Kutch Rain : પૂર્વમાં ભારે પવન સાથે વરસાદ, ગાંધીધામમાં મોબાઈલ ટાવર પડ્યો, કંડલામાં જેટી ઉપરની તોતિંગ ક્રેન એકબીજા સાથે અથડાઈ, જાણો કયાં શું નુકશાન થયુ...
અંજારના માર્કેટ યાર્ડમાં પેકીંગ કરીને મુકેલી હજારો કિલો કેરી વરસાદમાં પલળી જતા વેપારીઓને મોટું નુકશાન
WND Network.Gandhidham (Kutch) : વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે આજે બપોર પછી કચ્છનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ખાસ કરીને તેની વ્યાપક અસર પૂર્વ કચ્છમાં જોવા મળી હતી. બપોર બાદ શરુ થયેલા ભારે પવન વરસાદના માહોલ વચ્ચે ગાંધીધામ, કંડલા અને અંજાર તાલુકાના વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. કંડલા પોર્ટમાં જેટી ઉપર કાર્ગો હેન્ડલ કરવા માટેની મોટી તોતિંગ ક્રેન ભારે પવનમાં તેના પાટા ઉપર ખસીને એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. તો ગાંધીધામમાં મોબાઈલ ટાવર ધરાશાયી થઇ ગયો હતો. તો કયાંક મકાનના પતરા ભારે પવનમાં ઉડી ગયા હતા. અંજારના માર્કેટ યાર્ડમાં પેક કરીને રાખવામાં આવેલી કેરીઓના બોક્સ વરસાદમાં પલાળી ગયા હતા. જેને કારણે વેપારીઓને મોટું નુકશાન થયું હતું.
કંડલામાં તો ભારે પવનને કારણે એક તરફ જયાં દરિયો ગાંડો થયો હતો તેવામાં પોર્ટની જેટી ઉપર કાર્ગો હેન્ડલ કરવા માટે પાટા ઉપર સેટ કરવામાં આવેલી મોટી તોતિંગ ક્રેન ખસી જઈને સરકવાનું શરુ કરી દીધું હતો. ભારે વજનવાળી આ ક્રેન એકબીજા સાથે અથડાઈ જવાને કારણે પોર્ટ એરિયામાં રહેલા કર્મચારીઓ અને મજૂરોમાં ખૌફનો માહોલ જોવા મળ્યો હતો.
આ મામલે કંડલા પોર્ટના PRO ઓમપ્રકાશ દાદલાણીએ 'વેબ ન્યૂઝ દુનિયા' સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારે પવનને લીધે ક્રેન સરકી હતી. પરંતુ તેને લીધે જાનમાલનું કોઈ નુકશાન થયું નથી.
સોમવારે બપોર પછી અંજાર,ગાંધીધામ અને કંડલાનાં આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો હતો. જેને પગલે ગાંધીધામ-અંજારમાં નુકશાનીના સમાચાર મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો વીજળીના થાંભલા પડી ગયા હતા. તો કયાંક ધાબા ઉપર મુકવામાં આવેલી પાણીની ટાંકી હવામાં ઊડતી હોય તેવા વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થયા હતા. મીની વાવાઝોડા જેવી સ્થિતિને પગલે ગાંધીધામ તો બસ સ્ટેન્ડની સામે આવેલા એક કોમ્પ્લેક્સમાં ધાબા ઉપર સેટ કરવામાં આવેલો મોબાઈલ ટાવર પડી ગયો હતો.
અંજાર તાલુકાના અજાપર ગામ ખાતે મકાનના પતરા હવામાં ઉડી ગયા હતા. મજૂરોના ઘરની છત ઉડી જવાને કારણે ઘરમાં રાખવામાં આવેલી ઘર વખરીની વસ્તુઓ પલળી ગઈ હતી. આવી જ સ્થિતિ કંડલામાં કસ્ટમ હાઉસમાં પણ જોવા મળી હતી. જયાં બિલ્ડિંગની ઉપર લગાવવામાં આવેલી પ્લાસ્ટિકની છત ઉડી ગઈ હતી.
ભારે પવન અને વરસાદને પગલે પૂર્વ કચ્છમાં ઠેર ઠેર થાંભલા પડી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ભુજનો કંઢેરાઈ - પધ્ધર માર્ગ વચ્ચે વીજળીના થાંભલા પડી ગયા હતા. જેને કારણે વાહન વ્યવહાર પણ બંધ થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
આગામી 24 કલાકમાં વાવાઝોડા વીજળી પડી શકે છે :- નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાકમાં બનાસકાંઠા, કચ્છ અને સાબરકાંઠા જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે.