IPSથી માંડીને PSIની બદલીમાં 'ગોઠવણ' કરાઈ છે ? જાણો શા માટે ચર્ચામાં છે ગુજરાત પોલીસનાં ટ્રાન્સફર ઓર્ડર્સ...

બદલીઓમાં કયાંક નિયમમાં બાંધછોડ, તો કયાંક રૂપિયા લઇ ટ્રાન્સફર કર્યાની ચર્ચા

IPSથી માંડીને PSIની બદલીમાં 'ગોઠવણ' કરાઈ છે ? જાણો શા માટે ચર્ચામાં છે ગુજરાત પોલીસનાં ટ્રાન્સફર ઓર્ડર્સ...

WND NEtwork.Gandhinagar :- ગુજરાત પોલીસમાં છેલ્લા ત્રણેક મહિનાથી IPS અધિકારીઓથી માંડીને સબ-ઇન્સ્પેક્ટર (PSI) રેન્કમાં ઘણા ટ્રાન્સફર ઓર્ડર કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ બદલીઓ કરવામાં આવી રહી છે. જેમાં ભારતીય ચૂંટણી પંચની સ્પષ્ટ સૂચના હતી કે, 30મી સપ્ટેમ્બર,2022ના જે પોલીસ અધિકારી-કર્મચારીઓને એક જગ્યાએ ત્રણ કે તેથી વધુ વર્ષથી ફરજ બજાવી રહ્યા હોય તેમને બદલી નાખવા. પરંતુ અત્યાર સુધી ગુજરાત પોલીસમાં જે ટ્રાન્સફર ઓર્ડર્સ કરવામાં આવ્યા છે તેમાં મોટાભાગનામાં ઈલેક્શન કમિશનના બદલી અંગેના હુકમનો અનાદર કરવામાં આવ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વળી કયાંક તો નાણાકીય વ્યવહારો પણ કરવામાં આવ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. કદાચ આવું પહેલી વખત હશે કે, જેમાં પોલીસની બદલીને લઈને આટલી બધી ચર્ચા થઈ રહી છે. ઈલેક્શન કમિશને તો પોલીસની બદલીઓને લઈને રાજ્યના ડીજીપી પાસે ખુલાસો પણ માંગ્યો છે. 

પોલીસની તાજેતરની બદલીઓમાં કેવી રીતે નિયમની અનદેખી કરવામાં આવી છે તેને સમજવા સુરત શહેરનો દાખલો આઇડિયલ છે. અહીં SP રેન્કના કમિશનોરેટ એરિયામાં કામ કરતા DCPની ટ્રાન્સફર માત્ર ઝોન બદલીને કરવામાં આવી છે. ચૂંટણી પંચની સ્પષ્ટ ગાઇડલાઇન છે કે એક જિલ્લામાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા હોય તેમને બદલવાના છે. જે અહીં થયું નથી. આવું જ કઈંક સબ ઇન્સ્પેક્ટરથી ઇન્સ્પેક્ટર બનેલા ઓફિસર્સમાં થયું છે. જે PSIને થોડા મહિના પહેલા જ જિલ્લો બદલવામાં આવ્યો હતો તેને પોલીસ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન આપીને ફરી જૂની જગ્યાએ મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત બદલી કરતી વેળાએ વતનનો જિલ્લો પણ કેટલાક કિસ્સામાં બાયપાસ કરી દેવાયો છે. કેટલાક પોલીસ અધીકારીઓ દ્વારા તેમની બદલી અંગે DGP સમક્ષ ઓર્ડલી રૂમ હેઠળ રજૂઆત પણ કરવામાં આવી છે. પરંતુ મોટાભાગના મામલામાં 'ચૂંટણી પંચનો આદેશ છે' એમ કહીને તેમને રવાના કરી દેવામાં આવ્યા છે. એટલે અહીં પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે કે, તો શું તમામ ટ્રાન્સફર ઓર્ડર્સમાં ચૂંટણી પંચની ગાઇડલાઇનને અનુસરવામાં આવી છે ? પોલીસ ભવનના સૂત્રોનું માનીએ તો, સબ ઇન્સ્પેક્ટરની વર્ષ 2017ની બેચમાં આ પ્રકારની ગરબડ વધુ જોવામાં આવી છે. 

કેટલાક કિસ્સામાં તો પોલીસ અધિકારીને નિવૃત્ત થવામાં માંડ છ મહિના છે છતાં તેમને બદલવામાં આવ્યા છે. જયારે એ જ જિલ્લામાં પાંચ વર્ષથી ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ પણ હજુ યથાવત છે, તેમને બદલવામાં આવ્યા નથી. ચૂંટણીના માહોલમાં બદલી કરવાની છે એ નક્કી હોવા છતાં જે રીતે સમયાંતરે બદલીના નાના-મોટા ઓર્ડર કરવામાં આવી રહ્યા છે તે બાબત પણ પ્રથમ દ્રષ્ટિએ સમજાય તેમ નથી. જેને લઈને પણ પોલીસની બદલીઓમાં કયાંક નાણાકીય વ્યવહાર થયાની વાતો પણ સાંભળી રહી છે. 

ટ્રાન્સફર કેવી રીતે કરાવી છે ? પદર કે પચીસમાં ? :- પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઈન-ઇન્સ્પેક્ટરની બદલીઓમાં કયાંક જાહેર હિતમાં તો ક્યાંક પદર ખર્ચે કરવામાં આવી છે. પદર ખર્ચે એટલે જેમાં જે તે અધિકારી દ્વારા સામેથી બદલી માંગવામાં આવી હોય અને જેમાં ટ્રાન્સફર રિલેટેડ લાભ તથા જોઇંનિંગ પીરીયડની રજા  વગેરે ન મળે. પરંતુ તાજેતરમાં જે પ્રકારે પોલીસની બદલી થઇ છે તેમાં નાણાકીય વ્યવહાર થયા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. જેને કારણે પોલીસમાં અધિકારીઓ મજાકમાં એમ પૂછે છે કે, ટ્રાન્સફર કેવી રીતે કરાવી છે ? પદર કે પચીસમાં ?

બદલીના હજુ કેટલાક રાઉન્ડ આવશે :- ત્રણેક મહિનાથી ગુજરાત પોલીસમાં બદલીની મોસમ ચાલી રહી છે. છતાં હજુ કેટલીક જગ્યાએથી ટ્રાન્સફર કાર્ય સિવાય છૂટકો નથી. આવા સંજોગોમાં આગામી દસેક દિવસમાં, ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા હજુ કેટલાક ટ્રાન્સફર ઓર્ડર થવાની પુરેપુરી સંભાવના છે. જેમાં આઈપીએસ ઉપરાંત ડેપ્યુટી એસપી તેમજ પીઆઇ-પીએસઆઇનો હુકમ થઈ શકે છે.  

બદલી છતાં છુટા કરવામાં આવ્યા નથી :- ચૂંટણી પંચનો હવાલો આપીને કરવામાં આવેલી બદલીઓના હુકમમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ટ્રાન્સફર થયેલા અધિકારીઓને નવી પોસ્ટિંગની જગ્યાએ જવા માટે તાત્કાલિક અસરથી છુટા કરવાના રહેશે. છતાં કેટલાક કમિશનોરેટ અને જિલ્લામાં ઓફિસર્સને મૂકત કરવામાં આવ્યા નથી. જેને લીધે સારી, કી પોસ્ટ કહી શકાય તેવી જગ્યા ભરાય જાય છે અને છેલ્લા આવતા અધિકારીને જયાં મળે ત્યાં પોસ્ટિંગ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી