક યુકિતઓ પરના પ્રભુત્વ પર નહિ પણ કેવળ પોતાના વ્યકિતત્વની સામાને સમજાવી લેતી શકિત ઉપર અવલંબે છે. વિજયી યોધ્ધો-જેણે હંમેશા હિંસાના ઉપયોગને ધુત્કારી કાઢયો છે, પ્રજ્ઞા અને નમ્રતાની મૂર્તિ જે દ્રઢ સંકલ્પ અને અદમ્ય સંગતતાથી સુસજજ છે, જેણે પોતાની પ્રજાને ઉદ્ઘારવામાં અને એમની દશા સુધારવામાં પોતાની સમગ્ર શકિત સમર્પી છે, એક માણસ-જેણે એક સામાન્ય મનુષ્યના ગૌરવ વડે યુરોપની પાશવતાનો સામનો કર્યો છે અને એ રીતે સર્વદા જે ઉત્તરોત્તર ઉંચે ચડયો છે. સંભવ છે કે આવતી પેઢીઓ ભાગ્યેજ એ વાત માનશે કે આવો માણસ ખરેખર જીવતા-જાગતા સ્વરૂપે આ ભૂતલ ઉપર વિચાર્યો હતો. - આઈન્સ્ટાઈન
• ગાંધીજીએ એક આખી પ્રજાને ટટાર ઊભી રહેતી કરી અને તેના વચને એ પ્રજા ટટાર ઊભી. ગાંધીજી જડતત્વ પર આત્મતત્વના વિજયના હિંસા પર હિંમતના, અને અન્યાય પર ન્યાયના વિજયની પ્રતિનિધિ હતા. હિંદમાં બિ્રટિશ શાસનની રૂઢ પ્રણાલી ચાલુ રહે એ એમણે તદન અશકય બનાવી દીધુ. આ એમનો નાનો સુનો વિજય નથી. ઈતિહાસની અદાલતમાં હિંદી પ્રજાને નામે તેઓ એક ફરિયાદી તરીકે ઊભા રહ્યા અને જયારે એમણે એમની દલીલો પૂરી કરી ત્યારે બીજો કોઈ ચુકાદો શકય નહોતો: સ્વાતંત્રય એજ ચુકાદો હતો. - પ્રો.હેરોલ્ડ લાસ્કી
• અમારે મન ગાંધીજી તે પોતે જેને સાચું માને તેને માટે ઊભા રહેનાર બહાદુર પુરુષોમાંના એક હતા. પૃથ્વી પરના રડયા ખડયા સંતોમાંના એક હતા. અમે હિંદ માટે ગૌરવ અનુભવીએ છીએ કે ગાંધીજી તેનાં સંતાનો માંના એક હતા, અને અમને હિંદ માટે દયા ઉપજે છે, કે હિંદનાં સંતાને એમને ઠાર કર્યા ગાંધીજીના મૃત્યુની સંજ્ઞા સાથે સરખાવી શકાય એવો ઈશુના કૃષા-આરોહણ સિવાય કોઈ પ્રસંગ નથી. પોતાના જાતભાઈને હાથે નીપેજલું ગાંધીજીનું મૃત્યુ એ બીજુ કૃષારોહણ છે. - શ્રીમતી પર્લ બક
• ગૌતમ બુધ્ધ પછીના તે સૌથી મહાન હિંદી અને ઈશુ પછીના દુનિયાના સૌથી મહાન પુરુષ હતા. - ડો. હોમ્સ
• ખુદ મોત સુદ્ઘાં ગાંધીજીના આત્માને કદી પણ અભિભૂત કરી શકે એમ નથી. તેઓ મુકતાત્મા છે. મને કોઈ ગળુ દબાવીને ગુગળાવે તો હું મદદ માટે ચીસ પાડી ઊઠું પણ ગાંધીજીને કોઈ ગુંગળાવે તો મારી ખાતરી છે કે તેઓ ચીસ ન પાડે ગળુ દબાવનારની સામે તેઓ હસે અને મરવાનું જ આવે તો હસતે મોઢે પ્રાણ છોડે તેમના સ્વભાવની સરળતા બાળકના જેવી છે. તેમની સત્યનિષ્ઠા અડગ છે. માનવજાતિ પ્રત્યેનો તેમનો પ્રેમ અભાવરૂપ નહિ, પણ ભાવાત્મક છે,ને આકમણશીલ છે. જેને ઈશુ ખિ્રસ્તની ભાવના કહેવામાં આવે છે. તે તેમનામાં છે, પૂર્વના આત્માને પ્રગટ થવા માટે ગાંધીજી એક સુયોગ્ય પ્રતીકરૂપે મળી ગયા છે, કેમ કે તેઓ અતિશય બુલંદ વાણીમાં સિધ્ધ કરી રહ્યા છે કે મનુષ્યમાં સારભૂત વસ્તુ તે તેનો આત્મા છે. - રવીન્દ્વનાથ ઠાકુર
