પોખરણના પરમાણુ પરીક્ષણથી જ રોપાઈ ગયા હતા યુદ્ધના બીજ, કારગિલ યુદ્ધની કહાની બ્રિગેડિયર બડોલાની જુબાની...

'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા જાણો કારગિલમાં પાક. સામે થયેલા જંગની સત્ય ઘટનાઓ ઉપર આધારિત યુદ્ધની રોમાંચક વાતો

પોખરણના પરમાણુ પરીક્ષણથી જ રોપાઈ ગયા હતા યુદ્ધના બીજ, કારગિલ યુદ્ધની કહાની બ્રિગેડિયર બડોલાની જુબાની...

Jayesh Shah (Web News Duniya) (ભાગ-1) : કારગિલ ! શબ્દ કાને પડતા જ આપણી નજર સમક્ષ 23 વર્ષ પહેલા કાશ્મીરના કારગિલ જિલ્લાની દુર્ગમ પહાડીઓ ઉપર ખેલાયેલા કારગિલ યુદ્ધની યાદો તાજા થઈ જાય છે. પાકિસ્તાન સામે થયેલી આ જીત અંગે દેશ 26મી જુલાઈ, મંગવારે 23મોં કારગિલ વિજય દિવસ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે 'વેબ ન્યૂઝ દુનિયા' તેના વાચકો માટે કારગિલ યુદ્ધની કેટલીક એવી દિલધડક કહાની લઈને આવી રહ્યું છે, જે સત્ય ઘટના ઉપર આધારિત છે.  કારગિલ યુદ્ધ ઉપર આમ તો હિન્દી ફિલ્મોથી માંડીને પુસ્તક સહીત સોસીયલ મીડિયામાં ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે. પરંતુ 'વેબ ન્યૂઝ દુનિયા' તેના વાચકો માટે એવી વ્યક્તિની આંખો દેખી જુબાની દ્વારા જંગની વાતો કરવા જઈ રહ્યું છે. જે માત્ર કારગિલમાં જ નહિ પરંતુ ગુજરાતના સૌથી મોટા જિલ્લા અને પાકિસ્તાન સાથે લાંબી સરહદ ધરાવતા કચ્છની બોર્ડરનું પણ રખોપુ કરી ચુક્યા છે. હાલ દહેરાદૂનમાં રહેતા અને થોડા વર્ષ પહેલા કચ્છમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં DIG તરીકે ફરજ બજાવી ચૂકેલા બ્રિગેડિયર ડી.કે.બડોલા જયારે ઇન્ડિયન આર્મીમાં હતા ત્યારે તેમને પાકિસ્તાન સામે કારગીલમાં જંગ લડવાનો મોકો મળ્યો હતો. કારગિલ વોરના દોઢેક મહિના પહેલા જ પંજાબથી કાશ્મીર શિફ્ટ થયેલી સેકન્ડ નાગા બટાલિયનના તેઓ કમાન્ડિંગ ઓફિસર(CO) હતા. કર્નલ દિનેશ બડોલાને જયારે યુનિટ સાથે પંજાબથી કાશ્મીર જવાનો હુકમ મળ્યો હતો ત્યારે તેમણે સ્વપ્નેય નહોતું વિચાર્યું કે તેઓ ભારતના એક એવા ઇતિહાસના સાક્ષી થવા જઈ રહ્યા છે જેને ભારતીયો ગર્વપૂર્વક યાદ રાખશે. પરમવીર ચક્ર વિજેતા એવા 'યે દિલ માંગે મોર' ફેમ કેપ્ટન વિક્રમ બત્રાને તેમની શહાદતનાં થોડા દિવસ પહેલા જયારે મસ્કો વેલીમાં મળ્યા હતા ત્યારે કર્નલ બડોલાને કલ્પના પણ નહોતી કે, થોડા દિવસમાં જ આ જાબાંઝ કેપ્ટન દેશની રક્ષા કરતા તેમનો જીવ ગુમાવશે. 

આમ જોવા જઈએ તો ભારતે જયારે અટલ બિહારી વાજપેયીની સરકારના નેતૃત્વમાં પોખરણમાં બીજી વખત પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધનાં બીજ રોપાઈ ગયા હતા. આથી પાકિસ્તાની સેના ભારતને તેનો જવાબ આપવા માંગતી હતી. પરંતુ પત્યક્ષ યુદ્ધમાં ભારત સામે તેનો મમરો પણ આવે તેમ ન હતું. આથી ભૂતકાળની જેમ કારગીલમાં પણ તેમણે ચાલ રમી. શિમલા સમજોતા પ્રમાણે કાશ્મીરથી લેહ સુધીના હિમાલયની પર્વતમાળામાં બર્ફીલા વાતાવરમાં ટોચ ઉપર ચોકીઓ આવેલી હોય છે. આ લાઈનને LoC એટલે કે લાઈન ઓફ કંટ્રોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચોકીઓ ઉપરથી સર્દીઓના મોસમમાં બંને દેશની સેના પોતપોતાના દેશમાં પાછળ ખસી જવાનું હતું. પરંતુ જેવા ઇન્ડિયન આર્મીના જવાનો ભારત તરફ નીચે પાછા આવ્યા કે પાકિસ્તાની ઘૂસણખોરોના સ્વાંગમાં પાક સેનાએ ભારતીય બંકરો ઉપર કબ્જો જમાવી દીધો હતો. ભારતીય સેનાના ઇતિહાસમાં ઓપરેશન વિજયના નામે ઓળખાતા કારગિલ યુદ્ધમાં આપણાં 500થી વધુ જવાન-અધિકારીઓ શહીદ થયા હતા અને સામે આપણે ચાર હજારથી વધુ નાપાક સૈનિકોનો ખાત્મો બોલાવ્યો હતો. આ સિવાય લાખો કરોડો રૂપિયાનો દારૂગોળો,શસ્ત્રો અને હેલીકૉપટર, તોપ  વગેરે સાધનોનું નુકશાન થયું તે અલગ. અત્યાર સુધી દુનિયામાં ઊંચાઈ ઉપર ક્ષેત્રોમાં લડાઈઓ થઈ તે પૈકીની એક કારગિલ લડાઈને માનવામાં આવે છે. પરંપરાગત યુદ્ધ ઉપરાંત અનેક નવી રીત અને ટેક્નોલાજી સાથે લડવામાં આવેલા આ યુદ્ધને પગલે એક દેશ તરીકે આપણે સબક લીધો તે ઉપરાંત ઇન્ડિયન આર્મી, એરફોર્સ અને નેવી માટે પણ નવો અલગ કહી શકાય તેવો અનુભવ હતો. આવા જ કેટલાક અનુભવ, આર્મીની કામ કરવાની પદ્ધતિ, યુદ્ધ વખતે કેવી સ્થિતિ હોય છે. તે આર્મીના બ્રિગેડિયર રેન્કના સિનિયર ઓફિસર દ્વારા કહેવામાં આવેલી વાતોને વાચકોને રસ પડે તેવી શૈલીમાં રજુ કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે.  

(પાકિસ્તાનીઓ સામે યુદ્ધ થાય તે પહેલા જ કર્નલ બડોલાની સર્ચ પાર્ટીએ શ્રીનગરમાંથી પકડ્યો હતો આંતંકી ઝરગરને, હવે પછીના ભાગમાં વાંચો કોણ હતો એ ઝરગર)