Off The Record : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ધોરડોમાં પૂનમની રાત માણી શકે તે માટે ભુજ એસટી બસપોર્ટનું ઉદ્ઘાટનના 6 દિવસ પહેલા કરી દેવાયું ?

રાજકારણમાં ચાલતી ચર્ચાઓ અને IAS-IPS સહિતના અધિકારીઓની અવનવી વાતો

Off The Record : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ધોરડોમાં પૂનમની રાત માણી શકે તે માટે ભુજ એસટી બસપોર્ટનું ઉદ્ઘાટનના 6 દિવસ પહેલા કરી દેવાયું ?
Off The Record : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ધોરડોમાં પૂનમની રાત માણી શકે તે માટે ભુજ એસટી બસપોર્ટનું ઉદ્ઘાટનના 6 દિવસ પહેલા કરી દેવાયું ?

સીએમ ધોરડોમાં પૂનમની રાત માણી શકે તે માટે ભુજ એસટી બસપોર્ટનું ઉદ્ઘાટનના છ દિવસ પહેલા કરી દેવાયું ? : કચ્છના પાટનગર ભુજમાં નિર્માણ કરવામાં આવેલું એસટીનું બસ પોર્ટ શરૂઆતથી ચર્ચામાં રહેલું છે. દુકાનો અને ફેરિયાના વિવાદથી લઈને મંત્રીના મિત્રની દુકાન બચાવી લેવાની ચર્ચા વચ્ચે બસ પોર્ટનું ઉદ્ઘાટન થઇ ગયા પછી પણ તે ઓપરેશનલ એટલે એક એસટી બસની આવાન-જાવન શરુ નથી થઇ તે મામલો ચર્ચામાં છે. ગત 26મી ડિસેમ્બર, મંગળવારે રાજ્યકક્ષાના ટ્રાન્સપોર્ટ મંત્રી હર્ષ સંઘવીની હાજરી વચ્ચે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે બસ પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે લોકોને એમ હતું કે, હવે નવા બસ સ્ટેશનથી બસ દોડતી થઇ જશે. પરંતુ આશ્ચર્ય વચ્ચે જયારે એસટી વિભાગે ખુલાસો કર્યો કે, બસ તો નવા વર્ષ 2024ની પહેલી તારીખથી શરુ થશે. અને ત્યારે ખબર પડી કે, સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ 26મીની પૂનમની રાતે ધોરડોમાં રોકાઈ શકે એટલા માટે બસ પોર્ટનું વહેલું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું. બાય ધ વે, આવું માત્ર મુખ્યપ્રધાન પટેલ જ કરે છે એવું નથી. સૌના આદર્શ એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આવું કરે છે. અને તેઓ પણ કચ્છમાં ભુજીયા ડુંગર ઉપર તૈયાર કરવામાં આવેલા સ્મૃતિ વનનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા ત્યારે પણ આવું થયું હતું.

દાદા એક સિનિયર IAS ઓફિસર ઉપર કેમ ભડક્યા,  'સીએમ કહે એટલે કામ કરવાનું જ હોય' : દાદા તરીકે ઓળખાતા મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ ભલેને સ્વભાવે સરળ લાગતા હોય પરંતુ જયારે કામની વાત આવે ત્યારે ગમે એને ટિપિકલ પટેલની માફક ધમકાવી નાંખતા સહેજપણ વિચાર કરતા નથી. થોડા દિવસ પહેલા દક્ષિણ ગુજરાતથી એક ઉદ્યોગપતિ મુખ્યપ્રધાનને મળવા ગયા હતા. ત્યારે સીએમ પટેલે સામેથી તેમને સરકારના એક કામ અંગે પૂછ્યું હતું. ઉદ્યોગપતિ ખચકાતા બોલ્યા કે, તમારી સૂચના હોવા છતાં હજુ નીચેથી કામ નથી થઇ રહ્યું. એટલે તરત જ દાદાએ તેમનું 'ત્રીજું નેત્ર' ખોલ્યું હોય તેમ એ વિભાગના જવાબદાર IAS અધિકારીને ફોન કરીને કડક શબ્દોમાં કહ્યું કે, 'સીએમની સૂચના હોય એટલે કામ કરવાનું જ હોય'. સિનિયર IASને કડક શબ્દોમાં સૂચના આપીને તેમની સાથે સંકળાયેલા એક મહિલા IAS ઓફિસરને પણ તેમના વતી સૂચના આપી દેવાનું કહ્યું હતું. જેને પગલે પેલા ઉદ્યોગપતિ સ્વર્ણિમ સંકુલમાં આવેલી સીએમ ઓફિસમાંથી નીચે આવે તે પહેલા તેમની ઉપર ફોન આવવાનું શરુ થઇ ગયું હતું.

