West Kutch Police : વાહ કચ્છ પોલીસ ! છેલ્લા 7 મહિનામાં 48થી વધુ ફરાર આરોપી પકડ્યા ત્યારે ફોટા સાથે જાહેરાતો કરી, સોપારી કાંડના ભાગેડુ પોલીસે સામેથી આત્મસમપર્ણ કર્યું ત્યારે ચૂપ રહ્યા, હજુ પણ એક ફરાર

સોપારી કાંડના કરોડો રૂપિયાના તોડમાં અઢી વર્ષથી ફરાર હેડ કોન્સ્ટેબલ સપ્તાહ પહેલા સામેથી હાજર થયો, રિમાન્ડ લેવાયા, જેલ હવાલે કરી દેવાયો ત્યાં સુધી નીચેથી ઉપર સુધી બધા ચૂપ

West Kutch Police : વાહ કચ્છ પોલીસ ! છેલ્લા 7 મહિનામાં 48થી વધુ ફરાર આરોપી પકડ્યા ત્યારે ફોટા સાથે જાહેરાતો કરી, સોપારી કાંડના ભાગેડુ પોલીસે સામેથી આત્મસમપર્ણ કર્યું ત્યારે ચૂપ રહ્યા, હજુ પણ એક ફરાર

WND Network.Bhuj (Kutch) : પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લગભગ દર મહિને છ થી વધુ નાસતા ફરતા આરોપીઓને પકડીને તેના ફોટા સાથેની જાહેરાત કરવામાં આવતી હોય છે. છેલ્લા સાત મહિનામાં 48થી વધુ આવા ભાગેડુ આરોપીઓને LCB ભુજ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. પરંતુ અઢી વર્ષથી સોપારી કાંડના કરોડો રૂપિયાના તોડ પ્રકરણમાં ફરાર બે આરોપી પોલીસ કર્મચારીઓને પશ્ચિમ કચ્છની ઝાંબાઝ પોલીસ પકડી શકી નથી. માત્ર એટલું જ નહીં પરંતુ બે ભાગેડુ આરોપી પૈકીનો એક ફરાર હેડ કોન્સ્ટેબલ સામેથી એક અઠવાડિયા પહેલા આત્મસમર્પણ કરે છે પણ કોઈને કાનોકાન ખબર પડતી નથી. ચાર દિવસના રિમાન્ડ પછી જયારે હેડ કોન્સટેબલ આરોપીને ભુજની જેલમાં મોકલાય છે ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવે છે. 

નાની અમથી મોબાઈલ મળી આવવાની ઘટનામાં પણ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ઢોલ પીટવામાં આવે છે ત્યારે ચકચારી સોપારીકાંડના આરોપીએ સામેથી પોલીસમાં સમર્પણ કર્યું તે વાત છુપાવવા પાછળ શું આશય હોય શકે તેની આપણે કલ્પના જ કરવી રહી

જૂન 2025થી ડિસેમ્બરના આજ દિવસ સુધી 48થી વધુ આરોપીને ભુજ LCB પકડીને તેના ફોટા પાડી વિગતો જાહેર કરેલી છે. સોપારી કાંડમાં સંડોવાયેલા બોર્ડર રેન્જમાં જે તે સમયે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરત ગઢવીના મુન્દ્રા પોલીસમાં કરવામાં આવેલા આત્મસમર્પણની હકીકત છુપાવવા આવી કે ભુજના અધિકારીઓને પણ અંધારામાં રાખવામાં આવ્યા છે કે કેમ, તે જાણવા માટે ભુજ SP વિકાસ સુંડાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓનાઓ  શ્રી કોલ રિસીવ કરી શક્યા ન હતા. મેસેજથી પણ તેમને સમગ્ર વાતથી અવગત કરવામાં આવ્યા હતા. પરંતુ આ લખાય છે ત્યાં સુધી તેમણે કે તેમના કોઈ પ્રતિનિધિ નો જવાબ આવ્યો ન હતો.  

