Kutch Mundra Port SMC Raid : સવા કરોડ મહિનાનો હપ્તો, સરકારની જાહેર વિતરણ વ્યવસ્થાને પણ ટક્કર મારે તેવી બુટલેગરની શરાબ સપ્લાયની સિસ્ટમ, 3 મહિનામાં 11 કન્ટેનરમાં 15 કરોડની બોટલ્સ મુન્દ્રાના અદાણી પોર્ટ આવી
જેલમાં કેદ પુનો ભરવાડ માસ્ટર માઈન્ડ, બુટલેગર અનોપસિંહ સહીત ચાર વીસ ટકાના પાર્ટનર, કરોડો રૂપિયાના દારૂની હેરફેરમાં કચ્છ પોલીસમાં કોની સામે કાર્યવાહી થશે ?
WND Network.Bhuj (Kutch) : કચ્છમાં સોમવારે જયારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારી લેવાના વિવાદિત ભાષણનો વિરોધ કરવાનો તખ્તો ઘડી રહ્યા હતા ત્યારે તેના બે દિવસ પહેલા જ બે દરોડા દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલ (Gujarat Police DGP State Monitoring Cell - SMC) ની ટીમ દ્વારા ત્રણ કરોડની કિંમતનો માતબર અંગ્રેજી શરાબનો જથ્થો કચ્છના મુન્દ્રા બંદરેથી ઝડપી લીધો હતો. કરોડો રૂપિયાનો આ કારોબાર કન્ટેનર મારફતે ટ્રેનથી કચ્છમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ઉતારવાનો આ સિલસિલો છેલ્લા ત્રણેક મહિનાથી ચાલતો હતો. જેલમાં બંધ લિસ્ટેડ બુટલેગરે ત્રણ જ મહિનામાં દારૂના 11 કન્ટેનરથી અંદાજે પંદર કરોડનો માલ પંજાબથી મુંદરા પોર્ટ માર્ગે ધુસાડી દીધો છે. સૂત્રોનું માનીએ તો, સરકારની જાહેર વિતરણ વ્યવસ્થાને પણ ટક્કર મારે તેવી બુટલેગરની આ સપ્લાય સિસ્ટમને ઊની આંચ પણ ન આવે તે માટે દર મહિને 1.30 કરોડનો માતબર હપ્તો આપવામાં આવતો હતો.
ડીજીપીની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શનિવાર અને રવિવારે મુંદરા પોર્ટ નજીક પ્રાગપર ચોકડી પાસે કુલ 2.97 કરોડનો દારૂ ભરેલા બે કન્ટેનર પકડી પાડ્યા હતા. પોલીસ દાવો કરી રહી છે કે, પાસા હેઠળ જેલમાં રહેલા કચ્છના કેરા ગામના બુટલેગર અનોપસિંહ રાઠોડે પંજાબથી ટ્રેન મારફતે મુંદરા પોર્ટ ઉપર દારૂ મગાવવાનું નેટવર્ક ગોઠવેલું હતું. નેટવર્ક એટલું જડબેસલાક હતું કે, ત્રણ મહિનામાં 11 કન્ટેનર તો ઓલરેડી આવી ચૂકયા હતા. એક કન્ટેનરમાં અંદાજે દોઢેક કરોડનો ઈંગ્લીશ દારૂનો જથ્થો હોય છે. એ હિસાબે જોવા જઈએ તો આશરે 15 કરોડનો માલ કચ્છ પોલીસના નાક નીચે ઉતરીને અલગ અલગ જગ્યાએ સેફલી પહોંચી પણ ગયો છે.
સૂત્રોનું માનીએ તો, બુટલેગર અનોપસિંહ રાઠોડે માત્ર દારૂ સપ્લાયની સિસ્ટમ ગોઠવી હતી એટલું જ નહીં પરંતુ તે પકડાય નહીં તે માટે મહિનાનો સવા કરોડનો ટોપ ટુ બોટમ બધાને સાચવી લેવાનો હપ્તો પણ સેટ કર્યો હતો. કદાચ એટલે જ મુન્દ્રા પોર્ટથી નીકળેલો દારૂનો જથ્થો ભુજ તાલુકાના કેરા ગજોડની સીમમાં આરામથી કટિંગ થઈને રિટેલ દારૂની બાટલીઓ વેંચતા નાના બુટલેગર સુધી પહોંચી ગયો હતો. SMCના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે, જે વ્યક્તિને પકડ્યા છે તેમના દસ દિવસના રિમાન્ડ મળ્યા છે. એટલે કોણે, કયાંથી, કેવી રીતે, કોના માટે, કોના સહયોગથી કરોડોનો માલ કન્ટેનરથી કચ્છમાં ઘુસાડ્યો છે તે ખબર પડશે. ગેરકાયદે કરવામાં આવતી પ્રવૃત્તિ માટે જયારે લાખો - કરોડોનો હપ્તો આપવામાં આવતો હોય ત્યારે તેની કોઈ રસીદ - પાવતી હોતી નથી. ઉપરાંત જેનો માલ પકડાયો છે તે લિસ્ટેડ રીઢો ગુટલેગર છે. તે અગાઉની જેમ ફરીથી માલ મંગાવશે. એટલે સંભવ છે કે, 1.30 કરોડના સેક્શનની વાત કદાચ બહાર ન પણ આવે.