મંત્રીના વાણી વિલાસથી કંટાળીને IAS ચાલુ મિટિંગમાંથી ઊભા થઇ ચાલ્યા ગયા : એક તરફ જયાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની કામ કરવાની સરળતા અને કડકાઈ સમાંતરે IAS લોબીમાં વખણાય છે ત્યારે તેમના કેટલાક મંત્રીઓની મિટિંગમાં સતત બોલવાની ટેવથી IAS અધિકારીઓ કંટાળી જાય છે. થોડા દિવસ પહેલા જ આવી એક ઘટના બની હતી. એક મિટિંગમાં, જેમાં આદિવાસી વિસ્તારના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને લઈને કેબિનેટ કક્ષાના મંત્રી કુબેરભાઈ ડીંડોલ અને તેમના વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ ચર્ચા કરી રહ્યા હતા. જેમાં અગ્ર સચિવ IAS મુરલી ક્રિષ્ણન અને ડાયરેક્ટર ટ્રાઈબલ IAS સુપ્રીત ગુલાટી ઉપરાંત રાજ્યભરમાંથી આવેલા ફિલ્ડના ઓફિસર્સ પણ હાજર હતા. આ મિટિંગમાં આદિવાસી વિકાસના પ્રોજેક્ટને લઈને સતત અટક્યા વગર રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ બોલવાનું ચાલુ રાખ્યું હતું. અધિકારીઓ તરફથી ધ્યાન દોરવા છતાં તેમનો વાણી વિલાસ ચાલુ રહ્યો હતો. જેને પગલે જેની ગણતરી સરળ સ્વભાવના અને પ્રામાણિક ઓફિસર તરીકે થાય છે તેવા IAS સુપ્રીત ગુલાટી મીટિંગમાંથી ઉભા થઈને ચાલ્યા ગયા હતા. નાજુક સ્થિતિને જોઈને જિલ્લાઓમાંથી આવેલા ફિલ્ડના અધિકારીઓ પણ અવાક રહી ગયા હતા. કારણ કે IAS ગુલાટીને તેઓએ આ રીતે ડિસ્ટર્બ થતા જોયા ન હતા. મિટિંગમાં કેબિનેટ કક્ષાના મંત્રી હાજર હોવા છતાં આ પ્રકારની ઘટના બની હતી.

