Kutch : નખત્રાણામાં આજથી મોરારી બાપુની ૩૩મી કથાનો પ્રારંભ, યજમાન તરીકે નિમિત માત્ર બન્યો છે કચ્છના સાંસદ વિનોદ ચાવડાનો પરિવાર...
કથા દરમિયાન સાંજે સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે
WND Network.Bhuj (Kutch) : નખત્રાણા પાસે આવેલા કોટડા (જડોદર) ખાતે આજે શનિવારે સાંજથી મોરારી બાપુની વ્યાસપીઠે રામકથાનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે બપોરે પોથીયાત્રાની સાથે રામકથાનો વિધિવત પ્રારંભ થશે. કચ્છમાં 33મી કથા પ્રસંગે યજમાન તરીકે કચ્છના સાંસદ વિનોદ ચાવડાના પરિવાર તેમજ પશ્ચિમ કચ્છ ગુર્જર સમાજ દવારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. કોટડા માર્ગે આવેલી સિંહ ટેકરીએ સંત ત્રિકમ સાહેબ મંદિર સંસ્થાન ખાતે પ્રખર રામાયણી મોરારી બાપુ રામકથાનું રસપાન કરાવશે. રામકથા દરમિયાન દરરોજ સાંજે સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. ત્રીસમી એપ્રિલ સુધી ચાલનારી આ કથામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.
પોતાની સળંગ 916મી અને કચ્છમાં 33મી કથા કરી રહેલા મોરારી બાપુની આ કથામાં કચ્છમાં દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે. રામકથા દરમિયાન 25થી વધુ સમિતિઓ દ્વારા સુચારુ વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવેલું છે. એમપી વિનોદ ચાવડાનો પરિવાર, પશ્ચિમ કચ્છ ગુર્જર સમાજ કથા આયોજન સમિતિ દ્વારા કથા સમિતિના અધ્યક્ષ મોટી વિરાણી રામ મંદિરના મહંત શાંતિદાસજી મહારાજની નિશ્રામાં આયોજિત થયેલી કથામાં સાધુ સંતો, રાજકીય લોક પ્રતિનિધિઓ, વિવિધ સંસ્થાઓના પ્રમુખ તેમજ અગ્રણીઓ માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે.
Web News Duniya