Harsh Sanghvi Kutch Visit : મિસ્ટર હોમ મિનિસ્ટર, તમે સાચે કચ્છના લોકોને મળશો કે પછી તમે પણ DGPની જેમ ઢોંગ કરશો ? જાણો આવું કોણે અને કેમ કહ્યું
13 દિવસ પહેલા DGP એ પણ કચ્છની મુલાકાત દરમિયાન લોક દરબારની યોજ્યો હતો પરંતુ સમયના અભાવે કચ્છના અંતરિયાળ વિસ્તારોમાંથી આવેલા લોકોને મળી શક્યા ન હતા એટલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખે ટોણો માર્યો

WND Network.Bhuj (Kutch) : ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ગુરુવારે DGP વિકાસ સહાય સહીત હોમ ડિપાર્ટમેન્ટના લાવ લશ્કર સાથે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. સંઘવીએ તેમના X સોસીયલ મીડિયામાં કરેલી પોસ્ટ મુજબ અહીં તેઓ કચ્છ અને મોરબીના પ્રવાસે આવી રહ્યા છે. તેમની આ સરકારી ટુર દરમિયાન તેઓ કચ્છ અને મોરબીના અરજદારો - નાગરિકોને મળશે. પરંતુ તેમની કચ્છની આ ટુર શરુ થાય તે પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. કારણ કે, 13 દિવસ પહેલા ગુજરાત પોલીસના વડા DGP વિકાસ સહાય પણ કઈંક આવી જ જાહેરાત કરીને તેમના ઍક્સટેંશન પછીની પહેલી ઓફિશ્યલ ફેમિલી ટુર કરી હતી. પરંતુ સમયના અભાવે તેઓ કચ્છના અંતરિયાળ વિસ્તારોમાંથી આવેલા બધા લોકોને મળી શક્યા ન હતા. જેને પગલે હવે જયારે હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીએ પણ આવી જાહેરાત કરી છે ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખે ટોણો માર્યો છે કે, તમે (રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી) સાચે કચ્છના લોકોને મળશો કે પછી તેઓ પણ DGPની જેમ લોકોને મળવાનો ઢોંગ કરશે ?
હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીની કચ્છ મુલાકાત અંગેની જાહેરાત બાદ તરત જ, કચ્છના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરીએ સોસીયલ મીડિયામાં 13 દિવસ પહેલાની ગુજરાતના DGP વિકાસ સહાયની સરકારી ટુરની યાદ અપાવીને સોસીયલ મીડિયા ઉપરની તેમની પોસ્ટમાં લખ્યું કે, DGP કચ્છની મુલાકાતે આવ્યા ત્યારે ફક્ત ફોર્માલિટી કરીને સન્માન સ્વીકાર્યા હતા. પ્રજાના પ્રશ્નો સાંભળવાનો તો ફક્ત ઢોંગ હતો. તો આ વખતે તમે (ગૃહમંત્રી હર્ષ સંઘવી) આ જ કરવાના છો ? હિતેશ મહેશ્વરીએ તેમની પોસ્ટમાં કચ્છમાં કાયદો વ્યવસ્થા સહીત દારૂ જુગારની પ્રવૃત્તિ અને ખાસ કરીને SMCની રેડનો ઉલ્લેખ પણ પોસ્ટમાં કર્યો છે.
DGPનું દારૂના કેસનો આરોપી સન્માન કરી ગયો પણ દૂરથી આવેલા લોકો ન મળી શક્યા : નખશીખ પ્રામાણિક અને કડક IPS ઓફિસર વિકાસ સહાયને DGP તરીકે ઍક્સટેંશન મળ્યું તે પછીની તેમની પહેલી ઓફિશ્યલ વિઝીટ કચ્છની હતી. ટ્રેનમાં ફેમિલી સાથે આવેલા DGP સહાય ભુજમાં આવીને એક ખાનગી થ્રી સ્ટાર હોટેલમાં રોકાયા હતા. ભુજમાં તેઓ પરિવાર સાથે સ્મૃતિ વનની મુલાકાતે ગયા હતા. પરંતુ સમયના અભાવે તેઓ કચ્છમાંથી આવેલા તમામ અરજદારોને રેન્જ આઇજી કચેરીમાં સાંજે એક કલાક દરમિયાન મળી શક્યા ન હતા. બાવીસ લોકોને તેઓ IGની ચેમ્બરમાં મળ્યા હતા. દરમિયાન તેમનું અનેક લોકોએ સ્વાગત - સન્માન કર્યું હતો. જેમાં લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્ર જણસારીએ પણ સહાય સાહેબનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. હેમેન્દ્ર જણસારીને વિરુદ્ધ ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના બે ગુન્હામાં ફેબ્રુઆરી, 2023માં અડધી રાતે પકડી લેવામાં આવ્યા હતા. તેમની પત્ની રીંકુબેને ખુદ પતિ હેમેન્દ્ર જણસારી દારૂ પીને ધમાલ કરતા હોવાની ફરિયાદ કરીને તેમને પકડાવી દીધા હતા. હેમેન્દ્ર જણસારી ભાજપના સભ્ય છે અને તાલુકા પંચાયતના મેમ્બર પણ રહી ચુક્યા છે. દારૂના કેસનો આરોપી DGP વિકાસ સહાયને શાલ ઓઢાડી જાય અને દૂર દરાજથી આવેલા અરજદારો DGP સાહેબને મળી ન શકે તો ખરાબ તો લાગે ને ? સોનાની થાળીમાં લોઢાની મેખ કહેવત જેવી આ ઘટનામાં IPS વિકાસ સહાયનો લેશમાત્ર દોષ નથી. DGPનું સન્માન કોણ કરવાનું છે, તેમને કોણ અને કેવા લોકો મળવા આવી શકે તેની તકેદારી રાખવાનું કામ કચ્છ પોલીસનું હતું. આવી વાતોની ચોકસાઈ માટે જિલ્લા કક્ષાએ લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો (LIB) સહીત લોકલ ક્રાઇમ બ્રાન્ચ, SOG જેવી અલગ અલગ બ્રાન્ચ આવેલી હોય છે. આ તમામ લોકોની જવાબદારી બને છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કચ્છમાં લોકોને મળવાની વાત કરી રહ્યા છે પરંતુ તેમની સાથે પણ DGP જેવું ન થાય તો સારું છે.
આવતી કાલનો હોમ મિનિસ્ટર સંઘવીનો કચ્છનો પ્રોગ્રામ આવો છે : પોતાના સોસીયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી કરેલી જાહેરાત મુજબ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ ગુરુવારે કચ્છ અને મોરબી જિલ્લાનો સરકારી પ્રવાસ કરશે. જેમ તેઓ બંને જિલ્લાના અરજદારો અને નાગરિકોની સમસ્યા રજૂઆતને સંભાળશે. સવારે તેઓ કચ્છમાં રહેશે અને સાંજે મોરબી જશે. તેમના આ પ્રવાસમાં DGP વિકાસ સહાય ઉપરાંત હોમ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે તેવો દાવો સંઘવીની પોસ્ટમાં કરવામાં આવ્યો છે.