Kutch : સોપારી તોડકાંડમાં નવો ખુલાસો, ફરાર પોલીસ કર્મચારીની પત્નિએ કોર્ટમાં કચ્છ ભાજપના મહામંત્રી ઘવલ આચાર્ય અને બોર્ડર રેન્જ IG મોથાલિયા વિરુદ્ધ આક્ષેપ કર્યા

ગુજરાત પોલીસના DGP અને પૂર્વ કચ્છને લેખિતમાં રજૂઆત બાદ મામલો ભુજની ACB કોર્ટમાં પહોંચ્યો, પોલીસનો કોર્ટમાં દાવો- કોઈ પોલીસ અધિકારી સંડોવાયેલા નથી

Kutch : સોપારી તોડકાંડમાં નવો ખુલાસો, ફરાર પોલીસ કર્મચારીની પત્નિએ કોર્ટમાં કચ્છ ભાજપના મહામંત્રી ઘવલ આચાર્ય અને બોર્ડર રેન્જ IG મોથાલિયા વિરુદ્ધ આક્ષેપ કર્યા

WND Network.Gandhidham (Kutch) : કચ્છના સોપારી કાંડના (Kutch Betel Scam) કરોડો રૂપિયાના તોડકાંડમાં આરોપી એવા પોલીસ કર્મચારીના પત્નીએ ભુજની સ્પેશિયલ ACB કોર્ટમાં કરેલી ફરિયાદમાં કચ્છ ભાજપના મહામંત્રી અને ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર ડૉ.નીમાબેન આચાર્યના સગા ભત્રીજા ઘવલ આચાર્ય અને બોર્ડર રેન્જના આઇજી સિનિયર IPS જશવંત આર.મોથાલિયા વિરુદ્ધ આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતના DGP અને પૂર્વ કચ્છના એસપીને લેખિતમાં ફરિયાદ કર્યા પછી આ કેસમાં ફરાર પોલીસ કર્મચારીની પત્નીએ કોર્ટમાં દાખલ કરેલા કેસમાં અન્ય એવા પણ આક્ષેપ કર્યા છે જેને જોતા આગામી દિવસમાં આ મામલે કોઈ નવાજુની થાય તેવું ચિત્ર ઉપસી રાહ્ય છે. ભાજપ અગ્રણી અને સિનિયર IPS સામે કરેલા આક્ષેપ સદંભે પોલીસ કર્મચારીની પત્નીએ ઓડિયો ક્લિપની પેન ડ્રાઈવ પુરાવા સ્વરૂપે રજુ કરી હોવાનો દાવો તેમના એડવોકેટ તરફથી કરવામાં આવ્યો છે. 

સોપારીકાંડના આરોપી એવા ચાર પોલીસ કર્મચારી પૈકીના રણવીરસિંહ ઝાલાના પત્ની કૈલાશબા ઝાલાએ ભુજની સ્પેશ્યલ ACB કોર્ટમાં કરેલા કેસમાં એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, ફરિયાદ મોડી થવા પાછળ કોઈ કારણો દર્શાવેલા નથી. પરંતુ મુખ્ય કારણ હાલમાં બોર્ડર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ - IG  જે.આર.મોથાલિયાને બચાવવા માટે કરવામાં આવેલ છે. તેઓ વધુમાં જણાવે છે કે, સોપારી કાંડની ફરિયાદ નોંધાઈ તે પહેલા આ બનાવની અરજીની તપાસ પાલનપુરના ડેપ્યુટી એસપી એમ.બી.વ્યાસ કરી રહ્યા હતા. અને તે વખતે તા. 16-09-2023ના રોજ પન્કીલ સુનિલ મોહતાએ તેના લેખિત નિવેદનમાં બોર્ડર રેન્જના આઇજી જશવંત આર. મોથાલિયાના કહેવાથી લેવડ-દેવડ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ હકીકત બહાર આવતા અરજી કામે યોગ્ય ઇન્વેસ્ટિગેશન થાય તો સિનિયર IPS જે.આર.મોથાલિયાને આરોપી બનાવવા પડે તેવા સંજોગો ઉભા થયા હતા.  

ભુજની કોર્ટમાં કેસ સંદર્ભે દાખલ કરવામાં આવેલી અપીલમાં કૈલાસબા ઝાલાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, સોપારી કાંડની જેમ અગાઉ પણ આ જ રીતે સોપારી તથા અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મુન્દ્રા પોર્ટ મારફતે આવતી હતી. આ અંગે મુન્દ્રા પોર્ટ ઉપર બોર્ડર રેન્જના IGP જે.આર.મોથાલિયાની ટીમ દ્વારા વોચ રાખવામાં આવતી હતી. અને ખરેખર જો કોઈ પકડાઈ તો તેની વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે મોટી નાણાકીય રકમનો તોડ કરીને છોડી દેવામાં આવતા હતા. આ અગાઉ પણ પૂર્વ કચ્છના ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોપારી અંગે થયેલી ફરિયાદમાં આઇજી મોથાલિયા તથા તેમને રાજકીય રક્ષણ આપનારા ભાજપના એક હોદ્દેદાર ધવલ આચાર્ય કે જેઓ ગુજરાત વિધાન સભાના અગાઉના અધ્યક્ષ નીમાબેન આચાર્યના ભત્રીજા થાય છે. તેમની સંડોવણી સ્પષ્ટ થતી હોવાને કારણે તાત્કાલિક ધોરણે વધુ કોઈ સાચી તપાસ ન થાય તે માટે ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ઝીંઝુવાડિયા અને પૂર્વ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એન.રાણાની બદલી કરીને તે સમગ્ર મામલો દબાવી દેવામાં આઇજી જે.આર.મોથાલિયાએ તેમાં પણ મોટી નાણાકીય રકમ મેલી હતી. 

