ભુજની ઓરિએન્ટ કોલોનીમાં ગેરકાયદે પ્લોટ ફાળવણી મુદ્દે કલેક્ટર સમક્ષ ફરિયાદ, જાણીતા વકીલ કિરણ ગણાત્રાને કોલોનીના પ્રમુખ તરીકે દૂર કરવાની માંગ...

સોસાયટીના સભ્ય કે ફેમિલી મેમ્બરને બીજો પ્લોટ ન ફાળવી શકવાના મંડળીના પેટા નિયમમાં જોગવાઈ હોવા છતાં પ્લોટ ફાળવાયો હોવાનો ગંભીર આક્ષેપ

ભુજની ઓરિએન્ટ કોલોનીમાં ગેરકાયદે પ્લોટ ફાળવણી મુદ્દે કલેક્ટર સમક્ષ ફરિયાદ, જાણીતા વકીલ કિરણ ગણાત્રાને કોલોનીના પ્રમુખ તરીકે દૂર કરવાની માંગ...

WND Network.Bhuj (Kutch) : કચ્છના જિલ્લા મથક ભુજમાં આવેલી જાણીતી ઓરિએન્ટ કોલોનમાં ગેરકાયદે પ્લોટ ફાળવણી કરવાનો મામલો કચ્છ કલેક્ટર સુધી પહોંચ્યો છે. જેમાં કચ્છના જાણીતા અને પ્રતિષ્ટિત એડવોકેટ કિરણભાઈ ગણાત્રા અને તેમના દીકરા સામે ગંભીર કહી શકાય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. ઓરિએન્ટ કોલોનીમાં જ પોતાના એક પ્લોટના મુદ્દે કાયદાકીય સંઘર્ષ કરી રહેલા ઘનશ્યામનગરની દરજી કોલોનીમાં રહેતા જીતેન્દ્ર ધારશી શાહના નામના વ્યક્તિએ આ મામલે મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર સહીત કચ્છ કલેક્ટરને ગેરકાયદે ફાળવાઈ ગયેલા એલોટમેન્ટને રદ્દ કરીને હાલના પ્રમુખ અને પ્લોટ ધારકના પિતા એવા જાણીતા વકીલ કિરણભાઈ ગણાત્રાને સોસાયટીના પ્રમુખ તરીકે દૂર કરવાની પણ માંગણી કરી છે. જેને લઈને સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. 

દરજી કોલોનીમાં રહેતા જીતેન્દ્ર ધારશી શાહે સાતમી નવેમ્બર,2023ના રોજ મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર(હાઉસિંગ) ઉદ્દેશીને અને કચ્છની કલેક્ટર કચેરીમાં સબમિટ કરેલી લેખિત ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ભુજ કો. ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી જે હાલમાં ઓરિએન્ટ કોલોની તરીકે ઓળખાય છે તેમાં ગેરકાયદે પ્લોટ એલોટમેન્ટ કરવામાં આવ્યું છે. લેખિત ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ સોઅસાયટીના પ્રમુખ કિરણભાઈ ગણાત્રા તેમના કુટુંબના નામે સોસાયટીના પ્લોટ નંબર 28માં પરિવાર સાથે રહે છે. તેમ છતાં તેમના પુત્ર કૌશલભાઈ કિરણભાઈ ગણાત્રાનાં નામે ગેરકાયદે આધારો ઉભા કરીને કોલોનીના પ્લોટ નંબર 27 અને 39ને તેમના નામે કરી દીધા છે. સોસાયટીના નિયમ મુજબ કોઈપણ સભ્ય કે તેના કુટુંબના નામે સોસાયટીમાં પ્લોટ હોય તો અન્ય પ્લોટ ફાળવી શકે નહીં. આવી સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં નિયમોને ધ્યાન લીધા વિના ગેરકાયદે પ્લોટની ફાળવણી કરવામાંઆવેલી છે. 

તા.11/08/2001ના રોજ પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કૌશલભાઈ કિરણભાઈ ગણાત્રાને પ્લોટ નંબર 27 અને 39 ફાળવી દેવામાં આવેલા છે. જેમાં 'સરકારશ્રી તરફથી હુકમ થયેલ એલોટ મુજબ' શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જે ખોટો હોવાનો ગંભીર આક્ષેપ જીતેન્દ્રભાઈ શાહે આ ફરિયાદમાં કર્યો છે. 

આ સમગ્ર મામલે જેમના ઉપર ગંભીર કહી શકાય તેવા આક્ષેપ થઇ રહ્યા છે તે કૌશલભાઈ કિરણભાઈ ગણાત્રાનો 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા સંપર્ક કરીને તેમનો  પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ચર્ચા પછી કૌશલભાઈ ગણાત્રાએ પોતે સોસાયટીના ઓફિસ બેરર ન હોવાનું કહીને સત્તાવાર નિવેદન આપવા અંગે અસમર્થ હોવાનું કહ્યું હતું. ઓરિએન્ટ કોલોનીના હાલના પ્રમુખ અને પ્લોટ ધારક કૌશલભાઈના પિતા કિરણભાઈ ગણાત્રાનો પણ 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ મળી શક્યા ન હતા. 

કયા આધારે ગેરકાયદે હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે ? : તા. 28/06/2011ના રોજ મળેલી વાર્ષિક સામાન્ય સભામાં કૌશલ કિરણ ગણાત્રાને પ્લોટ ફાળવવામાં આવેલા છે. જેમાં નિયમિત જવાબદારીવાળી સહકારી રીતે ઘરો બાંધનાર મંડળીના સભ્ય થવા બાબતના પેટા કાયદાના 8 અ તથા નાં.9નું સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. આ પ્લોટ સંદર્ભે વર્ષ 2001થી 2008 સુધીમાં તેમજ હાલ સુધીમાં ભુજની નગરપાલિકા કચેરીમાં ટેક્સ વેરા ભર્યા હોય તેની વિગતો પણ મેળવવામાં આવે તો સમગ્ર મામલો સ્પષ્ટ થાય છે તેવું કહેવામાં આવ્યું છે. અરજી કરનારે એવો પણ દાવો કર્યો છે કે, સીટી સર્વે કચેરીમાં હક ચોક્સીના સાધનિક કાગળોનો અભ્યાસ કરતા જાણવા મળેલું છે કે, સોસાયટીને વર્ષ 1972માં 13 સભ્ય માટે 5200 ચોરસ વાર ક્ષેત્રફળની જમીન સ્થાનિકે હાજર રાખીને એલોટ કરવામાં આવી હતી. જેમાં દરેક સભ્યને 400 ચોરસ વાર ક્ષેત્રફળની જમીન ફાળવામાં આવેલી છે. આ હિસાબે  સોસાયટી પાસે કોઈ જમીન બાકી રહેતી નથી તો કૌશલભાઈ કિરણભાઈ ગણાત્રાને કઈ જમીન ફાળવવામાં આવી છે તે એક તપાસનો વિષય છે.