West Kutch Police Mundra Liquor Case SMC Raid : કચ્છના કરોડોના મુન્દ્રા શરાબ કાંડમાં પશ્ચિમ કચ્છ પોલીસના PSI અને ASI સસ્પેન્ડ, મુન્દ્રાના PI ની 'જાહેર હીત'માં સુરત બદલી !
DGP સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ડોમેસ્ટિક કાર્ગોની આડમાં કન્ટેનરમાં આવેલો ઈંગ્લીશ દારૂનો મોટો માલ પકડવામાં આવ્યો હતો, સુરેન્દ્રનગર અને અમરેલીમાં SMC રેડ પછી ત્વરિત એક્શન બાદ કચ્છમાં કાર્યવાહી કરતા દોઢેક મહિને નંબર લાગ્યો
( તસવીરમાં મુન્દ્રાથી ટ્રાન્સફર કરવામાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઠુમ્મર, તેમની નીચે ભુજ LCBના ઇન્ચાર્જ PI સબ ઇન્સ્પેક્ટર હિતેશ જેઠી અને માનકુવાના ઇન્ચાર્જ PI સબ ઇન્સ્પેક્ટર ગોહિલ, તેમની નીચે કેરા આઉટ પોસ્ટના ASI વિજય ઘાંઘર તથા આ બધાની બાજુમાં પશ્ચિમ કચ્છ પોલીસના SP વિકાસ સુંડા છે )
WND Network.Bhuj (Kutch) : ગુજરાત પોલીસના ઇન્ચાર્જ DGP ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ (IPS K L N Rao) દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ બેડાના માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર તેમજ કેરા આઉટ પોસ્ટ (OP) ના ASIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૂત્રોનું જણાવ્યા મુજબ, ગયા વર્ષ 2025ના નવેમ્બર મહિનામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (Gujarat Police DGP State Monitoring Cell - SMC) ની ટીમ દ્વારા મુન્દ્રા બંદરે રેડની બે કાર્યવાહી દરમિયાન ત્રણ કરોડની કિંમતનો અંગ્રેજી શરાબનો માતબર જથ્થો ઝડપી લીધો હતો. સસ્પેનશનની કાર્યવાહી આ સંદભૅ કરવામાં આવી છે. DGP રાવની કચેરી દ્વારા મુન્દ્રાના પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઠુમ્મરની પણ સુરત ગ્રામ્યમાં 'જાહેર હીત'માં સિંગલ ઓર્ડરથી ટ્રાન્સફર કરવામાં આવી છે.
મુન્દ્રામાં જયારે SMC દ્વારા ડોમેસ્ટિક કાર્ગોની આડમાં કન્ટેનર ભરીને દારૂ પકડવામાં આવ્યો હતો ત્યારે જ ચર્ચાઓ થઇ રહી હતી કે, દારૂના આ ક્વોલિટી કેસમાં મુન્દ્રા તેમજ પશ્ચિમ કચ્છ પોલીસના જવાબદારો સામે એક્શન લેવામાં આવશે. પરંતુ તેવું થયું ન હતું. મહિનાથી પણ વધુ સમય પસાર થઇ ગયા બાદ ગાંધીનગર DGP ઓફિસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પણ સૂચક હોવાનું ખુદ પોલીસ બેડાના લોકો માની રહ્યા છે.
ગાંધીનગર પોલીસ ભવનમાં DGP કચેરીનો વહીવટી કાર્યભાર સંભાળી રહેલા IG મહિલા IPS ગગનદીપ ગંભીરની સહીથી અને ઇન્ચાર્જ DGP ડૉ.રાવના આદેશથી પાંચમી નવેમ્બરના રોજ મુન્દ્રાના પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ જે. ઠુમ્મરની જાહેર હીતમાં સુરત ગ્રામ્ય ખાતે બદલી કરીને તેમને તાત્કાલિક છુટા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
મુન્દ્રા પોર્ટથી નીકળેલો દારૂનો જથ્થો ભુજ તાલુકાના કેરા- ગજોડની સીમમાં કટિંગ થયો હતો. જે માનકુવા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. એટલે માનકુવાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર PSI ગોહિલ તેમજ કેરા આઉટ પોસ્ટના ASI વિજય ઘાંઘરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PSI ગોહિલ માનકુવા મુકવામાં આવ્યા તે અગાઉ તેઓ બોર્ડર રેન્જના સાયબર સેલમાં ફરજ બજાવતા હતા. ASI વિજય ઘાંઘર તો લાંબા સમય સુધી SMCમાં ફરજ બજાવી ચુક્યા છે.
