Kutch : પોલીસના નાક નીચે કચ્છમાં છુપાયેલા કરોડો રૂપિયાની બેન્ક રોબરીના ખૂંખાર આરોપીને બિહાર પોલીસ ઉઠાવી ગઈ
બેન્ક લૂંટ સહિત 12 ગુનામાં ફરાર આરોપીને પકડવા માટે બિહાર પોલીસે કચ્છને ખૂંદી નાખ્યું. ભુજમાં રહેતા કોન્ટ્રાક્ટર ભાઈને દબોચી લેવામાં આવ્યા બાદ આરોપી સામખયાળીથી મળ્યો
Special Correspondent.Bhuj (Kutch) : બિહારમાં કરોડો રૂપિયાની બેન્ક રોબરીના કેસ સહીત બારેક જેટલા ગુન્હામાં લાંબા સમયથી ફરાર ખૂંખાર આરોપીને બિહારની પોલીસ સરહદી જિલ્લા કચ્છમાંથી ઉઠાવી ગઈ છે. ચાર દિવસથી કચ્છમાં ભુજ ઉપરાંત સામખિયાળી વગેરે વિસ્તારમાં ઇન્વેસ્ટિગેશન કરી બિહાર પોલીસે કચ્છ પોલીસના નાક નીચે છુપાયેલા આરોપીને પકડી લીધો છે. બે દિવસ પહેલા ભુજના ખારીનદી ચાર રસ્તા પાસે નવા કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા બિહારના એક કોન્ટ્રાક્ટરને પોલીસ ઉઠાવીને ભુજના 'એ' ડિવિઝન પોલીસ મથકે લઈ લઇ આવવામાં આવ્યો હતો. અને ત્યારબાદ બિહાર લૂંટના ગુનાનો આરોપી બીપીનનો પગેરું તેમના હાથ લાગ્યું હતું.
છેલ્લા પાંચ વર્ષથી લૂંટના 12 જેટલા જુદા જુદા ગુનામાં ફરાર આરોપી બીપીન કચ્છમાં હોવાની માહિતી મળતા બિહારના ભાગલપુર જિલ્લાની નવગછીયા પોલીસ ગુજરાતના બોર્ડર ડીસ્ટ્રીકટ કચ્છમાં આવી હતી. વર્ષ 2021 માં 1 કરોડ રૂપિયાની બેન્ક રોબરીને અંજામ આપનાર આરોપી ને શોધવા માટે આવેલી બિહાર પોલીસ ભુજ આવીને તપાસ શરુ કરી હતી. બિહાર પોલીસની ટુકડી છેલ્લા પાંચ દિવસથી કચ્છમાં ભુજ તેમજ આસપાસનાં વિસ્તારમાં ધામા નાખ્યા હતા. બે દિવસ પહેલા ખારી નદી ચાર રસ્તા પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં કોન્ટ્રાક્ટરની ઓફિસ ધરાવતા બિહારના શખ્સને ભુજ શહેર 'એ' ડિવિઝન પોલીસને સાથે રાખીને બિહારની પોલીસે ઉઠાવી લીધો હતો. બિહાર પોલીસ તેને ઉઠાવી લઈ 'એ' ડિવિઝન પોલીસ મથકે લઈ આવી હતી.
આ કોન્ટ્રાક્ટરની પૂછપરછમાં બિહારનો બીપીન નામનો આરોપી તેનો ભાઈ નીકળ્યો હતો અને તે સામખિયાળી પાસે કામ કરતો હોવાની કેફિયત આપી હતી. જેથી બિહાર પોલીસ ગઈકાલે મંગળવારે સવારે સામખીયાળી પહોંચી હતી અને કોન્ટ્રાક્ટર ભાઈએ જે જગ્યાનું લોકેશન આપ્યું હતું ત્યાં જઈને બિપિનને ઝડપી લીધો હતો. બિહારના આ કોન્ટ્રાક્ટરનું ખાવડા પાસે ચાલી રહેલા સોલાર પ્રોજેક્ટમાં કામ ચાલુ છે. અને થોડા સમય પૂર્વે જ આ બીપીન તેની પાસે આવ્યો હતો અને બાદમાં બીપીન સામખીયાળી પાસે કામ કરતો હોવાનું આ કોન્ટ્રાક્ટર ભાઈએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું. બિપિન સામે એક કરોડની રોબરી સહિત બિહાર અને રાજસ્થાનમાં કુલ 12 ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, અન્ય રાજ્યમાં મોટા ગુન્હાને અંજામ આપીને સરહદી કચ્છમાં સંતાઈ જઈ નોકરી કરીને છુપાઈ જવાની ઘટનાઓ અવાર નવાર સામે આવી ચુકો છે.
પોલીસની બી રોલની કામગીરી નબળી, ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ બેખર : બોર્ડર ડીસ્ટ્રીકટ હોવાને કારણે કચ્છમાં પોલીસ ઉપરાંત ઇન્ટલિજન્સ એજન્સીઓની જવાબદારી વિશેષ હોય છે. પરંતુ લાંબા સમયથી સ્થાનિક પોલીસ ઉપરાંત સ્ટેટ અને સેન્ટ્રલની ઇન્ટેલ એજન્સી ઉપરાંત અન્ય એજન્સીઓ બેદરકાર હોય તેવુ લાગી રહ્યું છે. લોરેન્સ ગેંગનું કચ્છ કનેક્શન હોય કે બીએસએફમાં જાસૂસી કરતા પકડાઈ ગયેલો કર્મચારી હોય, કયાંક ને કયાંક એજન્સી અને પોલીસના લોકો મૂળ ધંધો મૂકીને રોજ સાંજ પડે ચા પાણી કરતા કે સિગારેટ ફૂંકતા થઇ ગયા છે. જેને લીધે જ કદાચ બિહારનો ખૂંખાર આરોપી બિપિન આરામથી કચ્છમાં આવે છે અને જિલ્લા મથક ભુજમાં આંટાફેરા કરીને સામખિયાળીમાં નોકરી પણ કરતો થઇ જાય છે.