ઇન્ચાર્જ DGP ડૉ. કે.લક્ષ્મી નારાયણ રાવ નોકરીના ભાગરૂપે કચ્છના સરહદી ગામોમાં સુરક્ષા સમીક્ષા માટે આવશે
૨૧ અને ૨૨ ફેબ્રુઆરી દરમિયાન કચ્છ ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ ઉપરાંત સેના, BSF અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા સંબંધી ચર્ચાઓ કરશે
WND Network.Bhuj (Kutch) : ગુજરાતના ઇન્ચાર્જ DGP ડૉ. કે.લક્ષ્મી નારાયણ રાવ (IPS Dr. K L N Rao) નોકરીના ભાગરૂપે આગામી આવતીકાલથી બે દિવસ માટે ૨૧ અને ૨૨ ફેબ્રુઆરી દરમિયાન કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. DGPની પોસ્ટ ઉપર રાવની કામચલાઉ નિમણુંક થયા બાદ તેઓ પ્રથમ વખત કચ્છ પધારી રહ્યા છે. કચ્છમાં તેઓ રાજ્યના પોલીસ વડા હોવાને લીધે સરહદી ગામોમાં સુરક્ષા સમીક્ષા ઉપરાંત ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ ઉપરાંત સેના, BSF અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા સંબંધી ચર્ચાઓ કરશે.
ગુજરાત સરકારનો પ્રચાર પ્રસાર કરતા માહિતી ખાતાની ભુજ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની વ્યૂહાત્મક મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવાનો છે.
બે દિવસીય પ્રવાસ દરમિયાન DGP રાવ ભુજ ખાતે એક મહત્વપૂર્ણ 'ક્રાઈમ કોન્ફરન્સ'ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ ભારતીય સેના, સીમા સુરક્ષા બળ (BSF), ભારતીય કોસ્ટ ગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. સરહદી ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત કોઓર્ડિનેશન પર ભાર મૂકવામાં આવશે.
ડૉ. કે.એલ.એન.રાવ જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં તૈનાત મરીન પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસશે. આ ઉપરાંત, દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ જવાનોના મનોબળને વધારવા માટે તેમની સાથે સીધો સંવાદ કરશે અને તેમના કલ્યાણ માટેની સુવિધાઓની સમીક્ષા કરશે.
Web News Duniya