કચ્છ કલેક્ટર આનંદ પટેલની સ્કૂલ્સ કમિશનર તરીકે ગાંધીનગર બદલી, જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસીયા નવા કલેક્ટર, ગાંધીધામ મ્યુનિ. કમિશનર ગુરવાની પણ બદલાયા, તેમની જગ્યાએ બી.ડી.દવેરા, રાજ્ય સરકારે 72 IASની ટ્રાન્સફર કરી
કચ્છમાં DDO તરીકે ફરજ બજાવી ગયેલા ભવ્ય વર્મા અમદાવાદના નવા કલેક્ટર, AUDAના CEO તરીકે જતીન મીરાણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બદલીના હુકમ થયા
WND Network.GandhiNagar : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જેનો રાહ જોવામાં આવી રહી હતી તે રાજ્યના વહીવટી તંત્રમાં સરકારે મોડી રાતે ધરખમ ફેરફારો કાર્ય હતા. જેમાં ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત કમિશનોરેટમાં બદલીઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા 72 સચિવ કક્ષાથી લઈને જુનિયર રેન્ક સુધીના સનદી અધિકારીઓની અરસ-પરસ બદલી કરી છે. કચ્છમાં ઉમદા કામગીરી કરી રહેલા મૂળ ગુજરાતના ડાયરેક્ટ IAS ઓફિસર આનંદ પટેલને સરકારે કમિશનર ઓફ સ્કૂલ્સ તરીકે ગાંધીનગર ટ્રાન્સફર કર્યા છે. તેમને કમિશનર ઓફ સ્કૂલ્સના નિયમિત હવાલા ઉપરાંત PM પોષણ (મિડ ડે મીલ)ના કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે.

નવરચિત ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ કમિશનર મનીષ ગુરવાણીને પણ ટ્રાન્સફર કરીને તેમને નવસારી જિલ્લાના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IAS ગુરવાણીની જગ્યાએ પ્રમોટી IAS બી.ડી.દવેરાને ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા જે 72 IASની ટ્રાન્સફરના ઓર્ડર કરવામાં આવ્યા છે તેમાં કચ્છમાં DDO તરીકે ફરજ બજાવી ચૂકેલા સીધી ભરતીના IAS ભવ્ય વર્માને વલસાડ કલેક્ટરથી બદલીને અમદાવાદના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહત્વપૂર્ણ એવી AUDAની ખાલી CEOની જગ્યા ઉપર જતીન મિરાણીને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

ઓપરેશન સિંદૂર સહીત ઉમદા મહેસુલી કામગીરી કરનારા IAS આનંદ પટેલની ટ્રાન્સફર નક્કી હતી : રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા જ વર્ષ 2010ની બેચના IAS ઓફિસર્સને સચિવ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. એટલે કચ્છના કલેક્ટર તરીકે ફરજ બજાવનારા આનંદ પટેલની બદલી નક્કી જ હતી. આનંદ પટેલ મૂળ ગુજરાતના સીધી ભરતીના IAS અધિકારી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન સરહદી જિલ્લા કચ્છમાં જિલ્લાધિકારી તરીકે તેમનું ડિફેન્સ ફોર્સ અને સ્થાનિક તંત્ર સાથેનું સંકલન કાબિલેદાદ હતું. તેના માટે તેમને ઇન્ડિયન આર્મી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂર દરમિયાન બ્લેક આઉટના સમયે કલેક્ટર આનંદ પટેલ રાતે કંટ્રોલ રૂમમાં હાજર રહીને બોર્ડરની નાજુક સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા હતા. આ ઉપરાંત તેમણે મહેસુલી અધિકારી તરીકે પણ કેટલાક સારા નિર્ણયો લીધા હતા. જેમાં તાજેતરમાં જ કચ્છના ગામોને ઓફિશ્યલી સ્પોટ્ર્સ ગ્રાઉન્ડ આપવાનો નિર્ણય સરાહનીય છે. તેઓ અગાઉ પણ તેમની કારકિર્દીની શરૂઆતમાં કચ્છમાં ફરજ બજાવી ચુક્યા હતા.

Web News Duniya