Kutch : સોપારી તોડકાંડ પૂર્ણતા ભણી, ભાણુભા સોઢા પણ જેલ મુક્ત, લુધિયાણા DRIએ જેની જામીન રદ્દ કરવા હાઇકોર્ટમાં અપીલ કરી છે તે સ્મગલર પંકજ ઠક્કરની જામીન અંગેનો આજે ફેંસલો
પંકજ ઠક્કર દ્વારા બોગસ દસ્તાવેજ બનાવીને સોપારીની દાણચોરીના કેસમાં સહ આરોપી અનિલ પંડિતની જામીન અરજી ભુજની કોર્ટ ફગાવી ચુકી છે
WND Network.Bhuj (Kutch) : કચ્છ પોલીસની આબરૂને બટ્ટો લગાડતા ચકચારી સોપારી-તોડ કાંડમાં અત્યાર સુધી ઝડપાયેલા આરોપીઓ ધીમે ધીમે જામીન ઉપર જેલ મુક્ત થઇ રહ્યા છે. જેને કારણે હાલ તો આ સમગ્ર મામલો પૂર્ણતા ભણી જઈ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. દરમિયાન સમગ્ર પ્રકરણમાં કેન્દ્રબિંદુ રહેલા કુખ્યાત દાણચોર ગાંધીધામના પંકજ ઠક્કરની જામીન અંગેની સુનાવણી આજે ભુજની કોર્ટમાં થવાની છે. આ જ કેસમાં પંકજ ઠક્કર દ્વારા બોગસ દસ્તાવેજ બનાવીને સોપારીની દાણચોરીના કેસમાં સહ આરોપી અનિલ તારું પંડિતની જામીન અરજી ભુજની કોર્ટ ફગાવી ચુકી છે ત્યારે પંકજ ઠક્કરના મામલે કોર્ટ શું નિર્ણય લે છે તેની ઉપર સૌની નજર છે. બીજી તરફ લુધિયાણા (Ludhiyana) DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ - ડીઆરઆઈ) દ્વારા જામીનની શરતોનો વારંવાર ઉલ્લંઘન કરવા બદલ દાણચોર પંકજ ઠક્કરની અખરોટ-કાળા મારી અને સોપારીની દાણચોરીના કેસમાં જામીન રદ્દ કરવા માટે અરજી કરી છે.
અનેક આંટીઘૂંટી અને કરોડો રૂપિયાના ગફલાને કારણે કચ્છ પોલીસની આબરૂનું ધોવાણ કરનારા આ કેસમાં આજે ભુજ કોર્ટમાં પંકજ ઠક્કરની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવનારી છે. આ જ કેસમાં અન્ય આરોપી અનિલ તરૂણ પંડિતની જમીન અરજી ભુજની એડિશનલ ડીસ્ટ્રીકટ કોર્ટ 17મી ફ્રેબ્રુઆરી શનિવારના રોજ ફગાવી ચુકી છે. પંકજ ઠક્કર દ્વારા આ અગાઉ મુન્દ્રા કોર્ટમાં અને ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી. જેને કોર્ટે રિજેક્ટ કરી હતી. અલબત્ત પંકજ ઠક્કર માટે જામીન મેળવાનો રસ્તો થોડો અઘરો થઇ ગયો છે, કારણ કે અખરોટ તેમજ કાળા મરી તેમજ સોપારીના દાણચોરીના લુધિયાણા DRI કેસમાં તે જમીન મુક્ત થયેલો છે. પરંતુ અવાર-નવાર જામીનની શરતોનું ઉલ્લંઘન કરવાને કારણે તેની બેઇલ એપ્લિકેશન રદ્દ કરવા માટેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં લુધિયાણા DRI દ્વારા કરવામાં આવેલી છે.
કચ્છની ઝાંબાઝ પોલીસે પંકજ અને અનિલ પંડિત સામે લાંચ આપવાનો કેસ કેમ નથી કર્યો ? : શરૂઆતથી સોપારી-તોડ કાંડમાં કચ્છ પોલીસના અમુક ભ્રષ્ટ અધિકારીઓને ભૂમિકાને લઈને સવાલો થઇ રહ્યા છે. ત્યારે સોપારીની ટ્રકો છોડાવવા માટે પાંચ કરોડની લાંચ આપનારા દાણચોર પંકજ ઠક્કર અને તેના સાગરીત અનિલ પંડિત એન્ડ કંપની સામે ACBના કાયદા તળે લાંચ આપવા અંગેનો કેસ કેમ નથી કર્યો તે મુદ્દો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે, લાંચ રુશ્વત અંગેના કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે, જેમ લાંચ લેવી ગુન્હો છે તેમ લાંચ આપવી પણ ગુન્હો છે. અને આ કેસમાં તો પંકજ અને અનિલ બંને શરૂઆતથી કહી રહ્યા છે કે તેમણે સોપારી છોડાવવા માટે બોર્ડર રેન્જ IGના તાબા હેઠળ આવતા સાયબર ક્રાઇમના ચાર પોલીસ કર્મચારીને કરોડો રૂપિયાની તોડ સ્વરૂપે લાંચ આપી છે. આમ પોલીસની બેવડા માપદંડ વાળી કામગીરીને લઈને પણ આમાં અલગથી કોઈ મોટો તોડ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કોણ અંદર છે, કોણ બહાર આવ્યું અને કોણ હજુ ફરાર છે ? : કચ્છની સોપારીની દાણચોરીની આ ચર્ચાસ્પદ ઘટનામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સંડોવાયેલા હોવાની વાત પછી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કુલ બે કેસ કરવામાં આવેલા છે. જેમાં એક કેસ ACBની જોગવાઈ હેઠળ કરવામાં આવેલો છે. જેમાં ચાર પોલીસ કર્મચારી સહીત બે અન્ય આરોપીઓ છે. આ છ આરોપી તેમજ પાછળથી પકડાયેલા એક સહીત કુલ સાત આરોપીઓ પૈકી હવે બે પોલીસ કર્ચચારી એવા આરોપી જેલમાં છે. ત્રણ આરોપી જમીન મુક્ત થઇ ગયા છે. જયારે મહિનાઓથી ફરાર એવા બે પોલીસ કર્મચારીને કચ્છની ઝાંબાઝ પોલીસ કે તેમની રચવામાં આવેલી સ્પેશ્યિલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) પકડી શકી નથી. અન્ય એક કેસ જેમાં બોગસ દસ્તાવેજ બનાવીને દાણચોરી કરવાના કેસમાં પંકજ અને અનિલ સહીત અન્ય આરોપીઓ જેલમાં છે. જેમાંથી અનિલની જામીન અરજી ફગાવાઈ ચુકી છે અને પંકજનો નિર્ણય આજે થશે.