Kheda Police : યાદ છે ને ખેડા પોલીસ ? તમને કહ્યું હતું - સત્તા સાથે રહો તો ઇનામ તો મળશે પરંતુ એ પહેલા જેલમાં જવું પડશે, હાઇકોર્ટે ચાર પોલીસ કર્મચારીને સજા ફટકારી
ખેડાના ઊંઢેલા ગામમાં ગયા વર્ષે નવરાત્રી દરમિયાન પથ્થરમારાના બનાવમાં ખેડા પોલીસે યુવાનોને જાહેરમાં થાંભલે બાંધી ફટકારેલા, હવે એ જ પોલીસને જેલમાં જવું પડશે
WND Network.Ahmedaba : ખેડા જિલ્લાના ઊંઢેલા ગામમાં એક વર્ષ પહેલાં નવરાત્રીના આઠમા નોરતે ગામની બજાર વચ્ચે આવેલી હુસૈની મસ્જિદની બરાબર સામે આવેલા તુળજા ભવાની માતાના મંદિર સામે હુસૈની ચોકમાં ગરબા થયા હતા. જયાં પથ્થરમારાની ઘટના બાદ ખેડાની માતર પોલીસ દ્વારા કેટલાક આરોપી મુસ્લિમ વ્યક્તિને જાહેરમાં થાંભલાએ બાંધીને ફટકારવામાં આવ્યા હતા. આ ઘટના બાદ તેનો વિડિઓ પણ વાયરલ થયો હતો. જેને લઈને પોલીસની કાર્યવાહી અંગે મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અને એ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે, 'સત્તા સાથે રહો તો ઇનામ તો મળે પરંતુ એ પહેલા જેલમાં પણ જવું પડે'. અને તે વાત આજે સાચી પડી છે. લોકોના ટોળા અને જય શ્રીરામના નારા વચ્ચે આરોપીઓને ફટકારનાર ચાર પોલીસ કર્મચારીને આજે ગુજરાતે હાઇકોર્ટે જેલમાં જવાની સજાની સાથે સાથે દંડ પણ ફટકાર્યો છે. ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો ભારતના ન્યાયતંત્ર અને સંવિધાનમાં શ્રદ્ધા રાખનારા દેશના કરોડો લોકો માટે રાહત આપનારો છે. કારણ કે આ ઘટનામાં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ યુવાનોને જાહેરમાં મારવાની ઘટનાને બિરદાવી હતી. જેને પગલે ગુજરાતના આ મંત્રી અને પોલીસની માત્ર ભારતમાં જ નહીં પરંતુ વર્લ્ડ લેવલે આલોચના પણ થઇ હતી.
જે રીતે ખેડા પોલીસના કર્મચારીઓએ એક વર્ષ પહેલા યુવાનોને માર્યા હતા અને ત્યારબાદ ગૃહમંત્રીએ નિવેદન આપ્યું તેના ઉપરથી એક વાત તો સાબિત થઇ હતી કે, પોલીસે સત્તાને ખુશ કરવા માટે આવું કર્યું છે. પરંતુ તેઓ ભૂલી ગયા કે, સત્તાને ખુશ કરવા જતા ઇનામ કે શાબાશી જરૂર મળે છે. પરંતુ તે પહેલા કાર્યવાહી અથવા તો જેલમાં પણ જવું પડે છે. આ ઘટનામાં તો ઇનામ મળવાનું તો દૂર રહ્યું પરંતુ પોલીસને જેલમાં જવાની નોબત આવી છે. ખેડા જિલ્લાની આ ઘટનામાં ગુજરાત હાઇકોર્ટે દ્વારા આજે ગુરુવારે આરોપી પોલીસવાળાને કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ માટે દોષિત ઠેરવી, 14 દિવસની સજા ફટકારવામાં આવી છે. અને રૂપિયા બે હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો દંડની રકમ ન ભરાય તો વધુ ત્રણ દિવસ જેલમાં રાખવા એવું ચુકાદામાં જણાવાયું છે. કોર્ટે ખેડા પોલીસના જે ચાર કર્મચારીને સજા ફટકારી છે તેમાં ચાર પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પરમાર, સબ-ઇન્સ્પેક્ટર ડી.બી. કુમાવત, કૉન્સ્ટેબલ રાજુભાઈ ડાભી અને હેડ કૉન્સ્ટેબલ કનકસિંહનો સમાવેશ થાય છે.