આ ગુનાની તપાસ અમારી પાસે નથી ! : ન્યૂઝ રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ હંમેશની જેમ પશ્ચિમ કચ્છ પોલીસના SP વિકાસ સુંડા તરફથી ભુજ LCBના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર PSI હિતેશ જેઠીએ  'વેબ ન્યૂઝ દુનિયા'ને વૉટ્સએપ મેસેજ મોકલ્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, 'આ ગુનાની તપાસ ડીવાયએસપી થરાદ પાસે છે અને આરોપીને અટક કરવાની તેમજ આગળની તપાસની કાર્યવાહી તેઓ શ્રી સાહેબ કરે છે આ ગુનાની તપાસ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પાસે નથી'. ઉલ્લેખનીય છે કે, સોપારી કાંડની ફરિયાદ મુન્દ્રા પોલીસમાં નોંધાઈ હતી. આરોપીએ આત્મસમર્પણ પણ મુન્દ્રા પોલીસ મથકે કર્યું છે. જે પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં આવે છે. આટલા મોટા પ્રકરણનો અઢી વર્ષથી ફરાર આરોપી પકડાય અને થરાદના ડેપ્યુટી SP દ્વારા ભુજના IPS કેડરના SP ને જાણ કરવામાં આવી કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે, કોઈપણ નાનો અમથો આરોપી પકડાય તો પણ LCB ભુજ દ્વારા એવું કહેવામાં આવે છે કે, બોર્ડર રેન્જના આઇજી અને SP સાહેબનો દ્વારા આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. 

ચર્ચાસ્પદ સોપારી કાંડના કરોડો રૂપિયાના તોડમાં શું રંધાયું હતું ? : ગુજરાત પોલીસ બેડા સહીત IPS લોબીમાં જે તે સમયે ચર્ચાનો વિષય બનેલા કચ્છના સોપારી કાંડના (Kutch Betel Scam) કરોડો રૂપિયાનો તોડકાંડમાં બહુ જ ચર્ચામાં રહ્યો હતો. તે સમયે એવી વાતો વહેતી થઇ હતી કે, સમગ્ર પ્રકરણમાં જેમની ભૂમિકા છે તેવા ગુજરાત કેડરના એક સિનિયર IPS ઓફિસરને 3.75 કરોડ રૂપિયાના તોડકાંડમાંથી હેમખેમ બહાર કાઢવા માટે ACBના કાયદાનો ઉપયોગ કરીને ફરિયાદ છે. બીજી બાજુ મુન્દ્રા પોલીસ સ્ટૅશનમાં દાખલ થયેલી ACBની ફરિયાદમાં પોલીસને છ આરોપી પૈકી ચાર પોલીસ કર્મચારી અને એક પૂર્વ IPS સગાને ઝડપી લેવાને બદલે બદલે અન્ય એક આરોપી પંકિલ મોતામાં જાણે કે વધુ રસ હોય તેમ તેને દિલ્હીની એક હોટેલમાંથી ઉઠાવી લેવામાં આવ્યો હતો. એક પોલીસ કર્મચારીની ધર્મપત્ની એ તો બોર્ડર રેન્જના તત્કાલીન આઇજી મોથાલિયા સામે જ આરોપ મુકતા સનસનાટી મચી ગઈ હતી. ત્યારબાદ મોથાલિયાની બદલી અમદાવાદ રેન્જમાં થઈ ગઇ હતી અને ત્યાંથી જ તેઓ નિવૃત્ત પણ થયા હતા. જેમ જેમ સમય ગયો તેમ લોકોની સાથે મીડિયામાં પણ આ પ્રકરણ અંગે આવવાનું બંધ થઇ ગયું હતું. પરંતુ બે ફરાર આરોપીને જાણે ધરતીએ સમાવી લીધા હોય તેમ સાવ ગાયબ થઈ ગયા હતા. 

ભાગેડુ આરોપીઓને પકડવા માટે ખાસ રચના કરવામાં આવેલા પોલીસના ફર્લો સ્કોડથી લઈને સ્થાનિક પોલીસ, ભુજ LCB, ખાસ રચવામાં આવેલી SIT સહિતના પણ આ બંને આરોપીને પકડી શક્યા ન હતા. તેવામાં અચાનક એક આરોપી પ્રગટ થાય છે, રિમાન્ડ લેવાય છે અને જેલમાં પણ મોકલી દેવામાં આવે છે. 

(કચ્છના બહુ ગાજેલા સોપારી કાંડ અંગે વેબ ન્યૂઝ દુનિયા  દ્વારા સમયાંતરે ન્યૂઝ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. તેને જોવા વાંચવા માટે અહીં આપેલી લિંક ઉપર ક્લિક કરો...)

https://webnewsduniya.com/In-Side-Story-of-Kutch-Betel-Nut-Scam-15102023

https://webnewsduniya.com/Kutch-Sopari-Scam-Police-Politician-01092023

https://webnewsduniya.com/East-Kutch-Police-kidnapped-the-Police-

https://webnewsduniya.com/Kutch-Betel-Nut-Scam-Pankaj-Thakkar-KiritSinh-Bail-From-HighCourt-12042024

https://webnewsduniya.com/Kutch-Betel-Nut-Run-Away-Constable-Wife-Move-to-ACB-Court-02012024

https://webnewsduniya.com/Kutch-Sopari-Scam-Police-Politician-01092023