Kutch Politics : જિલ્લા પ્રમુખ તરીકે દેવજીભાઈની નિમણુંક કરીને પ્રદેશ ભાજપે કચ્છના નેતાઓ અને કાર્યકરોને શું સંદેશો આપ્યો છે ?

કચ્છમાં વકરેલા જૂથવાદ અને ભષ્ટાચારને અંકુશમાં કરવા ઉપરાંત લોકસભાની આગામી ચૂંટણી દરમિયાન સંઘના સ્વચ્છ નેતાની કસોટી થશે

Kutch Politics : જિલ્લા પ્રમુખ તરીકે દેવજીભાઈની નિમણુંક કરીને પ્રદેશ ભાજપે કચ્છના નેતાઓ અને કાર્યકરોને શું સંદેશો આપ્યો છે ?

WND Network.Bhuj (Kutch) : ગુજરાતમાં 156 સીટ સાથે વિજયપથ ઉપર નીકળેલા ભાજપ (BJP)ને કર્ણાટકમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જેને પગલે ભાજપના મોવડી મંડળે સંગઠનથી માંડીને સરકારમાં ફેરફાર કરવાનું ચાલુ કર્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં તાજેતરમાં ભાજપે જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ બદલીને સંઘમાં વર્ચસ્વ ધરાવતા નેતાઓને જિલ્લા સંગઠનનું નેતૃત્વ સોંપ્યું છે. જેમાં કચ્છની વાત કરીએ તો સામાન્ય વ્યક્તિ માટે અજાણ્યા કહી શકાય તેવા અંજાર તાલુકાના રતનાલ ગામે રહેતા સંઘના કર્મઠ નેતા એવા દેવજીભાઈ હીરાભાઈ પટેલ (વરચંદ) ને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જાહેરમાં કચ્છ ભાજપના નેતાઓ ભલે તેને રૂટિન-નિર્વિવાદ નિમણુંક કહેતા હોય. પરંતુ દેવજીભાઈની કચ્છ ભાજપના પ્રમુખ તરીકે નિમણુંક કરીને પ્રદેશના સંગઠને કચ્છમાં ભાજપના નેતા અને કાર્યકરોને કેટલાક સાફ સંકેત આપ્યા છે. બે દાયકાથી પણ વધુ સમયથી સત્તામાં હોવાને કારણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં ટકાવારી કમિશન વધી ગયું છે. સાથે સાથે જૂથવાદ પણ તેની ચરમ સીમા ઉપર છે. આવા સંજોગોમાં લોકસભા માટેની આગામી ચૂંટણીમાં 'કર્ણાટકવાળી' ન થાય તે માટે ભાજપનું મોવડી મંડળ અત્યારથી સતર્ક બની ગયું છે. કચ્છ સહીત ગુજરાતમાં સંગઠન લેવલે જે ફેરફારો થઈ રહ્યા છે તે એક કવાયતનો જ ભાગ છે.    

સંઘ (RSS)ના પાયાના કાર્યકર અને સીમા જનકલ્યાણ જેવા કાર્યક્રમો દરમિયાન પોતાની આગવી ઓળખ ઉભી કરનારા 53 વર્ષના દેવજીભાઈ વરચંદ ( વરચંદ તેમની અટક છે) રતનાલમાં રહેતા હોવા છતાં ભાજપના જુથવાદથી પોતાને અલગ રાખી શક્યા છે. અને કદાચ તેમનો આ સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. જેને લીધે તેમને કચ્છ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓ કચ્છમાં ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકરો જેમ સત્તાને કારણે પોતાનો ધંધો જમાવીને બેઠા છે તેવું  કોઈ કામ તેમણે નથી કર્યું. કે અન્ય કોઈપણ જગ્યાએ તેમનું નામ પણ ઉછળ્યું નથી. સંઘ અને ભાજપના તમામ કાર્યક્રમમાં અચૂક જોવા મળતા દેવજીભાઈએ કચ્છના પાયાના કાર્યકરો સાથેનો નાતો જાળવી રાખ્યો છે. અને એટલે જ જયારે તેમની નિમણુંક કરવામાં આવી અને ભુજમાં ભાજપના કાર્યાલય ખાતે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા હતો ત્યારે કચ્છમાંથી એવા કેટલાય કાર્યકરો હતા જે વર્ષો પછી ભાજપની ઓફિસે આવ્યા હતા. સરકાર અને સંગઠન વચ્ચેનો તાલમેલ મેળવીને જનપ્રતિનિધિઓના દબાણથી મુક્ત રહીને પાયાના કાર્યકરો તેમજ સામાન્ય લોકોના સમસ્યાઓને વાચા આપવી એ નવનિયુક્ત પ્રમુખ દેવજીભાઈ માટે મોડો પડકાર છે.  

