Kutch Royal Family Priti Devi : ક્ષત્રિય સમાજના મુદ્દે કચ્છ રાજવી પરિવારના પ્રીતિ દેવીએ બોલાવેલી પત્રકાર પરિષદ ઓચિંતી રદ્દ કરી દેવામાં આવી, જાણો શા માટે કેન્સલ થઇ પ્રેસ મીટ
બે દિવસ પછી ફરીથી પત્રકારોને બોલાવીને માહિતી આપવામાં આવશે તેવો રાજવી પરિવારે કરેલો ખુલાસો
WND Network.Bhuj (Kutch) : ભાજપના સિનિયર નેતા પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન થાય તેવા કટુ વેણ બાદ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે અને ઠેર ઠેર રૂપાલા સહીત ભાજપના નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આજે સોમવારે કચ્છના રાજવી પરિવારના મોભી એવા પ્રિતિદેવી દ્વારા સાંજે છ વાગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ નિયત સમય પહેલા જ પ્રેસ કોન્ફ્રન્સ મુલ્તવી રાખવામાં આવી હોવાની વાતે લોકો સહીત ક્ષત્રિય સમાજમાં પણ આ મુદ્દે આંખો પહોળી થઇ ગઈ હતી. અલબત્ત રાજવી પરિવાર દ્વારા આ મામલે એવો સત્તાવાર ખુલાસો કરવામાં કરવામાં આવ્યો હતો કે, બે દિવસ પછી ફરીથી પત્રકારોને ભુજના રાજમહેલમાં બોલાવીને વાત કરવામાં આવશે.
ભાજપના રાજકોટના ખાતેની બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાને મામલે ક્ષત્રિય સમાજના રાજકીય નેતાઓને બાદ કરતા આખો સમુદાય એક છે ત્યારે સોમવારે આ મુદ્દે વાતચીત કરવાના આશયથી કચ્છના રાજવી પરિવાર દ્વારા સોમવારે સાંજે છ વાગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોયલ ફેમિલીના વરિષ્ઠ સભ્ય પ્રીતિ દેવી મીડિયા સાથે વાત કરવાના હતા. પરંતુ સાંજે છ વાગ્યા પહેલાની ગણતરીની મિનિટોમાં જ અચાનક પ્રેસ વાર્તા મુલ્તવી રાખવામાં આવી હોવાની જાણ કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના લોકોને ભાજપ દ્વારા શામ, દામ અને દંડ ભેદની નીતિ દાખવીને દબાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે ઓચિંતા કચ્છના રાજવી પરિવાર દ્વારા બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદ મોકૂફ રાખવાની જાહેરાતે કચ્છ સહીત સમગ્ર રાજ્ય અને દેશના રાજવી પરિવારોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
રાજવી પરિવાર વતી આવો ખુલાસો કરવામાં આવ્યો : સોમવારે ભુજ કચ્છ પેલેસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, મહારાણી પ્રીતિ દેવી ઓફ કચ્છ સાંજે છ વાગે પ્રિન્ટ, ડિજિટલ, સોસીયલ મીડિયા અને લોકલ પત્રકારો સમક્ષ ખુબ જ અગત્યની પ્રેસ કોન્ફ્રેંસ કરવા જય રહ્યા છે. આ વાર્તાલાપ ભુજના રણજિત વિલાસ પેલેસ ખાતે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ અચાનક ફરીથી તેમના દ્વારા જ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, અનિવાર્ય સંજોગોને કારણે પ્રેસ કોન્ફ્રેંસ મુલતવી રાખવામાં આવી છે. આ અંગે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા પ્રીતિ દેવી વતી પ્રેસ નોટ જાહેર કરી રહેલા ઈંદ્રજિત સિંહ જાડેજાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જાડેજાએ કહ્યું કે, મહારાણી પ્રીતિ દેવી ઓફ કચ્છને કમરનો દુખાવો થયો હોવાને કારણે પ્રેસ વાર્તાલાપ મોકૂફ રાખવામાં આવ્યો છે. બે દિવસ બાદ ફરીથી પત્રકારોને બોલાવીને વાતચીત કરવામાં આવશે. 'વેબ ન્યૂઝ દુનિયા'એ કયા મુદ્દે પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા તેવા પ્રશ્ન જવાબમાં ઈંદ્રજિત સિંહ જાડેજા કહ્યું હતું કે, હાલમાં મુદ્દો તો એક જ છે. એટલે સ્વાભાવિક રીતે તે મામલે જ બોલાવવામાં આવ્યા હોવાનો તેમણે આડકતરો ઈશારો કર્યો હતો.
કચ્છમાં ક્ષત્રિય સમાજ આકરા પાણીએ, લોકપ્રિય કહેવાતા કચ્છના સાંસદને પણ લીલા તોરણે પાછા કાઢે છે : કચ્છને ભાજપનો ગઢ માનવામાં આવે છે ત્યારે ક્ષત્રિય સમાજ અંગે કટુ વચનને મામલે સમગ્ર કચ્છમાં ભાજપના વિરોધને મામલે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ કચ્છથી લઈને પૂર્વ કચ્છમાં રાજપૂત સમાજ દ્વારા ભાજપના નેતાઓનો - તેમના પ્રચાર પ્રસારના સાધનોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં કચ્છના બે ટર્મના લોકપ્રિય યુવા કચ્છના સાંસદ પણ અડફેટે ચઢી રહ્યા છે. ગામમાં પ્રવેશતા જ તેમનો રવિવારે વિરોધ કરવામાં આવ્યો હતો. ડાયરાના નેતા અને પોતાની રમુજી સ્ટાઇલ માટે જાણીતા રૂપાળા દ્વારા ક્ષત્રિય સમાજની માં-દીકરીઓ અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ મોટાભાગના સમુદાયમાં તેના વિપરીત પડઘા પડ્યા છે. હંમેશા હસી મજાકમાં રચ્યાં પચ્યા રહેતા રૂપાલા પણ ધીર ગંભીર બનીને ભરી રહ્યા છે, બબ્બે વાર તેમણે અને ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ જાહેરમાં બે હાથ જોડીને માફી માંગી ચુક્યા છે છતાં વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. તેવામાં હવે કચ્છ સહિતના રાજવી પરિવારો પણ ક્ષત્રિય સમાજ મામલે આગળ આવી રહ્યા છે. આગામી દિવસોમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી સિવાય આ મામલો સમેટાય તેમ લાગતું નથી.