Jignesh Mevanai Impact Gujarat Kutch Liquor Points Close : જીગ્નેશ મેવાણીની અસર, બુટલેગરો દ્વારા કચ્છ સહિત રાજ્યભરમાં કાર્યરત દારૂના પોઈન્ટ પર ત્રણ દિવસ 'ડ્રાય ડે'

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્યભરમાં ચાલતા દારૂ - ડ્રગ્સના પોઇન્ટના વિડીયો અને ફોટા પાડી લેવાની લોકોને અપીલ કરતા 'ગેરકાયદે ધંધો' કરનારાઓએ સાવચેતીના ભાગરૂપે અડ્ડા બંધ કરી દીધા

Jignesh Mevanai Impact Gujarat Kutch Liquor Points Close : જીગ્નેશ મેવાણીની અસર, બુટલેગરો દ્વારા કચ્છ સહિત રાજ્યભરમાં કાર્યરત દારૂના પોઈન્ટ પર ત્રણ દિવસ  'ડ્રાય ડે'

(પ્રતિકાત્મક તસવીર )

WND Network.Bhuj (Kutch) : ગુજરાતમાં દારૂ - ડ્રગ્સ અને જુગારના ગેરકાયદે અડ્ડાઓ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આકરા પાણીએ છે. MLA મેવાણીએ ગુજરાતના લોકોને અપીલ કરી છે કે, તેમને જયાં પણ દારૂ - જુગાર કે ડ્રગ્સ વેચાતું જોવા મળે તો તેનો વિડીયો ઉતારી લેવો અને ફોટા પાડી લેવા. મેવાણીની આવી જાહેરાતને પગલે કચ્છ સહીત રાજ્યભરમાં ચાલતા ગેરકાયદે દારૂના પોઇન્ટને આજે સોમવારથી ત્રણ દિવસ માટે બંધ રાખી દીધા છે. જેને પગલે જીગ્નેશ મેવાણીની ચીમકીને લીધે જાણે કે, બુટલેગરો દ્વારા ત્રણ દિવસ માટે 'ડ્રાય ડે' જાહેર કરવામાં આવ્યો હો તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સતત ધમધમતા પોઇન્ટ ઉપર બોટલ લેવા માટે આવતા-જતા લોકોની ભીડ અચાનક ઓછી થઇ જતા લોકો પણ આશ્ચ્ર્યચકિત થઈ ગયા છે.  

દારૂ જુગારના અડ્ડાઓ તેમજ ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પટ્ટા ઉતરાવી લેવાની વડગામના MLA જીગ્નેશ મેવાણીની વાતથી છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતનું રાજકારણ ગરમ બનેલું છે. સરકાર અને નિવૃત્ત પોલીસ, કથિત પોલીસ પરિવાર અને મેવાણી તેમજ તેમના સમર્થકો વચ્ચે ગુજરાતમાં આક્ષેપ - પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. દરમિયાન મેવાણીએ ખુલ્લેઆમ ચાલતા દારૂના પોઇન્ટના ફોટા - વિડીયો ઉતારી લેવાની લોકોને અપીલ કરી હતી. આવો કોઈ વિડીયો કે ફોટા વાયરલ થાય તો ગુજરાતમાં બેફામ ચાલતા દારૂના અડ્ડા અંગેના આક્ષેપને બળ મળે અને સરકારનું ખરાબ લાગે. માટે આવી રાજ્યની ભાજપ સાશિત સરકાર અને પોલીસ શરમજનક સ્થિતિમાં ન મુકાય તેની તકેદારીના ભાગરૂપે બુટલેગરોએ જ વચલો રસ્તો કાઢીને સોમવારથી ત્રણ દિવસ સુધી પોઇન્ટ બંધ કરી દીધા છે. 

સામાન્ય રીતે ગાંધી બાપુના જન્મ દિવસે, પંદરમી ઓગસ્ટ, ગણતંત્ર દિવસે તેમજ ચૂંટણી દરમિયાન ગુજરાત જેવા ડ્રાય સ્ટેટ સહીત જયાં દારૂ વેચવાની અને પીવાની છૂટ છે ત્યાં ડ્રાય ડે જાહેર કરવામાં આવતો હોય છે. એ દિવસો દરમિયાન લિકર શોપમાંથી દારૂ મળતો નથી. પરંતુ બુટલેગરો દ્વારા સ્વયંભૂ ત્રણ દિવસ પોઇન્ટ બંધ કરી દેતા 'ડ્રાય ડે' જેવો માહોલ જોવા મળ્યો હતો. 

જયાંથી થોડા દિવસ પહેલા જ ત્રણ કરોડનો કન્ટેનરમાં આવેલો શરાબના જથ્થાને SMC દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે તે સરહદી જિલ્લા કચ્છમાં ભુજ તેમજ તેની આસપાસના માધાપર સહિતના વિસ્તારોમાં ચાલતા દારૂના પોઇન્ટ રવિવાર રાતથી જ બંધ કરી દેવામાં આવ્યા હતા. ભુજમાં પાંચેક જગ્યાએ તેમજ માધાપરમાં પણ અમુક જગ્યાએ વહેલી સવારના ત્રણ વાગ્યા સુધી પોઇન્ટ ધમધમતા હતા. બુટલેગર દ્વારા પેમન્ટ પણ ઓનલાઇન લેવામાં આવતું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ ભુજ સહીત કચ્છમાં કઈ જગ્યાએ કયા બુટલેગરનો અડ્ડો ચાલે છે તેનું એક લિસ્ટ પણ વાયરલ થયું હતું.

સેક્શનનો હપ્તો દેવાના દિવસોમાં દારૂના પોઇન્ટ બંધ કરી દેવાથી બુટલેગરોને પણ ફાયદો : ગુજરાતમાં ગેરકાયદે ચાલતા દારૂના અડ્ડા અને તેને માટે ચુકવામાં આવતું કરોડો રૂપિયાનું સેક્શન કાગળ ઉપર એટલે કે સત્તાવાર નથી. પરંતુ સૂત્રો અને ખુદ પોલીસ બેડાના લોકોએ બીક ને લીધે નામ ન આપવાની શરતે કહ્યું કે, સામાન્ય રીતે સેક્શન રૂપિયાની ચુકવણી દર મહિનાની પહેલીથી પાંચ તારીખ સુધી કરવાની હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે, સેક્શનના રૂપિયા આપ્યાના ગણતરીના દિવસોમાં જ વિવાદ થતા કે પ્રામાણિક ઓફિસર આવતા ધંધા બંધ કરાવી દેવામાં આવતા હોય છે. આવી પરિસ્થિતિમાં સેક્શન આપનારને નુકશાન થતું હોય છે. પરંતુ જીગ્નેશ મેવાણીની ચીમકી મહિનાની આખરમાં આવતા બુટલેગરોને પણ ફાયદો થયો છે.