ગુજરાતના મુખ્યમંત્રી ભલે ગમે તે હોય પણ 'રિયલ સરકાર' તો KK જ રહેશે, CMના પડછાયા અને નરેન્દ્ર મોદીના આંખ-કાન સમાન કે.કૈલાશનાથનને મળ્યું સતત 11મું એક્સટેન્શન

અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયેલા KKએ ઘણા IASને ચીફ સેક્રેટરી બનાવ્યા, મીડિયાથી દૂર રહેતા KKની લો પ્રોફાઈલ ઇમેજ તેમની સફળતાનું રહસ્ય

ગુજરાતના મુખ્યમંત્રી ભલે ગમે તે હોય પણ 'રિયલ સરકાર' તો KK જ રહેશે, CMના પડછાયા અને નરેન્દ્ર મોદીના આંખ-કાન સમાન કે.કૈલાશનાથનને મળ્યું સતત 11મું એક્સટેન્શન

WND Network.Gandhinagar (Gujarat) : છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તેમાંથી એક દાયકાથી પણ વધુનો સમય એવો છે જેમાં એક એવા IAS અધિકારીનો દબદબો રહ્યો છે જેને જોઈને કોઈને પણ ઈર્ષા થાય. એવું કહેવાય છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી ભલે તે હોય પરંતુ 'રિયલ સરકાર' તો KKની જ છે. મૂળ કેરળના અને ગુજરાતની IAS કેડરના 1979ની બેચના નિવૃત્ત અધિકારી કુનિયલ કૈલાશનાથન એટલે કે. કૈલાશનાથન. કેકે ના ટૂંકા નામથી જાણીતા આ ઓફિસરથી ભાગ્યેજ કોઈ અજાણ હશે. ગુજરાતના રાજકારણમાં ગમે તેવા ઉતાર ચઢાવ આવે પરંતુ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે CMOમાં શરુ થયેલી કેકેની સફર હાલના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સાથે અણનમ રહી છે. એક દાયકાથી પણ વધુ સમયથી રાજ્યના આ રિટાયર્ડ IAS અધિકારી કેકે ગુજરાતના મુખ્યમંત્રીના પડછાયા અને દિલ્હીમાં બેઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંખ-કાન સમાન રહ્યા છે. મુખ્યમંત્રીના કાર્યાલયના લિસ્ટમાં જેમનું નામ સૌથી ટોચ ઉપર હોય છે તેવા ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે.કૈલાશનાથનનો દસમો કાર્યકાળ જયારે સમાપ્ત થયો ત્યારથી નક્કી જ હતું કે તેમને વધુ એક વખત 'સેવા' કરવાનો મોકો મળશે. અને ધારણા મુજબ ગુજરાત સરકારે (આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહો તો પણ કાંઈ ખોટું નથી) તેમને સતત અગિયારમી વખત મુખ્યમંત્રીના કાર્યાલયમાં મુખ્યઅગ્ર સચિવ એટલે કે ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનું એક્સટેન્શન આપી દીધું છે. 

ગુજરાતમાં મદદનીશ કલેક્ટર તરીકે પોતાની કરિયર શરુ કરનારા કે.કૈલાશનાથન કદાચ એક માત્ર એવા વ્યક્તિ-અધિકારી છે જે નરેન્દ્ર મોદીના મનની વાત કહ્યા વગર જાણી જાય છે. ગુજરાત સરકારમાં એક પાવરફુલ અધિકારી તરીકે જાણીતા હોવા છતાં મીડિયાના કેમેરા અને પત્રકારોથી અંતર જાળવી સતત લો પ્રોફાઈલ રહીને કામગીરી કરવાની કેકેની આ સ્ટાઇલ જ તેમની સફળતાનું રહસ્ય છે. અને એટલે જ કદાચ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ આખામાં આટલી લાંબી ઇનિંગ રમવા વાળા કૈલાશનાથન એકમાત્ર અધિકારી હશે. અન્ય IAS ઓફિસરની જેમ કારકિર્દીની શરૂઆતમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર કે સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂકેલા કેકેનું નામ સૌ પ્રથમ વખત ચર્ચામાં ત્યારે આવ્યું હતું જયારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના માટે મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં અલાયદી એક પોસ્ટ ઉભી કરીને નિવૃત્ત કેકેને પોતાની પાસે રાખી દીધા હતા. બસ ત્યાર પછી તો મુખ્યમંત્રી બદલાય છે પણ કૈલાશનાથન કે તેમનું પદ બદલાયું નથી. નરેન્દ્ર મોદીથી લઈને આનંદીબેન પટેલ, વિજય રુપાણી અને હાલમાં ભુપેન્દ્ર પટેલ સાથે રહીને કેકે માત્ર સીએમના પડછાયા તરીકે જ નહીં પરંતુ દિલ્હીમાં બેઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંખ-કાન તરીકેની ફરજ બજાવી રહ્યા છે. 

