Kutch : સોપારીની દાણચોરી બાદના 5 કરોડનું તોડકાંડ સમેટાઈ જશે ? ભાણું અને કિરીટ પછી બાકીના 3 પોલીસ કર્મચારી પણ થોડા દિવસમાં શરણે આવશે ? પ્રકરણમાં 'અંદર' શું ચાલી રહ્યું છે ?

કરોડોના તોડમાં ઉચ્ચ પોલીસ અધિકારીને બચાવી લેવા માટે ટોપ લેવલે થયેલી 'ગોઠવણ'ના ભાગરૂપે આરોપી પોલીસ કર્મચારી અને વચેટિયા હાજર થઇ રહ્યા છે ?

Kutch : સોપારીની દાણચોરી બાદના 5 કરોડનું તોડકાંડ સમેટાઈ જશે ? ભાણું અને કિરીટ પછી બાકીના 3 પોલીસ કર્મચારી પણ થોડા દિવસમાં શરણે આવશે ? પ્રકરણમાં 'અંદર' શું ચાલી રહ્યું છે ?

WND Network.Bhuj (Kutch) : ગુજરાત પોલીસ બેડા સહીત IPS લોબીમાં ચર્ચાનો વિષય બનેલા કચ્છના સોપારી કાંડના (Kutch Betel Scam) કરોડો રૂપિયાના તોડકાંડમાં થઇ રહેલા એક પછી ડેવલોપમેન્ટ જાણે કે સંકેત આપી રહ્યા છે કે, હવે આ પ્રકરણ પૂરું થવા જઈ રહ્યું છે. સોપારીની દાણચોરી અને ત્યારબાદ થયેલા પાંચ કરોડના તોડકાંડમાં શરૂઆતમાં પોલીસ તપાસ જે રીતે આગળ વધી રહી હતી તેને જોતા કેસ તેની મંઝિલ સુધી પહોંચશે તેમ લાગી રહ્યું હતું. પરંતુ અનિલ પંડીત, પંકજ ઠક્કર સહિતના આરોપીઓ પકડાઈ ગયા બાદ જેમને મહત્વના આરોપી માનવામાં આવી રહ્યા હતા તેવા ચાર પોલીસ કર્મચારી અને વચેટીયો ભાણું પોલીસની પકડથી દૂર હતા. પરંતુ દિવાળી પછી જે રીતે ભાણું દિલ્હીથી પકડાઈ જાય છે અને ત્યારબાદ કરોડોના તોડમાં જે મુખ્ય લેવડ દેવળ કરવા વાળો છે તે ASI કિરીટ પણ કોર્ટમાં પોલીસને શરણે આવે છે તેને જોતા બાકીના ત્રણ ભાગેડુ પોલીસ કર્મચારી પણ ટૂંક સમયમાં પોલીસ અથવા કોર્ટમાં શરણે આવી શકે છે તેવું ખુદ પોલીસ બેડાનાં સૂત્રો દાવો કરી રહ્યા છે. તોડકાંડના તમામ આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા પછી કાં તો તેઓ ગુન્હો કાબુલી લે અથવા તો તોડ કર્યાનો સાફ ઇન્કાર કરી દે તેવી બે શક્યતા છે. પોલીસ કર્મચારીઓ જો ગુન્હો કબૂલે તો તેમને ન માત્ર જેલમાં લાંબો સમય રહેવું પડે પરંતુ સાથે સાથે બાકીના કરોડો રૂપિયા કયો પોલીસ અધિકારી હજમ કરી ગયો તે પણ કહેવું પડે. જેની સંભાવના બહુ જ ઓછી છે. બીજી શક્યતા એવી છે જેમાં તેઓ તોડ કર્યાનો સાફ ઇન્કાર કરી દે. અને તેમાં તેમને થોડા સમય પછી જામીન મળી શકે અને બહાર આવવવાનો મોકો મળે. અને પાંચ કરોડની તોડમાં જેને મોટો હિસ્સો મળ્યો છે તે સિનિયર પોલીસ અધિકારી પણ બચી જાય. આમ જે દિશામાં સમગ્ર પ્રકરણ જઈ રહ્યું છે તેને જોતા મામલો પુર્ણાહુતી તરફ જતો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. 

