હે સરકાર, દર વર્ષે નિમણુંક પત્ર આપો છો છતાં પોલીસની આટલી બધી જગ્યા ખાલી ? જે સવાલ વિધાનસભામાં થવો જોઈએ તે હાઇકોર્ટમાં આવ્યો...

દર વર્ષે ભરતી કરવા છતાં ગુજરાત પોલીસમાં હજુ 21 ટકાથી વધુ એટલે કે 27 હજારથી વધુ જગ્યા ભરવાની બાકી !

હે સરકાર, દર વર્ષે નિમણુંક પત્ર આપો છો છતાં પોલીસની આટલી બધી જગ્યા ખાલી ?  જે સવાલ વિધાનસભામાં થવો જોઈએ તે હાઇકોર્ટમાં આવ્યો...

WND Network.Ahmedabad : ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી કરવામાં આવે છે. અને સફળ થયેલા ઉમેદવારોને નિમણુંક પત્ર આપતા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. છતાં તમને એ જાણીને નવાઈ લાગશે કે, બે દાયકાથી વધુ સત્તામાં હોવા છતાં શાસક પક્ષ ભાજપ પોલીસની પુરેપુરી ભરતી કરવામાં હજુ કાચો પડ્યો છે. અને આ વાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ખબર પડી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો PILની સુનાવણી દરમિયાન ખુદ ગુજરાત સરકારે આ વાત કબુલી છે કે, હજુ પણ પોલીસ વિભાગમાં 21.3 ટકા એટલે કે 27 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. જે મુદ્દો અથવા સવાલ વિધાનસભામાં ઉઠવો જોઈએ તે હવે કોર્ટમાં આવ્યો ત્યારે ગૃહ વિભાગની આ ખાલી જગ્યાઓ અંગે ખબર પડી છે.   

પોલીસની વિશાળ કામગીરીને લઈને સર્વોચ્ચ ન્યાયાલય ગંભીર છે. અને આ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ પણ આપવામાં આવેલા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં ગૃહ વિભાગ અંતર્ગત આવતી પોલીસની ખાલી જગ્યાઓ અંગે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકારે કબલ્યું છે કે, પોલીસમાં કુલ 1,24,359 જગ્યાઓ મંજુર થયેલી છે. જેમાં હજુ પણ 21.3 ટકા એટલે કે 27,269 જગ્યાઓ ભરવાની બાકી છે. 

ગુજરાત સરકારના આ જવાબથી એટલા માટે નવાઈ લાગે છે કે, દર વર્ષે નિમણુંક પત્ર આપવાના મોટા મોટા કાર્યક્રમો કરવા છતાં આટલી બધી જગ્યાઓ કેમ હજુ ખાલી છે ? બે દાયકાથી વધુ એક હથ્થુ સત્તા ભોગવતા ભાજપને પોલીસની ભરતી કરતા કોણ રોકી રહ્યું છે ? 

દર વર્ષે 1500ની ભરતી કરી હોત તો પણ બધી જગ્યા ભરાઈ જતી : ગુજરાત કોર્ટમાં રાજ્ય સરકારે કબુલ્યું છે કે, ગૃહ વિભાગ હસ્તકની પોલીસની 27 હજારથી વધુ પોસ્ટ ભરાવની બાકી છે. બે દશકથી રાજ્યમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા ઉપર રહેલા ભાજપ જો ધારતો તો દર વર્ષે 1500 બેરોજગાર યુવાનોને ભરતી કરીને પણ આ ખાલી મહેકમ ભરી શક્યો હોત. પરંતુ એવું થયું નથી.