ED Step in GSTV : ભાજપની સરકાર સામે 'શંખનાદ' કેમ કર્યો ? આવો હવે EDની ઓફિસે, વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા મીડિયાને દબાવવાનો પ્રયાસ સફળ થશે ?

કોરોના વખતે જેમ 'ભાસ્કર' સમૂહ સામે ઈન્ક્મ-ટેક્સની કાર્યવાહી થઇ હતી તેમ ગુજરાત સમાચારની ચેનલ GSTV સામે પ્રવર્તન નિદેશાલયની કાર્યવાહી

ED Step in GSTV : ભાજપની સરકાર સામે 'શંખનાદ' કેમ કર્યો ? આવો હવે EDની ઓફિસે, વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા મીડિયાને દબાવવાનો પ્રયાસ સફળ થશે ?

WND Network.Ahmedabad : પોતાના વિરુદ્ધની એક પણ ટીકા ન સહન કરી શકતી ભાજપની સરકારે મીડિયાની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનો અવાર-નવાર પ્રયાસ કર્યો છે. દિલ્હીમાં ન્યૂઝ ક્લિક નામના સંસ્થાન ઉપર કાર્યવાહી બાદ હવે ગુજરાત રાજ્યના નામાંકિત અખબારી સમૂહ 'ગુજરાત સમાચાર' સામે ભાજપની સરકારે કાર્યવાહી કરવાનો વધુ એક હીન પ્રયાસ કર્યો છે. એક અઠવાડિયા પહેલા જ 'ગુજરાત સમાચાર' સમૂહની ગુજરાતી ન્યૂઝ ચેનલ GSTVમાં શરુ થયેલા શંખનાદ નામના કાર્યક્રમ બાદ તેમની વિરુદ્ધ ED (Directorate of Enforcement) એટલે કે પ્રવર્તન નિદેશાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ EDના અધિકારીઓ નોટિસ સાથે GSTVની SG હાઇવે ઉપર આવેલી ઓફિસમાં પહોંચ્યા હતા. આવું પહેલી વખત નથી કે કોઈ મીડિયા હાઉસને આ પ્રકારે ડરાવવામાં આવ્યું હોય. કોરોના કાળ વખતે બેધડક રિપોર્ટિંગ કરી રહેલા 'ભાસ્કર' સમૂહ વિરુદ્ધ પણ કેન્દ્રની ભાજપની સરકારે આવકવેરાના દરોડા પાડીને દબાણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો હતો.  

પત્રકાર રહી ચૂકેલા AAPના દિગ્ગજ નેતા ઈશુદાન ગઢવીનો 'શંખનાદ' નામનો સરકારને સવાલ કરતો શો શરુ થયો ત્યારે જ અપેક્ષિત હતું કે ભાજપની સરકાર ચોક્કસ કોઈ પ્રતિસાદ આપશે. અને થયું પણ એવું જ. ભાજપની અસહિષ્ણુ સરકારનો આ પ્રતિસાદ ગુજરાત સમાચારની ચેનલ GSTV ઉપર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDની નોટિસ સ્વરૂપે પહોંચ્યો હતો. સૂત્રોનું માનીએ તો વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની સરકાર 'પાણી પહેલા પાળ બાંધવાના' ભાગરૂપે ગુજરાતના મીડિયાને ગર્ભિત ચીમકી આપી રહી છે કે, યા તો ચુપચાપ પાના ભરીને જાહેરાતો લઈને શાંત રહો અથવા તો કાર્યવાહી માટે તૈયાર રહો. 

સત્તામાં કોઈપણ પક્ષ હોય પણ હંમેશા સાચો મીડિયા ધર્મ નિભાવીને સરકારને અરીસો દેખાડવા માટે 'ગુજરાત સમાચા'ર સમૂહ વર્ષોથી જાણીતું છે. એટલે EDની નોટિસ કે કાર્યવાહી પછી શું થશે તે આવનારો સમય જ બતાવશે.