શનિવારે રાતે કચ્છની દરેક શાળાનાં બે શિક્ષક ST બસ ઉઠાવશે, જાણો શું છે 'સાહેબ'ની સભામાં આવનારી સ્વયંભૂ સંખ્યાનું સસ્પેન્સ...

પ્રધાનમંત્રી આવાસ, વય વંદના જેવી વિવિધ સરકારી યોજનાનો લાભ લેનારા લોકોનું લિસ્ટ પણ શિક્ષકોને સોંપાયું

શનિવારે રાતે કચ્છની દરેક શાળાનાં બે શિક્ષક ST બસ ઉઠાવશે, જાણો શું છે 'સાહેબ'ની સભામાં આવનારી સ્વયંભૂ સંખ્યાનું સસ્પેન્સ...

WND Network.Bhuj (Kutch) :- આગામી રવિવારે કચ્છ-ભુજ પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા માટે સરકાર અને ભાજપના સંગઠનની તૈયારીઓ ચરમસીમાએ છે. 'સાહેબ'ની સભામાં અઢીથી ત્રણ લાખ જનમેદની ભેગી થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સામાન્ય માણસ માટે એ જાણવું જરૂરી છે કે, ગણતરીના કલાકોમાં સૌથી મોટા જિલ્લા કચ્છમાંથી લાખોની સંખ્યામાં આટલા બધા લોકો આવશે કેવી રીતે ? રવિવારે ભુજમાં લોકોને લાવવા માટે કચ્છની તમામ શાળાઓમાંથી બે શિક્ષકને તાલુકા મથકેથી એક એસટી બસને શનિવારે રાતે જ લઇ આવવાની રહેશે. જેમાં ફૂડ પેકેટ સહિતની સામગ્રી રાખવામાં આવશે. અને વહેલી સવારે આ બસમાં ગામમાંથી સ્કૂલના બાળકો સહીત એવા લોકોને લાવવામાં આવશે જેમણે તાજેતરમાં સરકારી યોજનાઓનો લાભ લીધો હોય. પ્રધાનમંત્રી વય વંદનાથી માંડીને આવાસ યોજના, જન આરોગ્ય યોજના વગેરે જેવી સ્કીમનો લાભ લેનારા લોકોનું લિસ્ટ પણ શિક્ષકોને આપી દેવામાં આવ્યું છે. જેથી એક પણ લાભાર્થી 'સાહેબ'ની સભાથી વંચિત ન રહી જાય. 

ગામમાંથી લાવેલા સ્કૂલના બાળકો અને ગ્રામજનોને ભુજ સુધી લાવવા લઇ-જવાની તેમજ સાચવવાવાની, તેમને નાસ્તા-પાણી આપવાની વ્યવસ્થા પણ જે શિક્ષકો બસને લઈને આવ્યા હશે તેમને કરવાની રહેશે. જિલ્લાની દરેક શાળામાંથી એક મુખ્ય શિક્ષક ઉપરાંત બે થી ત્રણ માસ્તરને આ ભગીરથ કાર્યમાં ફરજીયાત જોડાવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત સ્કૂલની SMCના સભ્યોને સભા સુધી લાવવાની જવાબદારી ટીચર્સને સોંપવામાં આવી છે. 

આ ઉપરાંત કચ્છભરમાં આવેલી ખાનગી કંપનીઓના કર્મચારીઓને ભુજ લાવવાનું બીડું ગુજરાત પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડને સોંપવામાં આવ્યું છે. GPCB દ્વારા કચ્છનાં તમામ ઔદ્યોગિક એકમોને 'વિનંતી' કરવામાં આવી છે કે, પીએમ મોદીની સભા માટે તેમના ખર્ચે અને જોખમે કર્મચારીઓને લાવવાની જવાબદારી કંપનીની રહેશે. કચ્છ જિલ્લા પંચાયત હસ્તકના વિભાગો દ્વારા પણ તેમના કર્મચારીઓને ફરજીયાત 'સાહેબ'ને સાંભળવાની તાકીદ કરી દેવામાં આવી છે. 