અપહરણની ફરિયાદ હતી તો પોલીસે FIR કરવાને બદલે અરજી કામે તપાસ કેમ કરી ? :  પોલીસ કર્મચારી રણવીરસિંહ ઝાલાના પત્ની કૈલાશબા ઝાલાનાના વકીલ સિનિયર એડવોકેટ દિલીપ જોશીએ વેબ ન્યૂઝ દુનિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર પ્રકરણમાં પોલીસની ભૂમિકા પહેલાથી જ શંકાસ્પદ છે. સોપારી કાંડની અરજીમાં જ ગોડાઉન મેનેજરના અપહરણની વાતનો ઉલ્લેખ હતો. છતાં પોલીસે મહિનાઓ સુધી પાકા પાયે ગુન્હો દાખલ કરીને FIR કરવાને બદલે અરજીકામે જ તપાસ કરવાનો શું આશય હતો ? વરિષ્ઠ ધારાશાસ્ત્રી જોશીએ વધુમાં કહ્યું કે, CrPCની કલમ 70 અને 71ની જોગવાઈ અંગે સુપ્રીમ કોર્ટના લલિતાકુમારી વિરુદ્ધ સ્ટેટ ઓફ બિહારના સુપ્રીમ કોર્ટના કેસમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જો કલમ 70 મુજબ કોર્ટે ધરપકડનો ઓર્ડર કર્યો હોય તો કલમ 71 મુજબ સિક્યોરિટી આપીને આરોપીને જામીન પણ આપી શકાય. એડવોકેટ જોશીએ તો ત્યાં સુધી કહ્યું કે, CrPCમાં અરજી કામે તપાસનો ઉલ્લેખ જ નથી. તો પોલીસ શા માટે ગુન્હો નોંધવાને બદલે અરજી લઈને તપાસ કરતી હોય છે ? 

સોપારી કાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓને બદલે પોલીસે શા માટે ઇન્વેસ્ટિગેશન પોતાની પાસે રાખી ? : પોલીસ કર્મચારીની પત્નિએ કોર્ટમાં કરેલા કેસમાં એવા ઘણા બધા તથ્યો અને માહિતી મૂકી છે જેને જોઈને મામલો વધુ વિવાસ્પદ બને તેવી પુરેપુરી શક્યતા છે. સોપારી કાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ કસ્ટમ, રેવન્યુ ઇન્ટેલિજન્સ કે CBIને તપાસ કરવાને બદલે લોકલ પોલીસે તપાસ પોતાની પાસે કેમ રાખી તે અંગે પણ સવાલ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીની પત્નિએ તો એવો આક્ષેપ કર્યો છે કે, જો કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા સાચી દિશામાં તપાસ કરવામાં આવી હોત તો હાલના બોર્ડર રેન્જના IG જે.આર.મોથાલિયા અને તેમને પોલિટિક્લી સપોર્ટ કરવાવાળા કચ્છ ભાજપના મહામંત્રી અને નીમાબેનના ભત્રીજા ધવલ આચાર્યની સંડોવણી બહાર આવે તેમ હોવાને કારણે તેમ હતી. 

...તો ગુજરાત પોલીસ ઉપરથી લોકોનો ભરોસો ઉઠી જશે : સોપારીના દાણચોરીના પ્રકરણ અને ત્યારબાદ બહાર આવેલા પાંચ કરોડના તોડકાંડમાં શરૂઆતથી જ પોલીસ ઉપર અતિ ગંભીર પ્રકારના કહી શકાય તેવા સામસામે આક્ષેપ થઇ રહ્યાં છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારે જ સામેથી સમગ્ર પ્રકરણના મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થાય અને તે દેખાય પણ, તે માટે બોર્ડર બોર્ડર રેન્જની બહારની પોલીસ અથવા તો સીઆઇડી ક્રાઇમ કે ACB જેવી એજન્સીઓને ઇન્વેસ્ટિગેશન સોંપવાની જરુરુ હતી. પરંતુ એવું થયું નહીં અને જેમની સામે આક્ષેપ થઇ રહ્યા છે તેવા બોર્ડર રેન્જના આઇજીએ તેમના તાબા હેઠળ આવતા પોલીસ અધિકારીઓને તપાસ સોંપી એટલું જ નહીં પરંતુ જે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ- સીટ (SIT)ની રચના કરી તેમાં પણ તેમની તાબા હેઠળની રેન્જના જ પોલીસ ઓફીસરની નિમણુંક કરી હતી. અદાલતોમાં જેમ ઘણી વખત જજ 'નોટ બીફોર મી' કહીને કેસના વિવાદથી દૂર રહેતા હોય છે તેમ આઇજી મોથાલિયાએ પણ તપાસથી પોતે તથા તેમની રેન્જને દૂર રાખીને વિવાદથી અળગા રહેવાની જરૂર હતી.