West Kutch SMC Raid Effect : પશ્ચિમ કચ્છ પોલીસમાં ત્રણ મહિનામાં SMCના સતત ત્રણ ક્વોલિટી કેસ સામે માંડ એક પોલીસ કર્મચારી સામે કાર્યવાહી થઈ, હજુ લોકલ લેવલે જવાબદાર પોલીસ અધિકારીઓ યથાવત

રજામાં ગયેલા પશ્ચિમ કચ્છ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઈન્પેક્ટર સંદીપસિંહ ચુડાસમાને લીવ રિઝર્વમાં ધકેલી દેવાયા, સબ ઇન્સ્પેક્ટર જેઠીને LCBનો ચાર્જ સોંપાયો

West Kutch SMC Raid Effect : પશ્ચિમ કચ્છ પોલીસમાં ત્રણ મહિનામાં SMCના સતત ત્રણ ક્વોલિટી કેસ સામે માંડ એક પોલીસ કર્મચારી સામે કાર્યવાહી થઈ, હજુ લોકલ લેવલે જવાબદાર પોલીસ અધિકારીઓ યથાવત

WND Network.Bhuj (Kutch) : ગુજરાત પોલીસના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં છેલ્લા ત્રણ મહિનામાં સતત ત્રણ કવોલિટી કેસ બાદ ગાંધીનગર પોલીસ ભવનમાં તેની અસર જોવા મળી હતી. પરિણામે ઘણા લાંબા સમયથી પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવનાર પોલીસ ઇન્પેક્ટર સંદીપસિંહ ચુડાસમાની તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. અલબત્ત બદલીના હુકમમાં જાહેર હિતમાં વહીવટી કારણ આપવામાં આવ્યું છે પરંતુ પોલીસ બેડા સહીત તમામને ગઈકાલની ત્રગડીની SMCની રેડ બાદ અંદેશો હતો જ કે, આ વખતે શરમના માર્યા પણ નક્કર કાર્યવાહી કરવા સિવાય કોઈ છૂટકો નથી. જો કે, હજુ સુધી લોકલ લેવલે કોઈ પોલીસ અધિકારી કે કર્મચારીને જવાબદાર ઠેરવીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી નથી. સંભવ છે કે, આગામી દિવસોમાં કઈંક કાર્યવાહી દેખાડવી પડશે. 

ગાંધીનગર પોલીસ ભવનમાં DGના સીધા તાબા હેઠળ કામ કરતા DIG નિર્લિપ્ત રાયના સેલ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસના વિસ્તારમાં ત્રણ મહિનામાં ત્રણ ગુણવત્તા સભર કેસ અને ગઈકાલે એક જ દિવસમાં મોરબી અને કચ્છમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપવાની ઘટનાએ ગુજરાત પોલીસની કડક કાર્યવાહીની વધુ એક વખત પોલ ખોલી દીધી હતી. કચ્છમાં તો એટલો બધો દારૂ પકડાયો હતો કે, મુદ્દામાલ રાખવાનો રૂમ પણ નાનો પડતા બાકીનો માલ ધાબે રાખવો પડ્યો હતો. 

સામાન્ય રીતે શિરસ્તો એવો છે કે, ગુજરાતમાં જયાં પણ એસ.એમ.સી.ની રેડ થાય એટલે જે-તે પોલીસના થાણેદાર કે બીટના જવાબદારો સામે પગલા લેવામાં આવે છે. પરંતુ પશ્ચિમ કચ્છ પોલીસ બેડો જાણે કે ગુજરાતમાં નહીં પરંતુ પાકિસ્તાનમાં આવતો હોય તેમ જવાબદાર પોલીસ કર્મચારી કે અધિકારીઓનો વાળ પણ વાંકો થતો ન હતો. પરંતુ આ વખતે વર્ષથી LCBમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સામે એક્શન લીધા સિવાય છૂટકો જ ન હતો.

ઉલ્લેખનીય છે કે, પાંચેક મહિના અગાઉ પશ્ચિમ કચ્છ પોલીસના યુવા, પ્રામાણિક અને કડક દેખાતા પશ્ચિમ કચ્છ પોલીસ ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ જાહેરહિતમાં 189 પોલીસ કર્મચારીઓની બદલી કરી હતી. જેમાં વહીવટદારોની ઊથલ-પાથલ કરી દારૂ, જુગાર, ખનીજ ચોરી પર અંકુશ લાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં LCB અને ટ્રાફિક સહિતની કેટલીક બ્રાન્ચના અમુક વહીવટદારોને તેમના PI-PSI એ બચાવી લીધી હતા. પરંતુ ત્યારબાદ દારૂ-જુગારની બદીની રાવ છેક ગાંધીનગર  સુધી પહોંચતા છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વખત એસ.એમ.સી.ને કેસ કરવાની ફરજ પડી છે જે દર્શાવે છે કે, કોઈને પણ લાંબા સમય સુધી મૂર્ખ બનાવી શકતા નથી.  