જિલ્લા પ્રમુખ પદેથી કેશુભાઈને કેમ દૂર કરવા પડયા, કોણ હતા બીજા દાવેદાર ? :- કચ્છ ભાજપના પ્રમુખ તરીકે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલની બીજી ટર્મ દરમિયાન તેમને દૂર કરીને દેવજીભાઈને મુકવા પાછળ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં કચ્છ કમલમથી માંડીને અન્ય ઘણા પરિબળો જવાબદાર હોવાનું ખુદ ભાજપના કાર્યકરો અંદરખાને કહી રહ્યા છે. કેશુભાઈ લાંબા સમયથી કાર્યકરોને મળવાનું ટાળતા હતા. ભુજની ભાજપ ઓફિસે પણ કોઈ આવતું ન હતું અથવા તો શિસ્તની દુહાઈ આપીને અટકાવી દેવામાં આવતા હતા. કચ્છની નગર પાલિકાઓના ભ્રષ્ટ વહીવટથી સામાન્ય લોકો તો ઠીક ભાજપના કાર્યકર પણ નારાજ હતા. લોકોના કામ થતા ન હતા. આ ઉપરાંત કચ્છમાં ભુજ ખાતે તૈયાર થઈ રહેલું 'કમલમ' પણ કેશુભાઈને નડી ગયું હોવાનું માનવામાં આવે છે. કેશુભાઈએ કમલમનું ઉદ્ઘાટન તેમના હાથે થાય તે પછી કચ્છ ભાજપનું સુકાન છોડવાની તૈયારી બતાવી હતી. અને કદાચ એટલે જ તેમને બીજી ટર્મ માટે રિપીટ કરવામાં આવ્યા હતા. પરંતુ કમલમનું કામ જ પૂરું ન થયું. તેવામાં કર્ણાટકનો ફિયાસ્કો થયો અને દિલ્હીથી માંડીને કોબા સુધી ભાજપમાં કરંટ આવ્યો અને ફેરફારો શરુ થયા. અને પરિણામે દેવજીભાઈ કચ્છના ભાજપના પ્રમુખ તરીકે ઉભરી આવ્યા.

કચ્છમાં જિલ્લાના પ્રમુખ તરીકે પોતાનો વ્યક્તિ નિયુક્ત થાય તે માટેના પ્રયાસોને પણ ભાજપના મોવડી મંડળે ગંભીરતાથી લીધા હતા. અને એટલે જ, જે લોકો અન્ય નેતાઓના સહારે કે ભલામણ કરીને પ્રમુખ થવા માંગતા હતા તેમના નામ પ્રદેશ ભાજપે માન્ય રાખ્ય ન હતા. ભાજપના જ સૂત્રોનું માનીએ તો, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ પોતે જ બીજી ટર્મ દરમિયાન પ્રમુખ તરીકે રહે તેવું ઇચ્છતા હતા. પરંતુ તેમને જો ન રાખવામાં આવે તો તેઓ કચ્છ ભાજપના મહામંત્રી શીતલ શાહને પ્રમુખના દાવેદાર તરીકે રજુ કર્યા હતા. શીતલ શાહ ભુજના પૂર્વ ધારાસભ્ય નીમાબેનની પણ ચોઈસ હતા. જો શીતલ શાહના નામ ઉપર પ્રદેશ ભાજપ સહમત ન હોય તો કેશુભાઈએ બીજા નામ તરીકે અરજણ રબારીનું નામ પણ સજેસ્ટ કર્યું હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે.

આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને કચ્છના ભાજપ પ્રમુખ રહી ચૂકેલા વાગડ પંથકના નેતા પંકજ શાહનું નામ પણ પ્રમુખની રેસમાં સામેલ હતું. પંકજભાઈને વિધાનસભા દરમિયાન રાપરમાંથી ટિકિટ મળવાની ભરપૂર સંભાવના હતી. પરંતુ કચ્છના રાજકારણમાં ક્ષત્રિય સમાજના સમીકરણને પગલે તેઓ રહી ગયા હતા. વિધાનસભાની ચૂંટણીથી માંડીને જિલ્લા પ્રમુખની વરણી સુધીમાં કચ્છમાં જૈન સમાજનું પ્રતિનિધિત્વ સાવ ન હોય તેવું પ્રથમ વખત જોવા મળ્યું છે. દિવંગત પીઢ નેતા તારાચંદભાઈ છેડા અને મુકેશ ઝવેરી પછી કચ્છમાં ભાજપ દ્વારા જૈન સમાજને જોઈએ એટલું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી.

જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અન્ય એક નામ કચ્છમાં મહત્વપૂર્ણ એવા લોહાણા સમુદાયમાંથી આવતા ભુજના ભાજપના નેતા ડોક્ટર મુકેશ ચંદેનું પણ હતું. વ્યવસાયે તબીબ એવા મુકેશભાઈ ચંદે લોહાણા સમાજમાં અગ્રણી છે. ડૉ.ચંદે સંઘના નેતા દિલીપ દેશમુખના ક્રિટિકલ ઓપરેશન વખતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના વધુ સંપર્કમા આવ્યા હતા. કારણ કે, દિલીપ દેશમુખના ઓપરેશન વખતે હર્ષ સંઘવી હોસ્પિટલમાં તેમની સાથે કચ્છમાં રોકાયા હતા. તે વખતે સંઘવી માત્ર ધારાસભ્ય હતા, મંત્રી બન્યા ન હતા. સુરતમાં રહેતા ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ ભાજપના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ ઉર્ફે સી.આર.પાટિલના ખુબ નજીક છે એ વાત જગજાહેર છે. તેમ છતાં ડૉ.ચંદેનું નામ નીકળી ગયું. 

