Rahul Gandhi in Gujarat : 'કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરતા લગ્નના ઘોડાઓને બહાર કાઢીશું' ગુજરાતના નેતાઓને અરીસો બતાવતા રાહુલ ગાંધી
કચ્છ સહીત રાજ્યના મોટાભાગના જિલ્લા અને શહેરોમાં પોતાના અંગત સ્વાર્થ અને ભાજપ માટે કામ કરીને ચૂંટણી ફંડ ઘર ભેગું કરતા નેતાઓ ઉપર લટકતી તલવાર, ગમે ત્યારે થઈ શકે છે હકાલપટ્ટી

WND Network. Ahmedabad : ગુજરાતમાં કોંગ્રેસમાં રહીને ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહેલા કોંગ્રેસના નેતાઓને પાર્ટીમાંથી બહાર ફેંકી દેવામાં આવશે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રમાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જાહેરમાં શબ્દો ચોર્યા વિના પોતાની જ પાર્ટીના નેતાઓની પોલ ખોલી દીધી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ ગુજરાતના લોકો કોંગ્રેસમાં રહીને ભાજપને ફાયદો પહોંચાડતા નેતાઓને લીધે પાર્ટીથી વિમુખ થઈ ગયા હોવાનું કહીને તેમને ટૂંક સમયમાં અલગ કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરતા ઉપસ્થિત કોંગ્રેસી કાર્યકરોએ તેમની વાતથી ચિચિયારીઓ પાડીને વધાવી લીધી લીધી. રાહુલ ગાંધીની આ પ્રકારની આક્રમક શૈલીને પગલે આગામી દિવસોમાં કચ્છ સહીત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ શહેરોમાં કોંગ્રેસના પ્રમુખ સહિતના ભાજપ માટે અને પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરતા હોદ્દેદારોને પાણીચું પકડાવી દેવામાં આવશે તેવી વાત માત્રથી ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો છે.
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ સ્થાનિકો સાથે મિટિંગ કરીને તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આજે શનિવારે કોંગ્રેસનાં કાર્યકરો સાથે સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરનાં કોંગ્રેસનાં હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના જ નેતાઓ પર આકરા પ્રકારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની કમી નથી, સિનિયર લેવલના નેતા છે પરંતુ તેઓ બબ્બર શેર છે. તેમની પાછળ ચેન બાંધેલી છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કોંગ્રેસનું નેતૃત્વ સંગઠિત થઈને લડે, તો બદલાવ શક્ય છે. હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને સ્ટેજ પરથી કહેવા માંગું છું કે, 'ગુજરાતને કોંગ્રેસ પાર્ટી રસ્તો બતાવી શકતી નથી'. રાહુલે તેમની વાતને આગળ વધારતા વધુમાં કહ્યું કે, ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના લોકો છે. એક જે જનતા સાથે ઉભા છે, જેના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે અને બીજા તે જે જનતાથી દૂર છે. અને તેમાંથી પણ અડધા તો ભાજપ સાથે જોડાયેલા છે. જ્યાં સુધી આપણે આ બે લોકોને અલગ કરીશું નહી, ત્યાં સુધી ગુજરાતની જનતા આપણા પર વિશ્વાસ કરશે નહી.
રાહુલે આગળ કહ્યું કે, 'જો આપણે કડક કાર્યવાહી કરવી પડી અને અમુક લોકોને કાઢી મૂકવા પડે તો હાંકી કાઢવા જોએ. કારણ કે તેઓ ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છે માટે તેઓ ચાલ્યા જાય તે જરૂરી છે. અને આવા લોકીને ત્યાં પણ સ્થાન નહી મળે, તે તમને બહાર ફેંકી દેશે.' રાહુલ ગાંધીની તેમની પાર્ટીના જિલ્લા પ્રમુખ, બ્લોક તેમજ સેલ લેવલે કામ કરતા નેતાઓની આ પ્રકારની આકરી ઝાટકણી કરતા આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે સાફસૂફી થાય તેવું માનવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીના નિવેદન બાદ કચ્છમાં કોની હકાલપટ્ટી થશે ? : ગુજરાતની જેમ કચ્છ જિલ્લામાં પણ પોતાના વિકાસ અને અંગત સ્વાર્થ માટે કામ કરતા નેતાઓનું લિસ્ટ રાહુલ ગાંધી સુધી કચ્છ કોંગ્રેસના કાર્યકરોએ પાહીંચેદી દીધું છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ટાણે પાર્ટી ફંડ ઘરભેગું કર્યા હોવાના આક્ષેપ જિલ્લા કક્ષાના નેતાઓ ઉપર થઈ ચુક્યા છે. પાર્ટીની આંતરિક ચૂંટણીમાં પણ હારનો સામનો કરી ચૂકેલા નેતાને બબ્બે વખત જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવાને પગલે કચ્છમાં જે સાચા કોંગ્રેસીઓ છે તેઓ નારાજ છે. કચ્છમાં લોકોની સમસ્યાઓને વાચા આપવાના અને ભાજપના નેગતાઓની પોલ ખોલવાને બદલે માત્ર પોતાની 'હોટેલ' સાચવી રહેલા લોકોને આ વખતે પાર્ટીમાંથી હાંકી કાઢવા માટે કચ્છમાંથી પણ વિરોધના સૂર ઉઠ્યા છે. જેને પગલે આગામી દિવસોમાં જિલ્લા પ્રમુખ સહીત કહેવાતા નેતાઓની હકાલપટ્ટી થઇ શકે છે.