પુર્ણાહુતી તરફ જઈ રહ્યું હોય તેવા આ ચર્ચાસ્પદ પ્રકરણમાં કેટલીકે રોચક અને ગળે ન ઉતરે તેવી ઘટના અને વાતો પણ બહાર આવી રહી છે. જેમાં સૌથી પહેલી ઘટના ભાણું દિલ્હીના એરપોર્ટ ઉપર પોલીસે પકડ્યો તે છે. ભાણું એક પૂર્વ IPSનો ભાણેજ છે. તે પોલીસની તપાસ કરવાની તમામ ટેક્નિક અને પ્લસ-માઇનસ પોઈન્ટથી વાકેફ છે તેમાં કોઈ બે-મત નથી. તેને ઝડપી લેવા માટે દેશભરમાં તમામ એરપોર્ટ ઉપર એલર્ટ આપવામાં આવ્યું હોય છતાં તે દિલ્હી એરપોર્ટ ઉપર જાય છે અને પકડાઈ પણ જાય છે. ત્યારબાદ જે રીતે કિરીટસિંહની એન્ટ્રી થાય છે તે પણ રસપ્રદ છે. કિરીટને પોલીસે નથી પકડ્યો પરંતુ તે સામેથી કોર્ટમાં હાજર થયો છે. જેમાં તેની સામે વર્ષ 2018માં નોંધાયેલા દારૂ કટિંગના ગુન્હા સંદર્ભે તેને પકડીને એક દિવસના રિમાન્ડ હેઠળ મોકલી દેવામાં આવે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે, પોલીસ અત્યાર સુધી શું જાણતી ન હતી કે, કિરીટ સામે વર્ષ 2018માં જ ગુન્હો નોંધાયેલો છે ? શા માટે વર્ષો સુધી તેને પકડ્યો નહીં ? અરે પકડવાનું તો છોડો તેને ફરી પાછો રેન્જ આઇજીના સીધા તાબા હેઠળ આવતા સાયબર સેલમાં મુકવામાં આવે છે. દારૂ કટિંગમાં સસ્પેન્ડ થયેલા પોલીસ કર્મચારીને ફરીથી સેલમાં લેતી વેળાએ તેની સામે નોંધાયેલો ગુન્હો કે તેની સર્વિસ બુક ચેક કરવામાં નહીં આવી હોય ? વર્ષ 2018માં જ જયારે તત્કાલીન બોર્ડર રેન્જ આઇજી પિયુષ પટેલે કિરીટને સસ્પેન્ડ કરી દીધો હતો. તો તેમના પછી આવેલા બોર્ડર રેન્જ આઇજી દ્વારા કિરીટ જેવા વિવાદાસ્પદ પોલીસ કર્મચારીને પોતાના સ્કોડમાં લેતી વેળાએ ચકાસણી કરવાની તસ્દી કેમ ન લીધી ? વર્ષ 2018 પછી જયારે કિરીટી સેલમાં ફરી આવ્યો અને સલામો મારતો હતો ત્યારે દારૂ કટિંગનો કેસ યાદ ન આવ્યો ? અને હવે વર્ષો પછી અચાનક આ કેસ કેમ યાદ આવ્યો ? આવા અનેક પ્રશ્નો અને ઘટનાઓને લઈને પોલીસ બેડામાં ઘણી ચર્ચા થઈ રહી છે. જેના નિષ્કર્ષમાં એક જ વાત આવે છે કે, સોપારીની દાણચોરી અને ત્યારબાદના કરોડો રૂપિયાના તોડકાંડ ઉપર ધીમે ધીમે પડદો પડી જશે. 

વચેટિયા ભાણુભાના 14 દિવસના રિમાન્ડ શું બહાર આવ્યું ? : સોપારીની દાણચોરી અને તેના કરોડોના તોડકાંડમાં પોલીસ દ્વારા સિલેક્ટિવ માહિતી - પ્રેસનોટ આપવામાં આવે છે. એટલે શૈલેન્દ્રસિંહ સોઢા ઉર્ફે ભાણુંના 14 દિવસના રિમાન્ડ પુરા થયા પછી તેમાં શું બહાર આવ્યું તે 'બહાર' આવ્યું નથી. આ અંગે   ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર પણ બોલવા તૈયાર નથી. આવું જ કઈંક કિરીટસિંહની તોડકાંડમાં ધરપકડ અને પછીના રિમાન્ડમાં થઇ શકે છે. 