હાઇકોર્ટે પોલીસ સામે ‘કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ’ આરોપો ઘડ્યા હતા અને તેમને સજા ફટકારવાની તૈયારી કરી લીધી હતી. જેનો ચુકાદો આજે આપવામાં આવ્યો હતો. કોર્ટે આ મામલામાં દોષિત પોલીસવાળાની બિનશરતી માફીની પેશકશ ફગાવતાં કહેલું કે આ મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા ડી. કે. બસુ વિ. પશ્ચિમ બંગાળ કેસમાં અપાયેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું છે.
ઘટનાના પીડિતો જાહિરમિયાં મલેક, મકસુદાબાનુ મલેક, સહદમિયાં મલેક, સકીલમિયાં મલેક અને શાહિદરાજા મલેક દ્વારા આ પ્રકરણમાં ખેડા પોલીસના 13 પોલીસ અધિકારીઓ સામે ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ અંગેની પિટિશન કરવામાં આવી હતી. પિટિશનમાં અમદાવાદ રેન્જ આઈજી અને ખેડા જિલ્લાના એસપી સહિત કુલ 15 લોકો સામે ‘અવમાનના અને કાયદાનું અનુપાલન ન કરવાના’ આરોપસર પગલાં ભરવાની અને વળતર ચૂકવવાની રાજ કરવામાં આવી હતી. ડી. કે. બસુ વિ. બંગાળના એક કેસમાં સુપ્રીમ કોર્ટે પોલીસને આરોપીની અટકાયત અને ધરપકડ વખતે કયા નિયમોનું પાલન કરવું એ અંગે ગાઇડલાઇન આપી હતી. અરજદારોએ આ કેસને આધાર બનાવીને આ પિટિશન કરી હતી.
હજુ પણ ગુજરાત પોલીસ ચેતી જાય - ધ્યાન રાખજો, સત્તા કે ઉપરી અધિકારીઓને ખુશ કરવાની લ્હાયમાં જેલમાં જવું પડશે : સત્તા,સરકાર,નેતા કે પોતાના ઉપરી ઉચ્ચ અધિકારીઓને ખુશ કરવા જતા ઇનામ કે શાબાશી જરૂર મળે છે. પરંતુ તે પહેલા કાર્યવાહી અથવા તો જેલમાં પણ જવું પડે છે. આવું જ કઈંક ગુજરાતમાં થયેલા ફેક એન્કાઉન્ટર વખતે થયું હતું. જેમાં કેટલાક IPS અધિકારીઓ સહીત વીસથી વધુ પોલીસ કર્મચારીઓને વર્ષોનો જેલવાસ ભોગવો પડ્યો હતો. અલબત્ત ત્યાર પછી તે અધિકારીઓને પ્રમોશન સહીત એક જગ્યાએ લાંબુ ક્રીમ પોસ્ટિંગ પણ મળ્યું છે. અને કદાચ એટલે જ ખેડા પોલીસને પણ તેની મૂળ ફરજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાને બદલે ગુનેગારોને જાહેરમાં સજા કરવાનું સૂઝ્યું હશે. પરંતુ તેઓ એ ભૂલી ગયા હતા કે, વીસથી વધુ પોલીસ કર્મચારીઓને વર્ષોનો જેલવાસ ભોગવો પડ્યો હતો. આજે આ ચાર પોલીસ કર્મચારીના ઘરમાં માતમનો કેવો માહોલ હશે તે માત્ર આ કર્મચારીઓ જ જાણતા હશે. આરોપીને ફટકારતી વખતે તાળીઓ પાડનારા અનેક લોકો કે મંત્રીને તેની કઈંજ ખબર નહિ હોય અને તેમને કોઈ ફરક પણ નહીં પડે. પરંતુ એક લાખથી વધુનું કદ ધરાવતા ગુજરાત પોલીસ બેડાના કર્મચારીઓ અને ઇન્સપેકર કે સબ ઇન્સ્પેકટર લેવલના અધિકારીઓને આ ઘટના ઉપરથી સબક લેવાની જરૂર છે. કે સજા થશે ત્યારે કોઈ બચાવવા નહીં આવે . અને તેમના પરિવારની પણ કોઈ કાળજી પણ નહીં લે.