ગુજરાતી અધિકારીઓનું IAS કેડરમાં નોમિનેશન કેમ મોડું થાય છે ? જાણો કોણ નડે છે ગુજ્જુ ઓફિસરને...

દર વર્ષે 31મી ડિસૅમ્બરે ખાલી પડતી જગ્યા માટે નોમિનેશન કરવા લાગે મહિનાઓનો સમય, આ વખતે હજુ નથી થયું નોમિનેશન

ગુજરાતી અધિકારીઓનું IAS કેડરમાં નોમિનેશન કેમ મોડું થાય છે ? જાણો કોણ નડે છે ગુજ્જુ ઓફિસરને...

WND Network.Gandhinagar :- આ વર્ષે પણ હંમેશની જેમ ગુજરાતી અધિકારોને બઢતીથી IAS કેડરમાં નોમિનેટ કરવાની પ્રક્રિયા હજુ સુધી કરવામાં આવી નથી. એવું નથી કે માત્ર આ વર્ષે જ આવું થયું છે. અમુક વર્ષને બાદ કરતા વર્ષોથી ગુજરાત સરકારમાં ગુજરાતી અધિકારીઓને IAS કેડરમાં મોકલવા માટે કરવામાં આવતી નોમિનેશનની પ્રક્રિયા મહિનાઓ પછી કરવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષની 31મી ડિસેમ્બરે જ ખબર પડી જતી હોય છે કે,  GAS કેડરના (ગુજરાત વહીવટી સેવા) કેટલા ઓફિસર્સને IAS તરીકે નોમિનેટ કરવાના છે. છતાં સમગ્ર પ્રક્રિયાને આટોપતાં મહિનાઓ નીકળી જાય છે. જેને કારણે ગુજ્જુ અધિકારીઓને DDO કે કલેક્ટર તરીકેની ફિલ્ડની કામગીરી કરવાનો મોકો ઓછો મળે છે. સૂત્રોનું માનીએ તો, નોમિનેટ કરવાની આ પ્રક્રિયા પાછળ નોન ગુજરાતી ઓફિસર્સની અલગ અલગ લોબી ભાગ ભજવતી હોવાને લીધે આવું થતું હોય છે. 

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કામ કરવાનો બહોળો અનુભવ ધરાવતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પણ ગુજરાતી અધિકારીઓની આ જ સ્થિત છે. બઢતીથી IAS કેડરમાં નોમિનેટ કરવાની પ્રક્રિયા કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા UPSCની સૂચના બાદ કરવામાં આવતી હોય છે. કેન્દ્ર અને રાજ્યમાં અલગ અલગ પક્ષની સરકાર હોય તો માની શકાય કે, કેન્દ્રની સરકાર રાજ્યનું સાંભળતી ન હોય. પરંતુ અત્યારે તો બંને જગ્યાએ ભાજપની, ગુજરાતી રાજકીય નેતૃત્વ હોવા છતાં ગુજરાતના અધિકારીઓને હંમેશાની જેમ વિલંબથી નોમિનેટ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા માટેની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે ત્યારે આ વર્ષે પણ નોમિનેશનની પ્રક્રિયા થાય તેવું હાલ લાગતું નથી.

કેવી રીતે કરવામાં આવે છે નોમિનેશન ? :- GAS કેડરમાં સિનિયોરિટીમાં આવતા અધિકારીઓને જે તે વર્ષની ખાલી પાડવામાં આવતી પ્રમોટી IASની જગ્યા માટે તારવવામાં આવતા હોય છે. જેના માટે એક ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (DPC) હોય છે. આ કમિટીમાં ગુજરાત સરકારના GADના અધિકારી ઉપરાંત મોટાભાગના કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT)ના અધિકારીઓ હોય છે. અને આ કમિટી નક્કી કરે છે કે, કેટલા અને કયા ઓફિસરને IAS કેડરમાં નોમિનેટ કરવા. પરંતુ થાય છે એવું કે, કોઈપણ કારણોસર નિયત સમયમાં ડીપીસી મળતી હોતી નથી. અને મહિનાઓ નીકળી જાય છે. અને એટલે આ વર્ષે દસ મહિના છતાં આ પ્રક્રિયા હજુ સંપન્ન થઈ નથી.

એટલે વર્ષ 2016માં નોમિનેશન વહેલું થયેલું ? :- મોટાભાગે દસેક મહિનાના વિલંબ બાદ કરવામાં આવતું નોમિનેશન વર્ષ 2016માં એપ્રિલ મહિનામાં જ થઈ ગયું હતું. કારણ કે તેમાં રાજ્યની તત્કાલીન મોદી સરકારના માનીતા સંજય ભાવસાર અને જે.ડી.દેસાઈ નામના GAS કેડરના અધિકારી હતા. જેમાંથી દેસાઈ તો VRS લઈને નિવૃત્ત થઈ ગયા છે જયારે સંજય ભાવસાર હાલમાં દિલ્હી ખાતે વડાપ્રધાન કાર્યાલયમાં (PMO) ફરજ બજાવી રહ્યા છે. આમ જો રાજકીય પીઠબળ ધરાવતા ઓફિસર હોય તો ખાસ કિસ્સામાં પ્રક્રિયા ઝડપી પણ થતી હોય છે.