Kutch Ranotsav2024 : પહેલા કાળી માટીનું આવરણ અને હવે કોર્ટનો હુકમ - રણોત્સવની ટેન્ટ સિટીનું ટેન્ડર રદ્દ કરો, હાઇકોર્ટના ચુકાદાના પગલે રણોત્સત્વના આયોજન ઉપર લાગ્યું પ્રશ્નાર્થ ચિન્હ

જુના કોન્ટ્રાક્ટર લલ્લુજી દ્વારા ગુજરાત ટુરિઝમ દ્વારા અમદાવાદની પ્રવેગ કંપનીને ભૂલ હોવા છતાં ટેન્ટ સિટીનું ટેન્ડર આપવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારેલું

Kutch Ranotsav2024 : પહેલા કાળી માટીનું આવરણ અને હવે કોર્ટનો હુકમ - રણોત્સવની ટેન્ટ સિટીનું ટેન્ડર રદ્દ કરો, હાઇકોર્ટના ચુકાદાના પગલે રણોત્સત્વના આયોજન ઉપર લાગ્યું પ્રશ્નાર્થ ચિન્હ

WND Network.Ahmedabad : કચ્છના સફેદ રણમાં કાળી માટીના આવરણને પગલે રણોત્સવ યોજાશે કે કેમ તેનો નિર્ણય હજુ થયો નથી તેવામાં એક કાનૂની મામલે કચ્છના રણોત્સવની ઉજવણી પ્રશ્ન ચિન્હ લાગી ગયું છે. ટેન્ટ સિટીના જુના કોન્ટ્રાક્ટર લલ્લુજી દ્વારા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL)એ ટેન્ડરમાં વિસંગતતા હોવા છતાં અમદાવાદની પ્રવેગ નામની કંપનીને ટેન્ડર આપવાના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં આજે ગુરુવારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટેન્ડર રદ્દ કરીને પ્રક્રિયા ફરીથી કરવાનો હુકમ કર્યો હતો. કચ્છ રણોત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે તેવામાં આ પ્રકારના ડેવલોપમેન્ટથી આ વખતે રણોત્સવ ઉજવાશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.  

કચ્છની રણોત્સવની સાઈટ ઉપર ઉભી કરવામાં આવેલી કાયમી ટેન્ટ સિટીના ટેન્ડરનો મામલો હાઇકોર્ટમાં પાહીંચ્યો હતો. કારણ કે, આ વખતે વર્ષો જુના કોન્ટ્રાક્ટર લલ્લુજી એન્ડ સન્સને બદલે ટેન્ડર અમદાવાદની પ્રવેગ નામની કંપનીને મળ્યું હતું. બંને કંપની વચ્ચે 17 કરોડની રકમનો તફાવત હોવાને કારણે L 1 તરીકે પ્રવેગ કંપની હતી જયારે L 2માં જુના કોન્ટ્રાકર લલ્લુજી એન્ડ સન્સ હતા. દરમિયાન કોન્ટ્રાકર લલ્લુજી એન્ડ સન્સને ખબર પડી કે, ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ફાયનાન્શીયલ બીડ અંગે રજુ કરવામાં આવેલા બે એનેક્ષરમાં તફાવત જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાકર લલ્લુજી એન્ડ સન્સ દ્વારા આ આ અંગે ગુજરાત સરકારની પ્રવાસન વિભાગ અંતગર્ત આવતી અને ટેન્ડર પ્રક્રિયા સંભળાતા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL)ને 14મી ઓગસ્ટના રોજ રજૂઆત કરવામાં આવી હતી. સાંજે પાંચેક વાગ્યાના અરસામાં મળેલી રજૂઆતને પગલે તેજ દિવસે ગણતરીના કલાકોમાં TCGL દ્વારા પ્રવેગને આ અંગેનો સુધારો કરીને બંને એનેક્ષર ફરીથી રજુ કરવા માટે રાતે સાડા નવ વાગ્યે ઈ મેલ કરવામાં આવ્યો હતો. બંને પાર્ટીની રજૂઆત બાદ કોર્ટે ટેન્ડર પ્રક્રિયા રદ્દ કરીને સમગ્ર પ્રક્રિયા ફરીથી કરવાનો હુકમ કર્યો હતો. લલ્લુજી એન્ડ સન્સ તરફથી સિનિયર એડવોકેટ શાલિન મહેતા દ્વારા કેસની પેરવી કરવામાં આવી હતી. 