જો તોડ પોણા ચાર કરોડનો થયો હોય તો સવા કરોડ કચ્છ ભાજપનો કયો યુવા નેતા હજમ કરી ગયો ? : પ્રારંભથી જ જેમાં કોઈ મોટી ગરબડ હોવાની ચર્ચાઓ થઇ રહી છે તેવા આ સોપારી કાંડમાં દુબઈથી વાયરલ થયેલી અસંખ્ય ઓડિયો કલીપમા સિનિયર IPS ઓફિસરના નામજોગ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો હતો ત્યારે જ નક્કી થઇ ગયું હતું કે, કાં આ પ્રકરણમાં ભીનું સંકેલાઇ જશે અથવા તો ફરિયાદ થશે. કારણ કે, પાંચ કરોડો રૂપિયાના તોડકાંડમાં સિનિયર IPSથી લઈને કચ્છ ભાજપના એક યુવા નેતાનું કનેક્શન હોવાની વાતો ચર્ચાઈ રહી હતી. કારણ કે, આ યુવા નેતાના નામ સાથે પણ કેટલીક ઓડિયો કલીપ વાયરલ થયેલી છે. સૂત્રોનું માનીએ તો સમગ્ર મામલો પાંચ કરોડનો હતો. જેમાંથી સવા કરોડ ભાજપના યુવા નેતાએ એસીબીના એક ઉચ્ચ અધિકારીને નામે લઈ લીધા હોવાનું પણ સૂત્રો દાવો કરી રહ્યા છે. અને ત્યારબાદ જ અરજીને પગલે તપાસનો દોર શરુ થયો હતો. જેમ જેમ મામલો બહાર આવતો ગયો તેમ સમગ્ર પ્રકરણ દબાવી દેવા માટે પોલીસના વચેટિયાઓથી માંડીને પોલીસ ઇન્સ્પેક્ટર- પીએસઆઇ અને IPS ઓફિસર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ જયારે જયારે તોડના રૂપિયા પાછા આપવાની વાત થતી હતી ત્યારે મિટિંગ - મંત્રણાઓનો દોર ભાંગી પડ્યો હતો. અને છેવટે ઓડિયો ક્લિપને ડાબી દેવા માટે જે અરજીમાં પોલીસે મહિનાઓ સુધી કાંઈ ન કર્યું તેમાં લાંચ રૂશ્વતના કાયદા હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવે છે. અને તેમાં પણ પાછળથી જેણે ACBની જોગવાઈ હેઠળ ફરિયાદ કરી હતી તેને સોપારીની દાણચોરીના કેસમાં ફીટ કરી દેવામાં આવે છે. 

ચાર્જશીટ ફાઈલ થઈ ગઈ છે, ત્રણ પોલીસ કર્મચારી પકડાઈ જાય પછી શરુ થશે જામીન ઉપર છૂટવાનો દોર ? : સૌ પ્રથમ ACBના કાયદા હેઠળ અને ત્યારબાદ દાણચોરીનો કેસ એમ બે ગુન્હામાં પથરાયેલા આ સમગ્ર પ્રકરણમાં પોલીસે 264 પેજની ચાર્જશીટ પાંચમી ડિસેમ્બરના રોજ ફાઈલ કરી દીધી છે. દરમિયાન પન્કીલ અને અન્ય આરોપી દ્વારા જામીન માટે રાજ કરવામાં આવી હતી. પરંતુ 'ધારદાર' દલીલો વચ્ચે અને પોલીસ કર્મચારીઓ અને વચેટીયો ભાણું ન પકડાયા હોવાથી જામીન મળ્યા ન હતા. હવે ભાણું અને કિરીટ પોલીસના કબજામાં છે. બાકીના ત્રણ અદ્રશ્ય થઇ ગયેલા પોલીસ કર્મચારી પણ ગમે ત્યારે પ્રગટ થઈ શકે છે. તેમના પણ રિમાન્ડની બીબાઢાળ પોલીસ પ્રક્રિયા થશે. બધું પૂરું થઈ જશે પછી શરુ થશે આરોપીઓનું જામીન ઉપર બહાર આવવાનું 'પિક્ચર'. જેની કોઈ પ્રેસનોટ પણ કદાચ બહાર નહીં પડે. અને અખબારોમાં પણ સમાચાર જોવા નહીં મળે. 

