Bhuj Police Station : ભુજમાં પૂર્વ સરકારી વકીલ અને પ્રેમિકાના ઝગડામાં ભુજ 'A' ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટરની રાતોરાત બદલી થઈ ગઈ, જાણો શું છે સમગ્ર મામલો

એડવોકેટની પ્રેમિકા અને તેની દીકરીને પોલીસ સ્ટેશનમાં લાવીને તેમના મોબાઇલમાંથી વકીલના ફોટા-વિડીયો ડીલીટ કરી દેવામાં આવતા મામલો છેક ગૃહ વિભાગ સુધી પહોંચ્યો

Bhuj Police Station : ભુજમાં પૂર્વ સરકારી વકીલ અને પ્રેમિકાના ઝગડામાં ભુજ 'A' ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટરની રાતોરાત બદલી થઈ ગઈ, જાણો શું છે સમગ્ર મામલો

WND Network.Bhuj (Kutch) : પશ્ચિમ કચ્છ પોલીસ (West Kutch Police) બેડાનાં ભુજ 'A' ડિવિઝન પોલીસ સ્ટેશનના (Bhuj 'A' Divi Police Station) ઇન્સ્પેક્ટરને રાતોરાત બદલીને લિવ રિઝર્વ એટલે કે હેડ કવાર્ટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે. જેને લઈને સમગ્ર પોલીસ બેડા ઉપરાંત સામાન્ય લોકો પણ 'ઓચિંતી ટ્રાન્સફર કેમ કરવામાં આવી' તે અંગે માથું ખંજવાળી રહ્યા છે. દરમિયાન સૂત્રો પોલીસ ઇન્સ્પેકટરની 'સરપ્રાઈઝ' ટ્રાન્સફર પાછળ ભુજના ભૂતપૂર્વ સરકારી વકીલ અને તેમની પ્રેમિકાનો ડખો હોવાનું દાવો કરી રહ્યા છે. લાંબા સમય સુધી રાજ્યની ભાજપ સરકારના માનીતા રહેલા આ પૂર્વ સરકારી વકીલને હવે રાજ્ય સરકાર પસંદ નથી કરતી. વકીલ, તેની પ્રેમિકા અને પ્રેમિકાની દીકરીના ડખામાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વકીલને મદદ કરી હોવાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચતા તાબડતોડ ગૃહ વિભાગે પીઆઈ ને બદલી નાખવાની સૂચના આપ્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટરને લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ, સત્તા પક્ષ ભાજપની સાથે ઘરોબો ધરાવતા કચ્છના ભૂતપૂર્વ યુવા અને હોનહાર સરકારી વકીલને તેમની પ્રેમિકાની દીકરી સાથે શનિવારની રાતે પ્રિન્સ હોટેલ પાસે ડખો થયો હતો. આ બબાલ ટાણે યુવતીની મમ્મી એટલે કે વકીલની પ્રેમિકા પણ હાજર હતી. વાત વણસી જતા વકીલે તેમના સંપર્કોનો ઉપયોગ કરીને ભુજ 'A' ડિવિઝન પોલીસના ઇન્સ્પેક્ટર હાર્દિક ત્રિવેદીને બોલાવ્યા હતા. અને ત્યારબાદ બંનેને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભુજ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસને વકીલની પ્રેમિકાના મોબાઈલમાં રહેલા કેટલાક વિડિઓ અને ફોટોગ્રાફ પોલીસ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. આ બધું ચાલતું હતું ત્યારે પોલીસ કર્મચારીઓને પણ દૂર રાખવામાં આવ્યા હતા. મોબાઈલની ગેલેરી 'સાફ' કર્યા પછી મહિલા અને તેની દીકરીને જવા દેવામાં આવ્યા હતા. 

પૂર્વ સરકારી વકીલની પ્રેમિકાએ ત્યારબાદ આ સમગ્ર મામલે ગાંધીનગરમાં ગૃહ વિભાગમાં ફરિયાદ કરી હતી. જેને પગલે રાતોરાત ભુજના 'A' ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર હાર્દિકભાઈ ત્રિવેદીને લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા. 

પોલીસ ઇન્સ્પેકટરની ઓચિંતી ટ્રાન્સફર કેમ કરવામાં આવી તે જાણવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસના એસપી વિકાસ સુંડા (IPS Vikas Sunda)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ મળી શક્યા ન હતા.

હની ટ્રેપ વકીલને અને પીઆઇને વકીલ નડી ગયા : કચ્છના ચર્ચાસ્પદ હની ટ્રેપના (Kutch Honey Trap) મામલામાં રાજ્ય સરકારની આંખેથી ઉતરી ગયા બાદ ભુજના આ સ્માર્ટ અને યુવા પૂર્વ સરકારી વકીલને પણ પીઆઈની જેમ રાતોરાત હટાવી દેવામાં આવ્યા હતા. એટલે જયારે આ વકીલની પ્રેમિકાના મોબાઈલમાંથી ફોટા-વિડિયો ડિલીટ કરવાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી કે તરત જ પોલીસ ઇન્સ્પેકટરની તાત્કાલિક બદલી નાખવામાં આવ્યા હતા. પીઆઇ હાર્દિક ત્રિવેદી ભૂતકાળમાં હિન્દુ સંગઠનોને પણ એક મામલે નડી ગયા હતા. પરંતુ ત્યારે તેઓ જૂના સંપર્ક અને કચ્છના એક ધારાસભ્ય સાથેના ઘરોબા ને લીધે બચી ગયા હતા. પરંતુ આ હાલનો આ તાજો મામલો સરકારને ન ગમતા વકીલનો હતો એટલે તરત જ ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું હતું અને પીઆઇને બદલી નાખ્યા હતા.

બે ની લડાઈમાં ત્રીજા, અમરેલી પાયલ ગોટી કાંડ વાળા પીઆઇ પટેલ ફાવી ગયા : ભુજ 'એ' ડિવિઝન પોલીસના ઇન્સ્પેક્ટર હાર્દિકભાઈ ત્રિવેદીને ઓચિંતી બદલીમાં અમરેલીથી ટ્રાન્સફર થઇને આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પટેલ ને લોટરી લાગી ગઈ છે. પૂર્વ સરકારી વકીલ અને રાજ્ય સરકારની માથાકૂટમાં પીઆઇ વિવાદિત પીઆઈ પટેલને ભુજ 'એ' ડિવિઝન પોલીસ મથકનો હવાલો સોંપી દેવામાં આવ્યો છે. ઇન્સ્પેક્ટર પટેલ અમરેલીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (Local Crime Branch - LCB)નાં PI હતા. સરકારે ભારે વિવાદ પછી વરઘોડા કાંડમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરી દીધી હતી. જેમાંથી પટેલને કચ્છ મોકલી દેવામાં આવ્યા હતા.

ભુજ 'એ' ડિવિઝન પોલીસના CCTV કેમરા બંધ ? : ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવારનવાર તાકીદ કરવા છતાં પોલીસ સ્ટેશનથી લઈને પોલીસ અધિકારીઓની ચેમ્બરમાં CCTV કેમેરા કાં લગાવ્યા હોતા નથી અથવા તો ચાલુ નથી હોતા. આવું જ કઈંક ભુજના 'A' ડિવિઝન પોલીસ મથકમાં હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. એટલે સંભવ છે કે, અહીં કોઈ એવી ઘટના કે બનાવ બને અને વાત CCTV ફુટેજની આવે તો પોલીસ હાથ અધ્ધર કરી શકે છે.