આ ત્રણ રેડ અને હવે કાર્યવાહી થઈ : ત્રગડીની ત્રીજી રેડ પહેલા 30મી એપ્રિલના માનકુવા પોલીસની હદમાં આવતા નારાણપર ગામે પ્રકાશ ફફલના ઘરે વહેલી સવારના દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. જેમાં SMCએ  3 લાખનો શરાબ અને એક કાર મળી કુલ 10.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

4 માર્ચ ના રાતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસની હદમાં ભુજ મુન્દ્રા હાઇવે પર ટ્રોલી મોલની સામે કારમાં ઓનલાઇન બેટિંગ કરતા મીત ઉર્ફે બબુ કોટકને 3 લાખ રોકડ, 60 હજારની કિંમતના 2 મોબાઇલ અને એક કાર મળી 13,64,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જે કેસમાં જે કેસમાં બુકી અને જુગાર રમનારા ખેલી મળી અન્ય 16 આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો. મીત કોટક પાસે મોબાઇલમાં જુગાર આઈડીમાં 78.92 લાખની બેલેન્સ પણ મળી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ સૂત્રો તો એવો પણ દાવો કરી રહ્યા છે કે, ભુજમાં મીત કોટકને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પકડયો ત્યારે તેનો ફોન તરત જ SMCના કર્મીએ કબ્જે લઇ લીધો હતો, જે ફોનમાં 1.20 લાખ અને 1.50 લાખ રુપિયા બે કર્મીના હિસાબનો મેસેજ ચેટમાં મળ્યો હતો, જે 'લાખો'નો મેસેજ ડીલીટ મારી દેવાયો હતો. 

વઢવાણ પાસે એક બુટલેગરનો બલ્કર પકડાયો એટલે ત્રગડીમાં બીજાના ધરે રેડ પડી : ગઈકાલે જ અમદાવાદ-રાજકોટ હાઈવે પર સુરેન્દ્રનગર પોલીસ હદ વિસ્તારમાં વઢવાણ પાસે SMCની ટીમે મુન્દ્રા આવતો શરાબ ભરેલો બલ્કર (ટ્રક) ઝડપી લીધો હતો. ડ્રાઇવર અગાઊ પણ બે-ત્રણ વખત દારૂની ખેપ મારી ગયો હોવાની કેફીયત પણ આપી છે. સુત્રોનું કહેવું છે કે આ બલ્કર મુન્દ્રાના મોખા ટોલ પાસે પહોંચે એટલે ભુજના નવલા અને કેરાના અનોપના માણસો ત્યાંથી બલ્કર નો કબજો લઈ કેરા સીમમાં શરાબનો જથ્થો ખાલી કરી અને પરત મોખા ટોલ પાસે રહેલા ડ્રાઇવરને પરત આપી આવતા. આમ ભુજ-કેરાના બુટલેગરનો જથ્થો પકડાતા તરત જ માંડવીના ત્રગડીમાં દરોડો પાડી અન્ય બુટલેગરનો માલ પકડાવી દેવાયો હતો. આમ બુટલેગરો હવે પોતાના ધંધાની અદાવતમાં SMCના અધિકારીઓને હાથો બનાવી રહ્યા હોવાનું અને આ કામ કરવા માટે એક બુટલેગર SMCના એક PSIને મહિને પાંચ લાખ અલગથી વહીવટ કરતો હોવાનું બેડામાં ચર્ચાઈ રહ્યું છે. 

હવે IPSની ગોઠવણ મુજબ LCB ચાલશે, PSI મુક્યો હવે એક ઇન્સ્પેક્ટર આવશે : આમ તો છેલ્લા થોડા દિવસોથી પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં ઊથલ-પાથલ થવાના એંધાણ હતા. પરંતુ તે દરમિયાનત્રગડીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ થઈ ગઈ. આ દરમિયાન હાલ રજામાં, દુબઇ પ્રવાસે ગયેલા સંદીપસિંહ ચુડાસમાને લિવ રિઝર્વમાં ધકેલી દેવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા IPS અધિકારીએ તેમના ખાસ માનવામાં આવતા એક સબ ઈન્સ્પેક્ટરને એલસીબીમાં ગોઠવી દીધા છે. હવે ચર્ચા એવી છે કે, દક્ષિણ ગુજરાતમાંથી બદલાઈને હાલ ગાંધીનગર પોલીસ ભવનમાં રહેલા વિક્રમસિંહ મંડોર નામના પોલીસ ઇન્સ્પેક્ટરને પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં લઈ આવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. અહીં લખ્યા પછી સંભવ છે કે આ પોલીસ ઈન્સ્પેક્ટરને સીધા LCBમાં ન પણ મુકવામાં આવે પરંતુ ગમે ત્યારે તે લોકલ ક્રાઇમ બ્રાન્ચનો હવાલો લઈ લેશે તેવું સૂત્રો દાવો કરી રહયા છે.