કેકે નરેન્દ્ર મોદીના ભરોસાપાત્ર કેમ છે ? : ગુજરાતના એકેએક લોકસભા - વિધાનસભા ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે તેની કદાચ મુખ્યમંત્રી કે અન્ય મંત્રીઓને ભલે ખબર ન હોય પરંતુ કૈલાશનાથને ત્યાંની રજેરજની માહિતી હોય છે. એવું પણ કહેવાય છે કે, કેકેનું પોતાની એક સિસ્ટમ છે. જેમાં ગામડાઓથી માંડીને તાલુકા-જિલ્લા કે શહેરોમાં તેમના ખાસ માણસો પાસેથી તેઓ માહિતી મેળવતા હોય છે. દિલ્હીમાં બેઠા બેઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં કયા મંત્રી શું કરી રહ્યા છે તેની સઘળી માહિતી મળવા પાછળ પણ કેકેના કાન જવાબદાર છે. તેમની આ રીતે ચુપચાપ લો પ્રોફાઈલ રહીને સિક્રેટલી કામ કરવાની સ્ટાઇલને લીધે તેઓ મોદીના ખાસ છે. સૂત્રોનું માનીએ તો, કદાચ કેકે એકમાત્ર વ્યક્તિ હશે જે મોદી સાથે વન ટુ વન અન્ય કોઈ ચેનલને સાંકળયા વિના વાત કરતા હશે. 

અવનવા કાર્યક્રમ-પ્રોજેક્ટ અને રાજકીય ઊથલ-પાથલ પાછળ કેકેનું ભેજું : રાજ્ય સરકારના દોડેગા, ભાગેગા કે કુદેગા ગુજરાત જેવા અવનવા કાર્યક્રમો હોય કે પછી કોઈ ઉત્સવો હોય. અથવા તો કોઈ રાજકીય ઉથલ પાથલ હોય. કોઈપણ અવનવી વાત કે ઘટના ગુજરાતમાં બને તો તેની પાછળ કેકેનું ભેજું કામ કરતુ હોય છે. અમદાવાદમાં BRTS શરુ કરવાની વાત હોય કે વાત હોય વાયબ્રન્ટ ગુજરાતની, તમામ પાછળ ઇનોવેટિવ આઈડિયા બીજા કોઈનો નહીં પરંતુ કૈલાશનાથનનો જ હોય. કયા IAS કે IPSને કયાં મુકવા, તેમની પાસેથી કયું કામ કેવી રીતે કરવું તેની પાછળની વ્યૂહ રચના ઘડવામાં કેકેની માસ્ટરી છે. આટલા બધા પાવરફુલ હોવા છતાં કંઈપણ બોલ્યા વિના, કોઈપણ જાતની પબ્લિસિટીમાં રચ્યા પચ્યા રહ્યા વિના લો પ્રોફાઈલ રહીને કામ કરવાની લાક્ષણિતકતાને લીધે જ તેઓ નરેન્દ્ર મોદીની આંખોમાં વસેલા છે. કારણ કે મોદી સાહેબને તેમના કરતા અન્યને વધુ પ્રસિદ્ધિ મળે કે તેમની ચર્ચા થાય તે ગમતું નથી. મોદી 'સાહેબ'ની આ ખાસિયત ઉપરાંત ચુપચાપ, ભેદી રીતે કામ આટોપી લેવાની આવડતને લીધે જ કેકેને અગિયારમી વખત મુખ્યમંત્રી કાર્યાલયમાં એક્સટેન્શન મળ્યું છે. 