ભુજ નજીકના તાલુકામાંથી તમામને ફરજીયાત આવવાનું :- આમ તો કચ્છના તમામ દસ તાલુકામાંથી શિક્ષણ સાથે જોડાયેલા લોકોને ભુજ લાવવાનું આયોજન છે. પરંતુ ભુજ શહેર અને તેની આસપાસ આવેલા અંજાર અને ગાંધીધામ તાલુકામાંથી તમામ સ્કૂલના શિક્ષકોને ફરજીયાત ભુજમાં પીએમ મોદીની સભામાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. એક અંદાજ પ્રમાણે સાહેબની સભામાં સંખ્યાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેમાંથી માત્ર શિક્ષણમાંથી 50થી 60 હજાર લોકો આવે તેવી સંભાવના છે. 

તમામ પેજ પ્રમુખ હાજર રહેશે :- ચૂંટણીમાં લોકોને બુથ સુધી ખેંચી લાવવા માટે ઉભી કરવામાં આવેલી ભાજપના સંગઠનની પેજ પ્રમુખ વ્યવસ્થા પણ વડાપ્રધાન મોદીની ભુજની મુલાકાત દરમિયાન તેની આવડતનું પ્રદર્શન કરશે. આ માટે છેલ્લા કેટલાય દિવસથી કચ્છ જિલ્લા ભાજપ દ્વારા બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને તમામ પેજ પ્રમુખને સૂચના આપી દેવામાં આવી છે કે, તેઓ તેમના પેજમાં સમાવિષ્ઠ લોકોમાંથી વધુમાં વધુ લોકોને ભુજ લઇ આવે. કચ્છમાં આવા પેજ પ્રમુખ અને કાર્યકરોની સંખ્યા 2.73 લાખની હોવાની ખુદ ભાજપ સંગઠન કબૂલે છે. આ ઉપરાંત જેઓ આગામી ચૂંટણીમાં ભાજપની ટિકિટ મેળવવા ઇચ્છુક છે તેઓ ઉત્સાહી કાર્યકરો અને નેતાઓને પણ તેમના સમર્થકોને ભુજ ખેંચી લાવે તે માટે પાણી ચઢાવવામાં આવ્યુ છે. 

બે દિવસ રોજગાર ધંધા બંધ રાખવાની સૂચના :- પીએમ મોદીની સિક્યોરિટી માટે સરકાર સહેજ પણ કચાશ રાખવા માંગતી નથી. આથી મોદી જે રસ્તા ઉપરથી પસાર થવાના છે તે તમામ લોકોને બે દિવસ માટે ધંધો બંધ રાખવાની પોલીસ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. ભુજમાં સાહેબની સભામાં આવનારા લોકો માટે 21 જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમમાં અઢીથી ત્રણ હજાર વાહનો આવશે તેવી ગણતરી છે. આ સિવાય એસટીની 2400 બસમાં એક લાખથી વધુ લોકો ભુજ આવશે. 

રજાની મજા ઘરે જ માણજો :- શનિવાર રાતથી જ ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસનો કડક જાપ્તો ગોઠવાઈ ગયો હશે. રવિવાર સવારથી કચ્છભરમાંથી લોકો ભુજ તરફ આવશે. એટલે સ્વાભાવિક છે કે, ભુજમાં માનવ મહેરામણ ઉભરાશે. જેથી આ રવિવારે ભુજના લોકોને રવિવારની રજાની મજા ટીવી ઉપર મોદી સાહેબનું ભાષણ સાંભળીને માણવી પડશે. બધા કાર્યક્રમ બપોર સુધીમાં પુરા થઈ જશે પરંતુ લાખોની સંખ્યામાં બહારથી આવેલા લોકો ભુજના દર્શનીય સ્થળોની મુલાકાતે પણ જશે. એટલે આગામી રવિવાર ભુજવાસીઓ ઘરમાં જ પસાર કરે તે તેમના માટે યોગ્ય રહેશે.