પશ્ચિમ કચ્છના પોલીસ કર્મચારીઓની DGP દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે WebNewsDuniya.Com દ્વારા ભુજના SP વિકાસ સુંડાનો (IPS Vikas Sunda) સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ રાબેતા મુજબ SP સુંડાએ કોલ રિસીવ કર્યો ન હતો. તેમને મેસેજ થકી સમગ્ર મામલે વાકેફ કરવામાં આવ્યા હતા પરંતુ તેમનો કોઈ જ જવાબ આવ્યો ન હતો.
સુરેન્દ્રનગર અને અમરેલીમાં ત્વરિત કાર્યવાહી, કચ્છમાં DGP બદલાયા પછી મેળ પડ્યો : ગુજરાત પોલીસમાં જયારે પણ કોઈ મોટી રેડ થાય, ગુણવત્તાસભર એટલે કે ક્વોલિટી કેસ થાય પછી જેમનો તાબા હેઠળનો વિસ્તાર હોય તેવા પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ સામે બદલી, સસ્પેનશન વગેરે જેવી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ કચ્છમાં, ખાસ કરીને પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં આવું ભાગ્યે જ બને છે.
થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં SMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી ત્યારે રેન્જ આઇજી અને SP એ તરત જ કડક કાર્યવાહી કરી હતી. સુરેન્દ્રનગરમાં તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરીને તેમની LCBની આખી ટીમનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું.
અમરેલીમાં પણ SMCની બે રેડ પછી LCBના ઇન્સ્પેક્ટર સહીત ચાર PI અને એક PSIને બદલી નાખ્યા હતા. LCBના એક હેડ કોન્સ્ટેબલને તો જિલ્લા બહાર બોટાદમાં બદલી નાખ્યો હતો.
પશ્ચિમ કચ્છ LCBના સબ ઇન્સ્પેક્ટર જેઠીની ભરૂચ બદલીની પણ વાત ઉડી : મુન્દ્રાના PI રાકેશ ઠુમ્મરની બદલી, માનકુવાના PSI ગોહિલ અને ASI વિજયના સસ્પેનશન ની હકીકત વચ્ચે પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના ઇન્ચાર્જ PI સબ ઇન્સ્પેક્ટર હિતેશ જેઠીની ભુજથી ભરૂચ બદલી કરી દેવામાં આવી હોવાની વાતો ચાલી હતી. અલબત્ત PSI જેઠી તેમની બદલી થઈ છે કે નહીં તેનો જવાબ આપવાને બદલે 'તમારી પાસે ઓર્ડર છે' તેવો સામો સવાલ કર્યો હતો.
યોગાનુયોગ કહો કે ગમે તે પણ LCBના સબ ઇન્સ્પેક્ટર હિતેશ જેઠી અને માનકુવાના સસ્પેન્ડેડ PSI ગોહિલ બૅચમૅટ છે. બંને કચ્છના પોલીસ બેડામાં ફરજ બજાવતા હતા અને અહીંથી જ તેમને PSIનું પ્રમોશન મળ્યું હતું. જેઠી મૂળ કચ્છ-ભુજના રહેવાસી છે. બંને PSI નીડર અને પ્રામાણિક છે પરંતુ જેઠી પ્રમાણમાં વધુ ચતુર છે. કારણ કે, તેઓ ભુજ SP ઓફિસથી લઈને લાંબા સમય સુધી CID ક્રાઇમમાં ફરજ બજાવી ચુક્યા છે.
PSI જેઠી જયારે ભુજમાં CID Crime ખાતે ફરજ બજાવતા હતા ત્યારે બહુચર્ચિત ગુજરાતના સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્માનો કેસ ચર્ચામાં આવ્યો હતો. જેમાં IAS પ્રદીપ શર્મા સહીત ક્યુબ કન્સ્ટ્રક્શનના સંજય છોટાલાલ શાહ અને ભુજની મંગલમ હોટેલ સાથે સંકળાયેલા ભુજ નગર પાલિકાના ઈજનેર પ્રકાશ વજીરાણી આરોપી હતા. જેમાં પાછળથી સંજય શાહ અને પ્રકાશ વજીરાણી સરકાર પક્ષે તાજના સાક્ષી બની ગયા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ રજા આપવાને મામલે શિસ્તના આગ્રહી એવા મુનિયા નામના ભુજના તત્કાલીન Dy.SP ના તાબા હેઠળ પણ જેઠી ફરજ બજાવી ચુક્યા છે.
( મુન્દ્રાના કરોડો રૂપિયાના ચકચારી શરાબ કાંડ અંગે WebNewsDuniya.Com માં પ્રસિદ્ધ કરવામાં આવેલો અગાઉનો ન્યૂઝ રિપોર્ટ વાંચવા માટે લિંક ઉપર ક્લિક કરો... https://webnewsduniya.com/Approximately-15-crores-worth-of-IMFL-liquor-arrived-by-train-in-11-containers-of-English-liquor-in-just-three-months-25112025 )
Web News Duniya