કોઈપણ જાતના વિવાદ વગરની બેદાગ કારકિર્દી : વર્ષ 2019માં પાટીદાર નેતા હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલા એકાદ આક્ષેપને બાદ કરતા કેકેની કારકિર્દી કોઈપણ જાતના વિવાદ વગરની બેદાગ રહી છે. વર્ષ 2016માં સુરતની લાજપોર જેલમાં કેદ હાર્દિક પટેલને મળવા આવેલા કેકે દ્વારા 1200 કરોડની ઓફર સાથે ભાજપના યુવા મોરચાના પ્રમુખ પદની ઓફરનો આક્ષેપ 'નેશનલ હેરાલ્ડ' સાથેની વાતચીતમાં હાર્દિકે કર્યો હતો. આ સિવાય કોઈ જ વિવાદ નથી. ACS તરીકે રિટાયર્ડ થયા પછી CMO એક દાયકાથી ફરજ બજાવી રહેલા કૈલાશનાથનનું કરિયર બિનવિવાદાસ્પદ અને નોન કરપ્ટેડ ઓફિસર તરીકેનું રહ્યું છે. કેકે જાહેર જીવનમાં પણ ઓછા દેખાતા હોય છે. સરકારી કાર્યક્રમ હોય અને મુખ્યમંત્રી જેમાં ભાગ લેતા હોય ત્યારે ખૂણામાં ચુપચાપ ઉભા રહીને બેસીને તેઓ સમગ્ર કાર્યક્રમને જોતા ફોટામાં જોવા મળે છે. સરકારી પ્રોટોકોલ અંગે પણ કેકે બહુ સજાગ હોય છે. કેકેને નજીકથી ઓળખનારા વ્યક્તિઓ અને પત્રકારોનું એવું માનવું છે કે, કૈલાશનાથનને કળવા કે માપવા બહુ અઘરા છે. તેઓ ચેમ્બરમાં જયારે વાત કરતા હોય ત્યારે આંખથી આંખ મિલાવ્યા વિના વાત કરવાની ટેવ છે. જેટલું જરૂરી હોય તેનો જ જવાબ આપવાની સાથે સાથે પોતાને જરૂરી માહિતી કેવી રીતે પત્રકારો કે વિઝિટર્સ પાસેથી કાઢાવી લેવી તે કેકેની ઘણી બધી ખાસિયતો પૈકીની એક છે. કોરોના કાળ દરમિયાન વાયરસની ચપેટમાં આવી ગયા હતા. છતાં તેમને ઘરેથી બેઠા બેઠા રાજ્ય સરકારની કોરોના કાળમાં ખાસ્સી એવી કામગીરી કરી હતી.  

મેગા ટ્રાન્સફર ઓર્ડર પછી પણ જો બદલીનો નાનો હુકમ થાય તો તેને કેકેનું કરેક્શન સમજવું : આમ તો ગુજરાત સરકારમાં કોઈપણ કામ કૈલાશનાથનને પૂછ્યા વિના કે જાણ બહાર થતું જ નથી. કદાચ એટલે જ તેમને સુપર સીએમ પણ કહેવામાં આવે છે. સીએમ ઓફિસમાં આવતી એકપણ ફાઈલ કે નિર્ણય કેકેની જાણ બહાર હોતો નથી. તેમ છતાં જયારે પણ IAS કે IPS અધિકારીઓની મેગા ટ્રાન્સફરનો ઓર્ડર થાય અને તેના થોડા દિવસમાં તેમાં સુધારો આવે તો સમજવાનું કે આ કરેક્શન કેકેનું છે. માત્ર IAS કે IPS જ નહીં પરંતુ DySP હોય કે મામલતદાર અથવા તો પોલીસ ઇન્સ્પેક્ટર કોઈપણના બદલી કે બઢતી હુકમમાં જો કોઈ ગરબડ દેખાય તો તે કેકેની નજરમાં તરત આવી જાય છે. 

હસમુખ અઢિયા અને રાઠોડના આવવા છતાં કેકેનો દબદબો યથાવત : કૈલાશનાથની હાજરી હોવા છતાં જયારે મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિવૃત્ત IAS હસમુખ અઢિયા અને એસ.એસ.રાઠોડને CMOમાં સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે એવી વાતો શરુ થઇ ગઈ હાટ કે, કેકેના પાવરમાં કાપ મુકવામાં આવ્યો છે. અથવા તો કૈલાશનાથન હવે ગાંધીનગરથી દિલ્હી જઈ રહ્યા છે. પરંતુ આ અફવા પણ સમયાંતરે અફવા જ સાબિત થઇ હતી. અને અગિયારમા એક્સટેન્શન સાથે કેકે હજુ અણનમ રહયા છે.