પહેલા ઝડપ કરવા કહ્યું અને ચુકાદો આવ્યો એટલે સમય માગ્યો : કોન્ટ્રાકર લલ્લુજી એન્ડ સન્સ દ્વારા હાઇકોર્ટમાં ટેન્ડર પ્રક્રિયામાં થયેલી મિસ્ટેક અંગે દાદ મંગાવામાં આવી હતી. જેમાં અમદાવાદની પ્રવેગ કંપની તરફથી મામલો ઝડપથી નિપટાવવા માટે અરજ કરવામાં આવી હતી. કોર્ટે પણ રણોત્સવ નજીક હોવાથી મામલો ઝડપથી ચલાવ્યો. પરંતુ જેવો નિર્ણય પોતાની વિરુદ્ધમાં આવતો દેખાયો ત્યારે પ્રવેગ કંપની તરફથી વધુ સમયની માંગણી કરવામાં આવી હતી. જેને કોર્ટે નકારી હતી. 

પ્રવેગ કંપનીને કામ તો લલ્લુજીની કંપનીને જ આપવું હતું : કરોડો રૂપિયાના કચ્છ રણોત્સવ ટેન્ટ સિટીમાં દામ અને નામ બંને સામેલ હોવાને કારણે ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી અમદાવાદની પ્રવેગ કંપનીને ધોરડોમાં ટેન્ટસિટીનું કામ લેવાની ઈચ્છા થઇ હતી. સૂત્રોનું માનીએ તો, ટેન્ડર પોતે લીધા પછી પ્રવેગ કંપની પેટા કોન્ટ્રાક્ટર તરીકે ટેન્ટસિટીનું કામ લલ્લુજીની કંપનીને જ આપવા માંગતી હતી. પરંતુ પેટામાં કામ કરવાથી જુના કોન્ટ્રાકર લલ્લુજી એન્ડ સન્સને નામની સાથે સાથે દામ પણ ઓછા મળી રહ્યા હતા. એટલે સોદો આગળ ન વધ્યો અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. 

હવે મોદીનું PMO હસ્તક્ષેપ કરે તો કંઈક થાય : કાળી માટીના લેયરથી લઈને ટેન્ટસિટીનો મામલે કાનૂની દાવપેંચમા કચ્છનો 2024નો રણોત્સવ અટવાઈ ગયો છે. સમય પણ ટૂંકો હોવાને કારણે આ વખતે રણોત્સવ યોજાવાની સંભાવના બહુ જ ઓછી છે. આવી સ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ કઈંક કરે તો જ રણોત્સવ યોજાઈ શકે તેમ છે. રણોત્સવ સાથે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડરને પોતપોતાનો સ્વાર્થ છે. અને એટલે જ આ સ્વાર્થ સાથેની વર્ચસ્વની લડાઈમાં રણોત્સવ અટવાઈ ગયો છે. અને આ બધા પાછળ કયાંક ને કયાંક સત્તા પક્ષ ભાજપનું જ કનેક્શન આવે છે. ધોરડોની સાઈટની આગળ ઉભી થઈ ગયેલી મીઠા અને બ્રોમિનની કંપનીઓથી લઈને ઇવેન્ટ મેનેજમેન્ટની કંપનીઓમાં આખરે તો કમલમનું બખડજંતર છે. કચ્છ સાથેના પ્રેમનો મોદી સાહેબ અનેક વખત જાહેરમાં ઉલ્લેખ કરી ચુક્યા છે. જેને લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાં કચ્છના રણોત્સવનું આગવું મહત્વ છે. જયારે મોદી સાહેબને તેમના કચ્છ સાથેના પ્રેમમાં આવેલા વિઘ્નની ખબર પડશે તો ચોકકસ તેઓ કંઈક કરશે તેવું માનવામાં આવી રહ્યું છે