દેવજીભાઈની નિમણુંકથી કચ્છના રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળશે  :-  લાંબા સમયથી કચ્છના લોકો અખબારો અને અન્ય માધ્યમોમાં એકના એક છાપેલા કાટલાં સમાન નેતાઓના ફોટા અને નામથી કંટાળી ગયા હતા. આ વાત પ્રદેશની નેતાગીરી સુધી પણ પહોંચાડવામાં આવી હતી. દરમિયાન દેવજીભાઈની પ્રમુખ તરીકેની નિમણુંક આગામી સમયમાં કચ્છના, ખાસ કરીને ભાજપના રાજકારણમાં મોટા ફેરફારના સંકેતો આપે છે. દેવજીભાઈની વાત કરીએ તો, તેઓ આહીર સમાજ ઉપરાંત તેમના ગામ રતનાલમાં સારી શાખ ધરાવે છે. કચ્છના રાજકારણમાં રતનાલનું યોગદાન મોટું છે. નજીકના વ્યક્તિઓમાં 'લાલા' તરીકે ઓળખાતા ગુજરાતના પૂર્વ મંત્રી વાસણભાઈ ઉપરાંત અંજારના ચાલુ ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા (માસ્તર) પણ રતનાલ ગામના છે. દેવજીભાઈ હીરાભાઈ વરચંદને ગામમાં તથા આહીર સમાજમાં પટેલ તરીકે ઓળખવામાં આવે છે. વાસણભાઇ ભોજાણી આહીર છે. અને સૂત્રોનું માનીએ તો બંનેના કુટુંબો વચ્ચે દાયકાઓથી ખટાશ છે. તેમ છતાં જયારે પણ વાસણભાઇ ચૂંટણીમાં વિજય થતા ત્યારે તેઓ સૌથી પહેલા તેઓ દેવજીભાઈના ઘરે જઈને ગામના સૌથી વરિષ્ઠ એવા તેમના પિતા હીરાભાઈના પગે પાડીને અચૂક આશીર્વાદ લેતા હતા અને ફોટા પણ પડાવતા હતા. 

આહીર સમાજના મોવડી એવા વાસણભાઇ આહિરનું જેમ એક મોટું ગ્રુપ છે તેવું પૂર્વ ધારાસભ્ય ડૉ.નીમાબેનનું પણ જૂથ છે. બેન માટે તો એવું પણ કહેવાય છે કે, તેઓ રાજકારણમાં હંમેશા સામા પ્રવાહે ચાલીને આગળ નીકળી જવાની તાકાત ધરાવે છે. નીમાબેનને ચૂંટણીમાં ટિકિટ મળે પછી  તેમને હરાવવા લગભગ અશક્ય છે તેવું તેમના શત્રુઓ પણ માને છે. તેમની પણ વિધાનસભા ચૂંટણી દરમિયાન ટિકિટ જરૂર કપાઈ છે. છતાં તેઓ હાલની ભાજપની સરકારમાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે. તેમના દીકરાઓ હોટેલિયર છે અને શિપિંગ ઉદ્યોગમાં મોટું માથું છે. પરંતુ બેનનો રાજકીય વારસો તેમના ભત્રીજા ધવલ આચાર્ય સંભાળી રહ્યા છે. ધવલ આચાર્ય ગુજરાત યુવા ભાજપના અગ્રણી છે. અને તેમનું ટ્યુનિંગ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ખુબ જ સારું કહી શકાય તેવું છે. હર્ષ સંઘવી જયારે પણ કચ્છ આવે ત્યારે તેઓ ગાંધીધામ અચૂક જાય છે. હર્ષ સંઘવીના PA તરીકે કાર્યરત GAS કેડરના અધિકારી વિજય રબારી લાંબા સમય સુધી કચ્છમાં ફરજ બજાવી ચૂકેલા છે. છેલ્લે વિજય રબારી અંજારના પ્રાંત અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. 

વાસણભાઇ અને નીમાબેનની જેમ કચ્છના સાંસદ અને પ્રદેશમાં મહામંત્રી તરીકે સંગઠનમાં મહત્વનું સ્થાન ધરાવતા વિનોદ ચાવડાનું આમ જોવા જઈએ તો કોઈ ગ્રુપ ભલે નથી પરંતુ પ્રદેશ સંગઠનમાં હાલમાં જે મહામંત્રી છે તેમાં પ્રદીપસિંહ વાઘેલા અને તેમનું વજન સારું છે. લોકસભા માટેની આગામી ચૂંટણી દરમિયાન કચ્છ ભાજપના પ્રમુખનું સ્થાન મહત્વપૂર્ણ છે. તેવામાં વિનોદ ચાવડા માટે પણ દેવજીભાઈની નિમણુંક ઘણા સંકેત આપી જાય છે.