• ગાંધીજી ઉપર થયેલા આ પ્રાણધાતક હુમલાથી મને શબ્દ દ્વારા ન વર્ણવી શકાય એવો આધાત થયો છે. બિલકુલ ન માની શકાય અને કલ્પી પણ ન શકાય એવી વાત બની છે. આ યુગની આવી નિર્મળ,ઉન્નત અને આદર્શરૂપ વ્યકિતએ એક પાગલને હાથે પ્રાણ ખોયા, એ ઉપરથી એટલું જ સિધ્ધ થાય છે કે સોકેટિસ ઈશુ ખિ્રસ્તના જમાનાથી આપણે ઝાઝા આગળ વધ્યા નથી. સોકેટિસને ઝેર પીવું પડયું હતું અને ઈશુને ક્રૂસે ચડવું પડયું હતું. મહાત્મા ગાંધી આજે આ દુનિયામાં નથી. તેમનો દેહ નાશ પામ્યો છે. પરંતુ તેમનામાં જે સત્ય અને પ્રેમનો દેવી પ્રકાશ ઝળહળતો હતો. તેને બુઝાવી લઈ શકાય એમ નથી. મહાપુરુષને માટે આ પૃથ્વી કયારે નિરાપદ બનશે ? હિંદ અને પાકિસ્તાન તથા આખી દુનિયા આજે એ પાઠ શીખે કે હિંસા,નિષ્ઠુરતા અને અવ્યવસ્થાને ટાળવાં હોય તો ગાંધીએ ચીંધેલા માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ નથી. - સર્વપલ્લી રાધાકૃષ્ણન
• હિંદના સ્વાતત્ર્યનો સંગ્રાહમ એટલે ગાંધીજીનું સમસ્ત જીવન ચરીત્ર.મારુ પોતાનું જીવન ગાંધીજી સાથે ગાઢ રીતે સંકળાયેલું હતું.ગાંધીજી હિંદમાં જન્મ્યા ન હોત તો કેવુ સ્વરૂપ લેત એ કહેવુ મુશ્કેલ છે. ગાંધીજી હિંદમાં જન્મ્યા ન હોત તો હિંદને કદાચ અત્યાર સુધી આઝાદી મળી જ ન હોત. એે સત્યનો ફીરસ્તો પગલે પગલે હિંદની પ્રજાને આઝાદીની મંઝીંલ ભણી દોરી ગયો, અને કૂચ પુરી થઈ કે તરત જ આપણામાંના એક એક તેમનો જાન લીધો ¦ ગાંધીજી જેવી વિભૂતિનું ખૂન કરી શકાય તો પછી દેશમાં બીજા ભંયકર બનાવોની ધારણા કેમ ન રાખી શકાય. -સરદાર વલ્લભભભાઈ પટેલ
• પ્રકાશ આ દુનિયામાંથી અલોપ થયો છે. મધ કરતાંયે મીઠો અવાજ હવે હંમેશને માટે શાંત પડયો છે. એક બુદ્ધિહીન પાગલે આપણી સહુથી મુલ્યવાન વસ્તુ આપણી પાસેથી ઝુંટવી લીધી છે. ઈશ્વર આ ભયાનક દુ:ખના સમયે હિંદને સહાય કરો. - ચક્રવર્તી રાજગોપાલાચારી
• આ અંધકાર ભર્યા દિવસોમાં આપણને મદદ કરી શકે તેવા તેઓજ એક માત્ર પ્રકાશનું કિરણ હતા. હું આશા રાખું છું કે પ્રેમ,સત્ય અને અહિંસાની તેમની ભાવના આપણને દોરશે. - ખાન અબ્દુલ ગફારખાન
• આ કરૂણ બનાવથી હું તો આભોજ બની ગયો છું. હિંદી એકતા ખાતર સૌથી ઉમદા, સૌથી મહાન નેતા અને રાષ્ટ્રપિતાએ પોતાની જાતની કુરબાની આપી છે. - સર તેજબહાદુ સપૂ્ર
• આપણા દેશ અને સમગ્ર જગતને પ્રકાશિત કરનાર જયોત બુઝાઈ ગઈ છે. ખૂનીની ગોળીએ મહાત્માના શરીરનેજ નહિ,પણ હિદુંધર્મના હૃદયને જ વીંધી નાખ્યુ છે. - ડો. શ્યામપ્રસાદ મુખર્જી
• દુનિયાભરમાંથી જે અંજલિયો બાપુને મળી તેવી આજ સુધીનાં કોઈ પણ મહાપુરુષ તેમના જીવનકાળ દરમિયાન કે દેહાંત પછી તુરત મળી નથી. કેટલાયને એ અનાથના નાથ જેવા હતા. કેટલાને બાપુ એકજ શરીરે મા અને બાપ બન્ને હતા. બાપુના સ્નેહીજનો પોતાની ખરી શાંતિ બાપુ પાછળ ઝૂરીઝૂરીને જીવન પુરૂં કરવામાં ન માની શકે તથા એમની પૂજા આરતી કરવા-વધારવામાં પણ ન માની શકે પણ બાપુની જેમ જ કોઈને કોઈ દુ:ખગ્રસ્ત જીવને છાતીએ વળગાડી, પીડાયેલાંના મિત્ર બની, ન્યાય અને સત્ય માટે એકલે હાથે પણ સત્ય-અહિંસાપૂર્વક ઝઝૂમી,પોતાનું જીવન ગાળીને મેળવી શકે. હવે આપણે કોઈએ શોકના સંગ્રહનેજ ધર્મ કરી ન મૂકવો અને ખેદનો નિશ્વાસ નાખવો એજ કાર્યકમ ન થવા દેવો. પણ સૌએ બાપુનાં પ્રજાવિધાયાક જનસેવાનાં કામો પર ચડી જવું.