ગુજરાતી અધિકારીઓનું IAS કેડરમાં સમયસર નોમિનેશન થાય તે કોને નથી ગમતું ? : વર્ષ 2016ને બાદ કરતા ગુજરાત સરકારમાં મોટાભાગે દર વર્ષે GAS કેડરમાંથી અધિકારીઓને IASમાં નોમિનેટ કરવાની પ્રક્રિયા નવથી દસ મહિના મોડી ચાલતી હોય છે. જેને લીધે નિવૃત્તિને આરે પહોંચેલા ગુજ્જુ અધિકારીઓને IAS તરીકે કામ કરવાનો મોકો બહુ ઓછો મળતો હોય છે. આ વર્ષે પણ 31મી ડિસેમ્બર,2023 સુધી આ પ્રક્રિયા કરવામાં આવી નથી. સામાન્ય રીતે દર વર્ષે IAS કેડરમાં કેટલા અધિકારી નિવૃત્ત થવાના હોય છે તે નક્કી હોય છે. છતાં તેમના સ્થાને નક્કી કર્યા મુજબ પ્રમોશન આપીને ગુજરાતીઓને IAS બનતા રોકવા પાછળ માત્ર સીધી ભરતીના અધિકારીઓ જ નહીં પરંતુ રાજકીય ઇચ્છાશક્તિ પણ મહત્વનો ભાગ ભજવે છે. IAS કેડરમાં બે રીતે અધિકારીઓની પસંદગી કરવામાં આવતી હોય છે. એક એવા જે UPSC પાસ કરીને આવેલા RR ઓફિસર એટલે કે સીધી ભરતીના રેગ્યુલર રીક્રુટ અધિકારી. અને બીજા SCS એટલે કે સ્ટેટ સિવિલ સર્વિસીસમાંથી પ્રમોશન મેળવીને IAS કેડરમાં નોમિનેટ થતા ગુજરાતી અધિકારીઓ. વર્ષ 2016માં ખુબ જ ઝડપથી IAS નોમિનેશન થયું હતું. કારણ કે તેમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી સાથે કામ કરી ચૂકેલા સંજય ભાવસાર ઉપરાંત તત્કાલીન મુખમંત્રી આનંદીબેન પટેલ સાથે રહેલા જે.ડી.દેસાઈ અને વિજય રૂપાણી સાથે રહી ચૂકેલા ડી.એચ.શાહ હતા. એટલે સ્વાભાવિક છે કે તેમનું નોમિનેશન ઝડપી થાય. 

વડોદરાના કલેક્ટર અતુલ ગોરને દિલ્હી PMOમાં જવું છે ? : વડપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં PMO કામ કરવાનો મોહ ગુજરાતના અધિકારીઓમાં સવિશેષ જોવા મળી રહ્યો છે. જેમાં હવે વડોદરાના જિલ્લા કલેક્ટર અતુલ ગોરનું નામ પણ ભળ્યું છે. માર્ચ-2024માં નિવૃત્ત થઇ રહેલા એ.બી.ગોર નામના વર્ષ 2009ની બેચના પ્રમોટી IAS અધિકારી જાતે તેમને મળતા લોકોને એમ ક્હેતા હોવાની વાતો બહાર આવી છે કે, તેઓ રિટાયરમેન્ટ પછી દિલ્હી PMOમાં જઈ રહ્યા છે. તેમના આ સ્વ પ્રચાર-પ્રસારમાં એટલે દમ હોવાનું માનવામાં આવી રહ્યું છે કે, તેમને હાલમાં PMOમાં OSD તરીકે ફરજ બજાવી રહેલા સંજય ભાવસાર નામના ઓફિસર સાથે સારું ટયુનિંગ છે. પરંતુ જે રીતે અતુલ ગોર સામેથી તેમની દિલ્હીની ભાવી પોસ્ટિંગ વિષે ચર્ચા કરી રહ્યા છે તેને જોતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વભાવ પ્રમાણે આખી યોજના ઘોંચમાં પડે તો પણ નવાઈ નહીં. નિવૃત્તિની ઘડી નજીક આવી રહી છે એટલે ગોર દિલ્હી જતા પહેલા લાંબી રજાઓનું પણ પ્લાનિંગ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મતદાર યાદીની અગત્યની કામગીરી અને સુરેન્દ્રનગરના કલેક્ટર કેયુર સંપટ અમેરિકા લાંબી રજાઓ પર : ખનીજ ચોરીથી માંડીને બિનખેતીની ફાઈલો સહિતના મોટા વિવાદને લઈને ચાલતા સુરેન્દ્રનગરના કલેક્ટર કેયુર સંપટ લાંબી રજાઓમાં અમેરિકા ચાલ્યા ગયા છે. રજા લઈને વિદેશ જવું એ કોઈ ગુન્હો નથી પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મતદાર યાદી તૈયાર કરવા જેવી અતિ મહત્વની કામગીરી થઇ રહી છે ત્યારે પ્રમોટી IAS સંપટને રાજ્ય સરકારે કેવી રીતે લાંબી રજા મંજુર કરીને વિદેશ જવાની પરવાનગી આપી તે મુદ્દો ગુજરાતી સહિત સીધી ભરતીના IASમાં પણ ટોકિંગ પોઇન્ટ બન્યો છે. આણંદ અથવા ગાંધીનગર જિલ્લામાં ટ્રાન્સફરની માંગણી કરી રહેલા IAS સંપટ લાંબી રજાઓમાં ચાલ્યા ગયા છે. એક એવી પણ ચર્ચા છે કે, કેયુર સંપટ અમેરિકાથી આવે ત્યારે સંભવ છે કે એમની બદલી પણ થઇ ગઈ હોય.

ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં સરકારે RACને કેમ બદલવા પડયા ? : તાજેતરમાં 110 GAS કેડરના સિનિયર ઓફિસરની બદલીઓ કરવામાં આવી તેમાં ઘણા બધા ફેરફાર ઉડીને આંખે વળગે તેવા હતા. જેમાં મંત્રીઓના PSને સારાં પોસ્ટિંગ આપવાની સાથે-સાથે ગાંધીનગર અને સુરેન્દ્રનગરના RACને બદલવા પાછળ કલેક્ટર જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગાંધીનગરના RAC ભરત જોશીની કામ કરવાની સ્ટાઈલથી કલેક્ટર હિતેશ કોયા પરેશાન હતા. કલેક્ટરે પોતાને બદલવાની ભલામણ પણ કરી હતી. એટલે સરકારે ગાંધીનગર જેવા મહત્વના જિલ્લા કલેક્ટરને ચેન્જ કરવાને બદલે તેમના RAC જોશીને બદલી નાંખ્યા હતા. બીજી બાજુ ગણતરીના મહિનામાં જ સુરેન્દ્રનગરના RAC મુકેશ પટેલને ટ્રાન્સફર કરી દેવામાં આવતા અહીંના કલેક્ટર કેયુર સંપટની કામ કરવાની સ્ટાઇલ જવાબદાર હોવાનું માનવામાં આવું રહ્યું છે. કારણ કે RAC મુકેશ પટેલને તો કલેક્ટર કેયુર સંપટ ચાર મહિના પહેલા જ જાતે ભલામણ કરીને લાવ્યા હતા. પરંતુ IAS સંપટની કામ કરવાની પદ્ધતિ જોઈને તેમના RAC પટેલને પોતે જ બદલી લઇ લેવામાં શાણપણ લાગ્યું હતું. એટલે RAC પટેલે જેક લગાવીને સુરેંદ્રનગરમાંથી નીકળી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

શું હવે કચ્છ પોલીસ દાણચોરીના દરેક કેસમાં SITની રચના કરશે ? : કચ્છના બહુચર્ચિત પાંચ કરોડના તોડ પ્રકરણમાંથી બહાર આવેલા સોપારીના દાણચોરીના કેસમાં પોલીસે ખાસ તપાસ દળ એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. ગુન્હાહીત કાવતરા કે દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડતા પ્રકરણમાં પોલીસ ખાસ રસ લઈને તપાસ કરે તે સારી બાબત છે. પરંતુ સ્મગલિંગ રોકવા માટે કસ્ટમ ડિપાર્ટમેન્ટથી લઈને રેવન્યુ ઇન્ટેલિજન્સ સહિતનું એક અલગ વ્યવસ્થા તંત્ર ભારતીય કાયદાની જોગવાઈ મુજબ અસ્તિત્વ ધરાવે જ છે. જો પોલીસ તેના લો એન્ડ ઓર્ડરના કામના ભારણ વચ્ચે પણ દાણચોરીની તપાસ કરે તો સારું જ કહેવાય. પરંતુ અહીં જે ખાસ રીતે સોપારી કાંડ અને તેના કરોડો રૂપિયાના તોડકાંડને લઈને SITની રચના કરવામાં આવી છે તેને જોઈને કાયદાના જાણકારો જ નહીં પરંતુ IPS અધિકારીઓની પણ આંખો પહોળી થઇ ગઈ છે. સોપારી અને તોડકાંડની તપાસ હજુ ચાલુમાં છે ત્યારે એક સવાલ એ પણ છે કે, શું પોલીસ હવે દાણચોરીના દરેક કેસમાં લગનથી SIT બનાવીને દેશના અર્થતંત્રને થતું નુકશાન રોકશે કે પછી આ કોઈ સ્પેશિયલ કેસ છે ?