Kutch : ભુજના એ પબ્લિક પ્લોટમાં IAS અધિકારીએ પાંચ કરોડ પડાવ્યા ? જાણો શું છે GK સામે આવેલી લોટસ કોલોની કરોડોની જમીનનો વિવાદ...
26 કરોડની જમીનમાં ઉભી થયેલી દુકાનોમાંથી 125 કરોડ ઉભા થાય તેવા વિવાદાસ્પદ પ્રોજેક્ટમાં IAS ઓફિસરે વહેતી ગંગામાં હાથ ધોયા હોવાની ચર્ચા
WND Network.Bhuj (Kutch) : નિવૃત્ત IAS S.K.Langaનો જમીન કૌભાંડનો મામલો હજુ શમ્યો પણ નથી તેવામાં ભુજમાં જી.કે.જનરલ હોસ્પિટલ સામે આવેલી મોકાની કરોડોની જમીનના વિવાદમાં એક Gujarat Cadreનાં IAS અધિકારી દ્વારા પાંચ કરોડમાં મામલો સેટલ કર્યો હોવાની વાત કચ્છના રીયલ એસ્ટેટ સેક્ટરમાં ચર્ચાનો વિષય બની છે. ભુજની લોટસ કોલોનીમાં જનરલ હોસ્પિટલની સામે આવેલા ખાનગી માલિકીના પ્લોટની સાથે સાથે એક વર્ષો જૂનો દબાણવાળા સાર્વજનિક પ્લોટને પણ કરોડોની કિંમતમાં વેચી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ થયેલા છે. અને આ અંગેની ફરિયાદ પણ કચ્છ કલેક્ટર સમક્ષ કરવામાં આવેલી છે. સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા દિવગંત તબીબ શાંતુબેનના ભાઈએ તેમના પાંચ પ્લોટની સાથે વર્ષો જૂના એક દબાણવાળા સાર્વજનિક પ્લોટનો ભુજના જાણીતા કતીરા કન્સ્ટ્રક્શન વાળા જિમી કતીરાની સાથે સોદો કરીને આપી દીધો છે. જેને સેટલ કરવા માટે Gujarat Cadreના એક IAS ઓફિસરને પાંચ કરોડ રૂપિયાની પ્રસાદી આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે સાર્વજનિક પ્લોટ માટેનો વિવાદ ચાલી રહ્યો છે તેમાં જે તે સમયે સાર્વજનિક પ્લોટનો ઉપયોગ ભૂજના જાણીતા દિવગંત તબીબ શાંતુબેન રેડ ક્રોસ માટેની સેવાકીય પ્રવૃત્તિ માટે કરતા હતા.
સમગ્ર વિવાદ-મામલાની શરૂઆત ડૉ.શાંતુબેનના નિધન બાદ તેમના ભાઈ ભારત પટેલ દ્વારા લોટસ કોલોનીમાં આવેલા પ્લોટને વેચવાની પ્રક્રિયા શરુ કરવામાં આવતા થઈ હતી. ડૉ.શાંતુબેને અહીં ધન્વંતરી હોસ્પિટલ બનાવીને માનસિક રીતે વિકલાંગ બાળકોની સેવા-સારવાર કરતા હતા. પરંતુ તેમના નિધન પછી આ પ્રવૃત્તિ બંધ થઈ જતા લોટસ કોલોનીમાં જી.કે. હોસ્પિટલની સામે આવેલા આ પ્લોટ પડી રહ્યા હતા. ખાનગી માલિકીના પાંચ પ્લોટના જોટા સાથે એક પબ્લિક પ્લોટ પણ આવેલો છે. અને આ પ્લોટને સેટલ કરવા માટે IAS અધિકારી દ્વારા પાંચ કરોડ માંગવામાં આવ્યા હતા.
દરમિયાન આ પ્લોટને વેચવાની તથા તેમાં માપણી વધારાની કામગીરી શરુ થતા જે તે સમયે સમાજવાદી પાર્ટીના કચ્છના ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ટી. દાદલાણીએ ભુજના પ્રાંત અધિકારી સહીત કચ્છ કલેક્ટરને આધાર-પુરાવા સાથે ફરિયાદ પણ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લોટસ કોલોનીના આ પ્લોટને ભુજના કતીરા કન્સ્ટ્રક્શન વાળા જિમી કતીરાની અન્ય કંપની RJK LLP દ્વારા ખરીદવામાં આવ્યા બાદ હવે તેમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
વર્ષોથી દબાણમાં રહેલા પબ્લિક પ્લોટ અંગે તંત્રમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં બાંધકામ ચાલુ થઇ ગયું છે ત્યારે તંત્ર અને ભાડા દ્વારા શું કાર્યવાહીએ કરવામાં આવી છે તે જાણવા માટે કચ્છના તત્કાલીન કલેક્ટર અને ભુજના પ્રાંત અધિકારીનો 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં તત્કાલીન કલેક્ટર IAS દિલીપ રાણાએ મામલાનો અભ્યાસ કર્યા બાદ જવાબ આપશે તેમ કહ્યું હતું. જયારે ભુજના તત્કાલીન SDM અને મદદનીશ કલેક્ટર IAS અતિરાગ ચપલોતે મામલો જમીન માપણી વધારાનો હોવાનું કહીને ભાડાનો આમાં કોઈ રોલ નથી તેવો મેસેજ આપ્યો હતો. અને ઉમેર્યું હતું કે, આ માહિતી NA નાં હુકમ તથા લે-આઉટ સાથે સબ રજિસ્ટ્રાર ઓફિસમાંથી મળી જશે. જો કે મદદનીશ કલેક્ટર ચપલોત સાર્વજનિક પ્લોટ અંગે કોઈ ખુલાસો કરી શક્યા ન હતા.
મહેસુલી વિભાગ અને બિલ્ડરોની મિલીભગતનો આક્ષેપ પણ થયેલો :- લોટસ કોલોનીની જમીન માપણી વધારા અને કોમન પ્લોટ અંગે સરકારમાં રજૂઆત કરનારા સમાજવાદી પાર્ટીના કચ્છના ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ટી. દાદલાણીએ ડૉ.શાંતુબેનના કબજાવાળા ચાર પ્લોટના એક જોટામાં એક પ્લોટ સાર્વજનિક હોવાનું જે તે સમયે જણાવીને તે કોઈપણ સંજોગોમાં પ્લોટ તબદીલ કે વેચી ન શકાય તેવો દાવો કર્યો હતો. સાથે સાથે તેમણે માપણી વધારા અંગેના સમગ્ર મામલામાં કચ્છના મહેસુલી વિભાગ અને બિલ્ડરોની મિલીભગત હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.