Kutch : ગામના છોકરા ગામમાં જ રમશે, ગુજરાતમાં સૌ પ્રથમ વખત કચ્છના નવ તાલુકાના 105 મેદાનને વહીવટી તંત્રએ સત્તાવાર 'સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ'નો દરજ્જો આપ્યો
કચ્છ કલેક્ટરે કરી બતાવ્યું, માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં ફિલ્ડ વિઝીટથી લઈને તમામ મહેસુલી કામગીરી આટોપીને ઇતિહાસ રચ્યો
WND Network.Bhuj (Kutch) : જિલ્લા સ્તરે ફરજ બજાવતા અધિકારીઓ, ખાસ કરીને કલેક્ટર - સનદી અધિકારી ધારે તો કેવા પ્રકારના ઉમદા, લોકોને ઉપયોગી થાય તેવા કામ કરી શકે તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ મૂળ ગુજરાતના ડાયરેક્ટ IAS ઓફિસર આનંદ પટેલે પૂરું પાડ્યું છે. જિલ્લાના વિવિધ ગામોમાં બાળકો - ખેલાડીઓને રમવા માટે મેદાન મળે તેવા ઉમદા આશયથી ગુજરાતમાં સૌ પ્રથમ વખત IAS આનંદ પટેલે (IAS Anand Patel) ઓફિશ્યલી ગામના મેદાનોને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનો દરજ્જો આપ્યો છે. માત્ર એક મહિનાની ઝડપી કામગીરીમાં ફિલ્ડ વિઝિટથી લઈને મહેસુલી કામગીરી આટોપી લઈને તેમને જિલ્લાના નવ તાલુકામાં આવેલા 105 મેદાનને સત્તાવાર ડિક્લેર કાર્ય છે. માત્ર એટલું જ નહીં પરંતુ આગામી દિવસોમાં આ મેદાનમાં આધુનિક સાધનોથી લઈને તેના દેખરેખ માટે સરકારી ગ્રાન્ટનો પણ ઉપયોગ કરવામાં આવશે.
ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ વર્ષ ૨૦૩૦ની યજમાની કરશે તેમજ આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સરહદી કચ્છે પણ આંતરરાષ્ટ્રીય ગેમમાં દેશ અને રાજ્યને ગૌરવ અપાવે તેવા ખેલાડીઓ તૈયાર કરવા કમર કસી છે. નવી પેઢીને મોબાઇલના વળગણમાંથી બહાર કાઢી ગામના મેદાનો ગજવતા કરવા કચ્છ કલેક્ટર આનંદ પટેલ સમગ્ર રાજ્યને પ્રેરણા આપે તેવો ઐતિહાસીક નિર્ણય લીધો છે. કચ્છના બાળકોને અનોખી ભેટ સમાન આ નિર્ણયમાં ગુજરાતમાં સૌ પ્રથમ મહેસુલી તંત્ર દ્વારા મોટી સંખ્યામાં ગ્રામ્યકક્ષાએ રમત-ગમતના મેદાનો નીમ કરવાની કામગીરી કરાઇ છે. જે હેઠળ કચ્છ જિલ્લાના તમામ ૯ તાલુકામાં એકસાથે ૧૦૫ રમત-ગમતના મેદાન નીમ કરવામાં આવ્યા છે.
બાળકોને ફરીથી મેદાન તરફ આકર્ષવા માટે રમત-ગમતના પૂરતા માળખાની ઉપલબ્ધતા અત્યંત આવશ્યક છે. આ વિચારને સાકાર કરવા માટે કચ્છ જિલ્લામાં પડતર પડેલી સરકારી જમીનોની ઓળખ કરીને તેને રમત-ગમતના મેદાન તરીકે સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે. માત્ર એક માસ જેટલા ટૂંકા ગાળામાં ફિલ્ડ વિઝિટ અને જરૂરી મહેસૂલી પ્રક્રિયા પૂર્ણ કરીને આ નોંધપાત્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ૧૦૫ ગામના કુલ ૧૦૫ રમત-ગમતના મેદાન નીમ કરી રેવન્યૂ રેકર્ડ પર લાવ્યા છે. આ કામગીરીથી કુલ ૮,૪૯,૮૭૦ ચોરસ મીટર જમીન નીમ થતાં રમત-ગમત ક્ષેત્રે કચ્છના બાળકોનું ભવિષ્ય ઉજળું બનશે.