ટુંકમાં મામલો જેવો દેખાય છે એવો સીધો અને સરળ નથી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની વાતનો સૂર પણ કઈંક આવો જ છે. એટલે આખું નેટવર્ક તોડવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલ દારૂના બંને કેસની તપાસ ખુદ કરી રહી છે.
જેલમાં કેદ પુનો ભરવાડ માસ્ટર માઈન્ડ, બુટલેગર અનોપસિંહ સહીત ચાર વીસ ટકાના પાર્ટનર : સુનિયોજિત ઢબે ચાલતા અંગ્રેજી શરાબના કારોબારમાં સો ટકાનો નફો દેખાય છે. કન્ટેનરથી ટ્રેનમાં પંજાબથી કચ્છ માલ ઉતારવાના ધંધામાં હાલ કેરાના લિસ્ટેડ બુટલેગર અનોપસિંહનું નામ ખુલ્યું છે. પરંતુ સૂત્રોનું માનીએ તો, કરોડોના ઈંગ્લીશ દારૂની સિસ્ટમમાં માસ્ટર માઈન્ડ જેલમાં બંધ મૂળ રાપરનો બુટલેગર પુનો ભરવાડ છે. જેમાં અન્ય ચાર ભાગીદાર છે. પુનો ગુજરાત બહારથી માલ કેવી રીતે લાવવો તેનું મેનેજમેન્ટ કરતો હોય છે. બાકીના જે વીસ ટકાના ચાર પાર્ટનર છે તેમાં કેરાના અનોપસિંહનું કામ મુન્દ્રાથી આવેલા શરાબને જથ્થાને મુન્દ્રા પોર્ટથી લાવીને કેરા - ગજોડ ગામની સીમમાં કટિંગ કરીને આગળ મોકલાનું હોય છે. પુના ભરવાડનો એક ભાઈ રામો પણ આ ધંધાનો પાર્ટનર છે જે હાલ જેલમાં છે. રામો અને દેવો બાવો બંને મળીને આ માલ પૂર્વ કચ્છમાં સપ્લાય કરવાનું મેનેજમેન્ટ કરે છે. પાંચમો પાર્ટનર નવઘણ રાજગોર નામનો વ્યક્તિ છે. જે હાલ હાલ બહાર છે. સાવ કરોડના હપ્તાથી લઈને તમામ નાણાકીય વ્યવહાર તે સાંભળે છે.
પંજાબની ડિસ્ટીલરીથી નીકળેલો માલ ભુજ માધાપર સહીત આખા કચ્છમાં આ રીતે પહોંચે અને હપ્તો સેટ થાય : સૂત્રોનું માનીએ તો, સરકારની પબ્લિક ડિસ્ટ્રિબ્યુઉશન સિસ્ટમને પણ આંટી મારી જાય તેવી આ સિસ્ટમમાં પહેલથી બધું ગોઠવાઈ ગયેલું હોય છે. પંજાબની દારૂ બનાવતી ફેકટરી એટલે કે, ડિસ્ટીલરીથી નીકળેલો માલ મુન્દ્રા પોર્ટ ઉપર આવે. ત્યારબાદ કન્ટેનરમાંથી આ માલને ટ્રકમાં લોડ કરવામાં આવે. આ ટ્રક મોખા ટોલનાકાની આસપાસ આવેલી બે ત્રણ હોટેલ ઉપર રાતે રોકાય. રાતે ટ્રકનો ડ્રાયવર વાહનની ચાવી હોટેલના રિસેપશન ઉપર રાખી દે. રાતે બુટલેગર અનોપસિંહના માણસો આવે અને હોટેલના રિસેપશન ઉપર રાખેલી ટ્રકની ચાવી લઈને વાહન કેરા-ગજોડની સીમમાં દારૂની કટિંગ કરવા લઇ જાય અને સવાર સુધીમાં ટ્રકને પાછી હોટેલ ઉપર રાખીને ચાવી હતી તેમ રિસેપશન ઉપર રાખી દે. મતલબ કે, ઓલ સેટ હોય છે.
રૂપિયા 1.330 કરોડનો હપ્તો માત્ર માલ પંજાબ કે અન્ય રાજ્યમાંથી કચ્છમાં એન્ટર કરવાનો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારબાદ જયાં દારૂની કટિંગ થાય અને નાના વાહનોમાં ભરીને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે અને વાહન જે પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થાય તેમને પણ સાચવવા પડતા હોય છે. જ્યાં કટિંગ થાય ત્યાં કટિંગનું ભરણ એટલે કે, હપ્તો આપવીઓ પડે, અને જયાંથી વાહન પસાર થાય તે પોલીસ સ્ટેશન હદ વુસ્ટરની પોલીસને રનિંગનું ભરણ આપવાનું હોય છે. અને છેલ્લે જયાં સામાન્ય લોકો બોટલ લેવા જાય તે દારૂના પોઇન્ટનો હપ્તો જે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને કોન્સ્ટેબલ તેમની જીગર અને હિંમત પ્રમાણે સેટ કરી લેતા હોય છે.
