'હવે મારે ચૂંટણી નથી લડવી' ગુજરાતમાં ભાજપની ભવાઈ પણ 'શિસ્તબદ્ધ' બહાર આવી રહી છે, વડોદરા અને સાબરકાંઠા બાદ હવે કઈ બેઠકો ઉપર ના પાડવામાં આવશે ?

આમ આદમી પાર્ટીના નેતાઓનો દાવો, ભરૂચમાં જેમને ટિકિટ આપી છે તેવા મનસુખ વસાવા પણ ચૂંટણી લડવાની ના પડી શકે છે, આણંદ બેઠકમાં પણ ફેરફાર થઇ શકે છે

'હવે મારે ચૂંટણી નથી લડવી' ગુજરાતમાં ભાજપની ભવાઈ પણ 'શિસ્તબદ્ધ' બહાર આવી રહી છે, વડોદરા અને સાબરકાંઠા બાદ હવે કઈ બેઠકો ઉપર ના પાડવામાં આવશે ?

WND Network.Ahmedabad : શિસ્ત અને કેડરબેઝ પાર્ટીના નામે ભાજપને હાલમાં આપણે ગમે તે કહેતા હોય પરંતુ હકીકત એ છે કે, લોકસભામાં ટિકિટ ફાળવણીને મામલે ભાજપમાં રહેલો અસંતોષ ધીમે ધીમે 'શિસ્તબદ્ધ' રીતે બહાર આવી રહ્યો છે. જેનું પરિણામ એ આવ્યું છે કે, જે પાર્ટીમાં ટિકિટ જાહેર થયા પછી ઉમેદવાર બદલાય તેની કલ્પના પણ કોઈ કરી શકતું ન હતું ત્યાં હવે ઉમેદવારો બદલવા પડે તેવી નોબત આવી છે. વડોદરાના ચાલુ સાંસદ રંજનબેન ભટ્ટ સામેના વિરોધ બાદ હવે રંજનબેને સામેથી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેવી જ રીતે સાબરકાંઠામાં પણ ઠાકોર કે ડામોરની મૂંઝવણ વચ્ચે જેમને ભાજપે ચૂંટણી લડવા માટે ટિકિટ આપી હતી તે ભીખાજી પણ ચૂંટણી લડવાની ના પડી દીધી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપે  ભરૂચમાં  જેમને ટિકિટ આપી છે તેવા મનસુખ વસાવા પણ ચૂંટણી લડવાની ના પડી શકે છે. આ ઉપરાંત આણંદ બેઠક ઉપર પણ 'મારે ચૂંટણી નથી લડવી' એવું ટવિટ આવી શકે છે.

વડોદરામાં ભાજપ સંગઠનમાં ભારે વિરોધ હોવા છતાં અહીંના ચાલુ સાંસદ રંજનબેન ભટ્ટને રિપિટ કરીને ટિકિટ આપવામાં આવી ત્યારથી જ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી હતી. દરમિયાન વડોદરામાં મેયર રહી ચૂકેલા અને સંઘમાં ખાસ્સું એવું વજન ધરાવતા જ્યોતિબેન પંડયા મીડિયા સામે જઈને તેમની રજૂઆત મૂકે તે પહેલા જ તેમને પક્ષમાંથી તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવાની ઘટના એ તો આગમાં ઘી હોમવાનું કામ કરી દીધું હતું. અને પછી શરુ થયું ભાજપનું પરંપરાગત પત્રિકા વોર. અને બેનરો પણ લાગ્યા. છેવટે મામલો દિવસેને દિવસે વધુ પેચીદો બની ગયો હોવાનું પાર્ટીના ધ્યાનમાં આવતા છેવટે રંજનબેનને ભારે હૃદયે મારે 'ચૂંટણી નથી લડવી' તેવી જાહેરાત કરવી પડી હતી. રંજનબેન ભલે ગમે તે કહે પણ ગુજરાતમાં સૌ કોઈ જાને છે કે, ચૂંટણી લડવી કે નહીં તે ભાજપમાં માત્ર બે વ્યક્તિ જ નક્કી કરી શકે છે. 

વડોદરા જેવી ભવાઈ સાબરકાંઠા બેઠકમાં પણ જયારથી ટિકિટની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી શરુ થઇ ગઈ હતી. અહીં પણ ચાલુ સાંસદને બદલે ભાજપે ભીખાજી નામના અરવલ્લી ભાજપના મહામંત્રી નેતાને ટિકિટ આપી હતી. જેઓ સાબરકાંઠા સહકારી બેન્કના વાઇસ ચેરમેન પણ છે. પરંતુ તેમની અટકને લઈને વિવાદ થવાને કારણે મામલો ભાજપ માટે કઠિન બની ગયો હતો. 'ડામોર' અને 'ઠાકોર' અટકને લઈને તેમજ અરવલ્લી ભાજપના આંતરિક વિખવાદમાં છેવટે ભીખાજીને પણ ભારે હૃદયે 'મારે ચૂંટણી નથી લડવી' તેવી જાહૅરાત કરવી પડી હતી. વડોદરા અને સાબરકાંઠા બાદ હવે ગુજરાતમાં ભરૂચ અને આણંદ બેઠકમાં પણ 'શિસ્તબદ્ધ' ચૂંટણી નહીં લાડવા અંગેનું ટવીટ આવી જાય તો પણ નવાઈ નહીં.   

કચ્છ સહિતના મોટાભાગના જિલ્લામાં ભાજપમાં પ્રવર્તી રહી છે નારાજગી ? : પહેલા વિધાનસભા ચૂંટણી ટાણે ગુજરાત ભાજપમાં  ગમા-અણગમાનું નાટક ભાજપમાં જોવા મળતું હતું. પરંતુ જેમ તેમ કરીને ફાઈલો બતાવીને પાર્ટી કાર્યકરોના રોષને ઠંડો પાડી દેવામાં આવતો હતો. કચ્છ જિલ્લાની વાત કરીએ તો, અહીં ભૂતકાળમાં સગી ભાણીને વિધાનસભાની ટિકિટ આપવામાં આવતા મામા છેક ગાંધીધામથી ભુજ વિરોધ કરવા આવી ગયા હતા. પરંતુ પ્રેસર ટેક્નિક કહો કે ગમે તે વિરોધ કરવાવાળા પાછા જતા રહેતા હતા. આ વખતે પણ કચ્છ ભાજપમાંથી વીસથી વધુ લોકોએ ટિકિટ માંગી હતી. છ ધારાસભ્યમાંથી અમુકનો વિરોધ અને પાર્ટી સંગઠનમાં પણ અમુક કક્ષાએ વિરોધનો સૂર હોવા છતાં પાર્ટીએ ટિકિટમાં હેટ્રિક મારીને ચાલુ સાંસદને બહાલ કર્યા હતા. આવી સ્થિતિ મહદંશે ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરોમાં છે. પણ કહેવાતા શિસ્ત અને ફાઇલોની બીકને લીધે કોઈ ખુલીને વિરોધ નથી કરી રહ્યું. પણ જે રીતે વડોદરા અને સાબરકાંઠામાં થયું છે અને બીજી જગ્યાની વાતો સંભળાઈ રહી છે તેને જોતા આ વખતે ભાજપમાં હજુ પણ વધુ વિખવાદ બહાર આવે તો નવાઇ.