જેલોના વડા એડિશનલ ડીજી IPS ડૉ. કે.એલ.એન.રાવ કોની તપાસ માટે બે વખત કચ્છ આવ્યા હતા ? : પાંચ કરોડના તોડમાં નાના પોલીસ કર્મચારીઓથી માંડીને સિનિયર પોલીસ અધિકારીઓ સહિતની સંડોવણી હોવાની ચર્ચા મીડિયામાં આવી ચુકી છે. તેવામાં એક IPSની તપાસ માટે રાજ્યના ગૃહ વિભાગે તપાસ શરુ કરવામાં આવી હોવાનું પણ ચર્ચાયું હતું. અને તપાસ જેલોના વડા એડિશનલ ડીજી IPS ડૉ. કે.એલ.એન.રાવને આપવામાં આવી હોવાનું ગૃહ વિભાગના સૂત્રોએ દાવો કર્યો હતો. આ મામલે ગૃહ વિભાગના તાબા હેઠળ આવતા જેલોના વડા એડિશનલ ડીજી IPS ડૉ. કે.એલ.એન.રાવને પોતે તપાસ ન સોંપી શકે તેવું ડીજીપી IPS વિકાસ સહાયે જણાવ્યું હતું. જયારે IPS ડૉ. કે.એલ.એન.રાવનો સંપર્ક થઇ શક્યો ન હતો. દરમિયાન જેલોના વડા એડિશનલ ડીજી IPS ડૉ.રાવ બે વખત કચ્છ આવ્યા હતા. તેઓ ભુજની સ્ટેશન રોડ ઉપર આવેલી એક ખાનગી હોટેલમાં રોકાયા હતા. જયાં બોર્ડર રેન્જના સાયબર સેલનો સ્ટાફ તેમની સરભરામાં હાજર જોવા મળ્યો હતો. અગેઇન, નાની અમથી વાતમાં પ્રેસ નોટ ઈશ્યુ કરતી કચ્છ પોલીસે IPS ડૉ.રાવની કચ્છની બે વખતની મુલાકાત અંગે પણ મૌન સેવ્યું હતું. જેને લીધે ડૉ. રાવ કયા IPS ઓફિસરની તપાસ કરી ગયા તે રહસ્ય બની ગયું છે. 

ટ્રકમાં ખરેખર શું હતું ? સોપારી હતી કે ખસખસ ? રાઝ પણ બહાર નહીં આવે ? : સોપારીની દાણચોરીની ઘટનામાં જે રીતે કરોડો રૂપિયાના તોડની વાત બહાર આવી હતી ત્યારે જ આ ધંધામાં સામેલ લોકો એવી ચર્ચા કરતા હતા કે, સોપારીની દાણચોરી માટે કોઈ કરોડો રૂપિયા ન આપે. સોપારીના માલની કિમંત કરતા પણ વધુ તોડની રકમ થાય છે. જેનો અર્થ એવો પણ થાય છે કે, ટ્રકમાં સોપારી નહીં પરંતુ આયાત માટે પ્રતિબંધ છે તે ખસખસનો જથ્થો હતો. પોલીસ સૂત્રોનું માનીએ તો કિરીટ એન્ડ કંપનીએ જયારે ટ્રકને પકડી અને તેની તલાસી લીધી ત્યારે તેમાં કોઈ સફેદ ચમકતો પદાર્થ હતો. અને આ વાત જયારે કિરીટને કરવામાં આવી ત્યારે વર્ષોથી આ પ્રકારના કામનો માહેર હોવાનો કારણે તે સ્થિતિ પામી જાય છે. અને તે પ્રમાણે તોડની રકમ માંગવામાં આવે છે. જો કે હવે આ બધી વાતો રેકર્ડ ઉપર આવશે કે કેમ અથવા તો તેની તપાસ થશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.