ACB Trap in Secretariat : ગાંધીનગર સચિવાલયમાં ACBની એન્ટ્રી, નિવૃત્તિ પછી પણ સરકારે નોકરી ઉપર રાખેલા આરોગ્ય વિભાગના અધિક સચિવ ત્રીસ લાખની લાંચમાં ઝડપાયા
ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરીનો હવાલો સંભાળતા અધિક સચિવે ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીનને વચેટિયા તરીકે રાખીને ભાવનગરના બે ડોક્ટર પાસેથી પોઝિટિવ રિપોર્ટની લાલચ આપીને ત્રીસ લાખ રૂપિયા માંગ્યા હતા

WND Network.Ahmedabad : ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ )તરીકે ફરજ બજાવી ચૂકેલા અધિકારી તેમજ અન્ય એક ડોક્ટર પાસેથી ત્રીસ લાખ રૂપિયાની લાંચ મંગાવાના પ્રકરણમાં લાંચ રુશ્વત બ્યુરો (Anti Corruption Bureau - ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગર સચિવાલયના ઇતિહાસમાં સંભવત સૌ પ્રથમ વખત ACBની એન્ટ્રી થઈ છે. જેમાં સચિવાલયમાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ હેઠળ અધિક સચીવ (તપાસ) તરીકે ફરજ બજાવી રહેલા ઓફિસર માટે વચેટિયા તરીકે અમદાવાદ અસારવા ખાતે આવેલી સરકારી ડેન્ટલ કોલેજમાં ડીન રહી ચૂકેલા વ્યક્તિને લાખો રૂપિયાની લાંચ લેતા આબાદ ઝડપી લેવામાં આવ્યા છે.
ACB તરફથી મળેલી સત્તાવાર માહિતી પ્રમાણે, ફરીયાદી ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ )તરીકે ફરજ બજાવતા હતા. તે સમય દરમિયાન તેમની સામે તેઓના સાથી ડોકટર ને ફરજ મૌકુફી સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા બન્ને ડોકટર સામે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-૨૦૨૪ માં પુર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-૨૦૨૫ માં જમા કરાવી દીધો હતો. તે દરમ્યાન આરોપી નંબર બે એવા અમદાવાદ અસારવા ખાતે આવેલી સરકારી ડેન્ટલ કોલેજમાં ડીન રહી ચૂકેલા વચેટીયા ગીરીશભાઇ જેઠાલાલ પરમારે ફરીયાદીનો સંપર્ક કરીને તેમને તથા તેમના સાથી ડોકટર બન્ને વિરુધ્ધ ની પ્રાથમિક તપાસનાં કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે ગાંધીનગર ખાતે સચિવાલયમાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ હેઠળ અધિક સચીવ (તપાસ) તરીકે ફરજ બજાવી રહેલા દીનેશભાઇ પરમાર સાથે મીટીંગ કરવા બોલાવવામાં આવ્યા હતા.
આ મિટિંગ દરમિયાન રિપોર્ટ પોઝિટિવ કરવા માટે ત્રીસ લાખ રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ત્રીસ લાખ પૈકી પંદર લાખ રૂપિયાનો 'વ્યવહાર' કરવા ડીન રહી ચૂકેલા વચેટીયા ગીરીશભાઇ પરમારના અમદાવાદ શાહીબાદ ખાતે આવેલી અર્હમ સોસાયટીના બાંગ્લા નંબર આઠ ખાતે ઝડપી લેવામાં આવ્યા હતા.
બંને આરોપી ઉપર રાજ્ય સરકાર મહેરબાન, વચેટિયા ડીન પૂર્વ સાંસદના સગા : અત્યાર સુધીની ACBની ગાંધીનગર સચિવાયલમાં કામ કરતા અધિકારી વિરુદ્ધ કરવામાં આવેલી કદાચ આ સૌથી મોટી કાર્યવાહી છે. સૂત્રોનું માનીએ તો, લાંચના છટકામાં ઝડપાયેલા બંને અધિકારી ઉપર ગુજરાતની ભાજપ સરકાર મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અધિક સચિવ દીનેશભાઇ પરમારને સરકારે નિવૃત્તિ પછી પણ સેવા કરવાનો મોકો આપ્યો હતો. તેવી જ રીતે વચેટિયા તરીકે રહેલા સરકારી ડેન્ટલ કોલેજના ડીન ગીરીશભાઇ જેઠાલાલ પરમાર ભાજપની ટિકિટ ઉપર સાંસદ રહી ચૂકેલા રાજકારણીના નજીકના સગા છે. સંભવ છે કે, ભાજપના પૂર્વ સાંસદની મદદ અને ફેવરથી જ કદાચ અધિક સચિવ દીનેશભાઇ પરમારને નોકરી ઉપર ચાલુ રાખવામાં આવ્યા હશે. આમ બંને આરોપીને રાજ્ય સરકારના અમુક લોકો સાથે સારા સંબંધ છે.