માત્ર એક જ મહિના જેટલા ટૂંકા ગાળામાં, ફિલ્ડ વિઝિટ સહિતની રેવન્યુ પ્રક્રિયાને પૂર્ણ કરીને રમત-ગમતના મેદાનોને સત્તાવાર દરજ્જો આપવામાં આવતા ગ્રામજનોમાં પણ ખૂશીની લહેર ફેલાઇ છે. ગુજરાત સરકાર રમતગમત નીતિને અંતર્ગત રમતગમતના વાતાવરણને લોકપ્રિય બનાવવા રાજ્યમાં ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને ચંદ્રકો જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા રમતવીરોને તૈયાર કરવા પ્રયત્નશીલ છે ત્યારે કચ્છના નીમ કરાયેલા મેદાન કચ્છમાં રમતવીરો તૈયાર કરવામાં મજબૂત નીવ સાબિત થશે.
આ અંગે કચ્છ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ જેવા સરહદી તેમજ વિશાળ જિલ્લામાં બાળકો અને યુવાનોની શારીરિક અને માનસિક ક્ષમતા વધારવા માટે સ્પોર્ટસના મેદાન હોવા જરૂરી છે. ગુજરાત સરકારની રમત-ગમત નીતી હેઠળ કચ્છમાં ગ્રાસરૂટ કક્ષાએ માળખાગત સુવિધાઓ ઉભી કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે આ નીમ કરાયેલા મેદાનો ખેલાડીઓને પ્રેક્ટિસ માટેની જગ્યાની ઉપરાંત ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ દ્વારા સ્થાનિક પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે ચમકવાની તક આપશે.
IAS આનંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારમાં યુવાનોમાં સેનામાં જોડાવાનો ઉત્સાહ પણ નોંધપાત્ર હોય છે. આવી સ્થિતિમાં આ મેદાનો અગ્નિવીર, સેનાની વિવિધ પાંખો તેમજ પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનો માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આગામી સમયમાં ડી.એમ.એફ., લોકલ ફંડ તથા અન્ય સરકારી યોજનાઓ હેઠળ આ મેદાનોના વિકાસ માટે વધુ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ઉપરાંત બીજા તબક્કામાં વધુ ગામોમાં મેદાનો નીમ કરવાની કામગીરી હાથ ધરાશે.
કચ્છના આ તાલુકાઓને મેદાન મળ્યા : રાજ્યમાં સૌ પ્રથમ વખત કચ્છ મહેસૂલી તંત્રે ખાસ ઝુંબેશ આદરીને કચ્છના ૯ તાલુકામાં ઓફિશ્યલી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની જાહેરાત કરી છે. જેમાં માંડવીમાં ૩૭, મુંદરામાં ૧૪, ભુજમાં ૮, નખત્રાણામાં ૫, અબડાસામા; ૧૦, અંજારમાં ૧૨, ભચાઉમાં ૫, રાપરમાં ૯, લખપતમાં ૫ એમ કુલ ૧૦૫ રમત-ગમતના મેદાનોને નીમ કર્યા છે. ગુજરાતમા સૌપ્રથમ કચ્છના મહેસુલીતંત્ર દ્વારા આટલી મોટી સંખ્યામાં સ્પોર્ટસને પ્રોત્સાહન આપવા એકસાથે મેદાનો નીમ કરાયા છે. જે કચ્છના બાળકો તથા યુવાનોના સર્વાંગી વિકાસ, રમતપ્રત્યેની રૂચિ સાથે કચ્છમાં સ્પોર્ટસ પ્રવૃત્તિઓને વેગ આપવાનો ઉમદા વિચારને બળ આપશે.
Web News Duniya