કચ્છ : અંતે વિવાદાસ્પદ ARTO વિપુલ ગામિતની ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસમાં બદલી, પાંચ મહિનામાં જ સરકારને ટ્રાન્સફર કરવા પડ્યા
ખાતાકીય તપાસને પગલે 2017માં નિમણુંક પામેલા ARTO વિપુલને સરકારે હજુ સુધી કાયમી પણ કર્યા નથી
WND Bhuj (Kutch) : વિવાદાસ્પદ કામગીરીને લઈને લાંબા સમયથી ચર્ચામાં રહેલા ભુજના ARTO વિપુલ અરુણ ગામિતને માત્ર પાંચ મહિનામાં જ રાજ્ય સરકારને બદલી નાખવા પડ્યા છે. ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુરુવારે સાંજે કરવામાં આવેલા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (ARTO)ની બદલીના હુકમમાં ભુજના ARTO વિપુલને સહાયક વાહન વ્યવહાર નિયામકની ગાંધીનગરની કચેરીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. તેમની જગ્યા કચ્છ આરટીઓ તરીકેનો ચાર્જ અમદાવાદ આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા નિરીક્ષક પ્રદીપ વાઘેલાને આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ભુજ સહીત અલગ અલગ જગ્યાએ ફરજ બજાવી રહેલા વીસ અધિકારોની બદલી કરી છે.
ગયા વર્ષે સપ્ટેમ્બર,2022માં ભુજ ખાતે ટ્રાન્સફર થયેલા ARTO વિપુલને હજુ માંડ છ મહિના પણ થયા નથી તેવામાં સરકાર દ્વારા કરવામાં આવેલી બદલીને પગલે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. વિપુલના કચ્છ આરટીઓ તરીકેના માત્ર પાંચ મહિનાના સમયગાળા દરમિયાન આઠ વખત તો CoT (કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ) દ્વારા ઓચિંતી તપાસ પણ કરવામાં આવી ચુકી છે. માત્ર એટલું જ નહીં પરંતુ વિપુલના સમયગાળા દરમિયાન જ પોલીસ ફરિયાદથી લઈને 55-25 ટ્રેલરનું કૌભાંડ સહિતના ઘણા વિવાદો બહાર આવ્યા હતા. ઓવરલોડ વાહનો સામે ગામિતે 'વિપુલ' પ્રમાણમાં સોફ્ટ કોર્નર દાખવ્યું હોવાના પણ તેમની સામે આક્ષેપો થઈ ચુક્યા છે.
માત્ર કચ્છમાં જ નહીં પરંતુ પાલનપુર ખાતે હરરાજીના નંબર ફાળવવામાં રાજ્ય સરકારને નુકશાન કરવાના મામલામાં ARTO વિપુલ સામે ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે. જેને પગલે તાલીમી સમય પૂરો થઈ ગયો હોવા છતાં તેમને સરકારે કાયમી કર્યા નથી. આ ઉપરાંત તેમની સામે પોતાની પત્નીનું બોગસ લાયસન્સ બનાવી આપવાની પણ ફરિયાદ થયેલી છે.
વર્દી પહેરીને દંડો મારવાનું ઝનૂન DRDOમાંથી RTOમાં લાવ્યું :- ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા ARTO વિપુલ ગુજરાત સરકારમાં આવ્યા તે પહેલા દેશની પ્રતિષ્ટિત સંસ્થા DRDOમાં નોકરી કરી ચુક્યા છે. પરંતુ વર્દી પહેરીને દંડો ચલાવવાના ક્રેઝને લીધે વિપુલે DRDOની નોકરી મૂકીને ARTOની નોકરી પસંદ કરી હોવાનું તેઓ ખુદ ઓફિસમાં તેમના કર્મચારીઓને કહેતા હોવાનું પણ ચર્ચામાં રહ્યું હતું.