બેવડા માપદંડ : ભુજમાં નવા ST બસ પોર્ટ પાસેથી 300થી વધુ ફેરિયાઓને હાંકી કાઢ્યા, પણ પોર્ટને ઢાંકી દેતી ટ્રાન્સપોર્ટ મંત્રી હર્ષ સંઘવીના મિત્રની દુકાન સહિતની લાઈન સલામત
કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા લેટેસ્ટ બસ પોર્ટનું આજે CM ભુપેન્દ્ર પટેલ ભુજમાં ઉદ્ઘાટન કરે તે પહેલા બસ સ્ટેશન રોડ ઉપરની દુકાનોને પણ સફેદ પડદા પાછળ ઢાંકી દેવાઈ
WND Network.bhuj (Kutch) : ભુજમાં આજે મંગળવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નવા બનેલા લેટેસ્ટ STના બસ પોર્ટનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે. સીએમ ભુજ આવી રહ્યા છે તે સંચાર કરતા બસ પોર્ટને મામલે સરકાર દ્વારા અપનાવવામાં આવેલા બેવડા માપદંડનો મામલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે એક તરફ જયાં સરકાર બસ સ્ટેન્ડ એરિયામાંથી 300થી પણ વધુ પરિવારની માટે ગુજરાન ચાલવતા ફેરિયાઓને હાંકી કાઢવામાં આવ્યા છે, ત્યાં બીજી તરફ રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના મિત્ર અને કચ્છ ભાજપના અગ્રણીની ભાજીપાંવની દુકાન સહિતની લાઈનને બચાવી લેવામાં આવી છે. મહારાજા ભાજીપાંવની દુકાનની આડમાં નવું બસ સ્ટેન્ડ ઢંકાઈ જાઉં છે એટલું જ નહીં પરંતુ તેને લઈને ST બસને એન્ટર થવામાં અને બહાર નીકાળવામાં પણ તકલીફ પડી રહી હતી. પરંતુ મામલો મંત્રી હર્ષ સંઘવીની યારી-દોસ્તીનો હતો એટલે તેમના વિભાગ હેઠળ આવતા એસટી નિગમે બસ પોર્ટની ડિઝાઇનમાં ફેરફાર કરીને ત્રીજો રસ્તો પણ કાઢી આપ્યો છે. પોતાના જ વિકાસને PM કે CMની મુલાકાત વેળાએ અવાર-નવાર ઢાંકવામાં માહેર ભાજપની સરકારે આ વખતે ભુજમાં પણ કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા લેટેસ્ટ બસ પોર્ટનું CM ભુપેન્દ્ર પટેલ ભુજમાં ઉદ્ઘાટન કરે તે પહેલા બસ સ્ટેશન રોડ ઉપરની દુકાનોને સફેદ પડદા પાછળ ઢાંકી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જયારે ભુજમાં નવા આધુનિક બસ પોર્ટનો પાયો નાખવામાં આવ્યો હતો ત્યારે એસટી બસ સ્ટેન્ડની બરાબર સામે આવેલી દુકાનોની લાઈનને પણ દૂર કરવાની વાતો કરવામાં આવી હતી. જેથી નવનિર્મિત બસ પોર્ટનો દેખાવ પણ સારો રહે અને બસને આવાગમનમાં કોઈ તકલીફ પણ ન પડે. વળી રોજ સવારે બસ સ્ટેશન વિસ્તારમાં શાકભાજીનું બજાર પણ ભરાય છે. એટલે દુકાનોને દૂર કરવામાં આવે તો ટ્રાફિક પણ જામ ન થાય. પરંતુ એપ્રિલ-2023માં વાહન વ્યવહાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી જયારે ભુજમાં આવ્યા હતા ત્યારે તેમણે બસ સ્ટેન્ડની આડે આવતી દુકાનોની લાઈનમાં આવેલી ભાજીપાંવની એક દુકાનમાં નાસ્તો કર્યો હતો. અને એ મહારાજા ભાજીપાંવ નામની દુકાન બીજા કોઈની નહીં પરંતુ રાહુલ ગોર નામના ભાજપના કાર્યકરની છે. મિનિસ્ટર હર્ષ સંઘવી તેમના મિત્રની દુકાનમાં ભાજીપાંવ આરોગતા હોય પછી એસટી નિગમની મજાલ છે કે, બસ પોર્ટની આડે આવતી દુકાનોને દૂર કરવાનું વિચારે પણ ખરા. મંત્રીના મિત્રની એક દુકાનને કારણે હાલમાં ભુજ બસ સ્ટેન્ડની બરાબર સામે દુકાનોની લાઈન સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન ઉભી છે.
એપ્રિલ-2023માં જયારે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હર્ષ સંઘવી ભુજમાં મહારાજા ભાજીપાંવ નામની દુકાનમાં નાસ્તો કરવા માટે આવ્યા હતા ત્યારે દુકાનના સંચાલક અને ભાજપના કાર્યકર રાહુલ ગોર દ્વારા મીડિયામાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે, હર્ષ સંઘવી તેમના બે દાયકા જુના મિત્ર છે. તેઓ જયારે પણ કચ્છમાં આવે તો ભુજથી તેઓ ભાજીપાંવ મંગાવીને આરોગે છે. ભુજમાં આવીશ ત્યારે મહારાજા ભાજીપાંવમાં આવીને સાથે નાસ્તો કરવાનું વચન પણ મંત્રી હર્ષ સંઘવીએ આપ્યું હોવાનો દાવો પણ ગોરે કર્યો હતો. ખુદ ભાજપના સૂત્રોનું માનીએ તો આ એક મેસેજ હતો કે દુકાનો હટાવવાની નથી. અને થયું પણ તે મુજબ છે. ફેરિયાઓને હટાવી દેવામાં આવ્યા છે અને દુકાનો યથાવત છે.
નારો 'સબ કા સાથ, સબ કા વિકાસ'નો અને માપદંડ બેવડા : ભાજપની સરકાર દ્વારા સૌને સાથે રાખી રહી સમતોલ વિકાસની વાતો જરૂર કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં એવું દેખાતું નથી. ભુજ બસ પોર્ટ પાસેથી ફેરિયાઓને ખસેડવામાં અને મંત્રીના માનીતા લોકોની દુકાનો દૂર નહીં કરીને ભાજપ શાસિત સરકારે વધુ એક વખત તેની વિકાસ માટેની બેવડી નીતિનો પરિચય આપી દીધો છે. બસ પોર્ટને નડતા ફેરિયાઓ હોય કે દુકાનો દૂર કરવા જ જોઈએ. પરંતુ 'એકને ગોળ અને બીજાને ખોળ' એવું તો ન જ હોવું જોઈએ.