કરોડો રૂપિયાના દારૂની હેરફેરમાં કચ્છ પોલીસમાં કોની સામે કાર્યવાહી થશે ? : ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જે ભ્ર્ષ્ટ પોલીસ અધિકારી અને કર્મચારીઓની વાત કરે છે તે આ લોકો છે જે દારૂની હેરફેરમાં સંડોવાયેલા છે. ગુજરાત પોલીસમાં જયારે પણ કોઈ ક્વોલિટી કેસ થાય એટલે જે - તે સંબંધિત પોલીસ અધિકારી કે કર્મચારી સામે સસ્પેનશન સહિતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ કચ્છમાં મોટાભાગના કેસમાં આવું થયું નથી. જેને લીધે કેટલાક સ્માર્ટ - બાંહોશ અને પ્રામાણિક અધિકારીઓને સહન કરવાનું આવે છે.
કન્ટેનરથી ટ્રેનમાં કચ્છમાં દારૂ મોકલવાના આ મસમોટા ઓપરેશનમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના સ્માર્ટ અને પ્રમાણિક પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઉર્ફે આર.જે.ઠુમ્મરને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. SMC દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પછી જનતા દળ (યુ)ના જિલ્લા પ્રમુખ ઈશ્વર દાદલાણીએ રાજ્યના DGPને ઈ મેલ કરીને મુન્દ્રાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે.ઠુમ્મરને 24 કલાકમાં સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, Police Inspector ઠુમ્મરના તાબા હેઠળના મુંદ્રા પોલીસના હદ વિસ્તારની હોટેલોમાં દારૂ અને દેહ વ્યાપાર મૉટે પાયે થાય છે.
મુન્દ્રાના પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશભાઈ ઠુમ્મર એક કાબેલ,હોંશિયાર અને પ્રમાણિક પોલીસ ઇન્સ્પેક્ટર છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરી ચૂકેલા ઠુમ્મર કચ્છમાં આવ્યા અને તેમનું પોસ્ટિંગ નખત્રાણા પોલીસમાં હતું ત્યારે SMCએ ચાવડાકા ગામમાં રેડ કરીને બુટલેગર જેઠુભા જાડેજાના ઘરના અંડર ગ્રાઉન્ડ ટાંકામાંથી બાર લાખનો દારૂ પકડ્યો હતો. જેને પગલે ઠુમ્મરને જે તે સમયે નખત્રાણા પોલીસ સ્ટેશનથી હટાવીને લીવ રિઝર્વમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી તેમને ભુજ 'બી' ડીવીજન પોલીસ મથકમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. અને ત્યાંથી પછી તેમને મુન્દ્રા પોલીસ સ્ટેશન PI તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોલીસની નોકરીમાં જોખમ અને આક્ષેપ થતા હોવાની વાતથી ઠુમ્મર સારી રીતે વાકેફ છે. એટલે જયારે પણ તે કોઈને મળે ત્યારે વર્દી ઉપર ટ્રાફિક કર્મચારીઓ લગાવે છે તેવો બોડીવોર્મ કેમેરો લગાવીને જ મુલાકાત કરે છે, વાત કરતા હોય છે. આ લખાય છે ત્યાં સુધી હજુ કચ્છ પશ્ચિમ કે પૂર્વ, કયાંય પણ પોલીસમાં કોઈની સામે કાર્યવાહી કરવામાં આવી નથી.
ગૃહ વિભાગનો હવાલો સાંભળતા Dy.CM હર્ષ સંઘવીએ ખાટલા બેઠક અને રાત્રી રોકાણ કેરા-ગજોડની સીમમાં કરવું જોઈએ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી લઈને Dy.CM સંઘવી સહિતના VVIPની મુલાકત વચ્ચે કચ્છમાં બેધડક ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો આવતો હતો. બોર્ડર ડીસ્ટ્રીકટ કચ્છમાં કાંઈ અજુગતું ન થાય તે માટે રાજ્ય સરકાર, ખાસ કરીને યુવા મંત્રી હર્ષ સંઘવી ખુબ જ ગંભીર છે. તેઓ હમણાં કચ્છ આવ્યા ત્યારે બોર્ડરના એરિયામાં આવેલા ગામડાઓમાં ખાટલા બેઠક અને રાત્રી રોકાણ કર્યું હતું. તેમની સાથે 30 સિનિયર IPSને કચ્છની ભૂગોળ સમજાવવા - દેખાડવા સાથે લઇ આવ્યા હતા. DCM સંઘવીના ઈરાદા અને કામગીરી અંગે લેશમાત્ર શંકા નથી. પરંતુ મુન્દ્રાના દારૂના આ કૌભાંડ પછી તેમણે સરહદના ગામડાઓની સાથે સાથે કેરા ગજોડ જેવા ગામમાં પણ રાત રોકાવું જોઈએ તેવું ખુદ ભાજપના લોકો ચર્ચા કરી રહ્યા છે.
Web News Duniya