Kutch Viral Video : કચ્છના ભુજ પાસે આવેલા માધાપરમાં મહિલાએ માસુમ બાળાનું ગળું દબાવ્યું અને સ્ટીલના તાવેતાથી મારી, વાયરલ વિડિઓને પગલે લોકોએ ક્રૂર મહિલા સામે કાર્યવાહીની માગ કરી

વાયરલ વિડિઓને ઘરની જ કોઈ પથારીવશ વ્યક્તિએ શૂટ કરીને વાયરલ કર્યો હોવાની શક્યતા, ગુજરાતના સીએમ સહીત પોલીસ વડા DGPને ટેગ કરીને કાર્યવાહીને લોકોએ માગ કરી

(સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો કચ્છનો વિડિઓ જેમાં એક મહિલા બાળકીને ક્રૂરતા પૂર્વક મારી રહી છે) 

WND Network.Bhuj (Kutch) : કચ્છમાં એક મહિલા દ્વારા નાનકડી માસુમ બાળાને ક્રુરતાપુવર્ક મારીને ગળું દબાવી દેવાનો એક ખુબ જ આઘાતજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક મહિલા ઘરમાં સ્ટીલના તાવેતાથી એક માસુમ નાનકડી બાળાને માર મારતી જોવા મળી રહી છે. માત્ર એટલું જ નહીં પરંતુ આ મહિલા નાનકડી રડતી કરગરતી છોકરીનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કરી રહી હોય તેવું વીડિઓમાં જોવા મળી રહ્યું છે. આ વિડિઓ મહિલાના ઘરમાં જ રહેલી કોઈ પથારીવશ વ્યક્તિએ ઉતાર્યો હોય તેવું પણ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને પગલે લોકો મહિલા ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. કેટલાક યુઝર્સ દ્વારા તો વિડિઓને ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના પોલીસ વડા DGPને ટેગ કરીને આ ક્રૂર મહિલા સામે એક્શન લેવાની માગ કરી છે.  

શનિવાર સાંજથી વાયરલ થયેલા આ વીડિયોમાં એક મહિલા ઘરમાં મારી રહી હોવાનું દેખાય રહ્યું છે. મહિલા કચ્છી બોલીમાં બાળકીને મારતી જાય છે અને ગળું દબાવી રહી હોય તેવું પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના ભુજ પાસે આવેલા માધાપર વિસ્તારનો આ વિડીયો હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. બાળકીને ક્રૂરતાપૂર્વક મારી રહેલી મહિલાનું નામ પ્રિયા મહેશ્વરી હોવાનું પણ સૂત્રો દાવો કરી રહ્યા છે. બાળકીને મહિલાના મારથી બચાવમાં સક્ષમ ન હોય તેવી કોઈ તેમની જ ઘરની પથારીવશ વ્યક્તિએ ઉતાર્યો હોય તેવું પ્રથમ નજરે લાગી રહ્યું છે.    

કોઈપણ કાઠા હૃદયના વ્યક્તિને પણ હચમચાવી મૂકે તેવા આ વીડિયોને સીએમ ઉપરાંત DGPને પણ X મીડિયા ઉપર કેટલાક યુઝર્સ દ્વારા ટેગ કરવામાં આવેલો છે. વિડીયો અંગે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તે જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસના DIG મહેન્દ્ર બગરીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ 'નો રીપ્લાય' રહ્યા હતા. 

વિદેશમાં આવું થાય તો મહિલા તરત જેલ ભેગી થાય : ભારતમાં બાળકો સામે થતા અત્યાચારને સામાન્ય ગણવામાં આવીને તેને હળવાશથી લેવામાં આવે છે. કચ્છનો વાયરલ થયેલો આ વિડીયો તેનું તાજું ઉદારહણ છે. આવી જ ઘટના જો વિદેશમાં બની હોય તો ગણતરીના કલાકોમાં જ મહિલા બાળકની માતા હોય તો પણ તેને જેલ ભેગી કરી દેવામાં આવી હોત. પરંતુ અફસોસ કે હજુ સુધી પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી હોય તેવું બહાર આવ્યું નથી. ગુજરાતની સરકાર અને પોલીસ બાળકો પ્રત્યે થતા આ પ્રકારના અત્યાચાર અંગે કેટલી સંવેદનશીલ છે તે આ ઘટના ઉપરથી ખબર પડી રહી છે.