- કિશોરલાલ મશરૂવાળા, (સંદર્ભ ગાંધી સ્મારક ગ્રંથ )
સમગ્ર દુનિયામાંથી આવેલી આ શ્રધ્ધાંજલીઓ સ્વયંભુ હતી, દિલથી અપાયેલી હતી,કેમ કે તે વિશ્વ પ્રસિધ્ધ મહાન પુરુષ હતાં. ચાલો આપણે ગાંધી નિર્વાણ દિને મહાત્મા ગાંધીજીને સાચી શ્રધ્ધાંજલી આપવા પ્રયત્ન કરીએ. આપણે આ દિવસે પ્રતિજ્ઞા લઈએ કે મહાત્મા ગાંધીજી તે માત્ર મહાત્મા જ નથી પરંતુ આપણા રાષ્ટ્રપિતા જ છે. તેને વગોવતી કે વખોડતી કોઈ પણ વાત સ્વીકારીશું નહી. આવી કોઈ પણ પોસ્ટ કે મેસેજ કે લેખ અમે વાંચી શું નહી કે ફેલાવશુ નહી. ગાંધીજીની મહાનતામાં અમને કોઈ શક નથી. તેથી તેની મહાનતા ઓછી થાય તેવું કોઈ પણ કૃત્ય કરીશું નહી. આવી આજ રોજ પ્રતિજ્ઞા લઈને પુજય બાપુને સાચી શ્રધ્ધાંજલી આપીએ. ચાલો આપણે સૌ આપણા લોક પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, તમામને અપીલ કરીએ કે સરકાર કક્ષાએ પણ જેમ સુભાષચંદ્ર બોઝે, સૌ પ્રથમ રાષ્ટ્રપિતા તરીકે સંબોધન કરેલ છે, તેજ રીતે સરકાર કક્ષાએથી પણ સત્તાવાર રીતે રાષ્ટ્રપિતાનું બિરુદ આપવામાં આવે તેમજ રાષ્ટ્રપિતા વિરૂધ્ધની કોઈ પણ ટીપણી નિંદા એ રાષ્ટ્ર વિરૂધ્ધની ટીપણી કે નિંદા ગણાશે. વાણી સ્વાતંત્રયના મળેલ અધિકારમાં રાષ્ટ્રપિતાની નિંદા કરવાનો અધિકાર બનતો નથી. આવો નિર્ણય આપણે કરાવી શકીએ. ત્યારે જ આઝાદીનો અમૃતકાળ અને મહાત્મા ગાંધીના ૭પ માં નિર્વાણ દિને સાચી શ્રધ્ધાંજલી અપાયેલી ગણાશે.
લેખકનો પરિચય : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ડૉ ઉષાબેન મહેતા, મણીભુવન-મુંબઈ તથા ડૉ રમણભાઈ મોદી (વર્ધા)ના માર્ગદર્શન હેઠળ ગાંધી વિચાર ઉપર Ph.D કરનારા મુળ સરદારગઢ તા.માણાવદરના અને હાલ જુનાગઢમાં વસતા ડૉ ચત્રભુજભાઇ ભગવાનજીભાઈ રાજપરાએ B.Sc (Agri) કરેલું છે. તેઓએ ગુજરાત વિદ્યાપીઠમાંથી M.A. (ગાંધી વિચાર) કરેલું છે. 1977 થી 2014 સુધી વિસ્તરણ અધિકારી(ખેતી)થી તાલુકા વિકાસ અધિકારી અને છેલ્લે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુધીના પદ સુધી રહીને ગાંધી વિચારને અનુરૂપ જીવન ઘડેલ છે. ડૉ. રાજપરા આજીવન ખાદીધારી ગાંધી વિચારક રહ્યા છે. તેમણે 'અહિંસક ક્રાન્તિકારી ગાંધી અને વિનોબા' પુસ્તક અને 'માનવમાંથી મહાત્માની સફર' પુસ્તિકા પણ લખેલી છે.